ચિત્તવિચારસંવાદ/ચિત્ત અને વિચાર : સંવાદ, સંબંધ અને વ્યક્તિત્વ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગ. ચિત્ત અને વિચાર : સંવાદ, સંબંધ અને વ્યક્તિત્વ

મધ્યકાલીન ગુજરાતીમાં સંવાદકાવ્યની સુદીર્ઘ પરંપરા મળે છે. એમાં દયારામની ‘લોચનમનનો ઝગડો’ જેવી લઘુ રચનાઓનો અને શામળની ‘ઉદ્યમકર્મસંવાદ’ જેવી દીર્ઘ રચનાઓનો સમાવેશ થાય છે. જૈન કવિઓએ પણ આવા ઘણા સંવાદો રચ્યા છે. લાંબી રાસકૃતિઓમાં જીભ અને દાંત વચ્ચે કે ડાબા-જમણા હાથ વચ્ચેના સંવાદો રચવાની રૂઢિ હતી. જૈન કવિઓના ‘નલદવદંતી રાસ’માં નળના ડાબા-જમણા હાથ વચ્ચેનો સંવાદ આવે છે તે જાણીતી હકીકત છે. લઘુ સંવાદકૃતિઓ જીવનનિરીક્ષણ પર આધારિત વિચારચાતુર્યની રચનાઓ હતી. લાંબી સંવાદરચનાઓમાં જુદાજુદા પ્રકારો જોવા મળે છે. જુદાજુદા કવિઓના ‘રાવણમંદોદરીસંવાદ’ વાસ્તવિક પ્રસંગ આધારિત સંવાદરચના છે. યશોવિજયના ‘સમુદ્રવહાણસંવાદ’ જેવી રચનાઓ જીવનનિરીક્ષણ-આધારિત વિચારચાતુર્યભરી રચનાઓ છે. શામળની ‘ઉદ્યમકર્મસંવાદ’ જેવી રચનાઓમાં વૈચારિક વિવાદની સાથે દૃષ્ટાંતકથાઓનો આશ્રય લેવામાં આવ્યો છે. આ બધી કૃતિઓ ખંડનમંડનની રીતે ચાલે છે પણ દયારામની ‘બ્રાહ્મણભક્તવિવાદ’ એ રચના તો કેવળ વૈચારિક ખંડનમંડનની કૃતિ છે. એમાં સ્માર્ત મતનું ખંડન કરી વૈષ્ણવ મતનું સ્થાપન કર્યું છે. સંવાદરચનાનો એક અન્ય પ્રકાર તે ગુરુ-શિષ્યસંવાદનો છે. એ નામની કેટલીક કૃતિઓ રચાયેલી છે (જેમકે અખાજીની ‘ગુરુશિષ્યસંવાદ’) તે ઉપરાંત તત્ત્વવિચારના ઘણા ગ્રંથોમાં ગુરુશિષ્ય વચ્ચેના સંવાદની શૈલી અપનાવવામાં આવી છે. જેમકે, દયારામનું ‘રસિકવલ્લભ.’ આમાં ખંડનમંડનને સ્થાને શિષ્યે જિજ્ઞાસાપૂર્વક પૂછેલા પ્રશ્નોના ઉત્તર રૂપે તત્ત્વવિચાર રજૂ થયો છે. ‘ચિત્તવિચારસંવાદ’ પહેલી દૃષ્ટિએ ‘ગુરુશિષ્યસંવાદ’ના પ્રકારની રચના લાગે. અહીં ચિત્તની જિજ્ઞાસા પાયામાં છે અને એનાથી પ્રેરાઈને વિચાર તેને તત્ત્વદર્શન કરાવે એવું આયોજન છે. પણ ચિત્ત અને વિચાર જેવી વૃત્તિઓ વચ્ચે સંવાદ ગોઠવવાની આ ઘટના એક નવીન અને વિલક્ષણ ઘટના છે અને એનાથી સંવાદને એક જુદું પરિમાણ મળ્યું છે. સામાન્ય ‘ગુરુશિષ્યસંવાદ’માં ગુરુ-શિષ્યની ભૂમિકા જુદીજુદી, ઊંચી-નીચી હોય છે અને શિષ્યની જિજ્ઞાસાભાવથી પ્રશ્નો પૂછવા સિવાયની સંડોવણી બહુ ઓછી હોય છે. અહીં ચિત્ત ને વિચાર બંને સમાન ભૂમિકા પર છે. ખરેખર તો ચિત્ત વિચારનો પિતા છે. ચિત્તને પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એના અનુભવો અને સંસ્કારો છે, એણે આજ સુધી કરેલી મથામણોનો ઇતિહાસ છે. આથી આ સંવાદમાં ચિત્તની ઘણી સક્રિયતા જોવા મળે છે. પોતાના પ્રશ્નોનો વિચાર જે કંઈ જવાબ આપે છે તેને એ સરળતાથી સ્વીકારી લેતું નથી. પોતાના અનુભવના સંદર્ભમાં એ વિચારે છે અને પોતાના મુદ્દાઓ ઉઠાવે છે. આથી આ સંવાદ એક સાચો અને જીવંત સંવાદ બન્યો છે. આપણે એક ઉદાહરણ જોઈએ. ચિત્ત જ્યારે પોતાના સ્વરૂપ વિશે વિચારવામાં આગળ જઈ શકતું નથી ત્યારે વિચાર એને કહે છે કે જીવપણું જો ટળે નહીં તો શાસ્ત્રગુરુ વગેરેનો અભ્યાસ નિરર્થક છે. પણ ચિત્તને તો આ જીવપણું જતું કરવામાં પોતાની પૂંજી જતી રહેતી હોય એવું લાગે છે. પ્રવૃત્તિ જાણે એનાથી – જીવત્વથી જ થતી જણાય છે અને પોતા સિવાય બીજું કંઈ શોધ્યું જડતું નથી. છતાં એ પોતાના પૂર્વ રૂપને જોવા તો નીકળ્યું જ છે. વિચારને આમાં દ્વૈતની સ્થિતિ દેખાય છે, જે સંસારને વધારનાર છે. એક બાજુથી ચિત્તને ઈશ્વરતા પોતાની સાથે સંલગ્ન હોય એવું લાગે છે, બીજી બાજુથી આપદા ઊભી કરનાર સંસારભાવનાને એ દૂર રાખી શકતું નથી. આથી વિચાર એના સંકલ્પાત્મક સ્વરૂપનો નિર્દેશ કરે છે. પોતાનું આ સ્વરૂપ છોડવામાં પણ ચિત્તને મૂંઝવણ લાગે છે, કેમકે સંકલ્પ વિનાની સ્થિતિ તો જડતાની સ્થિતિ કહેવાય. આ પછી વિચાર એને એના ચિદ્‌સ્વરૂપનું દર્શન કરાવવા પ્રવૃત્ત થાય છે (૧૭–૨૭). જોઈ શકાય છે કે સંવાદ જિજ્ઞાસા-તૃપ્તિના પ્રશ્નો રૂપે રચાયેલો નથી. એમાં ચિત્તની માન્યતાઓ, મૂંઝવણો વગેરેનું પૂરેપૂરું પ્રતિબિંબ પડ્યું છે. ચિત્ત ને વિચાર વચ્ચેના સંવાદની આ યોજના એ બંને વચ્ચેના વિશિષ્ટ સંબંધને કારણે પણ વિલક્ષણ લાગે છે. ચિત્તમાંથી વિચાર જન્મે છે માટે ચિત્ત પિતા અને વિચાર પુત્ર. પુત્ર પિતાને ઉપદેશ આપે એ ઘટના પહેલી દૃષ્ટિએ વિચિત્ર લાગે પણ જ્ઞાનદર્શનનું – પદાર્થોના સ્વરૂપની તપાસ અને તત્ત્વનિર્ણયનું ક્ષેત્ર તે વિચારનું જ હોઈ શકે, ચિત્તનું નહીં. આથી વિચાર ચિત્તને ઉપદેશ આપે એ કલ્પના સયુક્તિક લાગે છે. ચિત્ત અને વિચારનો સંબંધ સંકુલ છે અને એ આ કૃતિમાં અવારનવાર પ્રતિબિંબિત થયો છે. વિચાર ચિત્તમાંથી જન્મતો હોઈ એનું અસ્તિત્વ ચિત્તને લીધે છે (૬) એ વાત તો સમજાય એવી છે. પણ બીજી બાજુથી ચિત્તનું અસ્તિત્વ વિચારને કારણે છે એવી વાત પણ અહીં રજૂ થયેલી છે. આનું કારણ એ છે કે વિચાર એ ચિત્તની શક્તિ છે. ચિત્તનું દરેક કામ વિચારથી જ થાય છે (૩૦) અને વિચાર માત્ર શુદ્ધમાર્ગ (નિવૃત્તિમાર્ગ)નો જ નહીં પણ પ્રવૃત્તિમાર્ગનો પણ પ્રેરક છે (૨) એમ અખાજી કહે છે તે પરથી સમજાય છે કે ચિત્તના સમગ્ર અસ્તિત્વમાં વિચાર વ્યાપ્ત છે. વિચારની મદદથી પુરાણો, શાસ્ત્રો વગેરેની રચનાની પ્રવૃત્તિ ચિત્તે કરી છે તેનું વિસ્તૃત ચિત્ર અખાજી આપે છે (૩, ૪, ૯, ૧૦, ૫૭–૬૩). આથી જ અખાજી કહે છે કે વિચાર ચિત્તને કારણે છે પણ વિચાર વિના ચિત્ત નપુંસક છે (૩૧). વિચારનું અસ્તિત્વ ચિત્તને કારણે છે એટલું જ નહીં પણ વિચારનું સ્વરૂપ કે વિચારની દિશા ને ગતિ ચિત્ત પર આધારિત છે એમ પણ અખાજી વર્ણવે છે. જેવો ચિત્તનો આશય તેવું વિચારનું પ્રવર્તન. પાણી એમાં જે પદાર્થ નાખવામાં આવે તેનો રંગ સ્વીકારી લે છે એવું વિચારનું છે (૪, ૫, ૭, ૮). ચિત્તનું જે શાસ્ત્ર કે વિદ્યા કે તત્ત્વદર્શન તરફ વલણ થાય તેમાં વિચાર એને આગળ લઈ જાય છે અને નિર્ણય કરાવે છે એની વાત પણ અખાજીએ વીગતે કરેલી છે (૫૭–૬૩). આમાંથી એમ પણ ફલિત થાય છે કે ચિત્તની પોતાની ઇચ્છા કે એનું વલણ આમાં ચાવીરૂપ છે. આમ છતાં વિચાર ચિત્તને અધીન જ છે એવું નથી. ચિત્તના વિકાસનું માધ્યમ પણ વિચાર જ છે. જ્યાં સુધી વિચાર ગૂઢ રહે છે ત્યાં સુધી ચિત્ત તે ચિત્ત જ રહે છે. પણ વિચાર જ્યારે પ્રગટ થાય છે ત્યારે ચિત્ત પોતાના ચિદ્‌-સ્વરૂપને પામે છે (૯૧–૯૨). અખાજી વિચારની જુદીજુદી ભૂમિકાઓ સ્વીકારતા જણાય છે. વિચાર જ્યારે બાળક – નાનો હતો એટલે કે પૂરો વિકાસ નહોતો પામ્યો ત્યારે એ ચિત્તની સત્તાથી ચાલતો હતો (૩૦). પણ હવે એની શક્તિ ઘણે આગળ સુધી પહોંચેલી છે અને ચિત્ત જો એને અનુસરે તો એને ક્યાંય સુધી – બ્રહ્મભાવ સુધી લઈ જઈ શકે એમ છે (૩૧–૩૨). પ્રવૃત્તિમાર્ગનો પ્રેરક વિચાર તે બાળક વિચાર ને નિવૃત્તિમાર્ગ – જ્ઞાનમાર્ગનો પ્રેરક વિચાર તે પ્રૌઢ વિચાર એમ પણ અખાજીને અભિપ્રેત હોય એમ જણાય છે. વિચારનું સ્વરૂપ અખાજીએ જુદીજુદી ભૂમિકાનું સ્વીકાર્યું છે તેમ ચિત્તને પણ એમણે એક સંકુલ પદાર્થ તરીકે આલેખેલ છે. એમાં બે વિભિન્ન લક્ષણ-સમુદાયો છે. આ વાત અખાજીએ એક રૂપકથી કહેલી છે. ચિત્તને તેઓ એક રાજા તરીકે કલ્પે છે અને એના બે પરિવારોનું એ આલેખન કરે છે. ચિત્તની બે રાણીઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એનો એક પુત્રપરિવાર તે કામ, ક્રોધ, મોહ, લોભ, મત્સર, ઈર્ષ્યા, મમતા, આશા વગેરે, જે પ્રવૃત્તિના પુત્રો છે. બીજો પરિવાર તે વિવેક, વિચાર, સંયમ, શાંતિ, સાહસ (હિંમત, ધૈર્ય ), સત્ય, સંતોષ વગેરે જે નિવૃત્તિનાં સંતાનો છે. આમાં મુખ્ય છે મોહ અને વિવેક – જે ચિત્તરાજાના પ્રધાનો છે (૧, ૨, ૨૯૩–૯૫). મોહપ્રેરિત ચિત્ત કામનાને વશ બની પોતાનું ચિદ્‌પણું ખોઈને સંસારમાં રજોટાય છે. વિવેકથી પ્રેરાયેલું ચિત્ત બ્રહ્મભાવને પામે છે (૨૮૧–૮૩, ૨૯૬–૯૮). ચિત્ત પોતાના ચિદ્‌-સ્વરૂપને કેવી રીતે પામે તે વિષય તો આ આખી કૃતિમાં વ્યાપ્ત છે, જેની ચર્ચા આગળ કરેલી છે. ચિત્તને આ વિવેકજ્ઞાન તરફ લઈ જનાર છે વિચાર. એટલે આખી કૃતિમાં વિચારની ભૂમિકા વિવેકજ્ઞાનની એટલે કે બ્રહ્મભાવના સમર્થનની હોય એ સ્વાભાવિક છે. ચિત્તની ચિત્ત તરીકે ભૂમિકા તો લૌકિક કે સાંસારિક હોઈ શકે. પોતાના જીવત્વને છોડતાં એને સંકોચ થાય છે. પણ એ ખાસ નોંધપાત્ર છે કે અખાજીએ અહીં ચિત્તની કેવળ અજ્ઞ તરીકેની ભૂમિકા કલ્પી નથી. આ ચિત્ત તો અનેક રીતે સજ્જ છે, જે જુદાંજુદાં શાસ્ત્રો અને વિદ્યાઓમાંથી પસાર થયેલ છે. એટલે ચિત્ત વિચારની ઘણી નજીક રહીને એની સાથે વિવાદ કરે છે એવી છાપ પડે છે. કૃતિને અંતે જ નહીં પણ ઠીક-ઠીક આરંભમાં પણ ચિત્તની ભૂમિકામાં બ્રહ્મભાવ-ચૈતન્યભાવની છાયા આપણને દેખાય છે. દેહવ્યાપારથી પરની સ્થિતિ તરફ એનું લક્ષ છે (૧૨૩–૨૫), આત્મતત્ત્વની સમજ એ પામ્યું છે (૧૫૫), એને બ્રહ્મપ્રકાશ થયો છે (૨૦૩) એવા ઉલ્લેખો મળ્યા કરે છે. પરંતુ ચિત્તના પ્રશ્નો નિરવકાશ થયા નથી અને આ ભૂમિકાએ એ સ્થિર રહી શકતું. નથી (૨૭૭–૭૮). તેથી જ વિચાર સાથે એનો આ વિવાદ ચાલે છે. તાત્પર્ય એ છે કે આ વિવાદ વેદાંતની વિરોધી એવી કોઈ ભૂમિકાથી થયો નથી પણ એની નજીકની ભૂમિકાથી થયો છે. ચિત્ત અને વિચારના સંવાદની આ યોજનામાં ક્વચિત મુશ્કેલી પણ વર્તાય છે. કેટલીક ઉક્તિઓ કોની એ પરત્વે પાઠભેદો ઉત્પન્ન થયા છે. દા. ત. ૧૯૪થી ૨૦૦મી કડીમાં શૂન્યવાદની ચર્ચા છે. સ્વાભાવિક રીતે જ એમાં ચિત્ત શૂન્યવાદની દલીલ કરે અને વિચાર એનો પરિહાર કરે એમ હોવું જોઈએ અને એકંદરે એમ ગણી શકાય એવી પરિસ્થિતિ પણ છે. પરંતુ, વિચારની ઉક્તિમાં જ ‘ક્યારે શૂન્યવાદ કરું છું હું, તેહેનો મર્મ સમઝી લ્યે તું’ એમ શબ્દો આવે છે ને તે પછી શૂન્યવાદનું સમર્થન થતું હોય એવી પંક્તિઓ પણ આવે છે (૧૯૮–૯૯). વિચારની આજુબાજુની દલીલો સાથે આ વાત સંગત લાગતી નથી. સિવાય કે આપણે એમ માનીએ કે વિચાર માત્ર શૂન્યવાદ કોને કહેવાય એનું વર્ણન કરી રહ્યો છે અને ખરેખર એવી સ્થિતિ નથી એમ બતાવવા માગે છે. મુદ્રિત પ્રતોએ અહીં વિચારની નહીં ચિત્તની ઉક્તિ માની છે તે સૂચક છે. (વિશેષ માટે જુઓ ૧૯૮મી કડીની પાઠચર્ચા). આવી સ્થિતિને કારણે તો એક ઠેકાણે મુખ્ય પ્રતનો પાઠ છોડવાનું પણ બન્યું છે (જુઓ કડી ૨૩૬ અને તેની પાઠચર્ચા). આ રીતે આ સંવાદ અનેક દૃષ્ટિએ અર્થપૂર્ણ અને સ્વાભાવિક –વાસ્તવિક સંવાદ બની રહે છે.