ચૈતર ચમકે ચાંદની/જીવનમાં જેટલી પૂજા પૂરી નથી થઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જીવનમાં જેટલી પૂજા પૂરી નથી થઈ

દિલ્હીથી મહેન્દ્ર દેસાઈનો એક પત્ર આવ્યો. મહેન્દ્ર દેસાઈ હમણાં મહાદેવભાઈની ડાયરીઓનું સંપાદન કરી રહ્યા છે. તેમના પત્રમાં તેમણે કદાચ મહાદેવભાઈની હસ્તલિખિત ડાયરીમાં લખાયેલી હકીકતના સંદર્ભે રવીન્દ્રનાથના એક ગીત વિશે પૃચ્છા કરી હતી.

‘તા. ૨૬મી ઑક્ટોબર ૧૯૩૭ને દિવસે ગાંધીબાપુ કવિને મળ્યા ત્યારે રવીન્દ્રનાથ આ ગાતા હતા : ‘જીવને જતો ટુકુ હયનિ સારા…’

મહેન્દ્રભાઈએ એ આખા ગીતનો પાઠ અને એના ગુજરાતી ભાષાંતર માટે લખ્યું હતું.

રવીન્દ્રનાથનું આ ગીત તરત મળી ગયું. બંગાળી ‘ગીતાંજલિ’માં છે. પરંતુ, જે વાત મને સ્પર્શી ગઈ અથવા જે વાતે મને કુતૂહલિત કર્યો તે એ કે ગાંધીબાપુ આગળ પોતાના જીવનના ઉત્તરકાલે રવીન્દ્રનાથે આ ગીત જે આમ તો ૧૯૧૦માં લખાયું છે તે કેમ ગાયું હશે? શું તે ગાંધીજીને એ ગીત દ્વારા પોતાના જીવનની કશીક વાતનો નિર્દેશ કરવા માગતા હતા? ગાંધીજીએ સાંભળ્યું હશે અને એના અર્થ વિશે પૃચ્છા કરી હશે તો એમનો કેવો પ્રતિભાવ હશે?

મહાદેવભાઈ હાજર હશે. અને મને લાગે છે કે, ગાંધી-ટાગોરનું આ મિલન શાંતિનિકેતનમાં શ્યામલી નામના ટાગોરના માટીના આવાસમાં થયું હશે. આજે પણ શ્યામલીની માટીની ભીંતો પર ગાંધી-ટાગોરના એ ઐતિહાસિક મિલનની તસવીરો છે. કદાચ આ મિલન અન્યત્ર પણ થયું હોય – વિગત ચકાસવાની રહે છે. પરંતુ, આ ગીત જ કેમ? – એ પ્રશ્ન મને થયો.

રવીન્દ્રનાથના આ ગીતમાં એક ચિરંતન આશાનો સંકેત છે. ઘણી વાર આખા જીવનની મથામણો પછી માણસને લાગે છે કે કશી સફળતા તો મળી નહિ અને જીવન નકામું જ વીતી ગયું. નિરાશાની આવી વિષાદમયી પળોમાં ટાગોરનું આ ગીત ટકી રહેવાનો સંદેશ આપે છે, જે સંદેશ શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં આપેલો છે.

અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે – ‘કોઈ વ્યક્તિનો જીવનયોગ અપૂર્ણ રહી જાય તો શું?’ શ્રીકૃષ્ણ જાણે અભયવચન આપતા હોય એમ કહે છે –‘ન હિ કલ્યાણકૃત, કશ્ચિત્ દુર્ગતિમ્ તાત ગચ્છતિ’. જેણે થોડું પણ સારું કર્યું છે, તે હે તાત, કદી દુર્ગતિને પામતો નથી. એટલે કે યત્ કિંચિત્ પણ સારું કર્યું હોય અને એ અપૂર્ણ રહી ગયું હોય, તો તે કદી ખોવાઈ જતું નથી. એ આગળ ચાલે છે, બીજા અવતાર સુધી.

એ તો શ્રીકૃષ્ણનું અભયવચન છે. આપણા કવિ પણ કહે છે :
જીવને જતો પૂજા હલો ના સારા

જાનિ હે જાનિ તાઓ હયનિ હારા

એટલે કે જીવનમાં જે જે પૂજાઓ પૂરી નથી થઈ, તે ખોવાઈ ગઈ નથી, તે હું જાણું છું – હું જાણું છું.

એટલે કે અહીં તો કવિને પોતાને આત્મપ્રતીતિ છે કે જીવનમાં અધૂરાં રહી ગયેલાં કામોય ખોવાઈ જતાં નથી.

એ ગીતમાં કવિએ ફૂલ અને નદીનું દૃષ્ટાંત આપી આ ભાવને વધારે હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કર્યો છે. કવિ કહે છે કે, જે ફૂલ ખીલ્યા વગર ધરતી પર ખરી પડ્યું છે, તે પણ ખોવાઈ જતું નથી. જગતની નજરે ભલે ખીલ્યા વગર ખરી પડેલું ફૂલ નકામું અને નિષ્ફળ બનતું લાગતું હોય, પણ કવિ કહે છે એવું ફૂલ પણ નકામું ગયું નથી. એવી રીતે જે નદી સમુદ્રને ન મળતાં રણમાં જ પોતાના પ્રવાહને ખોઈ બેસે છે, તે નદી પણ ખોવાતી નથી, દેખાતી હોય ભલે ખોવાઈ જતી.

કવિ કહે છે કે, આપણા જીવનમાં પણ જે કંઈ અપૂર્ણ રહી જાય છે તે નકામું થઈ ગયું નથી. કવિને એવી શ્રદ્ધા છે કે એ બધું છેવટે તો ઈશ્વરની વીણાના તારમાં બજતું રહે છે. એટલે મને પ્રતીતિ છે કે મારું વિગત કે મારું બધું અનાગત પણ ખોવાઈ ગયું નથી.

ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને અભય આપે છે, અહીં કવિ ઈશ્વરને પોતાની એ શ્રદ્ધાન્વિત પ્રતીતિની વાત કરે છે કે જીવનમાં પૂરી ન થયેલી પૂજાઓ પણ ખોવાઈ જતી નથી.

ભગવદ્ગીતામાં જે દાર્શનિક સ્તરે આવે છે, તે અહીં ભાવાત્મક સ્તરે આવે છે એટલે કે કવિતાને સ્તરે. ભગવદ્ગીતાનો રચયિતા પણ મોટો કવિ છે, એલિયટે ભગવદ્ગીતાને દુનિયાનાં શ્રેષ્ઠ ધર્મકાવ્યોમાં બીજું સ્થાન (પ્રથમ સ્થાને એમણે ઇટાલિયન કવિ ડાન્ટેની ‘ડિવાઇન કૉમેડી’ ગણી છે.) આપ્યું છે – ‘કાવ્ય’ તરીકે. રવીન્દ્રનાથની કવિતામાં પણ અધ્યાત્મનો સંસ્પર્શ છે.

આ ગીત તો એ રીતે ઉત્તમ છે, પણ કેમ ‘મહાત્મા’ની ઉપસ્થિતિમાં ‘ગુરુદેવ’ આ ગીત ‘ગાતા’ હશે? ૧૯૩૬ સુધીમાં ટાગોર શાંતિનિકેતન અને વિશ્વભારતી ચલાવતાં ચલાવતાં થાકી ગયા હતા એવા સંકેતો મળે છે. શું એમના મનમાં એમ હશે કે વિશ્વભારતીનું એમણે ઉપાડેલું કામ અધૂરું રહેશે? અને જાણે કે એના ઉત્તર રૂપે જ પોતાના એક ગીતનું અવલંબન લઈ પોતાની શ્રદ્ધાને ટકાવી રહ્યા હશે?

મહેન્દ્રભાઈના પત્રથી આ ગીત આવી એક ધારણાના દરવાજે લાવી ઊભો રાખે છે : ‘જીવનમાં જેટલી પૂજા નથી થઈ તે પણ ખોવાઈ નથી ગઈ.’ – અસીમ આશાભર્યા આ શબ્દો પાછળ નિરાશાનો એક અસ્પષ્ટ, પોતાને પણ ન કળાતો હોય એનો સંકેત નથી શું? અહીં પૂજા અને પ્રેમ પર્યાયવાચી છે એમ કહેવાની જરૂર ખરી? ટાગોરના મનમાં ખરેખર શું હશે?

૬-૧-૯૪