ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ઝીણાભાઈ રતનજી દેસાઈ (‘સ્નેહરશ્મિ’)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઝીણાભાઈ રતનજી દેસાઈ (‘સ્નેહરશ્મિ')

શ્રી. ઝીણાભાઈનો જન્મ તા ૧૬ મી એપ્રિલ ૧૯૦૩ને રોજ ચીખલીમાં થએલો. તેમના પિતાનું નામ રતનજી ભાણાભાઈ ભગત. 'ભગત' અટક લોકોએ તેમને આપેલી. ૧૯૧૭માં શ્રી. રતનજી ભગતનું અવસાન થયું હતું. શ્રી. ઝીણાભાઈનાં માતા કાશીબહેન વિદ્યમાન છે. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી પાંચ ધોરણ સુધી તેમણે ચીખલીમાં લીધી હતી. છઠ્ઠા ધોરણનો અભ્યાસ મુંબઈમા કર્યા બાદ સાતમા ધોરણનો અભ્યાસ તેમણે ભરૂચની ન્યુ ઈંગ્લીશ સ્કૂલમાં કરેલો પરંતુ મેટ્રિકની પરીક્ષા આપ્યા પહેલાં અસહકારની ચળવળમાં અભ્યાસ છોડી દીધો અને ૧૯૨૧ના માર્ચમાં ગુજરાત વિદ્યાપીઠની ‘વિનીત'ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ૧૯૨૧-૨૨માં મુંબઈની નેશનલ કૉલેજમાં અભ્યાસ કરીને પ્રથમા પરીક્ષા પહેલા વર્ગમાં પહેલા નંબરે પાસ કરી. ૧૯૨૨ થી ૧૯૨૬ સુધી અમદાવાદમાં ગુજરાત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી સમાજવિદ્યા વિષય સાથે ૧૯૨૬માં તે સ્નાતક થયા. આ બધો વિદ્યાર્થીજીવનનો સમય તેમણે સ્વાશ્રયપૂર્વક સફળતાથી પસાર કર્યો હતો. સ્નાતકની પરીક્ષામાં અમદાવાદમાં તે પહેલા આવેલા તેથી અખિલ ભારતવર્ષીય વિદ્યાર્થીપરિષદનું ઇનામ તેમને મળ્યું હતું. આ તેજસ્વી વિદ્યાર્થીને સ્નાતક થતાંની સાથે જ ગુજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ અને રાજકારણના અધ્યાપક તરીકેની નીમણુક મળી. ત્યારપછી યુવકપ્રવૃત્તિ તેમણે હાથમાં લીધી. ૧૯૨૯માં ‘નૂતન ગુજરાત' પત્રના તંત્રી તરીકે અને ૧૯૩૦માં સુરતની સત્યાગ્રહ પત્રિકાના તંત્રી તરીકે તેમણે કામ કર્યું, સુરતના વિદ્યાર્થીસંઘના તે પ્રમુખ હતા. ૧૯૩૦માં રાષ્ટ્રીય ચળવળને અંગે તેમને નવ માસની કેદની અને દંડની સજા થઈ હતી. ૧૯૩૧માં તે સુરત શહેરસમિતિના પ્રમુખપદે અને ગુજરાત યુવકસંઘના ઉપપ્રમુખપદે સ્થપાયા હતા. ૧૯૩૨માં બે માસ સુધી તેમને સરકારે અટકાયતમાં રાખેલા, ત્યારબાદ બે વર્ષની સખત કેદની સજા થએલી તથા રૂ. ૨૦૦ દંડ થએલો તે સરકારે તેમની ચોપડીઓ વગેરે હરરાજ કરીને વસૂલ કર્યો. સજા પૂરી થયા બાદ ૧૯૩૪માં તે વીલે પાર્લેની ગોકળીબાઈ હાઇસ્કૂલમાં આચાર્યપદે નિયુક્ત થયા હતા. ૧૯૩૮ના એપ્રીલથી તે અમદાવાદના શેઠ ચી. ન. વિદ્યાવિહારના આચાર્યપદે કામ કરી રહ્યા છે. બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશનના તે સભ્ય છે. ૧૯૪૨માં તેમને પુનઃ સરકારી અટકમાં દસેક માસ માટે રહેવું પડ્યું હતું. ક્રિકેટના અને તરવાના તે શોખીન છે. નાસીક જેલમાં તે અટકાયતી કેદી હતા તે દરમિયાન તેમણે ટેનીસ રમતાં પણ શાખી લીધુ હતું અને જેલમાં થએલી ટુર્નામેંન્ટમાં જ્યુનિયર ગ્રુપની ચેમ્પીઅનશીપ મેળવી હતી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરવાના સમય દરમિયાન તેમણે કવિતા લખવાની શરુઆત કરેલી. તેમનું પહેલું પુસ્તક ‘તૂટેલા તાર' ૧૯૩૪માં બહાર પડ્યું હતું. તેમનાં બીજા પુસ્તકો: ‘ગાતા આસોપાલવ’, ‘સ્વર્ગ અને પૃથ્વી', 'અર્ધ્ય', અને ‘ગુજરાતના ઇતિહાસની કથાઓ.' તે ઉપરાંત શ્રી. ઉમાશંકર જોષી જોડે ‘ગાંધી કાવ્યસંગ્રહ’ અને સાહિત્યપલ્લવ ભાગ ૧-૨-૩ '; તથા શ્રી. છગનલાલ બક્ષી જોડે ‘સાહિત્ય પાઠાવલિ ભાગ ૧-૨-૩.’ તેમનું લગ્ન સને ૧૯૨૯માં થએલું. તેમનાં પત્ની શ્રીમતી વિજ્યા દેસાઈ જલંધર કન્યાવિદ્યાલયનાં સ્નાતિકા છે.

***