જાળિયું/સાહેબ (ઓળખ : જુલાઈ 1993)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાહેબ

પોસ્ટમેને પત્ર હાથમાં આપ્યો કે તરત એ અક્ષરો ઓળખી ગયો. કેટલાં વર્ષે ઉપાધ્યાયસાહેબના અક્ષરો જોવા મળ્યા! ઉપર લખ્યું હતું : ગુણવંતરાય શં. ઉપાધ્યાય, નિવૃત્ત મુખ્ય શિક્ષક, બી. ડી. એસ. હાઈસ્કૂલ, બાપોદરા. એને થયું, સાહેબ તમારે ઓળખાણ આપવાની શી જરૂર? મારા ઉપર આટલો બધો અવિશ્વાસ? હું ભણતો ત્યારેય ઘૂંટી ઘૂંટીને તમારા જેવા અક્ષરો કાઢવાની મથામણ કરતો, સાહેબ! તમે સહી ન કરી હોત તોય ઓળખી જાત! એણે આખો પત્ર ફરી ધ્યાનથી વાંચ્યો, પછી એકદમ ખુશ થતોકને બૂમ પાડી ઊઠ્યો, ‘અરે સુધા! સાંભળે છે? સોમવારે ઉપાધ્યાયસાહેબ અહીં, આપણ ઘેર આવે છે! આમ તો સીધા ઑફિસે આવશે, પણ પછી હું એમને લેતો આવીશ!’ એટલું બોલતાંમાં તો એને થયું કે પોતે ક્યાંક કૂદકો ન લગાવી દે! સુધા પણ રાજી થઈ ગઈ. જોકે એણે ઉપાધ્યાયસાહેબને કદી જોયા નથી, પણ બિપિને એમને વિશે એટલી બધી વાતો કરી છે કે એ સહેજેય અજાણ્યા નથી રહ્યા. સગાઈ થયાના બીજા દિવસે બંને બાપોદરાની ક્વૉલિટી હોટલમાં બેઠાં હતાં ત્યારે પ્રેમની રોમાંચભરી વાતોને બદલે એણે અથશ્રી ગુણવંતરાય કથાભ્યામ્ પ્રથમોથી પંચમો અધ્યાય સુધી ચલાવેલું, વેઈટર આવીને કટલેટ્સ મૂકી ગયો ત્યારે સુધાએ એના હાથ ઉપર સહેજ કાંટો અડકાડીને કહેલું – ‘ભેગાભેગી આરતી પણ ગાઈ લો ને! થાળ તો આવી ગયો છે!’ ને બંને ખડખડાટ હસી પડેલાં. બિપિને કહ્યું, ‘આજે હું જે કંઈ છું તે કોના લીધે છું એ તો તને જણાવવું જ જોઈએ ને? ભલે તે તને ન ગમે તોય...’ બિપિને કૅલેન્ડર સામે જોયું. હજી ચાર દિવસની વાર. એ ચાર દિવસ દરમિયાન એને ઘેર જેટલા માણસો આવ્યા એ બધાને એ ઉમળકાથી કહેતો, ‘મારા સાહેબ, ઉપાધ્યાયસાહેબ આવવાના છે! હું હાઈસ્કૂલમાં એમની પાસે ભણતો!’ એના પ્રત્યેક વાક્યમાં અહોભાવ અને આનંદ પ્રગટી રહે. ઑફિસમાં એણે પટાવાળાથી માંડીને હેડક્લાર્ક સુધીના સહુને કહી રાખેલું; ‘સોમવારે સાહેબ આવે છે!’ ઉપાધ્યાયસાહેબનું નામ ઑફિસ-સ્ટાફ માટેય અજાણ્યું નહોતું. જ્યારે પણ શિસ્ત, પ્રામાણિકતા, બુદ્ધિનિષ્ઠા કે પછી દુનિયાભરના કોઈ પણ સદ્ગુણની વાત નીકળે ત્યારે એ અચૂક ઉપાધ્યાયસાહેબને યાદ કરતો. એક વાર તો હેડક્લાર્ક રાઠોડ બોલી ઊઠેલા, ‘સાહેબ! જોવા પડશે હોં તમારા સાહેબને!’ ને એ ખુમારીથી મંદમંદ સ્મિત વેરતો રહેલો. એની આંખો સામે ઊંચો, ગોરો વાન, શરીર કંઈ જાડું નહિ, ઉપર જતું કપાળ. વ્યવસ્થિત ઓળેલા વાળની શિસ્તમાં ન રહેતી બંકિમ લટ, સહેજ લાંબી ડોક, બંધ હોઠોનું સ્મિત, એક પણ ડાઘ વગરના ખાદીનાં સફેદ વસ્ત્રો ને ચાલે ત્યારે ડાબો ખભો જરાતરા ઊંચો રહે. નરી સ્ફૂર્તિ ને ગૌરવ-ગરિમાનું સાક્ષાત્ રૂપ તરી આવ્યું. રાઠોડ ક્યારે જતા રહ્યા એનો પણ ખ્યાલ રહ્યો નહિ. એ વિચારતો હતો, આજે શનિવાર થયો. રસોડામાંથી અચાનક સુધાનો અવાજ આવ્યો. ‘હવે ઊભા થશો કે પછી સોમવાર સુધી આમ જ બેઠા રહેશો?’ એ મહોરી ઊઠ્યો, બિપિનજી! સુધાદેવી પણ તમારા આનંદમાં સામેલ છે. મજો મજો થઈ જશે એમ વિચારતો એ રસોડામાં ગયો. સુધાના ખભે હાથ મૂકીને કહે, ‘કદાચ છે ને સાહેબ કાલે રવિવારે જ આવી જાય તો?’ એની આંખો નાચી ઊઠી. ‘પણ સોમવારનું લખ્યું છે તે સોમવારે જ આવશે. નહિતર લખે નહિ કે રવિવારે આવીશ! તમે જ કહેતા હતા કે સાહેબ સમયની બાબતમાં બહુ ચોક્કસ. કોઈને છનો ટાઈમ આપ્યો હોય તો બરાબર છએ જ પહોંચે, ન વહેલા ન મોડા! ઘડિયાળ ખોટું પડે પણ...’ બિપિન સહેજ ખસિયાણો પડી ગયો. થયું કે મારા કરતાંય આવી આ સાહેબને વધુ ઓળખી ગઈ છે! તોય ઘડીભર એને માનવું ગમ્યું કે બિપિન સાથે એક દિવસ રહી શકાય એવો વિચાર સાહેબને આવે ને રવિવારે જ આવી ચડે! વળી એણે જ વિચાર્યું – ના, એવું તો ન જ બને! સુધાને રોટલી કરતી અટકાવીને એણે કહ્યું, ‘તને ખબર છે? સાહેબે શ્રેષ્ઠ શિક્ષક તરીકે મળતો રાષ્ટ્રપતિનો ઍવૉર્ડ નકારેલો તે! એમણે કહેલું કે ઉત્તમ શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષકની ફરજ છે અને એ ફરજનો તો પગારેય મળે છે. ઍવૉર્ડ શાનો?’ સુધા ખડખડાટ હસી પડી, ને વિસ્ફારિત આંખે એની સામે હાથનાં પાંચેય આંગળાં ભેગાં છૂટાં કરી હલાવ્યાં, પંચવેલનું કોઈ પાંદડું હલી ઊઠ્યું. એ ફરી છોભીલો પડી ગયો. એનેય યાદ આવ્યું કે આ વાત એ સુધાને પાંચ વખત કરી ચૂક્યો હતો! એ મૂંગો મૂંગો રોટલી ઉપર સરળતાથી ફરતા વેલણની સાથે સુધાની આંગળીઓ જોઈ રહ્યો. સુધાએ લોઢીમાંની રોટલી બીજી બાજુ ફેરવતાં કહ્યું, ‘મને ખબર છે તમને ચેન નથી, બહુ ઉત્પાતિયા છો. સાહેબ નહિ આવે ત્યાં સુધી તમારું તો આવું જ રહેવાનું!’ ‘તને ખબર છે સુધા, આપણને ગમતું માણસ આવવાનું હોય ત્યારે શું થાય એની? મને તો આમ રાહ જોઈ રહેવાનુંય ગમે છે...’ કહી એ રસોડામાં જ ગોળ ફર્યો ને જાણે પોતાને જ કહેતો હોય એમ ધીમેથી બોલ્યો, ‘સાહેબ આવવાના!’ ‘તમે તો સાવ નાના બાળક જેવું કરવા માંડ્યા! જાવ...હવે નાહી લો. ઑફિસે જવું છે કે પછી આજે ત્યાંય રજા રાખવી છે?’ ‘તારી વાત સાચી છે, સાહેબ પાસે તો અમે સાવ બાળક જ! તું જોજેને કે એ કેટલા સભરસભર છે તે!’ આખો રવિવાર એને જંપ વળ્યો નહિ. ક્ષણે-ક્ષણે ધબકારા વધી જતા હોય એવું એને લાગ્યું. ઘડીવારેય બહાર ન ગયો. સોફા પર બેસે, વળી ઊભો થાય ને બારીમાંથી બહાર નજર કરતો થોડી વારે...ફરી પાછો પલંગ પર બેસે. થોડી વારે આડો પડે...બહાર કોઈ વાહનનો અવાજ આવે ને બારણા પાસે ધસી જાય…ફળિયામાં જઈને ઊભો રહે. કોઈનું સ્કૂટર હતું એમ ખાતરી થાય એટલે બોગનવેલનું એક પાંદડું તોડીને પાછો સોફામાં. પાંદડાને ક્યાંય સુધી હથેળીઓમાં મસળ્યા કરે! એણે સુધાને બેથી ત્રણ વખત કહ્યું, ‘સાહેબને દૂધપાક ખૂબ પ્રિય છે, એ તો બનાવજે જ અને હા, ખાંડ સહેજ ચડિયાતી!’ બિપિન માંડ કરીને સોમવાર લાવ્યો, હજુ તો ઑફિસમાં કોઈ આવ્યુંય નહોતું ને આ સાહેબ બહુ પહેલાં પહોંચી ગયા. બપોરના ત્રણ સુધી કંઈ કામ સૂઝ્યું નહિ. ખુરશીમાં જ બેઠો રહ્યો. અચાનક પટાવાળો આવ્યો ને ચિઠ્ઠી આપી, ‘તરત મોકલ!’ એટલું કહેતામાં તો એ ઊભો થઈ ગયો. બારણું સહેજ ખૂલ્યું ને એ દોડી પડ્યો. પટાવાળો ને બિપિન એકસાથે જ બહાર નીકળવા ગયા ને બંને અથડાઈ પડ્યા. પટાવાળો ‘સૉરી’ કહીને બાજુમાં ખસી ગયો. સામે જ ગુણવંતરાય ઊભા હતા. ‘સા...હે…બ…!’ કરતો બિપિન એમના પગમાં દંડવત્…ગુણવંતરાયે એના બેય હાથ પકડીને ઊભો કર્યો ને બંને ભેટી પડ્યા. બિપિનની આંખો જરા ભીની થઈ ગઈ, એમ જ આવેશમાં બંને ચેમ્બરમાં ગયા. ગુણવંતરાયે એક નજરમાં જ બધું પામી લીધું. આનંદથી ગદગદ થતા ખુરશીમાં બેઠા. બિપિનને અચાનક યાદ આવ્યું કે બહાર કોઈક બીજું પણ હતું. એણે પૂછ્યું, ‘સાહેબ, તમારી સાથે કોઈ હતું?’ ‘હા, મારો દીકરો! જગદીપ.’ ‘ઘણો મોટો થઈ ગયો છે નહિ?’ એકદમ પ્રસન્ન ચહેરે બિપિન પૂછી વળ્યો. ‘મારું તો ધ્યાન પણ નહોતું! આપણે તો સાહેબ તમને જોયા એટલે બીજું કંઈ દેખીએ જ નહિ ને!’ એટલું બોલતાં એણે બેલ વગાડી પટાવાળો આવે એ પહેલાં તો જગદીપ અંદર આવી ગયો. ગુણવંતરાય ક્યાંય સુધી ભાવવિભોર નજરે બિપિનને જોતા રહ્યા. એમની આંખોએ ચમક અને ભીનાશ એકસાથે પાથર્યાં. ‘તને આટલી મોટી જગા પર બેઠેલો જોઈને મારું ભણાવ્યું આજે સાર્થક લાગે છે. આનંદ થાય છે. છાતી ગજગજ ફૂલે છે...’ ગુણવંતરાય બોલતા હતા પણ બિપિન વિચારમાં પડી ગયો. શબ્દોનાં ચોસલાં તો પડે છે પણ અવાજમાં પહેલાં સમો રણકો રહ્યો નથી. બોલતી વખતે ખોટી જગાએ શ્વાસ લેતા-મૂકતા સાહેબને જોઈ થોડું દુઃખ થયું અને પોતાનાં વખાણ સાંભળી ક્ષોભ પણ અનુભવ્યો. ગુણવંતરાય હજુ રાજીપામાંથી બહાર આવ્યા નહોતા. બિપિનનો ક્ષોભ એમના સુધી પહોંચ્યો નહિ! એ તો બોલતા જ રહ્યા. ‘ઘણી વાર તારાં બહેનને ને બાળકો લાગતું કે મારા જેવો માણસ ક્યારેય બે પાંદડે નહિ થાય. પણ આજે લાગે છે કે આનાથી મોટી બીજી કોઈ કમાઈ ન હોય. તમને બધાને આમ આગળ વધેલા જોઉં છું ત્યારે આંખ ઠરે છે, હાશ થાય છે. એક તારા જેવો જ બીજો વિદ્યાર્થી, પેલો નવીન ઠક્કર ખરોને? એ તારાથી આગળ હતો કે પાછળ?’ બિપિને યાદ કરવા પ્રયત્ન કર્યો, ‘ન…વી…ન… ઠક્કર! એ તો મારી સાથે જ, પણ ‘બી’માં હતો. પેલો ચોરી કરતાં પકડાયેલો ને સાહેબ, તમે કાઢી મૂકેલો એ જ નવીનને?’ ગુણવંતરાયે એને આગળ બોલતાં અટકાવી દીધો, ‘હા, એ જ નવીન! ડૉક્ટર થઈ ગયો, ડૉક્ટર…! વડોદરામાં આય્ સ્પેશ્યાલિસ્ટ છે.’ બિપિન અંદરથી ફફડી ગયો. ખિસ્સામાં હાથ નાખ્યા પછી આખેઆખો હાથ નીચે બહાર નીકળી જાય ને પડે એવો ધ્રાસકો એના મનમાં પડ્યો. બીજું કોઈ નહિ ને સાહેબ તમે ઊઠીને એ નવીનથી પોરસાશો? તમે તો એને હાઈસ્કૂલમાં હતો એટલો જ જાણો, સારું થયું કે તમે મેડિકલ કૉલેજમાં પ્રોફેસર નહોતા! એ કશું જ ન બોલી શક્યો. ઊંડો શ્વાસ લીધો ને પછી સહેજ ગળું ખોંખાર્યું. ટેબલ પર પડેલા પેપરવેટને જગદીપ ક્યારનો ગોળગોળ ફેરવતો રમત કરતો હતો. એ થોડી થોડી વારે બાપુજી સામે જોયા કરતો હતો. એના મનમાં કંઈક ઉચાટ હોય એમ લાગ્યું. બિપિને એના પર નજર ઠેરવીને પૂછ્યું, ‘શું કરે છે જગદીપ તું આજકાલ?’ ‘સ્ટેનોગ્રાફીનું પૂરું કર્યું. હમણાં તો…’ અને એણે બાપુજી સામે અપેક્ષાભરી નજરે જોયું ને પછી આગળ કશું ન બોલ્યો. એના ઊંડાણમાં એક ચટપટી હતી કે બાપુજી વળી પાછું સિદ્ધાંતનું પૂંછડું પકડે નહિ તો સારું. પરંતુ ગુણવંતરાયે એની વાત ઝીલી નહિ. જગદીપના ચહેરા પર બાપુજીએ તક જતી કર્યાનો ભાવ પ્રગટ થયો. થોડી વાર બધું મૌન. બિપિનને કશું યાદ આવતાં એણે બેલ વગાડી. પટાવાળો આવ્યો એટલે કહ્યું, ‘જા ઘેરથી ચા લઈ આવ, ને કહેજે કે સાહેબ આવી ગયા છે. સાંજે જમવાનું તૈયાર રાખે!’ પટાવાળો સાહેબને નમસ્તે કરીને જતો હતો ત્યાં જ ગુણવંતરાયે એનો હાથ પકડીને ઊભો રાખ્યો. એમણે બિપિન સામે જોઈને કહ્યું, ‘આજે જમવાનો સમય નથી. આ તો તારું ખાસ કામ હતું એટલે જ નીકળ્યો. બાકી હું ક્યાંય બહાર જતો કે જમતો નથી.’ ‘પણ સાહેબ, મારું ઘર કંઈ પારકું તો ન જ કહેવાય. હું સુધાને કહીને આવ્યો છું, રસોઈ તૈયાર જ હશે...’ ‘ફરી ક્યારેક! આજે તો જવા જ દે…’ ‘પણ...સાહેબ! રસોઈમાં દૂધપાક હોય તો? રોકાવ કે નહિ?’ ‘ના ભાઈ ના, હવે તો ડાયાબિટીસે ઘેરી લીધો છે મને. કશુંય મીઠું ન ચાલે...’ બિપિન લગભગ નિરાધાર થઈ ગયો. સામે સાહેબ હોવા છતાં એને ખાલીપણાએ ઘેરી લીધો. વાચા તો ગઈ પણ આંખોય કશું બોલી ન શકી. પટાવાળને માત્ર ચા લાવવાનું કહી રવાના કર્યો. ગુણવંતરાયે રૂમાલ કાઢ્યો ને પરસેવો લૂછ્યો. પછી જગદીપ સામે જોઈને બિપિનને કહે, ‘એણે સ્ટેનોગ્રાફીનું પૂરું કર્યું. હવે તો એવું છે ને…તું તો જાણે છે બધું… આગળ-પાછળ દબાણ ન હોય તો કામ થતાં નથી. હમણાં જગદીપને તારી ઑફિસમાંથી ઇન્ટરવ્યૂનો પત્ર મળ્યો. આમ તો એ જાતે જ સ્પર્ધામાં આગળ આવે એવો છે પણ તોય... આખરી પસંદગી વખતે જરા ધ્યાન રાખવું પડશે... પત્રની નીચે તારી સહી જોઈ એટલે તારાં બહેને કહ્યું કે જગદીપની નોકરી પાકી! બિપિનને તો તારા બાપુજીએ ભણાવેલો...’ જગદીપને થયું કે બાપુજી બરાબર ભલામણ કરે તો સારું. ભલામણેય શું કામ? વચન મેળવી લે તો બધું પતી જાય. એને બીક હતી કે બાપુજી ક્યાંક સિદ્ધાંત…એને બાપુજીના શબ્દો યાદ આવ્યા. ‘મારો પગ નહિ ઊપડે. આજ લગી મેં જે નથી કર્યું. એ હવે શીદને કરવું? તારી લાયકાત હશે ને તારાથી કોઈ ચઢિયાતું નહિ હોય તો તને જરૂર નોકરી મળશે. હું તો ત્યાં લગી માનું છું કે તમારે તમારી અનિવાર્યતા સિદ્ધ કરી આપવી પડે. બાકી હું ભલામણ કરવા જાઉં એવી અપેક્ષા જ બરાબર નથી. હા, હજીય કોઈ ત્રાહિતનું કામ હોય તોય ઠીક. ઘરનું અંગત કામ… નર્યા સ્વાર્થનું કામ લઈને કેવી રીતે જાઉં એની પાસે?’ પણ જગદીપ અને એની બાના આગ્રહ આગળ એ ઝૂકી પડેલા. થોડી ક્ષણો તો બિપિન રૂની પૂણી જેવો થઈ ગયો. ભલામણો તો ભાતભાતની આવતી હતી, પણ સાહેબેય? એ નક્કી ન કરી શક્યો કે સાહેબને શું કહેવું. પોતાના વ્યક્તિત્વને અકબંધ ઓપ આપીને સાહેબે જે સૂતરની ગાંઠ મારી હતી તે ગાંઠ કંઈક સરકી રહ્યાનું બિપિને અનુભવ્યું. એણે બંને હાથ ભેગા કરીને સખત દબાવ્યા. અવઢવભરી નજરે જગદીપ સામે જોયું પણ પછી સાહેબ સામે પ્રશ્નાર્થ જેવી નજર માંડતાં એનો જીવ જાણે ઘાંટીમાં આવી ગયો. સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં જ એણે કહ્યું, ‘સાહેબ! આમાં તો એવું છે ને કે નિર્ણય કરવાનો મારા એકલાના હાથમાં નથી. કમિટી હોય છે... પણ તમે બહુ ચિંતા ન કરશો... જોઈશું બને તેટલું... બોલો બીજું શું ચાલે છે? શું કરે છે મારાં બહેન?’ ‘મજામાં છે. ક્યારેક તમને સહુને યાદ કરે. હમણાં એના મોતિયાનું ઑપરેશન નવીન પાસે જ કરાવ્યું. વડોદરા!’ બિપિનને બહેનનો ચહેરો યાદ આવી ગયો. એ પણ સાહેબના પગલામાં પગલું માંડનારાં. કોઈ પાસેથી દાતણેય મફત ન લે. કેટલીય વાર વિદ્યાર્થીઓ સાહેબને ઘેર કાંઈ ને કાંઈ આપવા જાય. સાહેબ ઘેર ન હોય ત્યારે જાય, પણ બહેન એક વાક્યમાં જ પતાવી દે, ‘અમારે તો તમને આપવાનું હોય. લેવાનું ન હોય!’ બિપિને એમના મોતિયા બાબતે ચિંતા વ્યક્ત કરી, ‘હવે તો સારું છે ને? ન હોય તો અહીં લઈ આવો, આપણે અહીં બધી તપાસ કરાવીએ!’ વળી પાછી ગાડી આડપાડે ચડી ગઈ એમ ધારી અકળાયેલો જગદીપ બોલી ઊઠ્યો, ‘હેં બિપિન ભા...ઈ...?’ ભાઈ બોલતાં સુધીમાં તો એની જીભ થોથવાઈ ગઈ ને પછી તરત ઉમેર્યું, ‘સાહેબ! કેટલી જગ્યા ભરવાની છે?’ ગંભીર ચહેરે બિપિને જવાબ વાળ્યો, ‘જગ્યા તો એક જ છે!’ ગુણવંતરાય અચાનક જ વચ્ચે બોલી ઊઠ્યા, ‘એક જ છે? તો જરા કાઠું ખરું! પણ તારા માટે અઘરું ન કહેવાય…’ બિપિને સાહેબને બોલવા દીધા, ‘તું...તમે તો જાણો છો કે અત્યારના યુગમાં ક્યાંય વાડ વિના વેલા ચડતા નથી, તને વધુ તો શું કહું? દાંતને જીભની ભલામણ કરવાની ન હોય! તમે પણ મારે તો જગદીપ જેવા જ...’ ગુણવંતરાય એને તું કહેવું કે તમે તે બાબતે ગડમથલમાં હતા. સાહેબ મળવાના આનંદ સાથે આ બીજું બધું શું ભળી ગયું? બિપિનના મગજમાં ધણધણાટી થઈ ગઈ. એક ક્ષણ એને ગુરુદક્ષિણામાં પોતાનું રાજીનામું આપી દેવાની ઇચ્છા થઈ આવી. ક્યાંય સુધી કશું ન બોલ્યો. પટાવાળો ચા લઈને આવ્યો. પૂરી ચેમ્બરમાં ચાનો સડસડાટ પ્રસરી રહ્યો. બિપિન ફળફળતી ચા પી ગયો. એને આમ ખોવાયેલો ખોવાયેલો જોઈ ગુણવંતરાય બોલ્યા, ‘શું વિચારમાં પડી ગયા સાહેબ? કંઈ અગવડ જેવું હોય…કોઈ બીજાને કહેવા જેવું લાગતું હોય…અથવા બીજી કોઈ રીતે...’ જાણે કોઈ ભવ્ય ઇમારતનું સહેજ માટે લટકી રહેલું છજું પણ ધબાક કરતું નીચે આવી પડ્યું. એને આઘું ખસડી રહ્યો હોય એમ બિપિન બોલ્યો, ‘ના ના સાહેબ! એવી કંઈ જરૂર નથી. આ તો ગરમાગરમ ચા એક શ્વાસે પિવાઈ ગઈ એટલે જીભમાં થોડું ચરચરાટ જેવું લાગ્યું…’ એમ કહી એણે જીભ બહાર કાઢી તો ગુણવંતરાયે જોયું કે પૂરી જીભ લાલ લાલ થઈ ગઈ હતી ને…