ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મોહનલાલ તુલસીદાસ મહેતા (‘સોપાન')

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મોહનલાલ તુલસીદાસ મહેતા (‘સોપાન’)

શ્રી. મોહનલાલ મહેતાનો જન્મ તા.૧૪-૧-૧૯૧૧ને રોજ મોરબી તાબે ચકમપુર નામના ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન મોરબી છે. તેમના પિતાનું નામ તુલસીદાસ અવિચલ મહેતા અને માતાનું નામ શિવકોર ડુંગરશી, ન્યાતે તે દશાશ્રીમાળી વણિક છે. સને ૧૯૩૯માં તેમનું લગ્ન અમદાવાદમાં શ્રી. અમૃતલાલ શેઠનાં પુત્રી લાભુબહેન સાથે થયું છે. શ્રી. લાભુબહેન મહેતા એક સારાં લેખિકા છે. તેમણે પ્રાથમિક ઉપરાંત માધ્યમિક કેળવણી માત્ર અંગ્રેજી બે ધોરણ સુધી લીધી છે, પરંતુ શાળાની બહાર તેમણે પોતાનો અભ્યાસ વાચનદ્વારા સારી પેઠે વધાર્યો છે. આર્થિક કારણે અને અસહકારનીને ચળવળ લીધે તેમણે અગીઆર વર્ષની વયે જ શાળાનો અભ્યાસ છોડી દીધો હતો. એ પછી તેમણે જુદી જુદી વેપારી પેઢીઓમાં નોકરી કરી અને વેપાર પણ કરીને દુનિયાદારીનો અનુભવ સારી પેઠે કરી લીધો. ૧૯૩૦ થી ૧૯૩૪ સુધી સત્યાગ્રહમાં જોડાઈને ત્રણ વાર તો જેલજાત્રાઓ કરી. એ અરસામાં યુવકસંઘો અને વ્યાયામપ્રવૃત્તિમાં પણ તેમણે ભાગ લીધેલો. તેમના લેખનનો પ્રારંભ જેલનિવાસ દરમ્યાન જ થએલો. ‘ભારતી સાહિત્યસંઘ'ની સ્થાપના કરીને તેમણે ઉચ્ચ કોટિના સાહિત્યનું પ્રકાસન શરુ કરેલું. તે સાથે 'ઊર્મિ' 'નવરચના' નામનાં માસિક પત્રો તે ચલાવતા. એ સંસ્થાથી છૂટા પડીને તેમણે ‘જીવન સાહિત્યમંદિર' નામની સાહિત્યસંસ્થા મુંબઈમાં સ્થાપી છે અને તેની તરફથી 'પ્રતિમા' નામનુ માસિક પત્ર શરુ કર્યું છે. તે ઉપરાંત 'પ્રવાસી' સાપ્તાહિકના તે તંત્રી છે. જનસ્વભાવનો અભ્યાસ એમનો પ્રિય વિષય છે, અને ગાંધીજીના જીવન તેમજ તેમનાં લખાણોની તેમના ઉપર વિશિષ્ટ અસર છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમાં રાષ્ટ્રીયત્વ તથા જીવનસરણી સંબંધે છપાયેલી છાપ ગાંધીયુગની પ્રેરણારૂપ જણાય છે. તેમનું પ્રથમ પુસ્તક ૧૯૩૫માં ‘અંતરની વાતો' એ નામથી પ્રસિદ્ધ થએલું. ત્યારપછીનાં તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે: 'સંજીવની' (૧૯૩૬), 'પ્રાયશ્ચિત્ત ભાગ ૧-૨’ (૧૯૩૬-૩૭), ‘અંતરની વ્યથા’ (૧૯૩૭), “ઝાઝવાનાં જળ' (૧૯૩૭), ‘લગ્ન-એક સમસ્યા' (૧૯૩૮), 'અખંડ જ્યોત' (૧૯૩૮), ‘મંગલ મૂર્તિ' (૧૯૩૮), 'જાગતા રહેજો ભાગ ૧-૨' (૧૯૩૯-૪૦), ‘ત્રણ પગલાં' (૧૯૪૧), ‘જાતીય રોગો' (૧૯૪૧), ‘ફૂટેલાં સુવર્ણપાત્રો' (૧૯૪૨), ‘વિદાય' (૧૯૪૪).

***