જયદેવ શુક્લની કવિતા/તાલ-કાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તાલ-કાવ્યો

સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ


તાલ
ચાલ ચાલે છે
ચાલ્યા ક૨ે છે લોહીમાં
નગારાની ઢામ્‌ ધડામ્‌ ઢામ્‌ ઢામ્‌ તડામ્‌
મૃદંગના ધાધા દિંતા કિટધા દિંતા
તબલાંની ધાગે તિરકિટ ધિનગિન ધાગે તિરકિટ ધિનગિન-ની ચાલથી
રંગાતો રહું
મદમાતો રહું
મદમાતો ફરું....
તિરકિટ ધા તિરકિટ ધા તિરકિટ ધા-ની તિહાઈ પર
લોહીનાં ઝરણાં
વળાંકે વળાંકે
તોરમાં તૉરિલા...
મન્દિર ને સીમ
નૃત્ય તે ગાન
સમ પર
ભીંજોતો રહું
કિટધાતો ફરું...
ક્યારેક ઝપતાલ
ક્યારેક ધ્રુપદ-ધમાર
તો વળી ક્યારેક કહરવાનું ધાગેનતી નકધીં
સતત સતત બજ્યા કરે છે.
સસલાની જેમ પાંસળીઓમાં
મધુર મધુર કૂદ્યા કરે છે.
પાંસળીઓનાં પાલાણોમાં... ધાગેનતી નકધીં
ધાગેનતી નકધીં
ત્યારે
હું, હું નથી હોતો જાણો છો?

દિવસે,
અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને
રાત્રિએ
ઝપતાલના ઠાઠમાં
મ્હેકતો પસાર થતો
જોયો છે કદી?
ધીંના ધીંધીંના તીંના ધીંધીંના
વર્ષાની
આછી ઝરમરમાં
બન્ધ બાજના તિરકિટના ‘રેલા’
સુણ્યા છે કદી?

તબલાં સાંભળતાં જ
ટેરવે ટેરવે ઘર કરે
રવ કરે
રવ રવે
ધેટ ધેટ તેટ તેટના તોખાર...
શિરાએ શિરાએ બેઠેલી નાગણો
મૃદંગના કિટતક ગદીગન ધા તત્‌ ધા કિટતક ગદીગન ધા તત્‌ ધા
સાંભળતાં જ
રાનેરી લયથી નાચે છે...
ક્યારેક વર્ષો પર્યન્ત
સમ પર અવાતું જ નથી.
ધાધા તિરકિટ-ના ધાન ધેકેટ-ના
કાયદા પરન ને બોલ આવર્તાયા કરે છે
આવર્તાયા કરે છે...

હું અધ્ધર શ્વાસે
રૂપક તાલના ખાલી પર સમ જેવી
કોઈ ઘટનાની
પ્રતીક્ષા કરું છું.



પતડત તડપત
ચિતવન ચિતવન
ધડકન ધડકન ધા
ધડકન ધડકન ધા
ધડકન ધડકન ધા
શર શર દરશન
દરશન દરપણ
ચલો મન ચલો મન
સ્તન કર સ્તન કર
ચપલ ચલત મન
ચરત ચપલ તન
ચપલ ચપલ ધીંધા.
ચરત છરત મન
ચપલ ચપલ સ્તન
અધીર અધર ધર
ચિતવત ચિતવન
તનત તનત તન-તા
તનત તનત તન-તા
મમત મમત મમ-તા

ઘઘન ગગન ઘન
ઘનન ઘનન ઘન
મનન મનન નન
ગમન ગમન મન
અધિમન અતિમન
મતિમન જતિમન
પતડત તડપત
તડત તડત પત
તડત ઉડત મન
ઉડત ઉડત સ્તન
સ્તન ઘન
સ્તન વન
તવ સ્તન મમ સ્તન
સ્તનતા સ્તનતા
તડપત પતડત
તડપત બરસત
બરસત પતડત
ધીર ધીર ધીરધીર-તા ધીરતા
તીર તીર તીરતીર-તા તીરતા
ધીર ધીર તીરતીર-ધા તીરધા.