ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/સ્વ. લાલશંકર ઉમિયાશંકર
લાલશંકરભાઈનો જન્મ અમદાવાદ પાસે થોડેક દૂર આવેલા નારદીપૂર નામના ગામડામાં સંવત ૧૯૦૧ના શ્રાવણ વદ છઠ એટલે ઈ. સ. ૧૮૪૫ના ઑગસ્ટની ૨૩મી તારીખ અને શનિવારે તેમના મોસાળમાં થયો હતો. એમના માતુશ્રીનું નામ માનકોર હતું અને દાદાનું નામ કીરપાશંકર. એકડા ધુંટવા તે અહિં શિખ્યા હતા. અમદાવાદ પિતાને ઘેર આવ્યા બાદ તે જાણીતી પહેલા નંબરની નિશાળમાં જોડાયા અને અહિં પંકાયલા બાહેાશ મહેતાજી તુળજારામના હાથ હેઠળ પ્રાથમિક શિક્ષણ લીધું. સ્વભાષાનું સામાન્ય જ્ઞાન મળ્યા પછી, તેમના પિતા યાજ્ઞિક હોવાથી, ધાર્મિક ક્રિયાનું કેટલુંક શિક્ષણ લેવાની તેમને ફરજ પડી, પણ તે સાથે શાળાનો અભ્યાસ જારી રાખ્યો હતો. એવામાં રૂપિયા પાંચની માસિક સ્કૉલરશિપ મળવાથી તે નોર્મલ સ્કુલમાં દાખલ થયા. અહીં તેમને અંગ્રેજી જ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા થઈ પણ તેમના પિતાના વિચારથી વિરૂદ્ધ હતી એટલે તેમને કેટલીક મુશીબતો નડી; છતાં તે ડગમગ્યા નહિં અને પોતાના નિશ્ચયને મક્કમપણે વળગી રહ્યા. અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યો, તે દરમિયાન નેર્મલ સ્કુલને વર્નાક્યુલર કૉલેજમાં હાલની પ્રે. રા. ટ્રેનિંગ કૉલેજ-ફેરવી નાખવામાં આવી. એ ફેરફારીમાં તેમને રૂ. ૧૦ ની સ્કૉલરશીપ મળી. તેમણે અહીં ગણિતશાસ્ત્રનો અભ્યાસ અથાગ શ્રમ લઈ આગળ વધાર્યો, એટલે સુધી કે એલ્ફીન્સ્ટન કૉલેજના વિદ્યાર્થીઓની સીનિયર સ્કૉલરશિપની પરીક્ષાના સવાલપત્રકો વર્નાક્યુલર કૉલેજના વિદ્યાર્થીઓને આપીને પરીક્ષા લેવામાં આવી તેમાં તે પહેલે નંબરે પાસ થયા. તેમની બુદ્ધિ એ વિષયમાં કેટલી ખુંપી ગઈ હતી તે દર્શાવવાને આટલું ઉદાહરણ બસ છે. ગુજરાતમાં બલ્કે મુંબઈ ઈલાકામાં એક ગણિતશાસ્ત્રી તરીકે તેમનું નામ આબાલવૃદ્ધ તમામને જાણીતું છે અને હજી જમાનાએ સુધી “ગણિતના મૂળ તત્ત્વો” સાથે તે જોડાએલું રહેશે. ગણિતશાસ્ત્રના આવા ઉંડા અભ્યાસથી તેમની માનસિક શક્તિ સારી રીતે વિકાસ પામી અને નિયમિત થઈ હતી. અને ગમે તેવા ગૂઢ અને ગહન પ્રશ્નોનો નિકાલ, તે તુરત સમજી લઈને બહુ સુગમતા અને સહેલાઈથી કરી શકતા.
થોડાક વખતમાં વિદ્યાર્થીજીવનનો અંત આવ્યો. રૂ ૨૫ ના પગારથી અમદાવાદ હાઈસ્કુલમાં ગણિત શિક્ષક તરીકે તેમની નિમણુંક થઈ (ઈ. સ. ૧૮૬૫.) નોકરીમાં જોડાયા છતાં તેમને ઇંગ્રેજી અભ્યાસ ચાલુજ હતો અને એ જ વર્ષમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપી અને તેમાં ફત્તેહ મેળવી. રજા નહિ મળવાથી કૉલેજમાં જવાનું બની શકયું નહિ પરન્તુ તેથી નાસીપાસ થયા નહિ. ખંત અને આગ્રહથી અભ્યાસ ચાલુ રાખ્યો અને ઇ. સ. ૧૮૬૭માં એક માસ મદ્રાસમાં રહીને ત્યાંથી “ફર્સ્ટ એકઝામિનેશન ઈન આટર્સ” એ નામની પરીક્ષા પાસ કરી. અંત એ આગ્રહનું શુભ ફળ આવ્યું. નોકરીમાં ગ્રેડ ચઢ્યા. ચોથા આસિ. શિક્ષકની રેંકમાં આવ્યા અને ગુજરાત પ્રોવિન્શિયલ કૉલેજના ગણિત શિક્ષક નિમાયા. ઈ. સ. ૧૮૭૧માં કેળવણી ખાતા સાથેનો તેમનો સંબંધ પૂરો થાય છે; જો કે જીવનપર્યંત કેળવણીના કાર્યોમાં તેમણે આગળપડતો ભાગ લીધો છે અને શાળોપયોગી કેળવણી ખાતાએ મંજુર કરેલાં પુસ્તકો તૈયાર કરીને કેળવણીનો પ્રચાર કરવાને ભારે શ્રમ કર્યો છે. એ કામ એટલેથી જ સમાપ્ત થયું નથી. અનેક કેળવણીની જાહેર સંસ્થાઓ સાથે તેમનું નામ છેવટ સુધી જોડાયેલું હતું અને તેમણે પોતે કન્યાશાળા, અંત્યજ શાળા અને અંગ્રેજી નિશાળ પોતાને ખર્ચે ખોલીને કેળવણીનો ફેલાવો કરવાના સ્તુત્ય પ્રયાસો આદર્યા હતા.
જે કોર્ટના ન્યાયાસન ઉપરથી ઇ. સ. ૧૯૦૬ના મે માસની ૧૩મી તારીખે વાનપ્રસ્થ થયા તેજ સ્થળે તે કેળવણી ખાતાની નોકરી છોડીને સ્મોલર્કાઝ કોર્ટના કલાર્ક નિમાયા. તેમનો ઉદ્યોગ અને આગ્રહ અહિં, પણ જારી હતો. નકામો વખત નહિ ગાળતાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. સન ૧૮૭૩માં હાઈકોર્ટ અને સબજજ્જની પરીક્ષામાં બેસી ફતેહ મેળવી. બીજે જ વર્ષે તે પંઢરપૂરના સેકંડકલાસ થર્ડ ગ્રેડ સબજડજ નિમાયા. સન ૧૮૭૯માં ધંધુકા અને ઘોઘાના સેકંડ ગ્રેડ સબ જડજ તરીકે. ફેરફારી થઈ. સન ૧૮૮૧માં ફસ્ટ ગ્રેડ સબજજ્જ થયા અને વિરમગામ બદલી થઈ. ૧૮૮૪માં સોલાપુર, ૧૮૮૫માં અહમદનગર અને ૧૮૮૭માં નાસિકના ફર્સ્ટક્લાસ સબજજ્જ તરીકે તેમની બદલીઓ થઈ. આમ ઉત્તરોત્તર વધતા પગારે ફેરફારીઓ થતાં સન ૧૮૯૧માં અમદાવાદ કોર્ટમાં તે ફર્સ્ટકલાસ સબજજ્જ નિમાયા. એ જગાને લાંબો વખત જેબ આપ્યા પછી સન ૧૮૯૮ના ઓકટોબર માસનાં તેમની રૂ ૮૦૦-ના માસિક દરમાયાથી સ્મોલર્કોઝ કોર્ટના જડજ તરીકે નિમણુંક થઈ અને જે સ્થળેથી નોકરીની શરૂઆત કરી હતી તેજ કોર્ટમાં ઉંચામાં ઉંચી પદવી પામીને સને ૧૯૦૩ના મે માસમાં રૂ ૪૦૦ના માસિક પેન્શન પર રિટાયર થયા.
કેળવણી અને ન્યાય ખાતામાં તેમણે લગભગ આડત્રીસ વર્ષ નોકરી કરી પણ એક સરકારી અમલદાર તરીકે તેમણે જે પ્રસિદ્ધિ અને નામના પ્રાપ્ત કરી છે, તેથી શતગણી ખ્યાતિ અને માનમર્તબો જનહિતનાં અને સમાજ સેવાનાં તેમ જ પરોપકારનાં કાર્ય કરનાર એક આગેવાન ગૃહસ્થ તરીકે તેમણે મેળવ્યાં છે. વારંવાર કહેવામાં આવે છે કે, સરકારી નોકરીનું કર્તવ્યક્ષેત્ર સંકુચિત હોય છે અને સાર્વજનિક કાર્યોમાં કામના દબાણને લીધે ભાગ લેવાને તેમને ઓછો અવકાશ મળે છે; એથી ઉલટું, સામાન્યથી વિરૂદ્ધ એવું એમના ચરિત્રનું સબળ પ્રમાણ છે. પ્રત્યક્ષ પુરાવો છે કે જે સ્વીકારવાને ભાગ્યે જ કોઈ આનાકાની કરશે અને કોઈ કહેવાને હિંમત નહિ ધરશે કે રા. રા. લાલશંકરભાઈ કર્તવ્યપરાયણ ન હતા. પ્રબળ સંકલ્પ અને દ્રઢ મનોબળ શું ન કરી શકે ? તેને કશું અશક્ય નથી. વળી તેમની સમાજસેવામાં એક બે સંસ્થાઓ સાથે જોડાયેલી ન હતી. તેમ જ તે એકજ સ્થળે હતી એમ પણ નથી. તેમની પ્રવૃત્તિ વિવિધ માર્ગની તેમજ સાર્વદેશિય હતી. તેમની સાથે જોડાએલી સંસ્થાઓ અને તે દરેકના કાર્યનો સંપૂર્ણ ખ્યાલ મેળવવો એ ખરેખર મુશ્કેલ કામ છે. તે સંસ્થાઓ પાંચ દશ નથી પરંતુ અનેક Their names are a legion, જ્યાં જ્યાં તે ગએલા ત્યાં ત્યાં તેમના વ્યક્તિત્વની છાપ પડેલી આ૫ણને દષ્ટિગોચર થાય છે.
તેમની પ્રકૃતિમાં એવું કંઈક રહેલું હતું કે જે મનને નિરંતર વિચારમાં રોકાયેલું રાખતું અને કામ કરવાને ઉત્સાહ આપ્યા કરતું. કામ કર્યા વિના તેમને ચેન પડતું નહિ. નવરા બેઠેલા તે કવચિતજ માલુમ પડતા. સાંજે ફરવા બહુ જતા નહિ પણ પોતાના મિત્રો સાથે અનેક વિચારો કરતા, યોજનાઓ રચતા તેમજ મિલ ઉદ્યોગ અને ધંધા વિષે ચર્ચા ચલાવતા. વખતે એકલા પડતા તો ઈઝી-સોફાપર તેમના પેટંટ ડ્રેસમાં ઝીણું પંચીયું, બટન વિનાનું મલમલનું પહેરણ અને માથાપર ચોકડીભાતો કકડો નાંખેલો, મુછના વાળ પ્રસરાવતા, વિચારના વમળમાં ગુંથાયલા દૃષ્ટિએ પડતા. પોતા હસ્તકની સંસ્થાઓનું હિત તેમને હૈયે એટલું બધું હતું તે દર્શાવવાને નીચેનું ઉદાહરણ બસ થશે. અમને યાદ છે કે, પોતે પથારીવશ હતા અને શરીર અશક્ત હતું એવામાં એક દિવસ આસિ-સેક્રેટરીને બોલાવીને કહ્યું કે અમુક ટ્રસ્ટનો અમુક શેર છે અને તેનો ભાવ ખૂબ વધી ગયો છે તો કમિટીમાં ઠરાવ કરાવી તે વેચી નાંખો. આવી નબળી સ્થિતિમાં પણ તે ઝીણી બાબતોનો વિચાર કરતા. વિચાર એ તેમનું જીવન હતું. ઉદ્યોગ એજ એમની વિશ્રાંતિ હતી.
નાનપણથી તેમનું જીવન ઉદ્યોગી અને દ્રઢ મનોબળવાળું હતું. શાળામાં ચાલુ અભ્યાસ સાથે ઘેર ખાનગીમાં અને તે પણ અનેક મુશીબતો સામે, ઈંગ્રેજીનું શિક્ષણ લેવું અને વળી તેમાં ફતેહ મેળવવી એ જેવું તેવું કાર્ય નથી. ચાલુ કામ ઉપરાંત કાંઈને કાંઈ કરવું એ તેમની પ્રકૃતિ હતી. ઉદ્યોગ એજ તેમનું જીવન હતું. કૉલેજમાં જોડાયા ત્યારે “શાળાપત્ર’માં લેખો મોકલતા અને એટલાથી પૂરતો સંતોષ થયો નહિ ત્યારે પોતાના મિત્ર રા. રા. હરગોવિંદદાસ સાથે “ટીકાકાર” નામનું પત્ર કાઢયું જે માત્ર અલ્પ આયુષ્ય ભોગવીને બંધ પડયું. કેળવણી ખાતામાં જોડાયા ત્યાં પણ તેમનો ઉદ્યોગ અને પ્રવૃત્તિ જારી રહ્યાં. અહિં શાળાપયોગી શિક્ષક અને વિદ્યાર્થી ઉભયને ઉપયોગી અને મદદરૂપ થાય એવાં પુસ્તકો પોતાના મિત્ર રા. રા. કાંટાવાળા સાથે મળીને રચ્યાં. તે એટલાં ઉ૫યેાગી જણાયાં કે કેળવણી ખાતાએ તે ‘ટેક્ષ્ટબુક’ તરીકે મંજુર કર્યાં. સન ૧૯૦૩-૪ માં પણ અમુક પુસ્તક લખાવવાં હતાં ત્યારે મે. ડિરેકટર સાહેબે તૈયાર કરી આપવાનું કામ તેમને સોંપ્યું હતું અને તેમણે નામા પદ્ધતિ અને લેખન પદ્ધતિ એ બે પુસ્તકો રા. કાંટાવાળા સાથે મળીને લખી આપ્યાં, પુસ્તકો લખવા ઉપરાંત તેમણે અંગ્રેજી અભ્યાસ પણ જારી રાખ્યો હતો. મદ્રાસ જઈ ‘ફસર્ટ એકઝામિનેશન ઈન આર્ટસ’ એ નામની પરીક્ષા પાસ કરી-એટલે કહેવાનું તાત્પર્ય કે નિયમિત અને ચાલુ કામ કરવા ઉપરાંત તે દ્રઢાગ્રહ અને ખંતથી ખાનગી ઉદ્યોગ અને કાર્ય કરતા. સન ૧૮૭૧ માં સ્મોલકોઝ કોર્ટમાં ક્લાર્કની નોકરી લીધી ત્યારે પણ તેમની એ પદ્ધતિ ચાલુ અને કાયમ હતી. નોકરીમાંથી જે કાંઈ અનુકૂળતા મળતી તેનો તે હંમેશ સદુપયોગ કરતા. કાયદાનો અભ્યાસ કરવા માંડ્યો અને એક વર્ષમાં હાઈકોર્ટ અને સર્બાર્ડીનેટ જડજની પરીક્ષા પાસ કરી. એ શું સૂચવે છે? દ્રઢ મનોબળ, સતત પ્રયાસ, આગ્રહ, ખંત અને ઉદ્યોગ એ પર તેમનું જીવન રચાયું હતું; અને તે વડેજ તે સારી અને માન મર્તબાની પદવી પ્રાપ્ત કરી શકતા હતા. અત્યારસુધી તેમણે પોતાનું પ્રવૃત્તિમય અને ઉદ્યોગી જીવન પોતાનું શ્રેય થાય તે દિશામાં ગાળ્યું; જો કે જાહેર હિલચાલમાં અને સુધારાના પ્રશ્નોપર શરૂઆતથી જ પોતે લક્ષ આપતા હતા. પંઢરપુરમાં સબજજ્જ નિમાયા, એટલે ક્લાર્ક મટીને અમલદાર થયા ત્યારથી એ તમામ પ્રવૃત્તિ અને ઉદ્યોગ જનસેવાનાં અને જનહિતનાં કામ કરવા તરફ લગાડ્યાં. પોતાનું જીવન સમાજ સેવામાં અને પરોપકારનાં કામો કરવામાં અર્પણ કર્યું એમ કહીશું તો તેમાં અતિશયોક્તિ નથી. પંઢરપુરમાં એક દિવસ પરોઢિયે ફરવા નિકળ્યા તેવામાં પગે કાંઈક અથડાયું; ભ્રાંતિ ૫ડી, તપાસ કરતાં તે એક જીવતું તરતનું જન્મેલું બાળક જણાયું. આવી બાળહત્યા થતી અટકાવવાને માત્ર કામચલાઉ એવો અને ક્ષણિક ઉપાય હાથ ધર્યો નહિ પરન્તુ એ બદી નાબુદ થાય તે માટે વ્યવહારિક અને સદા ચાલે એવો ઉપાય લીધો. તેનું પરિણામ એ આવ્યું કે તેમના પ્રયાસ અને ઉદ્યોગથી પઢંરપુરમાં એક બાળહત્યા પ્રતિબંધક બાળાશ્રમ સ્થાપવામાં આવ્યું હતું જે અત્યારે આબાદ સ્થિતિમાં છે અને તેનો વહિવટ મુંબાઈની પ્રાર્થના સમાજ કરે છે. (ઇ. સ. ૧૮૭૫) પછી સોલાપુર બદલી થએલી ત્યાં સખત દુકાળ ચાલતો હતેા. ત્યાં ઢોરોના સંરક્ષણ માટે અને મનુષ્યોના બચાવ માટે તેમણે ભારે શ્રમ ઉઠાવ્યો અને આગળ પડીને કિંમતી મદદ કરી. દખ્ખણમાં અદ્યાપિ તેમને “દેવમુનસિફ” ને ભલે નામે ઓળખવામાં આવે છે. સન ૧૮૭૬- ૭૭ ના દુકાળ વખતે નિરાધાર માણસો અને નમાબાપાં બાળકોને માટે તેમણે જે અથાગ શ્રમ લીધો હતો તે દખ્ખણ અને મુંબાઈના લોકો અદ્યાપિ પણ ભૂલી ગયા નથી. દુકાળ પીડિત લોકોને માટે સરકારે અને જાહેરપ્રજાએ ફંડો ઉભાં કર્યાં હતાં પરંતુ માબાપ વગરનાં નિરાધાર બાળકોનું રક્ષણ કરવાનું કાંઈ સાધન ન હતું તેથી તેમણે ઉપર દર્શાવેલા બા. પ્ર. સંસ્થા સાથે પઢંરપુરમાં એક અનાથ બાળાશ્રમ ઉઘાડયું અને તેને નિભાવવા માટે મુંબાઈના ધનાઢ્યોને અરજ કરી, દરેક શનિવારે સાંજે પંઢરપુરથી નીકળી તેઓ મુંબાઈ જતા. રવિવારે શેઠીઆઓને ઘેર રખડી તેમને સમજાવી અનાથ આશ્રમમાં રૂપિયા ભરાવતા અને રવિવારે રાતના પાછા ગાડીમાં ચઢી જઈ સોમવારે પોતાના હોદ્દા ઉપર હાજર થતા હતા. પઢંરપુર અને મુંબાઈ વચ્ચે આવી દોડાદોડી કરવી અને મુંબાઈના શેઠીઆઓના ગળે વાત ઉતારી નાણાં મેળવવાં એ કામ કંઈ ઓછું મુશ્કેલ નહતું. તેઓ એવી સરસ રીતે દલીલો કરતા હતા કે જેથી ગમે તેવો માણસ પણ તેમના મતમાં લેવાઈ જતો. શેઠ ચત્રુભુજ મોરારજી અને બીજા જે શેઠીઆઓ સુધારાનું નામ સાંભળતાં જ પાછા ખસી જાય તેવા હતા તેમને પણ તેમણે એવી સારી રીતે આ વાત સમજાવી હતી કે જેથી તેમણે સારી રકમો બાળાશ્રમમાં ભરી આપી હતી. તેમનાં પરોપકારનાં આવાં કામોને લીધે જ દક્ષિણીઓ તેમને “દેવમુનસિફ” નું ઉપનામ આપી ઉપકૃત થયા હતા.
ધંધુકામાં બદલી થઈ ત્યારે ત્યાં શ્રમ લઈ ને જાહેર લાઈબ્રેરી સ્થાપી અને પોતાને ત્યાં પ્રતિ રવિવારે સર્વને બોલાવી એકઠા થઈ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. આવી રીતે જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં આગળ પડીને સેવા કરતા અને પરોપકારનાં કાર્ય હાથ ધરતા. અમદાવાદ આવ્યા ત્યારથી તેમનું નામ અનેક જાહેર સંસ્થા અને હિલચાલ સાથે જોડાયલું છે, એવું એક પણ સાર્વજનિક કાર્ય નહિ હોય કે જેમાં તેમનો હાથ નહિ હોય. ઘણીખરી શહેરની દરેક જાહેર હિલચાલમાં અને સાર્વજનિક સંસ્થાએામાં તે આગળ પડતો ભાગ લેતા. આ પ્રવૃત્તિ નિવૃત્ત થયા પછી થઈ હતી એમ નહિ પરંતુ તે સન ૧૮૯૧ માં અમદાવાદ આવ્યા ત્યારથી ચાલુ જ હતી.
જે અનેક જાહેર સંસ્થાઓ સાથે તેમનું નામ જોડાયેલું છે તેમાંથી થોડાંક નામો અમે નોંધીને સંતોષ પામીશું. (૧) ગુજરાત વર્નાકયુલર સોસાઈટી (૨) અંજુમને ઈસ્લામ (૩) પ્રાર્થના સમાજ (૪) રા. સા. મહીપતરામ અનાથ આશ્રમ (૫) રા. બા. રણછોડલાલ ખાડિયા કન્યાશાળા (૬) શેઠ મણિલાલ લાઈબ્રેરી (૭) આપારાવ ભોળાનાથ લાઈબ્રેરી (૮) કાઉન્ટેસ ઓફ ડફરીન ફંડ-અમદાવાદ બ્રાંચ (૯) નેશનલ ઈન્ડીયન એસોશીએશન-અમદાવાદ બ્રાન્ચ (૧૦) અમદાવાદ સેવાસદન બ્રાન્ચ (૧૧) ગુજરાત સંસાર સુધારા સમાજ (૧૨) પુનર્વિવાહ ઉત્તેજક સભા (૧૩) પરમેનન્ટ સીટી રીલીફ ફંડ (૧૪) મિસમેનીંગ ફંડ (૧૫) લેલી મેમોરિયલ ફંડ (૧૬) ભોળાનાથ લેડીઝ લીટરરી ઈન્સ્ટીટ્યુટ વગેરે.
આ સિવાય તે કેટલોક વખત “બુક કમિટી” માં મેંબર હતા. યુનિવરસીટી તરફથી વખતોવખત ઈનામી નિબંધો આવતા તે તપાસતા. નીતિશિક્ષણ માટે સરકાર તરફથી નિમાયલી કમિટીના તે એક સભાસદ હતા. થોડા વખત પર કેળવણી ખાતા તરફથી ભરાયલી રૂરલ ગામડાના પ્રાથમિક શાળાના અભ્યાસ ક્રમમાં સુધારા કરવાને ભરાયેલી કોન્ફરન્સમાં તે નિમાયા હતા. વળી મોંઘવારી કમિશન અત્રે આવેલું ત્યારે તેમને તેમાં જુબાની આપવાને આમંત્રણ મળ્યું હતું. કોરોનેશન ફેસ્ટીવલ ફંડ અને છેલ્લા દુકાળફંડના તે ઑન. સેક્રેટરી હતા. છપ્પનીઆની સાલમાં દુકાળમાં જે કાર્ય તેમણે કર્યું હતું તે જગજાહેર છે અને સરકારે તે બદલ તેમની જાહેર સેવાની કદર પિછાણીને કૈસરે-હિંદનો સોનાનો ચાંદ એનાયત કર્યો હતેા. વળી અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ થવાને બેવાર તેમને પૂછવામાં આવ્યું હતું પરંતુ ઘણી પ્રવૃત્તિને લીધે તેની તેમણે ઉપકાર સાથે ના પાડી હતી. આ રીતે જનસેવા અને પરોપકારનાં કામ બહુ ચીવટથી કરતા. કેળવણી અને સંસાર સુધારો એ એમના પ્રિય વિષયો હતા અને તેના પ્રચાર માટે પોતે સતત ઉદ્યોગ કરતા અને તે માટે પુષ્કળ પૈસાની મદદ પોતે આપતા.
ગુજરાત સંસાર સુધારા સમાજ, વિધવાશ્રમ, તેમજ દિવાળીબાઇ કન્યાશાળા, અંત્યજશાળા, ઇંગ્રેજી નિશાળ, વગેરે પોતે સ્થાપીને બહુ મહત્વનું અને ઉપયોગી કાર્ય કર્યું હતું. પોતાના સિદ્ધાંતો અને વિચારો અમલમાં મૂકવાનો સ્તુત્ય પ્રવાસ આદર્યો હતો. આ તમામ કાર્યોમાં તેમનો સતન ઉદ્યોગ, દ્રઢ આગ્રહ, કરકસર અને ખંત ચાલુ ઉત્સાહના પરિણામે સંગીતતા આવી છે અને તેમની સંસ્થાઓના પાયા ઉંડા અને મજબુત રોપાયા છે.
માત્ર હિંદુ કોમની તેમણે સેવા કરી છે એમ નથી. અમદાવાદની અંજુમને ઇસ્લામના તે એક જબરા આધારરૂપ-આત્મારૂપ હતા. પ્રથમ મોહમેદન એજ્યુકેશનલ કૉન્ફરન્સ અમદાવાદમાં ભરવાનું માન તેમને ઘટે છે. ઇ. સ. ૧૮૯૪ માં મુસલમાન કોન્ફરન્સ હઠીભાઈની વાડીમાં ભરાઈ હતી અને તેમાં રીસેપ્શન કમિટીના પ્રમુખ તરીકે તેમણે ભાષણ કર્યું હતું. ચોથી મુસલમાન એજ્યુકેશનલ કોન્ફરન્સ જે સને ૧૯૦૪ માં અમદાવાદમાં ભરવામાં આવી હતી ત્યારે પણ તે કોન્ફરન્સના ઉપપ્રમુખ હતા અને આગળ પડીને કામ કર્યું હતું. આ કરતાં વિશેષ સમભાવ અને બંધુત્વ કયું હોઈ શકે? છેલ્લી કોન્ફરન્સ વિષે એક વિદ્વાન પ્રેક્ષક જે ત્યાં હાજર હતા તે નીચે પ્રમાણે પોતાનો અભિપ્રાય એક સુપ્રસિદ્ધ માસિકદ્વારા દર્શાવે છે-“આ કોન્ફરન્સના ઉપ-પ્રમુખ તરીકે પ્રમુખ સાથે બેઠેલા આપણ માનવંતા પૌરજન રા. બા. લાલશંકર ઉમિયાશંકરને જોઈને પણ મને ઘણો હર્ષ થયો. તેમના ભાષણ વખતે હું હાજર હતો. મુસલમાન કોમના ભલા માટે એઓ સાહેબે જે ઉંચી કાળજી દર્શાવી તેને માટે મુસલમાનોએ તેમને ઘણો ઉપકાર માનવો જોઈએ,”*[1]
એક અગ્રેસર સંસાર સુધારક તરીકે તેમની કીર્તિ આખા દેશમાં ફેલાયેલી હતી અને તેમના કાર્યની કદર કરીને જ સંસાર સુધારક સમાજે ૧૯૦૭ માં સુરત ખાતે ભરાયલી ઇંડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સના પ્રમુખ તરીકે તેમને પસંદ કર્યા હતા. આ જેવું તેવું માન ન હતું. આવી પ્રતિષ્ઠા અને નામના મેળવનાર સ્વર્ગસ્થ લાલશંકરભાઈ વર્નાકયુલર કૉલેજમાં હતા ત્યારથી જ આ વિષયમાં બહુ રસ લેતા અને આગળ પડીને કામ કરતા. સન ૧૮૬૬ માં તેમણે અમદાવાદ બાળવિધવા વિવાહ ઉત્તેજક સભામાં પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રચિત વિધવા વિવાહ નામક નિબંધનું, મરાઠીમાં થયેલા ભાષાન્તર ઉપરથી ગુજરાતીમાં ભાષાન્તર કરવાનું પોતે સ્વીકાર્યું. આ કામ જનસમાજ અને તે કાળની લોકલાગણી વિચારતાં કેટલુંક સાહસિક હતું એનો સહેજ ખ્યાલ આ પરથી આવશે. ૧૮૭૧માં “બાળલગ્ન હાનિકર્તા છે” એ વિષય ઉપર એક જાહેર ભાષણ આપ્યું અને “બાળલગ્ન નિષેધક’ નામની એક સભા સ્થાપી. તેની તરફથી કેટલોક વખત “બાળલગ્ન નિષેધક પત્રિકા’ તેમણે ચલાવી. સ્ત્રી કેળવણીના પ્રચારાર્થે તેમણે કરેલા પ્રયાસો લોકવિદિત છે.
સંસાર સુધારાનું કામ નિયમિત રીતે ચાલુ રહે તે માટે ૧૯૦૪ માં તેમણે ‘ગુજરાત સંસાર સુધારા સમાજ" નામની સંસ્થા સ્થાપી અને તેના મકાનનો પાયો સુપ્રસિદ્ધ વિદ્વાન અને અગ્રેસર સર ડો. ભાંડારકરના હાથે નંખાવ્યો, આ રીતે સંસાર સુધારાનું કામ આગળ વધારને તેમજ શિર સ્થાયી કરવાને તેમણે જીવનપર્યંત અથાગ શ્રમ લીધો.
રાવબહાદુરનું જીવન સાદું નિયમિત અને મિતાહારી હતું. રહેણીકરણી અને પહેરવેશ વગેરેમાં એક સરખી અને એકજ ઘાટીની સાદાઈ જોવામાં આવતી. તેમાં નવિનતા કે વિવિધતા બીલકુલ જણાતી નહિ; તેમ છતાં કાર્ય કરવાની પદ્ધતિમાં બહુ વૈવિધ્ય જોવામાં આવતું. અમુક
કાર્ય તે કયી પદ્ધતિએ કરશે તેનું અનુમાન કરવું બહુ મુશ્કેલ થઈ પડતું, કામનો નિકાલ અને નિર્ણય તે સમય અને સ્થિતિ જોઈને કરતા અને પ્રથમ તો તે શા અર્થનું છે તે વિચારતા. તે બહુજ વ્યવહારિક બુદ્ધિના પુરુષ હતા અને પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર કાંઈ પણ કાર્ય કરતા નહિ. ઉપયોગ, હેતુ, લાભ, અને સાર્થકતા એ તેમના લક્ષબિંદુઓ રહેતા તોપણ તે પોતે બાંધેલા સિદ્ધાંતોને મક્કમપણે વળગી રહેતા. આટલી હદથી આગળ જવું નહિં એેવો તેમણે નિશ્ચય કર્યો તો તે ભાગ્યેજ ફરતા. એ દ્રઢ મનના અને આગ્રહી હતા. વ્યવહારમાં તે કદી ચુકતા નહિ.
સ્નાન કર્યા પછી હમેશ તે પ્રાર્થનામાળામાંથી ઈશ્વરસ્તુતી કરતા અને બપોરે ડેલીપ્રેયર બુકમાંથી પ્રાર્થના વાંચીને વામકુક્ષી કરતા હતા. આ નિત્ય નિયમ હતો, પ્રાર્થના ઉપર તેમને કેટલો બધો ભાવ હતો તે નીચેના ન્યાયમૂર્તિ સર નારાયણરાવ ચંદાવરકરની છેલ્લી મુલાકાતના વૃત્તાંતથી જણાઈ આવે છે. ગયા જુલાઈમાં જ્યારે સર નારાયણ ચંદાવરકર અત્રે આવ્યા ત્યારે ઓન. મી. પારેખ અને તેઓ સર્વે એકઠા થયા હતા. તબિયત બહુ નબળી હતી તેમ છતાં તેમણે સર. નારાયણરાવને તેમના મુખથી એક ભજન સાંભળવાની પ્રાર્થના કરી. પોતાને તેથી બહુ આનંદ થશે એમ જણાવ્યાથી સર ચંદાવરકરે ભજન કર્યું. તેઓના શબ્દોમાં કહીએ તો ખરેખર તેમનો ચહેરો તેજસ્વી જણાયો અને તેમણે કહ્યું કે “It is that strengthens me” આ તે (ભજન પ્રાર્થના કે જેમને બળ આપે છે) પુસ્તકો વાંચવાનો ઝાઝો શોખ હોય એમ જણાતું નહિ. પરંતુ તેમનું વાચન આગળ વિશાળ અને વિવિધ હશે તે એમનું તે એમનું પુસ્તકાલય જોનાર કહી શકે. ગ્રંથકારે અને માસિકોને તે ઉત્તેજન આપતા. માસિકપત્ર જે તેમને ન પસંદ આવે તે લવાજમ ભરી બંધ કરતા; એમને એમ નહિ. ભાગ્યેજ તે કોઈપત્રનું વી. પી. પાછું વાળતા.
તેમના હસ્તકની દરેક સંસ્થાનો વહિવટ તે બહુએ વટ અને કાળજીથી કરતા અને પૈસા ન બગડે તે બાબત સાવચેતી રાખતા. દરેક કામને પોતાના ઘરનું છે એમ સમજી માનીને કરતા. ડુમસથી આવ્યા પછી અંજુમન ઈસ્લામ કામના કડિયાનો હિસાબ નક્કી કરવાનો હતો. અંજુમનના મુસ્લીમ મંત્રી તમામ હાજરી અને પગારપત્રકો લઈ તેમની પાસે ગયા. માગેલી હકિકત નહિ મળવાથી ચીડાઈ તે કામ આસિ-સેક્રેટરી તરફ મોકલ્યું. બધી હકીકત રજુ કરતાં પણ તે પસંદ પડયું નહિ. નબળી સ્થિતિ હોવા છતાં પોતે તે હાથ ધર્યું. તૈયાર કરેલા રોજ કામના આંકડાઓ બાજુએ રાખ્યા પછી પેલા કડીઆને પ્રશ્ન કર્યો કે ‘બોલ આ જ કામ તને ઉધડ આપ્યું હોય તો તું શા ભાવે કરે?’ તેના ભાવ મુજબ અને તેના લખાવ્યા પ્રમાણે તમામ હકીકત નોંધાવી અને તેનો હિશાબ કરાવ્યો. ઉધડ અને દરરોજ કામ પ્રમાણે આવેલા આંકડાઓમાં રૂ. ૨૦-૨૫નો ફેર જણાયો તેથી કડિયાને પૂછયું કે તારા કહ્યા પ્રમાણે ફેર આવે છે તો બોલ તારે શું જોઈએ છીએ? કડીઓ ઠંડોગાર થઈ ગયો. ઉધડ ભાવનો જે આંકડો નક્કી થયો હતો તે એક શબ્દ બોલ્યા વિના લઈને ચાલતો થયો. આવી ચોક્કસાઈથી તે દરેક જાહેર સંસ્થાઓનો હિસાબ અને કામ કરતા.
તેમના વ્યક્તિત્વની તે જ્યાં જતા ત્યાં છાપ પડતી, તેમનો પ્રભાવ પ્રબળ હતો. તેમનામાં એવું ઓજસ અને તેજ હતાં કે જેને લીધે સૌ કોઈ તેમને આગેવાન તરીકે સ્વીકારતા અને નિયમિત જીવન ગાળવાનો તે સર્વદા ઉપદેશ કરતા. ઉદ્યોગ, પ્રમાણિકતા, નમ્રતા, ખંત અને આગ્રહ તેમજ ચોકસાઈ અને ઝીણવટ દરેક કામમાં રાખવાનો તે બોધ કરતા. દરેક કાર્ય પદ્ધતિસર અને નિયમિત રીતે કરવાનું તે ભાર મૂકીને સમજાવતા. કામ કરવું એજ જીવનનું સાર્થક્ય છે એમ તે માનતા અને કામ એજ તેમનો ઉદ્યમ, કામ એજ તેમનો આનંદ હતો. તેમનું વ્યસન કહો, શોખ કહો, તેમનો આનંદ કહો, ગમે તે કહો, તો તે કામ કામ ને કામજ હતું. પરમેશ્વર પ્રતિ પ્રેમભક્તિ અને જનબંધુઓ તરફ સ્નેહ અને તેમની સેવા એ તેમના જીવનનો આદર્શ હતો.
–:એમની કૃતિઓ:–
- (૧) વિધવા વિવાહ
- (૨) પ્રથમ ઈશ્વર સ્તુતી
- (૩) ભૂત વિદ્યાના મૂળતત્ત્વો
- (૪) લેખન પદ્ધતિ
- (૫) અંકગણિત
- (૬) નામાની પદ્ધતિ
- ↑ *વસંત વર્ષ ૩ પાનું ૩૩૪
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.