જનપદ/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સર્જક પરિચય
Sarjak Kanji Patel.jpg


કાનજી પટેલ

કાનજી પટેલ (જન્મ ૧૯૫૨) મુખ્યત્વે કવિ, નવલકથાકાર. સર્જકનું પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ શિક્ષણ લુણાવાડામાં. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન લુણાવાડા કોલેજમાં. હાલ નિવૃત્ત. ગ્રામચેતનાના એક સશક્ત કવિ લેખે તેઓની પાસેથી ‘જનપદ’, ‘ડુંગરદેવ’ જેવા કાવ્યસંગ્રહો ઉપરાંત ‘ધરતીનાં વચન’ અને ‘દેશ’માં આદિવાસી જનજાતિઓની વ્યથાકથા, જીવનપીડા અને હદપારી ભોગવતા લોકસંવેદનોને બળકટ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. દેશીવાદના પ્રતીતિજનક ચિત્રો આ રચનાઓમાં કવિ અરૂઢ રીતિમાં આલેખી બતાવવાનું કૌશલ દાખવે છે. લોકજીવનની પ્રત્યક્ષતા અને રચનાઓમાં જીવન સાથે અવિનાભાવે સંકળાયેલ પ્રકૃતિરાગ, સરહદી ડુંગરાઓમાં અપાર મુસીબતો સાથે એના રીતિરિવાજો, ધાર્મિક ક્રિયાકાંડ, નાતજાતના વૈશિષ્ટ્યો પ્રતીકાત્મક રૂપે નિરૂપણ પામ્યા છે. નવલકથા ક્ષેત્રે એમણે ‘કોતરની ધાર પર’, ‘દ્વાસુપર્ણા’, ‘ડહેલું’, ‘ભીલની ભોંય’ જેવા નોંધપાત્ર પ્રદાનો કર્યા છે. ‘કોતરની ધાર પર’ની વિષયસામગ્રી અને એની નિરૂપણરીતિની પ્રભાવકતા અંગે ઉમાશંકર જેવા કવિ પણ અન્ય વિદ્વાન સમક્ષ તળમાંથી આવતા યુવા સર્જકો કેવું સૂક્ષ્મ જોઈ શકે છે એની નોંધ લીધા વિના રહી શક્યા નથી. આ નવલકથાઓનો પટ પણ વંચિતો, આદિવાસી સમાજ પ્રત્યે ઇંગિત કરે છે. વિમુકત વિચરતી જાતિઓ વિશેની એમના હાથે લખાયેલી વાર્તાઓ ‘ડેરો’ નામે સંગ્રહિત છે. ભરત નાયક અને ગીતા નાયકે આધુનિક પરંપરાના વિસ્તાર કાજે ‘ગદ્યપર્વ’નો આરંભ કરેલો. એ સામયિકનું સંપાદન સને ૧૯૯૩થી ૧૯૯૮ દરમિયાન આ સર્જકે સંભાળેલું ત્યારે એમાં પ્રકાશિત થયેલા આદિવાસીઓની મૌખિક પરંપરા અને મૌલિક સાહિત્યનુ અંકન આ સામયિકનો ગુણવિશેષ બની રહે એમ છે. લૌકિક વિધિ અને સમાજનું સામયિક જેવી ઓળખ ધરાવતું ‘વહી’ કવિતાનું ત્રૈમાસિક ૨૦૦૦થી ૨૦૨૧ સુધી સંપાદિત કર્યું જેમાં પ્રતિષ્ઠિત કવિઓની રચનાઓ સાથે નવોદિત કવિઓને વિકસવાની અહીં તક મળી છે. પંથમંત્રો, બાઉલગીતો જેવી કંઠસ્થ પરંપરાને અંકે કરવાનો આ નોખો પુરુષાર્થ હતો. ગુજરાત, દીવ, દમણ, દાદરા અને નગરહવેલીની ભાષાઓનાં સર્વેક્ષણનો ગ્રંથ તેમણે સંપાદિત કર્યો છે. આ સર્જકને નવરોઝ સંસ્થા પુરસ્કાર, ‘ડેરો’ને ઉત્તમ વાર્તા પુરસ્કાર, ‘મધપૂડો’ જેવી વાર્તા માટે રાષ્ટ્રીય સ્તરનો કથા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ધૂમકેતુ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

—કિશોર વ્યાસ