ચિત્રકૂટના ઘાટ પર/“આઈ ડૉન્ટ નો”

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
“આઈ ડૉન્ટ નો”

એક ગુરુચાવી : જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાની ભર્તૃહરિ વિષેની કિંવદન્તીઓને માનીએ કે ન માનીએ, પણ તે ઉજ્જયિનીના રાજા હતા અને રાણી પિંગળાના પ્રેમમાં આકંઠ મગ્ન હતા. એમને જ્યારે ખબર પડી કે, પિંગળા તો તેમના અશ્વપાલના પ્રેમમાં છે ત્યારે એમને આ સંસાર પર એવો વૈરાગ્ય આવ્યો કે એ રાણી અને રાજપાટ સઘળું ત્યજી વેરાગી થઈ ગયા. છતાં એટલું તો માનવું પડશે કે એમને શૃંગારરસનો જે અનુભવ છે તે બહુ ઓછા જણને હશે. એ રાજા તો હતા, સાથે કવિ પણ હતા. એમણે એમના પ્રેમ અને નારી વિષેના અનુભવોને ‘શૃંગારશતક’એ નામથી સોએક શ્લોકોમાં આલેખ્યા છે.

શૃંગારની સાથે જીવનના વિશાળ-વ્યાપક અનુભવોથી પ્રાપ્ત જ્ઞાનને આધારે એમણે ‘નીતિશતક’ની પણ રચના કરી છે. પછી જ્યારે જીવન અને જગત પર વૈરાગ્ય આવ્યો ત્યારે ભર્તૃહરિમાંથી લોકવાયકાના ‘ભરથરી’ થઈ જનાર એ રાજા-કવિએ ‘વૈરાગ્યશતક’ રચી કાઢ્યું.

ભર્તૃહરિના જીવનમાં કદાચ આવું બન્યું ન પણ હોય, છતાં એમણે રચેલી કવિતાઓ તો ઘણુંબધું કહી જાય છે. એકએક શ્લોક પર લાંબા લાંબાં વાર્તિકો લખી શકાય, પરંતુ આજે હું જે શ્લોક વિષે વાત કરવા ઇચ્છું છું તે શ્લોકની અત્યારે મને યાદ અપાવનાર આ વખતનું – ૧૯૯૬ના વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર પોલૅન્ડના કવયિત્રી વિસ્લાવા સીમ્બોર્સ્કા છે.

તે પહેલાં આપણે ભર્તૃહરિના એ શ્લોકની વાત કરીએ. એમાં કવિ કહે છે કે, यदा किञ़्चिज्ज्ञोऽहं અર્થાત્ ‘હું કંઈક જાણું છું’ એવું જ્યારે મને લાગવા માંડ્યું ત્યારે હાથીની જેમ મદથી હું આંધળો બની ગયો. એટલું જ નહીં, અહંકારથી હું એમ માનવા લાગ્યો કે હું ‘સર્વજ્ઞ’ છું, બધું જ જાણું છું, પરંતુ જ્યારે ડાહ્યા માણસો પાસે બેસીબેસીને કંઈક કંઈક મેળવતો ગયો ત્યારે મને થયું કે, હું કેટલો બધો મૂર્ખ છું અને તાવની જેમ મારો મદ ઊતરી ગયો. ज्वर इव मदो मे व्यपगतः॥

ઘણાં માણસો સાવ ઓછું જાણે છે ત્યારેય પોતે ભારે જાણકાર છે એમ માનવા માંડે છે. એટલું જ નહીં, હવે મારે કશું જાણવાનું બાકી રહેતું નથી એવી કક્ષાએ પોતે પહોંચી ગયાનું માને છે. ઘણાને આવો અહંકાર છેક સુધી રહે છે, ઘણાને એ વાતની ભાગ્યે જ ખબર પડે છે કે પોતે જે જાણે છે તે કેટલું અલ્પાતિઅલ્પ છે!

એથેન્સમાં એક વાર ચર્ચા ચાલતી હતી કે, આ નગરમાં સૌથી ‘ડાહ્યો’ કોણ હશે? કોઈ આગળ આવીને એવું કહે ખરું કે હું સૌથી ડાહ્યો છું? પણ સોક્રેટીસ જેવા તત્ત્વવેત્તાએ કહ્યું કે, આખા એથેન્સમાં એકમાત્ર હું જ ડાહ્યો છું. બધાને થયું કે, જરૂર સોક્રેટીસ ડાહ્યો છે, પણ તે પોતે, પોતાને માટે આવી ઘોષણા કરી શકે એ જ નવાઈ કહેવાય!

પરંતુ સોક્રેટીસની એ ઘોષણા ‘એથેન્સ’માં હું સૌથી ડાહ્યો છું ને સમજવા માટે એનું જે કારણ સોક્રેટીસે આપેલું તે લક્ષ્યમાં રાખવાનું છે. સોક્રેટીસે કહ્યું કે, “એથેન્સના લોકો કંઈ જાણતા નથી, પણ પોતે કંઈ જાણતા નથી એ વાત પણ જાણતા નથી.” (People do not know that they do not know )પણ હું એટલું તો જાણું છું કે, હું કંઈ નથી જાણતો એટલે હું એથેન્સમાં સૌથી ડાહ્યો છું.”

આમ, સોક્રેટીસનું ડહાપણ તો પોતે કંઈ જાણતા નથી એવી અભિજ્ઞતામાં છે.

ભર્તૃહરિ અને સોક્રેટીસ – એક પ્રાચીન ભારતના અને એક પ્રાચીન ગ્રીસના – બન્ને નીતિવિશારદો છે, સુજ્ઞો છે, પણ એ બન્નેની સુજ્ઞ-તા એમની પોતાની અજ્ઞ-તા વિષેના જ્ઞાનમાં છે.

આ વાત જ્યારે સાહિત્યનું શ્રેષ્ઠ પારિતોષિક મેળવનાર – કવયિત્રી વિસ્લાવા સિમ્બૉર્સ્કા નૉબેલ પારિતોષિક સ્વીકારતી વખતે કરેલા તેના વ્યાખ્યાનમાં એમના જેવા જ શબ્દોમાં કહે છે ત્યારે પ્રાચીન-અર્વાચીન ‘ડહાપણ’નું સુભગ મિલન થાય છે. એક મિત્રે વિસ્લાવાએ સ્વીડનમાં આપેલા વ્યાખ્યાનનું એક પત્રિકામાં છપાયેલું કટિંગ અમેરિકાથી મોકલી આપ્યું છે. એ નૉબેલ વ્યાખ્યાનનું શીર્ષક છે: ‘આઈ ડૉન્ટ નો’ – હું (કંઈ) જાણતી નથી કે હું (કંઈ) જાણતો નથી.

વિસ્લાવા કહે છે કે કેટલાક લોકો એમ માને છે કે પોતે જે જાણે છે એટલું પોતાનો જીવનવ્યવહાર ચલાવવા પર્યાપ્ત છે. પરંતુ જે જ્ઞાન નવા નવા પ્રશ્નો તરફ લઈ જતું નથી તે જલદીથી નાશ પામે છે. જીવન ટકાવવા જે ઉષ્ણતામાન જરૂરી છે તે એ પ્રકારનું જ્ઞાન સાચવી શકતું નથી. વિસ્લાવા કહે છે કે, પ્રાચીનકાળનો કે અર્વાચીનકાળનો ઇતિહાસ જોઈએ તો આત્મતુષ્ટ જ્ઞાન, એટલે કે જે જ્ઞાન નવા પ્રશ્નો નથી કરતું તે, કોઈ પણ સમાજને માટે વિઘાતક છે. તે કહે છે :

“તેથી હું આ એક નાનકડા વાક્યને બહુ ઊંચે ક્રમે સ્થાપું છું. એ વાક્ય છે : ‘આઈ ડોન્ટ નો.’ આ વાક્ય નાનું છે, પણ એ મજબૂત પાંખો પર ઉડ્ડયન કરે છે. તે આપણી ભીતર રહેલા અવકાશોનો અને આપણી બહાર રહેલા વિસ્તારોનો વધારે વિસ્તાર કરે છે.”

પ્રસિદ્ધ વિજ્ઞાનીઓ આઈઝેક ન્યૂટન અને મેડમ ક્યુરીના દાખલા ટાંકી વિસ્લાવા કહે છે કે, જો એ લોકોએ પોતાની જાતને એવું ન કહ્યું હોત કે, ‘આઈ ડોન્ટ નો’ તો કદાચ જમીન પર પડેલા સફરજનને ન્યૂટને ઊંચકી લીધું હોત અને બહુ સ્વાદથી આરોગી ગયો હોત અને તે વાત ત્યાં પૂરી થઈ ગઈ હોત. મેડમ ક્યુરી પણ ક્યાંક નિશાળમાં રસાયણશાસ્ત્ર ભણાવતાં ભણાવતાં જીવન પૂરું કરી દેત, પણ પોતાના આખા જીવન દરમિયાન મેડમ ક્યુરી કહેતાં રહ્યાં : ‘આઈ ડૉન્ટ નો.’ આથી જ તેઓ એક વખત નહીં, બબ્બે વાર સ્ટોકહૉમ નૉબેલ પારિતોષિક લેવા જઈ શક્યાં હતાં.

એટલે કે જીવનમાં નવા નવા આવિષ્કારો માટેની, નવા નવા સર્જન માટેની એક ગુરુચાવી છે આ સૂત્ર : ‘આઈ ડોન્ટ નો.’

પોતાની અલ્પજ્ઞતાને સર્વજ્ઞતામાં ખપાવતા વ્યક્તિના અહંકારના વિગલનની વાત જ તો ભર્તૃહરિના સુભાષિતનો મધ્યવર્તી વિચાર છે. એ થોડી અધ્યાત્મની દિશા પણ હોઈ શકે. અલ્પજ્ઞતા અથવા અજ્ઞાનની સભાનતાને વિસ્લાવા જ્ઞાનની નવી નવી ક્ષિતિજો ખોલવાની ગુરુચાવી રૂપે જુએ છે, પણ સોક્રેટીસ કહે છે તેમ, લોકોને પોતાની અલ્પજ્ઞતા કે અજ્ઞતાનો જરાય બોધ હોતો નથી. વિસ્લાવા એથી જ કહે છે કે, આ સભાનતા જ વ્યક્તિ અથવા સમાજને જ્ઞાનની નવી ક્ષિતિજો વિસ્તારવા પ્રેરે છે.

વિસ્લાવા અનુસાર ‘આઈ ડૉન્ટ નો’ એટલે જે જાણું છું તે પર્યાપ્ત નથી, હું જે જાણું છું તેનાથી આત્મસંતુષ્ટ નથી એવા દિવ્ય અસંતોષની લાગણી.

[૧-૨-’૯૭]