જેલ-ઑફિસની બારી/વાલિયાની દીચરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાલિયાની દીચરી

હાથ પછવાડે રાખો! મુલાકાત કરવા આવનારા કેદીઓ, તમે જો તમારા હાથ પછવાડે નહિ રાખો તો તમારી હાલત વાલિયા કોળીના જેવી બનવાની.

વાલિયાની વહુ હમણાં જ મુલાકાતે આવીને ગઈ. હોંશે હોંશે એ નાની દીચરીને સાથે તેડી લાવી હતી. વાલિયા કોળીની દીકરી, ચોરની દીકરી, એને ચતુરાઈ તો ક્યાંથી હોય! ગંદા ઉઘાડા પગ હતાઃ એક ફાટેલું કેડિયું પહેરાવ્યું હતું પણ માથા ઉપર એ ગુલાબી રંગની સોનાસળીનો કટકો ક્યાંથી ઓઢાડેલો હશે? મને તો જોતાં જ લાગ્યું કે જાણે કોઈ ઝાંપડાએ સ્મશાનમાંથી ઉઠાવી લીધેલો એ નવો નકોર ટુકડો વાલિયાની વહુએ વેચાતો લઈ લીધો હશે.

ઉંદરિયાળા, ગૂમડે સડી પડેલા માથામાં એક તો વાળ વિનાનો મૂંડો અને તે ઉપર ઓઢાડેલી ગુલાબી સોનાસળી! આંખોમાં ચીપડાઃ નાકમાં લીંટઃ વણનહાયા શરીર પર વળી ગયેલી છારીઃ ગંધાતું મોઢું વાહ, શાં રૂપ વાલિયા કોળીની છોકરીનાં! મા જરા ઠીંગણી ખરી ને, એટલે મારા સુધી છોકરી પહોંચી નહિ; છોકરી એના બાપને જોવા સારુ તલખે, એટલે માએ એને બે હાથે તેડી ઊંચી કરેલી. છોકરી મારી આરપાર ઑફિસમાં નજર કરતી હતી. હેં મા, બાપો આંહીં રહે છે? આ ઘર માર બાપનું, હેં માડી? અહા! આંહીં તો ખુરસીઓ છે, કબાટ છે, ચૂનાની ધોળી ભીંતો છે. બાપા આવા રૂપાળા ઘરમાં રે’છે, હેં માડી? – આવું આવું એ મનમાં ને મનમાં બોલતી હતી. તમને કોઈને એ સંભળાય; હું સાંભળતી હતી.

ત્યાં વાલિયો કોળી આવી પહોંચ્યો. આજ મારા ઉપર પાંચ-પાંચની ભીડાભીડ નહોતી. વાલિયાને જોતાં જ પેલી ગંદી ગોબરી અને કદરૂપી છોકરી ‘મા! બાપો!’ ‘માડી! બાપો!’ કરતી મારા સળિયાને બાઝી પડી. એની આંગળીનાં ચારપાંચ ટેરવાં મારી જાળીનાં છિદ્રોમાંથી અંદર ડોકાયાં. મને મનમાં હતું કે આંગળીઓને કરડી જાઉં. પણ તમે માનશો? મારા લોઢાના સવિયા જાણે ઊલટાના ઓગળી જઈ ટપકી પડશે એવું મને લાગ્યું. એમાં પણ વધુ તો મને ત્યારે લાગ્યો, જ્યારે વાલિયાએ પીઠ પછવાડે હાથ રાખવાનો કાયદો વીસરી જઈને એ છોકરીનાં ટેરવાંને લગરીક પોતાના હાથ અડકાડયા.

હાય હાય! હું ખરું કહું છું કે એ બાપ-દીકરીનાં આંગળાંના સ્પર્શે મને હતી – ન હતી કરી નાખી હોત. મારા લોઢાને તો એ સ્પર્શમાંથી કોઈ અસહ્ય મમતાનો પ્રવાહ ઝરતો લાગ્યો. પણ એ કાયદા વિરુદ્ધનું કરતુક મુકાદમે વખતસર પકડી પાડયું, અને પછી તો – ‘હિ! હિ! હિ! હિ! હિ! હિ! – હસવું ખાળી શકતી નથી. વાહ! કેવા જોરથી મુકાદમે વાલિયાના માથા પર અડબોત લગાવી! અને કેવા ફક્કડ શબ્દો કહ્યાઃ ‘સાલ્લા! તું આંહીં પણ તારી ચાલાકી નથી છોડતો! તારા બાપનું ઘર છે આંહીં, તે છોકરીની આંગળીઓ પંપાળવા મંડી પડયો! એટલું બધું હેત ઉભરાઈ જાય છે ત્યારે ચોરી શા સારુ કરી! ચાલ! પીછે હાથ! દૂર ખડો રહે!’

માથા પરથી પડી ગયેલી ટોપી ઉપાડીને પગે લાગતો વાલિયો કંઈ સમજ્યો જ નહિ કે એણે પોતે કેવો ગંભીર નિયમભંગ કર્યો હતો. એ મારાથી એક હાથ દૂર ઊભો રહ્યો શું થયું તે કશું જ સમજ્યા વગર બહાર ઊભેલાં મા અને દીકરી પણ સ્તબ્ધ બની ગયાં. મારી બંને બાજુએ, અંદર તેમજ બહાર, ફક્કડ હસાહસ ચાલી. બધા જ આ તમાશો દેખીને રાજી થયા. વાલિયો તો એટલો બધો હેબતાઈ ગયો કે મુલાકાતની મિનિટો ચાલી જતી હતી છતાં બાયડીની સાથે એક બોલ પણ ન બોલી શક્યો. કશુંક કહેવું હતું તે તમામ ભૂલી ગયો. હાથ પછવાડે રાખવાની સાથોસાથ જીભ પણ મોંમાં રહી ગઈ. વાલિયો બાઘા જેવો બની ગયો.

‘માડી, બાપો! માડી, બાપો!’ એમ કહેતી એ ગોબરી છોકરી માના હાથમાંથી મારા સળિયાને બાઝવા તરફડતી હતી. મા એને જકડી રાખતી હતી. ત્યાં તો, ‘ચલે જાવ! ચલે જાવ! લે જાવ! મુલાકાત હો ગઈ!’ એવો મુકાદમનો હુકમ થયો. પણ વાલિયાએ બીજી ભૂલ કરી પાછે પગલે મારી પાસેથી ખસતાં ખસતાં એણે છોકરીને, જીભ વતી ડચકારા – ગોવાળ બકરાંને જેવા ડચકારા કરે તેવા ડચકારા – સંભળાવ્યા. અને ફરી વાર પાછી મુકાદમની થપ્પડ ખાધી.

અરે વાલિયા! હું પૂછું છું કે તને આવી ગોબરી કદરૂપી છોકરી ઉપર શા સારું આટલું બધું વહાલ ઊભરાયું? તારી દીકરીનું મોં ક્યાં ગુલાબના ગોટા જેવું હતું? ક્યાં એના માથા ઉપર સેંથો પાડીને ઓળેલા ‘બોબ્ડ’ વાળ હતા? ક્યાં એણે આસમાની રંગનું ફરાક અને લીલાં મોજાં પહેંર્યાં હતાં? એ ક્યાંકાલું કાલું મીઠું બોલતી હતી? હું તો અજાયબ થઈ રહી છું કે તમારા જેવા ભયંકર ગુનેગારોના હૈયાંમાં પણ આટલી બધી કુમાશ ક્યાંથી? ગેમાજી બારૈયો એના બરધિયાને સંભારીને રડયો, રૂપસંગ ભીલડો એની કાળુડી વહુને દેખીને પીગળી ગયો, તું વાલિયો ઉઠીને આજ ગંધાતી છોકરીની મેલી આંગળીઓની માયામાં ફસાયોઃ એ તે શું કહેવાય? તમને ય શું સંસારી સ્નેહ આટલા બધા વળગ્યા છે? તમને ઘરબાર અને ખેતરઢાંઢા સાથે કેમ આટલી ગાઢ મમતા બંધાઈ છે? તમારી વિકરાળતા શું બહારની જ છે? પ્રેમ નામની પોચી માટી શું તમારા પાષાણી સીનાની પછવાડે પણ પડી છે? ત્યારે તો તમે સાચા ઘાતકી નહિ, જૂઠા! જૂઠા! જૂઠા! ક્રૂરતાનો તો તમે દેખાવ જ કરો છો. તમારી કાળાશ છેતરામણી છે.

એ બધું મારા જેવું જ. કોઈને કહેશો નહિ હો! હું પણ એટલી જ પોચી છું. હું જેલની બારી હોવાથી જૂઠેજૂઠો દમ રાખું છું. નિર્દયતાનો દમામ બતાવી ને હું અંદરથી મારી કૂણપને કચરવા મથું છું. મનમાં માનું છું કે રોજેરોજ આવા હૃદયવિદારણ દેખાવો દેખીદેખીને હું નિષ્ઠુર બની જઈશ. આ મુકાદમોની માફક. પણ અરેરે! મુકાદમો તો માનવીઓ છે. માનવીઓ તો જેવી ધારણા રાખે તેવાં બની શકે છે. પણ અમે લોહ-પથ્થરનાં પ્રાણીઓ ખરે ટાણે ટક્કર ઝીલી શકતાં નથી, અમારાં હૈયાં ભાંગી પડે છે. આજ વાલિયા કોળીની અને એની ગંધાતી પુત્રીની આંગળીઓ અડકી હતી ત્યારે તેમાં જાણે કોઈ જુગજુગનાં વિયોગી પિતા-બાલકની મિલન-જ્વાલા સળગી ઊઠી હતી . મારા સળિયા એ અંગારની ભઠ્ઠીમાં પ્રવાહી બનીને રેલાઈ જાત. સારું થયું કે મુકાદમની દૃષ્ટિ વખતસર પડી.

હજુ મને એક મોટો ભય છે. વાલિયો મારા ખોળામાં રડી ન પડયો. એ વાત સારી ન કહેવાય. આંસુડાં દડયાં હોત તો મારી મૂડી વધત અને તેનું હૈયું ખળખળી હળવું બની જાત. એ ન બન્યું, એટલે હવે વાલિયાને રાતે સ્વપ્નાં દેખાશે. એ ઊઠી ઊઠીને આખી રાત જાણે મુલાકાત આવી હોય તેમ બુરાકની અંદર દોડશે અને ચીસેચીસ પાડશે. મુકાદમોને દોડાદોડ થઈ પડશે. ઠંડીમાં સૂતેલા વૉર્ડરોને એવે ટાણે ત્યાં જઈ ચાબુક ચલાવવો પડશે. એટલી બધી તરખડ!