ચૈતર ચમકે ચાંદની/તબ તો ઇક સૂરત ભી થી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તબ તો ઇક સૂરત ભી થી

થોડા દિવસ પહેલાં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી- (જેએનયુ)ના હિન્દીના અધ્યાપક કેદારનાથ સિંહ અમદાવાદ આવ્યા હતા. કેદારનાથ આજે લખાતી હિન્દી કવિતામાં એક અગ્રણી નામ છે. મને એમની કવિતા ગમે છે. મૂળે તો ગોરખપુર પાસેના એક ગામડાના, પણ હવે તો દિલ્હીમાં વસી ગયા છે. એ આવે એટલે હાલતાં-ચાલતાં મહેફિલમાં હોવાનો અનુભવ થાય. હિન્દી સાહિત્યની ગતિવિધિ, એના અંત:પ્રવાહોની વાતો તો હોય, એમને બંગાળીનો પરિચય એટલે બંગાળી સાહિત્યની વાતો ચાલે. પણ એમની સાથે જે વાતે જમાવટ થઈ જાય, તે તો ઉર્દૂ કવિતા પ્રસંગે.

આપણા દેશમાં સંસ્કૃતિ, ધર્મ, સાહિત્ય, ભાષા એમના નરવા રૂપે ભાગ્યે જ અનુભવાય એવી સ્થિતિ છે. એ તમામ પર રાજકીય, ઘેરો રાજકીય રંગ ચઢી ગયો છે. ધર્મને નામે આ દેશના ભાગલા થયા, ભાષાને નામે અલગ રાજ્યો બન્યાં. આ એક વ્યવસ્થા હતી, પણ એનાં દુષ્પરિણામો આવતાં રહ્યાં છે અને આપણે ખંડખંડ વિભાજિત થતા ગયા છીએ. તેમાંય ભાષાને જ્યારે મજહબી રંગ ચઢ્યો ત્યારે એક ખૂબસૂરત ભાષા ખોવાતી ગઈ, તે ભાષા તે ઉર્દૂ. ઉત્તરપ્રદેશ, પંજાબ વગેરે પ્રદેશોમાં તો હિન્દી-ઉર્દૂનો સમાન વ્યવહાર હતો. વાસ્તવમાં બન્ને ભાષાઓમાં એક કાળે માત્ર લિપિભેદ હતો. પ્રેમચંદ પહેલાં ઉર્દૂમાં લખતા હતા, પછી હિન્દીમાં લખવા લાગ્યા. ઉર્દૂ ટૂંકી વાર્તાના ઇતિહાસમાં પહેલા કથાકાર તે પ્રેમચંદ અને હિન્દી કથાસાહિત્યના ઇતિહાસમાં પણ પ્રેમચંદ.

પ્રેમચંદના પુત્ર અમૃતરાયે ‘અ હાઉસ ડિવાઇડેડ’ (જુવારુ) કરીને પુસ્તક લખ્યું છે. તેમાં ઉદાહરણો સાથે બતાવ્યું છે કે, એક હિન્દી-ઉર્દૂ સંયુક્ત પરિવાર-કુટુંબ કેમ વિભક્ત થઈ ગયું? પછી તો આપણે જાણીએ છીએ કે એક કુટુંબનાં અલગ થતાં એકમોમાં અંદર અંદર જેટલાં સ્પર્ધા કે વેરભાવ થાય છે, તેટલાં પારકાઓ સાથે પણ ન થાય. એ તો હિન્દી-ઉર્દૂની વાત થઈ. આપણા ગુજરાતમાં પણ કેટલા બધા લોકોની માતૃભાષા ઉર્દૂ છે! આંધ્રપ્રદેશમાં કેટલા બધા લોકોની માતૃભાષા ઉર્દૂ છે, ત્યાંની ભાષા તો તેલુગુ છે. એ ઉર્દૂ જે માતૃભાષા તે ધર્મને કારણે છે. એવું સમીકરણ રચાઈ ગયું કે, ઉર્દૂ એટલે મુસલમાનોની માતૃભાષા. કાશ્મીરના મુસલમાનો કાશ્મીરી નહીં, ઉર્દૂને પોતાની ભાષા ગણે. આમ થવામાં અનેક બધાં સંકુલ કારણો છે. તેમાં એક તો પોતાની અલગ આગવી ઓળખ બહુમતી સમાજમાં જાળવવાની લઘુમતી સમાજની કટોકટી.

પણ આ ક્યાંથી ક્યાં પહોંચી ગયો. મારે કહેવાની તો એક જ વાત હતી કે, ભાષાસાહિત્યની એક મઝિયારી સંપત્તિથી ધાર્મિક પૂર્વગ્રહોને લીધે કેમ વંચિત થઈ જવાય છે. મેં જોયું છે કે, ઉત્તરપ્રદેશથી હિન્દીના જે જે અધ્યાપકમિત્રો, સાહિત્યકારો આવે છે તે બધા ઉર્દૂની ખૂબસૂરતીને ભૂલ્યા નથી. અમદાવાદમાં કેમ એનો અનુભવ થતો નથી? સંકુચિત રાજકારણને દોષ દઈ શકાય, પણ એટલું જ શું?

દિલ્હીથી કેદારનાથ આવે કે ગોરખપુરથી પરમાનંદ શ્રીવાસ્તવ આવે એટલે એમની સાથે વધારે વાતો ઉર્દૂ શાયરી અને એના લગતા પ્રસંગોની થતી રહે. આ બધા મિત્રો પણ ઉર્દૂ બરાબર એના લહેજામાં બોલે. ભાષાનો સ્પર્શ અને સ્પંદ અનુભવાય. અગાઉ એક વાર જ્યારે તેઓ આવેલા ત્યારે અમદાવાદથી દહેગામ થઈ અમે સુરેન્દ્રનગર ગયેલા. સુરેન્દ્રનગરમાં હિન્દીના કવિ શમશેરજીને મળવા. ઉર્દૂના એ પણ એટલા જ ઉત્તમ કવિ. સુરેન્દ્રનગર જતાં રસ્તે અમારી ટૅક્સી કહોચ પડી. અમને નિરાંત મળી, કંટાળો તો દૂર.

ઉર્દૂશાયરી અંગે એમણે એ નિરાંતની ક્ષણોમાં એક પ્રસંગ કહ્યો, જે મને સ્પર્શી ગયો. અમારી સાથી અધ્યાપિકા મૃદુલા પારીકને પણ. એ પ્રસંગ હતો એક કાશ્મીરી પંડિત, ઉર્દૂ કવિ દયાશંકર ‘નસીમ’ વિષે.

આ વખતે આવ્યા એટલે મેં ફરી એ પ્રસંગની વાત પૂછી, ખાસ તો એ પ્રસંગ પરત્વે થયેલી પાદપૂર્તિની. એ સાંભળતાં થયું, આ પ્રસંગ અત્યારની મંદિર-મસ્જિદની વિવાદી સ્થિતિમાં બહુ સ્પર્શી જાય એવો છે. પંડિત દયાશંકર ‘નસીમ’ મૂળે તો કાશ્મીરી પંડિત હતા, પણ ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં લખનઊમાં રહેતા હતા અને વકીલાત કરતા હતા. કવિ તરીકેનું તખલ્લુસ હતું ‘નસીમ’. કવિ ‘નસીમ’ના ઉસ્તાદ હતા એ વખતના મશહૂર ઉર્દૂ શાયર નાસિખ. આ ઉસ્તાદ પાસે ‘નસીમ’ કવિતાના પાઠ લેતા, ખાસ તો ગઝલલેખનના.

તાલીમના ભાગ રૂપે સ્વયં ઉસ્તાદ શિષ્યની જાહેરમાં પણ પરીક્ષા કરી જુએ.

એક વાર એક મુશાયરામાં ઉસ્તાદ નાસિખે શેરનો એક મિસરા (પંક્તિ) રજૂ કરી પંડિત ‘નસીમ’ને પાદપૂર્તિ કરવા કહ્યું. ઉસ્તાદના મિસરામાં કહેલી વાત નાજુક હતી, થોડો સાંપ્રદાયિક રંગ પણ તેમાં હતો. પરંતુ એ પ્રકારનો વિનોદ એ વખતે કશા દુર્ભાવ વિના પણ થઈ શકતો.

ઉસ્તાદ નાસિખે કહેલી શેરની એ પ્રથમ પંક્તિ આ પ્રમાણે હતીઃ

‘શેખને મસ્જિદ બના બિસમાર બુતખાના કિયા’

બુત એટલે મૂર્તિ, બુતખાનાનો અર્થ થશે મંદિર. ‘બિસમાર બુતખાના કિયા’ એટલે મંદિરને તોડી નાખ્યું. શેખે મસ્જિદ બનાવી મંદિરને તોડી નાખ્યું – એવો શેર એ મિસરાનો અર્થ થયો.

હવે એનું બીજું ચરણ શિષ્યે – પંડિત ‘નસીમે’ રચવાનું હતું. પંડિત ‘નસીમ’ માટે કસોટી હતી અને પાછી ઉસ્તાદ તરફથી અને ભર મુશાયરામાં. વળી મંદિર-મસ્જિદવાળી વાત આવી ગઈ હતી. પાછા પડે કે પરાસ્ત થાય તો શાયર તરીકે પોતાની જ નહીં, પોતાની જાતિની પણ હાર થાય.

પંડિત નસીમે જરા વિચારી બીજી લીટી આ પ્રમાણે રજૂ કરી :

‘તબ તો ઇક સૂરત ભી થી અબ સાફ વીરાના કિયા’

એટલે કે મંદિર હતું, ત્યારે તો એક ‘સૂરત’ એક રૂપ, એક મૂર્તિ તો કમસેકમ હતાં, પણ (મસ્જિદ થતાં) હવે તો બધું સફાચટ, વેરાન થઈ ગયું. કંઈ ન રહ્યું.

‘નસીમ’ની પંક્તિમાં જબરદસ્ત પ્રતિ-પ્રહાર હતો. શેરને માથે સવાશેર. ખૂબી તો એ હતી કે, ‘નસીમ’ની વાણી સંયત છતાં જલદ હતી. પરંતુ એ સાથે શીઘ્ર કવિત્વની કલાની પરાકાષ્ઠા પણ હતી.

‘વાહ! વાહ! વાહ! ક્યા ખૂબ!’

મુશાયરામાં બેઠેલા મુસલમાન શ્રોતાઓએ પણ કવિ ‘નસીમ’ને ભરપૂર દાદ આપી. એટલું જ નહીં. કવિ ‘નસીમ’ની આ લાજવાબ ચોટદાર પંક્તિના સન્માનમાં એ મુશાયરો ત્યાં જ સમાપ્ત કરી દેવામાં આવ્યો.

મારે પણ કવિ કેદારનાથ સિંહે કહેલી આ વાત અહીં જ સમાપ્ત કરી દેવી જોઈએ. પરંતુ મારે આ પ્રસંગ પરત્વે એક વાત રેખાંકિત કરવી છે. પોતાના ઉસ્તાદે આપેલી પહેલી પંક્તિની અદ્ભુત માર્મિક પાદપૂર્તિ કરી એ માટે આજે પણ દાદ આપીએ એટલી ઓછી. ‘નસીમ’ એટલે આમ તો શીતલ મૃદુ પવનની લહેરખી. પણ અહીં ‘નસીમ’ની વાણી તાતા તીર જેવી છે. વાહ!

પણ વધારે ‘વાહ વાહ!’ તો એ મુશાયરાના ઉદારમન મુસલમાન શ્રોતાઓની અને ઉસ્તાદ નાસિખની જેમણે ‘નસીમ’ની તિલમિલાવી દે એવી પંક્તિની ચોટ સહી, એટલું જ નહીં માણી-પરમાણી અને એના સમ્માનમાં મુશાયરો બરખાસ્ત કર્યો.

આવી નિર્ભીક પાદપૂર્તિ અને એ સાથે ખેલદિલીપૂર્વક એ સુંદર કવિત્વને દાદ આપતી રસિક ઉદારતાની શોધ આજના આપણા દેશમાં ગૂંચવાયેલા મંદિર-મસ્જિદ વિવાદમાં ક્યાં કરીશું?

૨૯-૧૧-૯૨