ચારણી સાહિત્ય/25.વહીવંચો દેવ
લુપ્ત થતા કંઠસ્થ સાહિત્યનો એક થંભ હજુયે અચલ ઊભો છે. એ છે લોકોનો વહીવંચો. વહીવંચાની સંસ્થા આજ પણ ભાંગી નથી, કેમકે ‘કાંટિયાં વરણ’ નામે ઓળખાતી કાઠિયાવાડની લડાયક તેમજ ખેડુ મજૂર કોમોએ પોતાની વંશાવળીના ચોપડાને લગભગ ધાર્મિક પદવીએ સ્થાપેલા છે. ‘ચોપડે નામ મંડાવવું’ એ આ કોમોને મન લગ્નમરણાદિક ક્રિયાઓથી યે વિશેષ જોરદાર ધર્મબંધન છે. નવું બાળક જન્મે તેનું નામ માંડવા વહીવંચા આવે છે, ત્યારે ઘરમાં ઉત્સવનો અવસર દીપી ઊઠે છે. પ્રત્યેક કોમને પોતપોતાના જુદા વહીવંચા હોય છે. વહીવંચાનો વસ્તાર વધે તેમ તેમ તેમની વચ્ચે યજમાન-કુટુંબોની વહેંચણ થતી જાય છે. એને પરિણામે જૂનાચોપડાઓની નવી નવી પ્રતો ફરી ફરીસાંગોપાંગ લખાતી રહે છે. સેંકડો વર્ષોથી આ વંશવેલડીઓનો ઇતિહાસ અજરામર હોવાનું એ જ મૂળ સાધન છે.
શીખનો હક દાવો
વહીવંચો ‘દેવ!’ શબ્દે સંબોધાય છે. નવા જન્મેલા વંશજનું નામ માંડવા એ વણ તેડ્યો નથી ચાલ્યો આવતો, પણ યજમાન એને નામ મંડાવવા બદલ સારી એવી શીખ દેવાની પોતાની ત્રેવડ કરીને તેડાવે છે ત્યારે જ આવે છે. આવ્યા વગર છૂટકો જ નહિ. કોઈ સત્તાધારીની અદાથી પરાપૂર્વના હકદાવે આવે છે. ઊંચા અવાજે, મોકળો કંઠ મૂકી દઈ, યજમાનને આ મુજબ આશીર્વાદ આપે છે :
અખે અન્નનો દાતાર,
આશે2 સમે કલીઆણ,
ચડંતા સાહ3
પડંતા દશમન4
દાતા સો અન્ન દિયે હેદળમ્5
તેત્રીશે તૃપતા થિયે
તાસ ધુંવાડા ધન્ય!6
વધિયો જેમ પ્રાવાગડ
ભરિયો ખીર સમદ્ર
રાજ કરો પુત્ર પરવારસેં
જૈમ ગોકુળમાંય ગોવિંદ.
ફળે છત્રપત બોત ફળ
કોઈ કવ્યાં હે મલક
તાસ તણે પળંભડે
પિયાં જે ભોજન લભ.
હાળી, નાળી2 ને બાળધી3
આહેડી પશુપાળ.4
એતાં તુમ રક્ષા કરો
બંકડ5 બટુ6 બલાળ7.
રોનકદાર બિરદાવલી
તે પછી એના કંઠમાંથી રોનકદાર, હળવા, હસાવનારા બોલ પડે છે, એમાં અન્નનું દાન, અતિથિસત્કાર અને ભોજનની વિપુલતા બિરદાવાય છે. આતિથ્યની દિલચોરી ટીખળને પાત્ર બને છે, પણ હળવી શૈલીએ :
બા......પો! હડૂડૂડૂ
ઘી ઘી ઘી
ત્યાં હોય નીલા દિ’
દૂધુંવાળો દડેડાટ
ઘીઉંવાળો હડેડાટ
એમાં માઠિયું8 આઇયું9
ને માઠિયા10 આપા11
જાય તણાતા.
જાવા દિયો,
કોઈ આડા ફરતા નૈ.
કોઈ રાવળ12 આવ્યે હડવડે,13
કોઈ પડપડે,
કોઈ મનમાં કચકચ થાય,
કોઈ મળીયું14 ગોદડાં સંતાડે,
આઈ દિયે ને આપો વારે,15
આપો દિયે ને આઈ વારે,
એને લઈ જાય જમને બારે!
કોઈ જાતો કોઈ આવતો,
બા...પો! હડૂડૂડૂ!
કોઈ કાશી કોઈ કેદાર,અન્નનો ખધાર્થી હોય ઈ
આવજો...ઓ......ભાઈને2 ત્યાં
કરો3 ભર્યો4 ગાજે
[જે યજમાન-ઘેરે ધોધમાર ઘી વડે પરોણાગત થાય ત્યાં સદાય લીલાછમ, સુખી દિવસો રહે છે. દિલાવર યજમાનોને ઘેર રેલતી ઘીદૂધની મિજબાનીનાં કીર્તિપૂરમાં દિલચોર સ્ત્રીપુરુષો તણાઈ જાઓ!]
અંતરના આશીર્વાદ
પછી કટાક્ષ છોડીને આશિષો આપે છે :
ઘોડલે લાર5
મોતીએ ભંડાર
કણે કોઠાર
પુત્ર પરવાર
સોયલી6 વાર
સતને વ્રત મખૂટ7
ચડતી કળા
રાવળ-વેળા8
ઝાઝે ધાને ધરાવ!
સોયલાં ને સખી રો!
ગૃહિણીની બિરદાવલી
પછી સ્ત્રીને બિરદાવે છે :
આઈ માતા!
તમે ત્રેપખાંનાં તારણહાર,
મા તમે જનેતા,
છોરવાં સમાનો લેખવણહાર
ધીડી કરિયાવર જે કરે
દીઠેલ બાપ ધરે;
હીરા હેમર દીઅન્તી
તડ વિક્રમ તરે
[હે આઈ! તમે તો માતા છો. પિયર, સાસરા તેમજ મોસાળ એમ ત્રણે પક્ષો (ત્રેપખાં)નાં તારણહાર છો. હે મા! તમે તો અમને તમારાં બાળકો (છોરવાં) સમાન (સમાનો) ગણનાર જનેતાર છો.
પોતાની પુત્રીનો બહોળો કરિયાવર તો એ જ ગૃહિણી કરે, કે જેણે બાપને ઘેર ઉદારતા દીઠી હોય. વિક્રમ રાજાની પુત્રી હીરા પોતાના ચૌહાણ પતિને ઘેરે, પતિના મરણ બાદ પણ, રોજ પ્રભાતે, (પતિ અક્કેક ઘોડો દેતો તેને બદલે) બબે હેમરો (ઘોડાં)નાં દાન દેતી હતી, તેથી વિક્રમનું ફલ (તડ) તરી ગયું.
ઘોડાના દાન પર વહીવંચા ભાર મૂકે છે કે કેમકે એમને પૂર્વે ઘોડાનું દાન મળતું ને તે મહિમાવંતું મનાતું.
જનેતાપદનું મહિમ્નસ્તોત્ર
આ ભોજન પછીની, ભર્યા પેટની બિરદાવલી યજમાન-ઘરની માતાને, જનેતા આઈને ઉજાળતી હોય છે તેમાં પૂરું ઔચિત્ય રહ્યું છે. એ જ અતિથિઓની, અભ્યાગત ક્ષુધાર્તોની અન્નપૂર્ણા છે. એના હૃદયના ઔદાર્ય વગર ઘરના પુરુષની ઉદારતા નકામી બને છે. માતાપદ જનેતાપદનું આ તો મહિમ્નસ્તોત્ર છે. ને એના ઘોર ગંભીર, હલક ભરપૂર બોલડા આ બિરદાઈ-કંઠેથી ઊઠી કરીને આસપાસ આડોશપાડોશમાં ચોપાસ ઘી-દૂધની ફોરમ છાંટતા હોય છે. અન્ન અને અન્નદાયી, એ બેઉ ઉપર બને તેટલો ભાર આમાં મુકાયો છે તે સકારણ છે.
નામ માંડવાની વિધિ
નામ માંડવાની વિધિ આ રીતે થાય છે : એક બાજઠ ઢળાય છે. તેને માથે એક નકોર ધડકી ને ધડકી ઉપર રેશમની ખાલ ઢંકાય છે. તે ઉપર વહીવંચાનો વંશાવળી-ચોપડો જેને ‘પરીયો’ (પરીયો અથવા પૂર્વજોનો) કહે છે તેની પ્રતિષ્ઠા કરે છે. તેને વધાવવા માટે, જેનું નામ માંડવાનું હોય તે નવા બાળકની માતા, બહેન અથવા કોઈ સુહાગણ વડીલ સ્ત્રી આવે છે એ વધાવીને બારોટને (વહીવંચાને) ચાંદલ્લો કરે છે ને બારોટ એ સ્ત્રીને સામો ચાંદલો કરે છે. તે પછી બારોટ આશીર્વાદ સુણાવે છે :
સદા ભવાની સાહ રે’
- સનમુખ રહે ગણેશ,
પાંચ દેવ રક્ષા કરે,
- બ્રહ્મા વિષ્ણુ મહેશ.
કળગર પોથાં કંધ કર
- વિધ વિધ કરે ન વખાણ,
જે ઘર પરીઓ ન સાંચરે
- સો ઘર જાણ મસાણ.
વંશાવળીનો પ્રારંભ
પછી બારોટ ચોપડામાંથી વંશાવળીનું વાચન શરૂ કરે છે. તેનો પ્રારંભ છેક આ વિશ્વની ઉત્પત્તિથી થાય છે — છપ્પયના ઢાળમાં :
પ્રથમ પ્રાગરે પાન
- નીંદ્ર પોઢિયા નરીજન
જળમેં પ્રથમી જાણ
- જાણ કે હુવો જગારન
જાગો હર જોયો
- બોત આવિયો બગાસો
નીપાયા વ્રેમ વ્રેમાનરા
- સોડ સગપણ છડ્ડીએ
મહારાજ જોગમાયા મથે
- મળે અણ પર જગ મંડીએ.
[પ્રથમ પ્રભુ પ્રાગાવડના પાનમાં સૂતા હતા. પૃથ્વી જળમાં ઉત્પન્ન તે જાણીને પ્રભુ જાગ્યા. જાગીને બગાસું આવ્યું. તેમાંથી બ્રહ્મબ્રહ્માંડ નિપજાવ્યાં.]
આદ નારણના નાભિકમળમાંથી બ્રહ્મા થયા.
બ્રહ્માના કશ્યપ.
કશ્યપ રાજની તે રાણીયું. તે દક્ષ પ્રજાપતિ કન્યા, તેનો વસ્તાર.
કશ્યપનો વંશ વિસ્તાર
[છપ્પય]
પ્રથમ જે અદીતી પ્રિયા
જેણે ઓદર અંમર ઉપાયા
દીતી તણા જ દૈત
દનુએ દાડવ રચાયા
[પહેલી કશ્યપ પ્રિયા અદીતિ, તેના ઉદરથી અમરો થયા. બીજી દીતિ, તેના દૈત્ય. ત્રીજી દનુ તેના દાનવ (દાડવ).]
ચારમી શરમીશ્ટા
જેના અભે ખરીઆળા
ઉપાયા અરીષ્ટા
ઘણા ગ્રાંધવ ગુણવાળા
સુરસા તણા રાખસ સરવ
અનંતગિરિ અહલ્યા તણા
ક્રોધવતીના મુખથી
થિયા જીવ ઝેરી ઘણા
[ચોથી પત્ની શર્મિષ્ઠાએ નિર્ભય ખરીઆળા (ખરીવાળા પશુ) પુત્રો જણ્યા. પાંચમી અરીષ્ઠાએ ગાંધર્વો પ્રસવ્યા. છટ્ઠી સુરસાએ રાક્ષસો જન્માવ્યા. અહલ્યાએ અનંત પહાડો જન્મ્યા. ક્રોધવતીએ ઝેરી જીવજંતુ પેદા કર્યા.]
તામરાયે તેમ
પ્રગટ પંખ જાત પ્રકાશી
મુનિકા ઓદર માંય
અપસરા ઘણી ઉપાસી
સુરંભીકે સંતાન
પશુ છે ચાર પગાળા
સરમા ઉદર સોય
નીપજ્યા પાંચ નોરાળા
ત્રેદશ તિમિ તેણરે
ઉદર જીવ જળરા આયા
વસ્તાર અશ્વ ગોતર વડો
કશપ સૂત વગતે કિયા
[તામ્રા રાણીએ પંખી જાતિ પ્રસવી. મુનિકાના ઉદરમાંથી અપસરાઓ ઉત્પન્ન થઈ. સુરભિ રાણીનાં સંતાન ચાર પગાળાં પશુઓ પેદા થયાં. શર્માના ઉદરમાંથી પાંચ નહોરવાળાં પશુઓ જન્મ્યાં. તેરમી તિમિ, તેને (તેણરે) ઉદર જળના જીવ જન્મ્યા.]
શોભે બીજી ચાર
કામની કશ્યપ કેરી
અરુણ ગરુડ અવતર્યા
વનિતા જાણ વડેરી
નવકુળ કદ્રુ નાગ
થિયા જામની થકી
ટીડ સલંભી માતર
દક્ષે એતી પુતરી દહી
ખોડશ પર એક જ ખરી
પચાસ ક્રોડ પ્રથમી પરે
કશ્યપે સૃષ્ટિ એતી કરી
[બાકીની ચાર : વડેરી (મોટેરી) સ્ત્રીએ અરુણ ને ગરુડ જન્માવ્યા. જામની નામે સ્ત્રીએ નાગનાં નવ કુળ દક્ષની આટલી પુત્રીઓ થકી કશ્યપે આટલી એની સૃષ્ટિ નિપજાવી.]
આ મૂળ વિશ્વોત્પત્તિમાંથી ઉત્તરોત્તર વહીવંચો પોતાના યજમાનની પેઢી સુધી આવી પહોંચે છે. કાઠીના બારોટો કાઠીકુળની અને આહીરોના ગોર આહીરવંશની ઉત્પત્તિની કડી આ બ્રહ્માના વંશ જોડે સાંધી આપે છે.
રાવળ વહીવંચા કેમ બન્યા?
વહીવંચાનો અસલ શબ્દ ‘બારોટ’. ચોપડા સાચવવાનું કાર્ય મૂળ તો ભાટો કરતા આવે છે. તો પછી આજે ‘રાવળ’ જાતિના વહીવંચા સૌરાષ્ટ્રીય ‘કાંટિયાં’ કુળોના ચોપડા સાચવવા ક્યાંથી આવ્યા?
એનો ખુલાસો આવો મળે છે : કચ્છમાં રા’ લાખા ફુલાણીનો સમકાલીન એક દાનેશ્વરી ચારણ, માવલ સાબાણી નામે થઈ ગયો. એની બે પુત્રીઓનાં એક સાથે લગ્ન થયાં હતાં. બેમાંથી સારી પુત્રીને નબળા વર સાથે ને નબળીને સારા વર સાથે પરણાવી, પણ સારા વરવાળા પક્ષે માવલ સાબાણીના કુળ-ગોર રાવળ બ્રાહ્મણોની મદદથી કન્યા બદલાવી લીધી. એ દગલબાજીનો ભેદ ખુલ્લો થતાં રાવળ બ્રાહ્મણો પર રોષે ભરાયેલા. કન્યા પક્ષના ચારણોમાંથી એકે ગોરના મોઢામાં થૂંક્યું.
ચારણોના વહીવંચાની ઉદારતા
થુંકાયેલા રાવળ બ્રાહ્મણને બ્રાહ્મણોની ન્યાતે ન્યાત બહાર મૂક્યા. એમની આ સ્થિતિ ટાળવા માટે આખરે ચારણોનો વહીવંચો એક વાઘોજી ચારણ આગળ આવ્યો અને તે ઘડી સુધી જે ચોપડા ચારણો જ રાખતા તે ચોપડા અને તે વહીવંચાનું કામ તેણે આ વટલાવેલ રાવળ બ્રાહ્મણોને સુપર્દ કર્યું. ત્યારથી ચારણોના વહીવંચા ‘રાવળો’ નામે ઓળખાયા. અને તે પછી ગુજરાત તરફથી આવતા ‘ભાટો’ નામના વહીવંચાઓએ આ ‘રાવળો’ને પોતાના ધંધાભાઈ તરીકે અપનાવી લીધા, ને રોટીબેટી વ્યવહાર શરૂ કરી દીધો.
વટાળમાંથી વિશિષ્ટ સંસ્કાર
તરગાળા, કાઠી, કોટીલા, ખસિયા, મેર વગેરે કંઈક કોમોની ઉત્પત્તિના મૂળમાં જે ‘વટાળ’નું તત્ત્વ કામ કરી ગયું છે તે જ વટાળે આ રીતે આ કિસ્સામાં પણ એ વિશિષ્ટ સોરઠી સંસ્કારને વધુ ઉજ્જ્વળ કર્યો છે. આભડછેટના હાઉને આ અપનાવી લેવાની હિંમત હંમેશાં આંહીં સોરઠ દેશે હણતી આવી છે.
એ કાવ્યસામગ્રીને હાથ કરો
આ બધો ઇતિહાસ તેમ જ સાહિત્ય મને શ્રી દુલા ભગતના સાથી, ભાવનગર તાબે કુંભણ ગામના રાવળ જેઠસૂર બારોટે પૂરું પાડ્યું છે. આ બારોટ આહીરોનાં અમુક કુળોના વહીવંચા છે. એના કાકા ગીગા બારોટ, કે જેની કવિતાના થોડાક નમૂના મેં ‘ઋતુગીતો’માં મૂકેલ છે, તે ગીગા બારોટની, ડિંગળી વાણીનાં પ્રાસાદિક કાવ્યસામગ્રીના થોકેથોક કંઈક લખ્યા ને કંઈક અણલખ્યા (કંઠસ્થ) હજુ મોજૂદ છે. કોઈકે તેનો સંગ્રહ કરાવી લેવો જોઈએ.
[‘ફૂલછાબ’, 7-3-1941]