ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/દી. બા. અંબાલાલ સાકરલાલ
(સન ૧૮૪૪ થી ૧૯૧૪)
નડિઆદ તાલુકાના આલીણા નામના ગામમાં દિવાન બહાદુરના પૂર્વજો રહેતા હતા, અને ત્હેમનાં કુલદેવી ત્યાં હોવાથી ધાર્મિક પ્રસંગોએ હજી પણ ત્હેમના કુટુંબીઓ ત્યાં જાય છે. તેઓ જ્ઞાતે બ્રહ્મક્ષત્રી છે. તે જ્ઞાતિ નાગરો અને કાયસ્થોની માફક મુત્સદ્દીપણા માટે જાણીતી છે. દિવાન બહારના કાકા અમદાવાદમાં પબ્લિક પ્રોસિકયુટર કે એવી કોઈ સરકારી નોકરીમાં સારી પદવી ઉપર હતા. ત્હેમણે પોતાના ભાઈ સાકરલાલને વકીલાત કરવા માટે અલીણાથી અમદાવાદ બોલાવ્યા; સાકરલાલ ધર્મનિષ્ઠાવાળા હતા. તેમને વકીલાતનો પ્રપંચી ધંધો ગમ્યો નહિ. “લડાઈનો પૈસો ટકે નહિ” એવી એમની સમજ હતી, અને ત્હેમની વકીલાતના ધંધાની આ ભાવના દિવાન બહાદુરને વકીલાત કરતાં અટકાવવામાં એક કારણરૂપી હતી. સાકરલાલે ત્રણ ચાર વર્ષ સુધી ન ચાલ્યે વકીલાત કરી, અને તેટલામાં પોતાને જોઈએ તેટલું કમાયા, તે કમાણીમાંથી કરકસર કરી પોતાનો સંસાર વ્યવહાર આબરૂભેર નીભાવ્યો, અમદાવાદમાં ઘર વસાવ્યું ને છોકરાંછૈયા પરણાવ્યાં. તેમની સાદાઈ કરકસર, ધાર્યું કામ પાર પાડવા જેટલી દ્રઢતા, અને ત્હેમનો નિખાલસ સ્વભાવ એ ચાર દિવાન બહાદુરમાં ઉતર્યાં છે. દિવાન બહાદુરનો જન્મ સન ૧૮૪૪, અને સંવત ૧૯૦૦ ની ચૈત્ર સુદી પાંચમને દિને થયો હતો. મ્હોટી ઉમ્મરે પોતાને ત્યાં છોકરો અવતરવાથી સાકરલાલ પોતાના પુત્રને લાડ ઘણાં લડાવતા. આ પ્રમાણે લાડમાં ઉછરેલા હોવા છતાં પણ દિવાન બહાદુરમાં સાદાઈ અને નિયમિતતા આવવાનું કારણ એ હતું કે ન્હાનપણમાં તેઓ રોગીલા હતા, ત્હેમને ફેફરાનો રોગ બહુ પિડતો હતો. દવાદારૂથી આરામ ન થયો એટલે પોતે પોતાના વૈદ્ય બન્યા, અને સાદાઈ તથા નિયમિત આહાર વિહારથી પોતાનું દર્દ દૂર કર્યું. ત્યારથી ત્હેમનું જીવન સાદાઈ નિયમિતતાના નમુના રૂપ હતું.
ગામઠી નિશાળે કેળવણીની શરૂઆત કરી, ત્હેમણે સરકારી નિશાળે પોતાનો ગુજરાતી અભ્યાસ પૂરો કર્યો, તે પછી મેટ્રિક સુધીનો અંગ્રેજી અભ્યાસ પણ અમદાવાદમાં જ કર્યો, તે વખતે મુંબઈથી અમદાવાદ સુધી આગગાડી થઈ ન હતી, એટલે મેટ્રીકની પરીક્ષા આપવાનું મુલતવી રાખી અમદાવાદની હાઈસ્કુલમાં આસિ. માસ્તરની જગા લીધી. ઈ. સ. ૧૮૬૩માં સર થિયોડોર હોપ અમદાવાદના કલેક્ટર હતા. તેમણે પરીક્ષા લઈ દીવાન બહાદુરને નોકરીએ રાખ્યા. મુંબઈથી અમદાવાદ સુધી આગગાડી થઈ કે તરતજ ત્હેમણે મેટ્રિકની પરીક્ષા આપવા માટે મુંબઈ જવાનો વિચાર કર્યો. તે વખતે મુંબઈ જવું એ તો એટલું બધું નવાઈનું ગણાતું કે ત્હેમને વળાવવા માટે ઘણા સ્નેહી સંબંધીઓ સ્ટેશન ઉપર આવ્યા હતા, તેઓ ૧૮૬૪ ની સાલમાં મેટ્રિકની પરીક્ષામાં સારે નંબરે પાસ થયા. પછી ત્હેમણે ૧૮૬૫ થી ૧૮૬૭ સુધી મુંબઈની વિખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો, તે વખતે ચેટફિલ્ડ સાહેબ કૉલેજમાં પ્રોફેસર હતા. એલ્ફિન્સ્ટન કૉલેજના ઈ. સ. ૧૯૦૭ ના સોશિયલ ગેધરીંગ વખતે બોલતાં દિવાન બહાદુરે નીચે મુજબ કહ્યું હતું. “હું વ્યાવહારિક માણસ છું. હું બહુ કલ્પનાશીલ રસિક નથી. પરંતુ કૉલેજના દિવસોનું વર્ણન કરતાં મ્હને પણ રસિક થવાનું મન થઈ જાય છે. કૉલેજની આસપાસના વૃક્ષોની ગાઢ ઘટામાં ચેટફીલ્ડ સાહેબની સાથે ફરતે ફરતે અમે વિવિધ વિષયો વિષે જે વાર્તાવિહાર કરતા હતા તે હું કદિ ભૂલવાનો નથી.” તેઓ પોતાનો અભ્યાસ નિયમિત રીતે કરતા, અને જે કાંઈ વાંચે તે પૂરેપૂરું સમજતા અને પાકું કરતા, "Exact and Thorough " એ એમની અભ્યાસ પદ્ધતિનાં મુખ્ય લક્ષણ હતાં, કાશીનાથ ત્રંબક તેલંગ, જમશેદરજી અરદેશર દલાલ, ગોકળદાસ કહાનદાસ પારેખ, મોતીભાઈ લાલભાઈ વગેરે ત્હેમના સહાધ્યાયી હતા. તે વખતે એવો રીવાજ હતો કે આગલા વર્ગની ઉત્તમ વિદ્યાર્થીઓ પાછલા વર્ગના વિદ્યાર્થીઓને શિખવવા જાય, અને તે માટે તેમને “ફૅલોશિપ” મળે એટલે તેઓ બી. એ; ક્લાસમાં હતા તે વખતે ત્હેમને એફ. વાય. એ; કલાસમાં શિખવવા જવા માટે ફૅલોશિપ મળતી, તેઓ પોતાના અભ્યાસ ખર્ચ માટે અમદાવાદથી પોતાના પિતાની પાસેથી કાંઈ મંગાવતા નહિ, એટલુંજ નહિ, પરન્તુ પોતે પોતાના પત્ની સૌ. રતનકુંવરની સાથે સાથે જુદી ઓરડી રાખી મુંબઈમાં ભુલેશ્વરના લત્તામાં રહેતા, અને પોતાની ફૅલોશિપમાંથી પોતાનું અને પોતાની પત્નીનું ગુજરાન કરતા. તેમનું સંસ્કૃત જ્ઞાન ઘણું સારું હતું. પોતાના એક સહાધ્યાયીએ મશ્કરી કર્યાથી એક ટર્મ લૅટિન લીધું ને ત્હેમાં પહેલે નંબરે પાસ થયા. તે સહાધ્યાયિએ ફરીથી ટકોર મારી કે “ગમે તેટલું ત્હોયે તમે સાહિત્યના ક્ષેત્રમાં જોર બતાવી શકો: ગણિત શાસ્ત્રમાં બતાવો ત્યારે ખરું.", આથી ઉશ્કેરાઈ બી. એ; ની બીજી ટર્મમાં તેમણે ગણિતશાસ્ત્ર પોતાના ઐચ્છિક વિષય તરીકે લીધું. તેમ ન કરવા ચેટફિલ્ડ સાહેબે ત્હેમને ઘણુંએ સમજાવ્યા, પણ પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ પોતાના આગ્રહને વળગી રહ્યા, ને આખરે ગણિતશાસ્ત્રમાં પહેલે નંબરે પાસ થયા. વળી પાછો પોતાનો ઐચ્છિક વિષય પહેલાં હતો તેજ લીધો, અને આખરે સંસ્કૃત લઈને બી. એ; ની પરીક્ષામાં ૧૮૬૭ ની સાલમાં પાસ થયા. તે પછી ૧૮૬૯ ની સાલમાં એમ. એ; અને એલ. એલ. બી; બન્ને પરીક્ષાઓમાં તેઓ પાસ થયા એટલુંજ નહિ પરંતુ એમ. એ; માં ફર્સ્ટક્લાસમાં આવ્યા. તેઓ ગુજરાતી હિંદુઓમાંથી પહેલાજ “ગ્રેજ્યુએટ” હોવાથી “ગુજરાતી ગ્રેજ્યુએટોના પિતા” કહેવાય છે. આવી તેજસ્વી રીતે યુનિવર્સિટીનો અભ્યાસ સમાપ્ત કર્યા પછી ત્હેમણે સંસાર ક્રમ આરંભ્યો. શરૂઆતમાં ત્હેમની ઈચ્છા વકીલાત કરવાની હતી. તેમના એક સંબંધી તે વખતે એક સારા પ્રતિષ્ઠિત વકીલ ગણાતા. દિવાન બહાદુરના મનમાં કે “મ્હને એ કહે તો હું એમની સાથે જોડાઉં”, ને તે વકીલના મનમાં કે “અંબાલાલ કહે તો હું એમને મારા જોડિયા તરીકે લઉં.” આમ ઉભય એકબીજાની વાટ જોતા હતા, અને આપણા લોકની રીત મુજબ બન્ને માન માગતા હતા, એટલામાં ઓચિતુ ગોકળદાસ પારેખનું નક્કી થઈ ગયું. એવામાં સુરતમાં હેડમાસ્તરની જગા ખાલી પડી. ત્યાં અંબાલાલભાઈ રૂા. ૧૫૦)ના પગારથી એક્ટિંગ નિમાયા. સુરતમાં હજી ત્હેમને ઘણા ‘માસ્તર’ને નામે બોલાવે છે. ત્યાં એક વર્ષ ગાળ્યા પછી તેઓ અમદાવાદ હાઈસ્કુલમાં એક્ટિંગ હેડમાસ્તર તરીકે ગયા. તે વખતે કવિ દલપતરામ ડાહ્યાભાઈ હાઈસ્કૂલમાં ગુજરાતી શીખવતા. અંબાલાલભાઈ શિક્ષક તરીકે બહુ વખણાતા. એલ્ફિન્સ્ટન કૉલેજના ૧૯૦૭ના સોશિઅલ ગેધરિંગ વખતે ન્યાયમૂર્તિ ચંદાવરકરે નીચે પ્રમાણે ત્હેમની પ્રશંસા કરી હતી. “હું જ્યારે કૉલેજમાં ભણતો હતો ત્યારે ગુજરાત તરફથી આવતા વિદ્યાર્થીઓને મ્હોંએથી દીવાન બહાદુરની શિક્ષણ પદ્ધતિનાં મહેં અત્યંત વખાણ સાંભળ્યાં હતાં, અને તે એટલે સુધી કે ત્હેમની પાસે ભણેલા વિદ્યાર્થીઓ સારા હોવા જ જોઈએ એમ બધા માની લેતા. મ્હને તો એમ લાગે છે કે દીવાન બહાદુર જો કોઈપણ મ્હોટામાં મ્હોટી ભૂલ કરી હોય તો તે ત્હેમણે શિક્ષકનો ઉમદા ધંધો છોડી દીધો એ છે”. ત્હેમના એક શિષ્ય સાક્ષરવર્ય કેશવલાલ હર્ષદરાય ધ્રુવે એક વખત કહ્યું હતું, કે “અંબાલાલભાઈ જેવા બંદોબસ્ત રાખનાર-એમના જૈવા Disciplinarian-હજી લગી તો મ્હેં કોઈ જોયા નથી. જે કાંઈ કરવું તે એકાગ્ર મનથી બરાબર અને ચોક્કસ કરવાનો સ્વભાવ અને સંસ્કૃત ઉપર ગાઢ પ્રીતિ એ બે બાબતોમાં અંબાલાલભાઈની મ્હારા ઉપર ખાસ અસર થઈ છે." પોતાના શિષ્યો ઉપર દિવાન બહાદુર બહુ પ્રીતિ રાખતા, તથાપિ તેઓ એવો તો બંદોબસ્ત રાખતા કે તોફાની છોકરાઓ ત્હેમનું નામ સાંભળતાં થરથરતા. તેઓની શિક્ષાપદ્ધતિ એવી હતી કે “આળસુ” “તોફાની” એવું એવું પાટી ઉપર લખી, વિદ્યાર્થીને કોટે તે લટકાવી ત્હેને વર્ગે વર્ગે ફેરવવો. જેવો સખત ત્હેમનો બંદોબસ્ત હતો તેવી જ ઉત્તમ ત્હેમની શિક્ષણપદ્ધતિ હતી. સંક્ષેપમાં, દિવાન બહાદુરનું શિક્ષક તરીકેનું જીવન તેમના સાર્વજનિક જીવન કરતાં કોઈ રીતે ઓછું ઉજજવલ કે ઉપયોગી નહતું. ત્હેમના બીજા શિષ્ય રા. રા. નરસિંહરાવે પણ એ બાબતની પ્રબળ પુષ્ટિ આપી છે. પરિષદના પ્રમુખ તરીકેની દિવાન બહાદુરની પસંદગી રહામે લાયક માણસે ન છાજે એવી જે ધાંધલ કેટલાકે મચાવી મૂકી હતી ત્હેમને અટકાવવાના હેતુથી રા. રા. નરસિંહરાવે દિવાન બહાદુર પ્રતિ જે ગુરુભક્તિ બતાવી હતી, તે જેટલે અંશે દિવાન બહાદુરની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરે છે તેટલે જ અંશે રા. રા. નરસિંહરાવની સુજનતા અને કૃતજ્ઞતા પ્રતિત કરાવે છે. તેઓ અમદાવાદમાં એકિંટગ હેડમાસ્તર હતા તે વખતે ત્યાંની જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેતા. જાહેર સભાઓ તરફથી સરકારને જે અરજીઓ કરવામાં આવતી ત્હેમના ખરડાઓ પોતે ઘડતા. આ ઉપરાંત તે વખતના “હિતેચ્છુ” પત્રમાં તેઓ અંગ્રેજી તેમજ ગુજરાતી લેખો લખતા. આવી પ્રજા પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી સરકારની ત્હેમના ઉપર નજર રહેવા માંડી, અને ત્હેમના કેટલાક હિતૈષિઓ તરફથી ત્હેમને સૂચના કરવામાં આવી, કે હવે સરકારની નોકરીમાં રહેવામાં માલ નથી. એટલામાં ગુજરાત કૉલેજ ઈન્સ્ટિટ્યુટ સ્થપાયું, ને ત્હેમાં એમને પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા. ઇ. સ. ૧૮૭૫માં વડોદરાના બાહેાશ દિવાન સર. ટી. માધવરાવે ત્હેમને નવસારીના ડિસ્ટ્રિક્ટ જજ્જ તરીકે નિમ્યા, એટલે ત્હેમણે સરકારી નોકરી છોડી. ગાયકવાડ સરકારની નોકરીમાં તેઓ ધીમે ધીમે ઉંચે ચઢયા. નવસારીથી તેઓ કડી પ્રાંતમાં ગયા. ત્યાં અને પછી વડોદરામાં તેઓએ ડિસ્ટ્રીકટ જજ્જ તરીકે કામ કર્યું. પછી ત્હેમને વડોદરાના વરિષ્ટ ન્યાય મન્દિરના ન્યાયાધિશની જગા આપવામાં આવી, અને ત્યાંથી ત્હેમને મુખ્ય ન્યાયાધિશ (Chief Judge)નો માનવંતો હોદ્દો મળ્યો. મુખ્ય ન્યાયાધિશ તરીકે ત્હેમને રૂા. ૧૪૫૦)નો પગાર મળતો. પીલવઈ કેસ ને બાપટ કેસ એ બે મુખ્ય મુકરદમાનો નિવેડો ત્હેમને હાથે થયો હતો. ત્હેમની ન્યાયબુદ્ધિ અને સત્યનિષ્ટા બહુ તીવ્ર હતી, અને બંદોબસ્તના કામમાં ૫ણ તેઓ તેવાજ સખત હતા. ગાયકવાડ સરકારે ત્હેમને દિવાનગીરી આપવાની ઈચ્છા દેખાડી હતી, પરંતુ “હું ત્હેને માટે લાયક નથી" એવો જવાબ ત્હેમના સીધા અને નિષ્પ્રપંચી સ્વભાવે દેવડાવ્યો હતો. આખરે ૧૮૯૯ના ઑગસ્ટ માસમાં તેઓ નિવૃત્ત થયા. વાનપ્રસ્થ થઈ તેઓ અમદાવાદમાં આવી રહ્યા. પોતાનો નિવૃત્તિનો વખત જાહેર કામોમાં ગાળવાનો નિશ્ચય કર્યો. પ્રથમ જ્ઞાનવર્ધક નામની એક સભા સ્થાપી, શહેરમાં જાહેર ભાષણો અપાવવાની શરૂઆત કરી. “મદ્યપાન નિષેધક મંડળી”માં જોડાયા. “ગુજરાત વર્નાકયુલર સોસાઈટી”ના પ્રમુખ નીમાઈ તેના કામકાજમાં ઉત્સાહભર્યો અને આગળ પડતો ભાગ લેવા માંડ્યો. બીજી પણ અનેક જાહેર સંસ્થાઓમાં દાખલ થયા અને શહેરની ઘણીખરી જાહેર હિલચાલ અને સાર્વજનિક કામોમાં તેના અગ્રેસર થઈ પડયા. સન ૧૯૦૨ માં અરાઢમી રાષ્ટ્રિય પરિષદ અમદાવાદમાં ભરાઈ ત્યારે આવકાર આપનારી (રીસેપ્સન) કમિટીના ચેરમેન તેઓ નિમાયા હતા. ચેરમેન તરીકેનું તેમનું ભાષણ દેશની ખરી સ્થિતિની વ્યાપક સમાલોચનાના ઉત્તમ નમુના તરીકે અને વિદ્વત્તાપૂર્ણ રાષ્ટ્રિય વિચાર અને સિદ્ધાંતના નિરૂપણ માટે આખા દેશમાં વખણાયું હતું. સન ૧૯૦૫ માં બંગાળાના ભાગલાને લીધે આખા દેશમાં નવીન જાગૃતિ આવી હતી. સર્વત્ર સ્વદેશી ચળવળ પ્રસરી હતી. તે વખતે સ્વદેશીનો ઝુંડો આગળ ફેલાવવાને તેઓએ આગેવાન ભાગ લીધો હતો અને તેમના વિચારની જબરી અસર થઈ હતી. દેશના આર્થિક પ્રશ્નોનો તેઓએ બહુ સારો અને ઉંડો અભ્યાસ કર્યો હતો, ઘણી વખત તેઓ તે વિશે ચર્ચા કરતા હતા.
સન ૧૯૦૭ માં સુરત ખાતે ભરાએલી ત્રીજી ઔદ્યોગિક રાષ્ટ્રિય પરિષદના પ્રમુખ નીમી, એક આગેવાન દેશભક્ત અને દેશ હિતચિંતક તરીકે, તેમને માન આપવામાં આવ્યું હતું.
સન ૧૯૦૯ માં ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના હીરક મહોત્સવ પ્રસંગે પ્રમુખપદેથી અને તેજ વર્ષમાં રાજકોટ સ્થળે ભરાએલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે, બહુ વિચારશીલ અને અનુભવપૂર્ણ ઉપયોગી ભાષણો કર્યાં હતાં, જેમાં તેમની વિદ્વત્તા, વ્યવહારિકતા અને માતૃભાષા પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી સ્પષ્ટ દેખાઈ આવે છે. સન ૧૯૧૧ માં તેમની (બ્રહ્મક્ષત્રિય) જ્ઞાતિના કોન્ફરન્સના પ્રમુખ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. પૌર્વાત્ય અને પાશ્ચાત્ય, બંને સંસ્કૃતિના ઉત્તમ અંશો તેમનામાં ઉતર્યા હતા અને તેનું બહુ સારૂ સંમિશ્રણ થયું હતું. તેઓ સુધારક હતા પણ ‘ધીમે ધીમે સુધારાનો સાથ,’ એ વિચાર-પક્ષના હતા. તેઓ આખા સમૂહને સાથે લઈ ને આગળ વધવાને અને સુધારો કરવાને હીમાયત કરતા હતા. બીજાઓથી છુટા પડી જઈ, એક નવું મંડળ ઉભું કરવું, પોતે આગળ વધવું, પોતાનું શ્રેય ઇચ્છવું, એ પદ્ધતિ તેમને પસંદ નહોતી. આ દ્રષ્ટિબિન્દુથી તેમના જ્ઞાતિ વિશેના વિચારો, ખાસ મનન કરવા જેવા છે.*[1] બીજું દરેક પ્રશ્નનો વિચાર તેઓ વ્યવહારૂ દ્રષ્ટિએ કરતા હતા. કેટલીક તરફથી એમ કહેવામાં આવે છે કે તેઓ સ્ત્રીકેળવણીની વિરૂદ્ધ હતા પણ તે વાસ્તવિક હકીકત નથી. તેઓ સ્ત્રીકેળવણી વિરૂદ્ધ કદાપિ નહોતા. સ્ત્રીકેળવણીના તો તેઓ ચુસ્ત હીમાયતી હતા. વ્યવહારૂ દ્રષ્ટિએ વિચારતાં સ્ત્રીઓને ઇંગ્રેજી કેળવણી બહુ જરૂરની નથી એમ તેઓ માનતા હતા અને તેથી સ્ત્રીએાને ઇંગ્રેજી કેળવણી કેટલે દરજ્જે આપવી, તે પરત્વે જ માત્ર તેમનો મતભેદ હતો. અને તે અભિપ્રાય આપણી સાંસારિક અને સામાજીક સ્થિતિનો પુરતો ખ્યાલ કરીને બાંધ્યો હતો. તે તેમની વ્યવહારું સમજનું પરિણામ હતું. જુઓ, આ તેમના શબ્દો:- "સ્ત્રી કેળવણી એટલે ગુજરાતની બધી વર્ણની દરેક સ્ત્રીને તેની સ્થિતિને યોગ્ય અને બને તેટલી સારી કેળવણી આપવી એ સાહિત્યની વૃદ્ધિનો એક મોટો ઉપાય છે. હાલની સ્ત્રીકેળવણી બહુ છાછરી છે અને તેનું ફળ બહુ થોડું છે. સાધારણ રીતે સ્ત્રીને અંગ્રેજી ભાષાની કેળવણી આપવાનું હું ફળ સમજી શકતો નથી. પરંતુ જે સ્ત્રીઓને પૂર્ણ અવકાશ હોય ને આગળ જતાં તેનો પુરો ઉપયોગ કરી શકે એવી હોય, તેમને અંગ્રેજી ઉંચી કેળવણી આપવી તે ઈષ્ટ છે. પણ હાલ તો મારા બોલવાનો આશય એટલો જ છે કે તમામ સ્ત્રીઓને સ્થિતિને અનુસાર સારી કેળવણી મળવી જોઈએ.+[2]
તેમની જીંદગીનો છેવટનો ભાગ નાણાં સંબંધી મુશ્કેલીઓમાં આવી પડયો હતો. પોતે સાવ કરજદાર થઈ ગયા હતા. પોતાપર દુ:ખ આવી પડયું હતું. છતાં પણ બધી વિપત્તિ તેમણે બહુ ધૈર્યથી અને હિંમત રાખી સહન કરી હતી અને પોતાના વિચાર અને સિદ્ધાંતમાંથી લેશ પણ ડગ્યા નહોતા. દેશી ભાષાદ્વારા જનસમૂહની કેળવણી એજ દેશોન્નતિનું મુખ્ય સાધન છે, એવી તેમની દ્રઢ ખાત્રી હતી અને કેળવણીના બહોળા પ્રસાર માટે હમેશ બોધ કરતા હતા. પોતે જઈફ હતા, પોતાપર આફત હતી, બીજી અનેક હરકતો હતી, છતાં પોતે દેશી ભાષાના પ્રચાર અર્થે, બનતા વ્યવહારૂ ઉપાયો લેવાને પાકો નિશ્ચય કર્યો. તે અમલમાં મૂકવાને ગુજરાત કેળવણી મંડળ સ્થાપવા પ્રયાસ કર્યો. સન ૧૯૧૨ ના ડિસેમ્બર માસમાં તેની શરૂઆત કરી. નાની નાની રકમો મેળવી રૂ. ૬૦૦૦ નું મોટું ફંડ એકઠું કર્યું હતું. મરતાં સુધી તેઓ તેના કામકાજ માટે ફીકર રાખતા હતા. એજ તેમના જીવનનું છેલ્લું પણ મહત્વનું અને અંતિ ઉપયોગી કાર્ય હતું.
(૩)
કેટલાક વિષયોને માટે દી. બા. અંબાલાલભાઈને અતિશય પક્ષપાત હતો અને તે માટે તેઓ હંમેશાં આગ્રહી રહેતા. આરોગ્યનો વિષય તેમને બહુ પ્રિય હતો. ગમે તે પ્રસંગે કંઈક તક મળતાં, તેઓ શરીર સંપતિ વિશે ઉપદેશ કરવાનું કદાપિ વિસરતા નહિં. દેશની શારીરિક સંપત્તિ નિર્માલ્ય અને દુબળી જોઈ, તેમનું દેશાભિમાની હૃદય ઘણું દુઃખી થતું અને દેશના ભારે મૃત્યુ પ્રમાણ માટે ખેદ દર્શાવતા. બીજા દેશોમાં પ્રજા લાંબુ આયુષ્ય ભોગવી શકે, તંદુરસ્ત રહે અને મૃત્યુ પ્રમાણ બહુ ઓછું આવે, જ્યારે
આપણે રોગીલાં, નબળાં અને મુડદાલ રહીએ, મધ્યાવસ્થામાં ઘરડા થઈ જઈ, અશક્ત થઈએ, વહેલાં મૃત્યુ પામીએ અને મૃત્યુ પ્રમાણ પણ મોટું આવે, તે શાથી ? આ માટે તેઓ પ્રજાને જવાબદાર ગણતા. તેની બેદરકારી, ગફલતી અને અજ્ઞાનતાનું પરિણામ છે, એમ કહેતા. તેથી તેઓ દરેકને સ્વચ્છ અને ખુલ્લી હવામાં રહેવાનું, શરીરને જરૂર પુરતી કસરત આપવાનું અને નિયમિત અને વખતસર ખોરાક લેવાનું વારંવાર કહેતા. યુવાવસ્થામાં એકવાર તેમનું શરીર એકાદ મહા વ્યાધિથી પીડાયું હતું. પણ તે પછી નિયમિત વર્તન રાખ્યાથી અને પદ્ધતિસર કામ કરવાથી, તેઓ લાંબુ આયુષ્ય ભોગવી શક્યા હતા અને મરતાં સુધી નીરોગી રહ્યા હતા. તેમને કંઈક પીડા થતી કે તુરત તેનું કારણ શોધી કાઢવાને તેઓ પ્રયાસ કરતા અને બનતાં સુધી, તે વ્યાધિ ફરીને ઉદ્દભવે નહિ તે માટે ખાસ સંભાળ રાખતા હતા. તેઓ કહેતા કે ‘આપણે રોગી, નિર્બળ અને હોશ વગરના છીએ. આરોગ્ય અને બળ નથી એટલે જોમ, જુસ્સો, સત્વ કે દમ હોયજ ક્યાંથી ? જ્યાં સુધી શરીર સંપત્તિ મેળવીશું નહિ, ત્યાં સુધી પ્રજા તરીકે આપણે નકામા છીએ. સંસારની સર્વ પ્રકારની ચઢતીનો પાયો શરીર સંપત્તિ છે અને શરીર સંપત્તિ વગર ઈતર પ્રગતિ થઈ શકે નહિ.’ લાંબા કાળના અનુભવ પરથી અને દેશની સ્થિતિ અને તેના પ્રશ્નોનું નિરંતર મનન કર્યાંથી તેમની પાકી ખાત્રી થઈ હતી કે “ આ મોટા દેશની ઉન્નતિ કરવી હોય તો સર્વે જ્ઞાન દેશી ભાષામાં આપ્યા વગર છુટકો જ નથી. X X જ્યાં લગી ઉંચી કેળવણી અંગ્રેજી ભાષા દ્વારા આપવાની રીત રહેશે, ત્યાં લગી ઉંચા સાહિત્યની આશા રાખવી ફોકટ છે. બધું જ્ઞાન આપણી સ્વભાષામાં મળવું જોઈએ ને અંગ્રેજી માત્ર બીજી ભાષા તરીકે ભણવી જોઈએ. x x x બીજું જન સમસ્તને અક્ષર ને જ્ઞાનના મુખ્ય મુખ્ય સંસ્કાર આપવા જોઈએ. કોઈ પણ પુરૂષ કે સ્ત્રી એટલા સંસ્કાર વગરની રહેવી ન જોઈએ. તેથી તેઓ વખતોવખત બધી ઉંચી કેળવણી દેશી ભાષા દ્વારા આપવાને અને દરેક વ્યક્તિને જરૂર પુરતું શિક્ષણ મળે, તેવી વ્યવસ્થા કરવાને, ઊહાપોહ કરતા હતા. અને આટલા માટે તેઓએ ગુજરાતી કેળવણી મંડળી સ્થાપી હતી. તેમના જ શબ્દમાં તે તે મંડળીનો ઉદ્દેશ દર્શાવીશું:–“એ સંસ્થાનો મુખ્ય હેતુ એકજ છે; તે એકે ગુજરાતમાં ગુજરાતી ભાષા દ્વારા સર્વ પ્રકારના જ્ઞાનનો, કળાનો, નીતિનો તથા શરીર સંપત્તિનો પ્રસાર કરવો.” તે જ પ્રમાણે તેમની ભાષા અને સાહિત્ય વિશેના વિચારો પણ કીમતી અને મનન યોગ્ય છે.
“ભાષા અને સાહિત્ય એ લોક સમસ્તની વાણી છે. માણસના મનમાં જે જે વિવિધ વિચારો, ખ્યાલો, તુરંગો, ઉભરાઓ, ઊર્મિઓ, ઉમળકાઓ, દાઝો, લાગણીઓ ને ભાવનાઓ નિરંતર ચઢ ઉતર કર્યા કરે છે, તેને શબ્દનો વેશ આપી માણસ જગત આગળ ધરે છે. જો અંતરની લાગણી ઉંડી ને બળવાન હોય છે તો તેના ઉદ્ગાર પણ ગંભીર ને જુસ્સાદાર નીકળે છે. જો તે લાગણી છાછરી ને બીનકૌઅતવાન હેાય છે તો મુખનો શબ્દ પણ ધીમો ને નબળો નીકળે છે. અન્તરના મનની ને બુદ્ધિની દૃષ્ટિ જો બહોળી ને ઉચ્ચ હોય છે તો તેનો વિષય પણ વ્યાપક ને વિસ્તૃત હોય છે. જો મન દબાયલું, રાંક, બાયલું, કાયર, બીકણુ, ને કંટાળેલું હોય છે, તો તે મૂંગું બની જાય છે. વળી ખરા રૂપિઆનો રણકો જેમ ખરો થાય છે, તેમ ખરી લાગણીનો ધ્વનિ પણ ઓરજ થાય છે. ખરી લાગણી ને ખરા વિચાર, તથા વિપુલ ને અબાધિત અવકાશ એવી ભૂમિમાંજ સાહિત્ય રૂપી છોડવો પોષાય છે, ને સ્વતંત્રતા રૂપી શુદ્ધ વાયુના આવરણમાં તે વહેલો ઉછરે છે. અઘટિત અંકુશની છાયામાં તે કરમાઈ ચિમળાઈ, અથવા ઠિંગરાઈ જાય છે. સાહિત્યનો ખરો ઉદ્ભવ દેશના સર્વ જનોના કાયિક, માનસિક, આત્મિક ઉદ્ભવ જોડે સંકળાએલો છે, અને આ ઉદ્ભવો રાજકીય, સંસારી, ઔદ્યોગિક અને શિક્ષણપ્રસારના સુધારા ઉપર આધાર રાખે છે. સાહિત્યના સુધારાનાં આ ઉંડાં કારણો ઉપર લક્ષ ખેંચવાનો હેતુ એ છે કે કારણની પ્રફુલ્લતા વગર કાર્યની આશા રાખવી અઘટિત છે એ સિદ્ધાંતનું સ્મરણ થાય.”
તેમની લેખનશૈલી સારી અને સરલ પણ જોમદાર અને અસરકારક હતી. તેઓ નિત્ય વપરાસના અને વ્યવહારૂ શબ્દોનો ઉપયોગ કરતા. સહેલાઈથી સમજી શકાય તેવું લખાણ કરવાનો આગ્રહ કરતા. જોડણી માટે એટલું જ કહેતા કે શબ્દની જે જોડણી લખો તે બધે સમાન, એક સરખી રાખો. એકવાર એક શબ્દની જોડણી એક રીતે અને બીજી વખતે તેજ શબ્દની જોડણી જુદી રીતે લખવી એ વાસ્તવિક નથી. લખાણમાં સમાનતા રહેવી જોઈએ. પુસ્તકમાં રહી જતી પ્રેસ ભૂલો માટે તેમને બહુ ચીઢ હતી અને શુદ્ધિપત્રક જોઇને સખ્ત ટીકા કરતા. તેઓ કહેતા કે ઇંગ્રેજી પુસ્તકો એક પણ પ્રેસ દોષ વિના પ્રસિદ્ધ થઈ શકે અને આપણું એક પણ પુસ્તક, શુદ્ધિપત્રક વિનાનું ન હોય, એ શું ઓછું ન્હાનમ ભરેલું છે ?
માસિકામાં આવતા લેખો માટે, સામાન્ય રીતે તેઓ કહેતા કે અત્યારે વિદ્વત્તાના નીરસ અને શુષ્ક વિષયો પર ચાલુ ચર્ચા કરવાને બદલે, જીવનમાં ઉપયોગી થઈ પડે, સમાજની ઉન્નતિ માટે સહાયભૂત થાય, તેવા જીવન અને દેશના ગંભીર અને મહત્વના પ્રશ્નોની ચર્ચા અને નિરૂપણ અત્યંત જરૂરના છે. તે વધારે ઉપયોગી અને ફળદાયી થઈ પડશે. તેઓ એક ચુસ્ત સ્વદેશી હતા, સ્વદેશીના જબરા હિમાયતી હતા. પોતે બધો માલ સ્વદેશી વાપરતા અને સ્વદેશી કારીગરી અને હુન્નરને ઉત્તેજન અને મદદ આપવાને નિત્ય બોધ કરતા. નાની અને ઝીણી વસ્તુ માટે પણ તેઓ એક સરખું ધ્યાન આપતા. હમેશાં સ્વદેશી ચીજને તે પ્રથમ પસંદ કરતા. દરેક કાર્ય, તેઓ ચોકસાઇથી અને ઝીણવટથી કરતા અને તે ઉત્સાપૂર્વક અને ધ્યાન દઈને. ઉપરચોટીઆ કામ પ્રત્યે તેમને કંટાળો હતો. કોઇ તે પ્રમાણે કરે તો તેને ઠપકો આપતા હતા. તેમની સ્મરણશક્તિ અગાધ હતી. ગમે તેટલી જુની વાત હોય તો પણ તેઓ કદી વિસરતા નહિ. જે કંઈ તેઓ વાંચતા હતા તે ધીમેથી પણ બરોબર સમજીને અને વિચાર કરીને. ગમે તે અભિપ્રાય તેમની સમક્ષ રજુ કરવામાં આવે તો મોટા નામથી દોરાઈ જઇ તેઓ એકદમ સ્વીકારતા નહિ. વળી કોઈના તેજમાં કે રોફમાં લેવાઈ જતા નહિ અને પોતાને યોગ્ય જણાય તેવો સ્પષ્ટ અભિપ્રાય લેશ ખંચકાયા વિના નિડરતાથી આપતા. તેઓ સ્વતંત્ર વિચારના અને આગ્રહી હતા; તેમના દરેક કાર્યમાં તેમના વ્યક્તિત્વની છાપ જણાતી. કેટલીકવાર, તેઓ જાણતા કે અમુક કાર્ય કરવા માટેના અભિપ્રાયમાં પોતે એકલા જુદા પડે છે, તે છતાં તેઓ પોતાનો સ્વતંત્ર અભિપ્રાય જણાવવાને ચૂકતા નહિ. પણ આ બધા ગુણો કરતાં તેમનું ચારિત્ર્ય વધારે અનુપમ અને આકર્ષક હતું. બધે તેનો પ્રભાવ પડતો અને એજ તેમની મહત્તાનું ખરૂં કારણ હતું. આ૫ણને બુદ્ધિશાળી અને વિદ્વાન પુરુષો મોડા વહેલા મળી આવશે પણ આવા સદ્વર્તનશાળી, ન્યાયી અને સત્યનિષ્ઠાવાળા મનુષ્યો મળવા દુર્લભ છે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.