ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. લાલન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લાલન (ફત્તેહચંદ કર્પૂરચંદ લાલન)

પંડિત લાલનના ટૂંકા નામથી ઓળખાતા પંડિત ફત્તેહચંદ લાલનનો જન્મ સંવત ૧૯૧૪ ના ફાગણ વદ ૧૦ ના રોજ કચ્છ-માંડવીમાં થયો હતો. જો કે તેમનું મૂળવતન જામનગર છે. જ્ઞાતિએ તેઓ વિસા ઓસવાળ છે. તેમના પિતાનું નામ કર્પૂરચંદ લાલન અને માતાનું નામ લાધીબાઈ છે. ચૌદ વર્ષની ઉમરે સંવત ૧૯૨૮ માં તેમનું લગ્ન જામનગરમાં જ થયું હતું. તેમના પત્નીનું નામ મોંઘીબાઈ હતું.

માંડવી અને જોડિયા ગામમાં નજીવું શિક્ષણ મેળવી જામનગરમાં તેમણે ચાર ગુજરાતી સુધીનો અભ્યાસ કર્યો. ને મુંબઈ જઈ પહેલી અંગ્રેજીની પરીક્ષા આપીને ગુજરાતી છટ્ઠા ધોરણની પરીક્ષા આપી શિક્ષક તરીકેની નોકરી મેળવી લીધી. પણ અભ્યાસ કરવાના ખંતને લીધે દિવસે નોકરી અને રાત્રે અંગ્રેજી અભ્યાસ માટે નાઈટ્સ્કૂલમાં હાજરી આપવા લાગ્યા પછી તો વિદ્યાલક્ષ્મી પાઠશાળામાં જોડાઈ સંસ્કૃત અભ્યાસ કર્યો. ને છ અંગ્રેજી સુધીનો અભ્યાસ સરળતાથી કર્યો. પણ મેટ્રીકની પરીક્ષામાં ચાર ચાર વખત બેસવા છતાં દર વખતે નિષ્ફળ ગયા. આથી એ પ્રયત્નને છોડી દીધો. અત્યારે તેમનો વ્યવસાટ શીખવું ને શીખવવુંનો જ છે અને એ ધૂન તેમને ઈ. સ. ૧૮૯૭ની ૧૩મી મેથી લાગેલી. સમાધિશ્તકના શ્લોક સત્તરમો તેમના વાંચવામાં આવ્યો ને તેમના જીવનમાં અજબ કેરફાર થઈ ગયો તેઓ અમેરિકા ગયા ને ત્યાં એમરસનના પુસ્તકો તેમના વાંચવામાં આવ્યાં, તેણે તેમના જીવનને ફેરવવામાં મુખ્યત્વે ભાગ લીધો અને અમેરિકાના પ્રસિદ્ધ શહેરોમાં સુંદર અંગ્રેજીમાં તેમણે ભાષણો પણ આપ્યાં. તેમનો પ્રિય વિષય ફિલોસોફી અને ધર્મ છે.

ઈ. સ. ૧૯૩૬માં લંડનમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં તેઓ શ્વેતાંબર જૈન સમાજના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા ગયા હતા ને ત્યાં તેમણે પોતાની સારી છાપ પાડી હતી. લંડનમાં ઋષભ જૈન સંઘ નામની જૈન સ્કોલર ઉત્પન્ન કરવા માટે એક સંસ્થા પણ સ્થાપી છે.

જૈનધર્મનું સામાયિક–સર્વજીવ પ્રત્યે સમભાવ એ-તેમનું પ્રચારકાર્ય છે. ને એ માટે રાતદિવસ તેઓ અખંડ જહેમત ઉઠાવે છે. એક કુશળ વક્તાની તેમનામાં કુનેહ છે, અને એ માટે તો યૌવન વયે તેમણે ઈનામો પણ મેળવેલાં છે, એટલે વકૃતત્વકળા દ્વારા શ્રોતૃવર્ગને તેઓ આકર્ષી શકે છે. જૈન સમાજને જ પોતાનું ક્ષેત્ર કરી લીધેલ હોવાથી તેના ઉત્થાન માટે તેઓ શક્યયત્ન કરી રહેલ છે.

સ્વાનુભવ દર્પણ નામના પુસ્તકમાંના તેમના સ્વતંત્ર વિચાર માટે અમદાવાદના સંઘે તેમને સંઘ બહાર મૂક્યા હતા. અને કેટલાક જૈનોએ શત્રુંજય તીર્થ ઉપર તેમની પુજા કરેલ હોવાથી એ માટે તેમને ફરી સંઘ બહાર મૂક્યા હતા. પણ અત્યારે તો તેઓ સંઘમાં છે.

: : કૃતિઓ : :

સદ્ વક્તા
જૈન માર્ગ પ્રવેશિકા
શુદ્ધોપયોગ (અનુવાદ)
સવિર્યધ્યાન (અનુવાદ)
સ્વાનુભવ દર્પણ (અનુવાદ)
પરમજ્યોતિ પંચવિશતિ
આત્મબોધ
આત્મવિકાસને માર્ગે
દેષનો જય
જૈન માર્ગ પ્રારંભ પોથી ભા. ૧-૨
જૈન માર્ગ પ્રારંભ પ્રવેશિકા ભા. ૧-૨-૩
લાઈન આત્મવાટિકા
શ્રમણ નારદ
Gospel of man
સામાયિકના પ્રયોગો
આદર્શ સામાયિકો