ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/રણછોડદાસ વૃંદાવનદાસ પટવારી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રણછોડદાસ વૃંદાવનદાસ પટવારી

શ્રી. રણછોડદાસ વૃંદાવનદાસ પટવારીનો જન્મ સં.૧૯૨૦ના શ્રાવણ સુદ ૮ ના રોજ તેમના વતન ધંધુકામાં થએલો. તેમના પિતાનું નામ વૃંદાવનદાસ વલ્લભદાસ અને માતાનું નામ ગંગાબાઈ. ન્યાતે તે વીસા મોઢ વણિક છે. તેમણે પ્રાથમિક કેળવણી ધંધુકામાં અને માધ્યમિક કેળવણી ભાવનગર તથા રાજકોટમાં લીધેલી. ઊંચી કેળવણી મુંબઈમાં લઈને સને ૧૮૮૯-૯૦માં બી. એ., એલ. એલ. બી. ની ડિગ્રી મેળવેલી. વકીલાતથી વ્યવસાયની શરુઆત કરીને સને ૧૯૦૧ થી ૧૯૨૬ સુધીમાં તેમણે પાલણપુર, ગોંડળ અને મોરબીમાં દીવાન તરીકે કામ કરેલું. ૧૯૨૭ થી ૧૯૩૮ સુધી દેશી રાજ્યો તરફથી મહત્ત્વના ગીરાસના કેસો ચલાવ્યા બાદ ૧૯૩૯થી તે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ઇતિહાસ અને અર્થશાસ્ત્ર એમના અભ્યાસના પ્રિય વિષયો છે, પરન્તુ ધાર્મિક ગ્રંથોના વાચનમાં રસ હોવાથી લેખનકાર્યમાં તો તેમણે વિશેષાંશે ધાર્મિક ગ્રંથોને જ પસંદગી આપી છે. અખિલ હિંદ વલ્લભીય વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ તરીકે તેમણે સને ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કામ કર્યું હતું. તેમનું પ્રથમ પુસ્તક સને ૧૯૧૦માં ‘પુષ્ટિમાર્ગીય સિદ્ધાન્ત ભાગ-૧' બહાર પડેલું, જેને બીજો ભાગ ૧૯૨૦માં અને ત્રીજો-ચોથો ભાગ ૧૯૨૩-૨૪માં બહાર પડ્યો હતો. તેમનું ‘સ્પર્શાસ્પર્શવિવેક' પુસ્તક ૧૯૩૪માં બહાર પડ્યું હતું. તેમણે કેટલાક ધાર્મિક ગ્રંથો આર્થિક સહાય આપીને પ્રસિદ્ધ કરાવ્યા છે. તેમનું લગ્ન ધંધુકામાં સંવત ૧૯૩૩માં સમજુબાઈ સાથે થએલું. તેમને બે પુત્રો છે; મોટાની ઉંમર ૫૮ અને નાનાની ઉંમર ૪૪ છે.

***