ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/રૂપશંકર ઉદયશંકર ઓઝા (‘સંચિત્’)
સ્વ. રૂપશંકર ઉદયશંકર ઓઝાનો જન્મ સં.૧૯૨૨ના શ્રાવણ સુદ ૭ને રાજ કાઠિયાવાડના વસાવડ ગામમાં થયો છે. તેમના પિતાનું નામ ઉદયશંકર જીવણલાલ ઓઝા અને માતુશ્રીનું નામ ગિરિજાબા હતું. તે ગોંડળના વતની વડનગરા નાગર હતા. તેમના પિતા દરબારી પોલીસ ખાતામાં નોકર હતા, તે નોકરી જુવાનીમાં જ છોડીને સાધુ-સંન્યાસીઓના સંગમાં તીર્થસ્થળોમાં તે ફરતા હતા, અને ગૃહસ્થધર્મમાંથી નિવૃત્ત થતાં કુટુંબનિર્વાહની જવાબદારી રૂપશંકરભાઈ ઉપર પંદર વર્ષની નાની વયમાં જ પડી હતી. તેમણે અંગ્રેજી ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો, પરંતુ પાછળથી તેમણે અંગ્રેજી અભ્યાસ ખૂબ કર્યો હતો અને તેને પરિણામે અંગ્રેજીમાં તે છૂટથી વાતચીત કે ચર્ચો કરી શકતા અને સાહિત્યનાં અંગ્રેજી પુસ્તકો વાંચીને સમજી શકતા. ગોંડળમાં અભ્યાસ કરવાની સાથે એકાદ વર્ષ તેમણે ત્યાંની ખેતી અને એન્જીનિયરિંગની શાળામાં એકાદ વર્ષ અભ્યાસ કર્યો હતો જે પાછળથી તેમને જીવનમાં બહુ ઉપયોગી નીવડ્યો હતો. સોળ વર્ષની વયે તે જૂનાગઢના દરબારી છાપાખાનામાં ૧૫ કોરી એટલે પોણાચાર રૂપિયાના માસિક પગારથી નોકરીમાં જોડાયા હતા. એ સમયે તેમણે ‘મહોબતવિરહ’ નામનું એક કાવ્ય લખ્યું અને છુપાવ્યું, તેથી જૂનાગઢના વજીરનું ધ્યાન તેમના તરફ ખેંચાયું અને તે કૃપાને પરિણામે તેમનો પગાર વધીને ૧૦ રૂપિયાનો થયો. આ ઉત્તેજનથી તેમણે 'સુમતિ પ્રકાશ' નામનું એક મંડળ સ્થાપ્યું જેમાં ધર્મ-નીતિના વિષયોની ચર્ચા થતી. તે ઉપરાંત તેમણે ‘જ્ઞાનદીપક’ નામનું એક માસિક પત્ર ૫ણ શરુ કર્યું. એ જ અરસામાં તેમણે ‘રાણકદેવી રા'ખેંગાર'નું નાટક (સને ૧૮૮૪) લખ્યું અને કેટલાક મિત્રોની મદદથી ભજવ્યું, આથી સગાંઓ અને ન્યાતીલાઓમાં કોલાહલ જાગ્યો કે નાગરનો છોકરો નાટકમાં વેશ ભજવે? પાછળથી તેમણે એ નાટક દ્વારકાની એક નાટક કંપનીને આપી દીધું. શ્રી. ગિરધરલાલ માધવરાયે જુવાન રૂપશંકરની શક્તિઓ નિરખીને તેમને કાઠી રજવાડાઓ તરફ ખેચ્યા. હડાળાના દરબાર શ્રી વાજસુરવાળા અને લાડીના ઠાકોર શ્રી સુરસિંહજી (કલાપી)ની સાથે હિંદની મુસાફરીએ તે ગયા અને એ ગાઢ પરિચયે તેમને એ બેઉ રાજવીઓના મિત્ર બનાવ્યા. સુરસિંહજી લાઠીની ગાદીએ બેઠા પછી રૂપશંકરભાઈ લાઠીમાં રહેતા. ‘કલાપીના સાહિત્ય દરબાર'ના તે સંચાલક બન્યા. સાહિત્યસંબંધ સિવાય લાઠીમાં નોકરી કરવાની તેમની ઈચ્છા નહોતી, છત્તાં સંયોગવશાત્ એમને ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી તરીકે કામ કરવું પડતું હતું. રજવાડી ખટપટને લીધે તેમને લાઠી છોડી હડાળામાં વસવું પડ્યું હતું છતાં કલાપી અને સંચિત્ સંબંધ એકસરખો ગાઢ રહ્યો હતો. કલાપીએ જ હડાળે જઈને સંચિત્ પાસે હડાળાનું વ્રજસુરેશ્વરનું શિવાલય સ્થાપન કરાવ્યું હતું. કલાપીના અવસાન પછી સંચિત્તે કલાપીના સાહિત્યને પ્રકાશિત કરવાનો પ્રારંભ કર્યો હતો. તેમણે પહેલાં ‘કલાપીના સંવાદો' પ્રસિદ્ધ કર્યા. પછી ‘કેકારવ'ના સંપાદનમાં કાન્તને સારી પેઠે મદદ કરી. ‘કલાપીનું સાક્ષરજીવન' લખીને તેમણે પ્રસિદ્ધ કર્યું. ‘કલાપી ગ્રંથાવલિ'ની એક વિસ્તૃત યોજના તેમણે ઘડી હતી, અને તે માટે મુંબઈમાં કાર્યાલય પણ ખોલ્યું હતું, પણ તે યોજના થોડાં પ્રકાશનો બાદ અધૂરી રહી. કલાપીના જીવનસંબંધી તેમનું છેલ્લું લખાણ ‘કલાપીની પત્રધારા'નો ઉપોદ્ઘાત હતો. હડાળાના નિવાસ દરમિયાન તે ખેતી, અભ્યાસ અને થિઓસોફીનાં પુસ્તકોના વાચન પાછળ દત્તચિત્ત રહેતા. દસેક વર્ષ તેમણે ત્યાં શાતિમાં ગાળ્યાં. પછી દરબાર વાજસુરવાળા પોરબંદર ગયા એટલે તેમની સાથે સંચિત્ પણ ત્યાં ગયા. પોરબંદરની સીમેંટ કંપનીના અસ્તિત્વમાં તેમનો અગ્રગણ્ય હિસ્સો હતો. દુષ્કાલનિવારણના કાર્યને અંગે તે મુંબઈ ગયા હતા, એવામાં પોરબંદરનો રાજ્યકાર્યભાર બદલાયો એટલે તેમણે કુટુંબને ભાવનગર રાખી પોતે મુંબઈમાં રહેણાક કરી, ત્યાં વેપારમાં પડ્યા અને વેપાર ઠીક ચાલતો હતો, પરન્તુ મોરબીના યુવરાજ પાલીતાણા રહેતા હતા તેમની તબિયત નાદુરસ્ત હોવાથી, તેમણે રૂપશંકરને પોતાની પાસે બોલાવી રાખ્યા એટલે પાછળ મુંબઈનો વેપાર જેમને સોંપ્યો હતો તેમણે ખરાબી કરી નાખી. સંચિત્ નિર્ધન થઈ ગયા પણ તે હિંમત હાર્યા નહિ. ખેતીનાં એજારો ઉછીનાં લઈને તેનો પ્રચાર કરવાનું કાર્ય તેમણે કાઠિયાવાડમાં શરુ કર્યું. ખેતીનાં સુધારેલાં ઓજારો વેચવાં અને ફેલાવવાં, તે સાથે ટ્યુબવેલો તથા બોરિંગ કરવાનું કામ તેમણે ઉપાડ્યું અને તેમાં તેમને સારી સફળતા મળી, તે પૈસેટકે સુખી થયા. સને૧૯૨૫માં ત્યાંના મહારાજાની અંગત મમતાના આકર્ષણથી તે મોરબી જઇને રહ્યા. તા. ૧૩-૧-૧૯૩૨ ને રોજ તે મોરબીમાં જ અવસાન પામ્યા. સંચિત્ નું લગ્ન મહુવામાં થયું હતું. તેમના પત્નીનું નામ હરિઈચ્છા. તેમનાથી તેમને ચાર પુત્રો અને ચાર પુત્રીઓ થયાં હતાં. પુત્રો શ્રી. મનહરરામ, શ્રી. ચંદ્રકાન્ત, શ્રી. સૂર્યકાન્ત અને શ્રી. ધીમંતરામ એ બધા ગ્રેજ્યુએટ અને જુદે જુદે સ્થળે ધંધો નોકરી કરે છે. મૃત્યુસમયે સંચિત્ પુત્ર-પૌત્રાદિનો ચાળીસેક માણસોનો પરિવાર મૂકી ગયા હતા. તેમણે વર્તમાનપત્રમાં જુદા જુદા વિષયો પર અનેક લેખો લખેલા પરન્તુ તેનો કોઈ સંગ્રહ બહાર પડ્યો નથી. તેમનાં લખેલાં મુખ્ય પુસ્તકોની યાદી નીચે મુજબ છેઃ રાણકદેવી-રા'ખેંગાર નાટક (૧૮૮૪), મહોબત વિરહ, કલાપીના સંવાદો (સંપાદન), કાશ્મીરનો પ્રવાસ (સંપાદન), કલાપીનું સાક્ષરજીવન (૧૯૧૦), સંગીત લીલાવતી નાટક, ઉદય પ્રકાશ નાટક, સંચિત્ નાં કાવ્યો. આ ઉપરાંત તેમના લખેલા કેટલાક સંવાદો અપ્રસિદ્ધ છે.
***