તુલસી-ક્યારો/૨૬. અણધાર્યું પ્રયાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૬. અણધાર્યું પ્રયાણ

તે પછી વળતા દિવસે બપોરે વીરસુતને એકલાને લઈ એક ભાડૂતી ગાડી પિતાના ગામમાં ઘરને બારણે આવીને ઊભી રહી. દ્વારમાં પેસતાં જ એણે પોતાનું અતડાપણું તોડવાનો પ્રયત્ન કર્યો. ભદ્રાભાભીએ કરેલી છેલ્લી ભલામણ એ જ હતી કે, ‘જોજો હો, ભૈ! રૂડું આનંદભર્યું મોં રાખીને સૌને મળીયેં, હો ભૈ!’ કોઈ પણ ઇલાજે મોં હસતું રાખવું જ હતું. ગાંડી યમુના જ બારણું ઉઘાડવા આવી. યમુનાએ પોતાના ‘નાનાભાઈ’ દીઠા – ઓચિંતા દીઠા, ને મોં પર મલકાટ ધારણ કરતા દીઠા – એટલે કે યમુનાએ કદી ન કલ્પેલું વિચિત્ર દૃશ્ય દીઠું. અને એણે “એ-હે-હે! નાનાભાઈ! એ-હે-હે-હે આવ્યા છે... એ-હે-હે-હે હસે છે!” એવા ઉન્મુક્ત ગળાના ગહેકાટ કાઢ્યા. બોલતી બોલતી એ અંદર ગઈ, ને એણે એક નાના બાળકની રીતે આનંદ-ધ્વનિથી ઘર ગજાવી મૂક્યું : જાણે કોઈ ઉત્સવનો ઘંટ બજ્યો. ને નાનાભાઈ યમુનાના મામા પાસે, એટલે કે સોમેશ્વર માસ્તર પાસે, જઈ બેઠા ત્યારે યમુનાએ પહેલું કામ ઝટ ઝટ વાટ વણીને દીવો પેટાવી તુલસી-માને ક્યારે મૂકવાનું કર્યું. દીવો મૂકતાં મૂકતાં બોલી : “હાશ, માડી! નાનાભાઈ હસ્યા, મને જોઈને હસ્યા! સૌને જોઈને હસે એમ કરજો, હો મા! હો મા! હો-હો-હો!” કહેતે કહેતે એણે તુલસીની ડાળખી ઝાલીને ધુણાવી – કેમ જાણે માતાનો કાન ન આમળતી હોય! વર્ષો પછી પહેલી જ વાર વીરસુતે પિતાને હસતા ને મોકળા કંઠના હોકારા દીધા! વર્ષો પછી એણે ઘરના ખૂણા ને છાપરાના ખપેડા જોયા. વર્ષો પછી એણે રસોડા સુધી જઈ યમુના પાસે માગ્યું : “હું ભૂખ્યો છું : કંઈક ખવરાવ તો ખરી, ગાંડી!” “ગાંડી-હી-હી-હી-ગાંડી!!” એવું હાસ્યભેર બોલતી યમુના પોતાના મોં આડે સાડીનો પાલવ ઢાંકતી હતી. અને ‘ગાંડી’ એ તો જાણે વીરસુતભાઈના મોંમાંથી પડેલો કોઈ ઇલકાબ હોય એવી લહેરથી નાસ્તો કાઢવા લાગી. નાની અનસુ યમુનાની સાડીમાં લપેટાઈને ઊભી હતી, તેને ભાળી ત્યારે વીરસુતને એકદમ તો ભાન ન થયું કે આટલા સમયથી પોતાને ઘેર રહેલી ભદ્રાભાભીએ કલેજું કેવી રીતે લોઢાનું કરી રાખ્યું હોવું જોઈએ. પણ યમુનાએ અનસુને કહ્યું : “કાકા છે, બા પાસેથી આવ્યા છે.” ત્યારે અનસુએ પૂછ્યું : “બા કાં થે? બા થું કલે થે? બા ‘અનછુ’ ‘અનછુ’ કહી લલે થે?” ત્યારે વીરસુતના હૃદયના સખત બંધો તૂટવા લાગ્યા. તોયે એને તેડી લેવાનું તો એકદમ મન થયું નહીં. દેવુ નાનો હતો, ને પોતે કોક વાર પત્નીને મળવા જતો, ત્યારે એ લાંબા હાથ કરી કરી ઘોડિયામાંથી કરગરી રહેલા બાળકને પણ જેણે એકેય વાર તેડ્યો નહોતો, તે જ વીરસુત એકાએક તો અનસુનાં શેરીમાં રમી રમી રજોટાયેલાં અંગોને છાતીએ કેમ કરીને લઈ શકે! પણ એને યાદ આવ્યું : અમદાવાદથી નીકળ્યો ત્યારે ભદ્રાભાભીએ કહેલું કે, ‘...અને ભૈ, મોં ઓશિયાળું ન રાખજો, હાં કે? મોં તો હસતું રાખીએ – હસવું ન આવે તોયે હસીએં, હો ભૈ!’ એ વાક્ય મુજબ, જ્યારે પોતે બારણા ઉપર પહેલવહેલો ઊભેલો ત્યારનું હાસ્ય પ્રયત્નપૂર્વકનું હતું; પણ એકાદ કલાકમાં એ હાસ્ય પરથી પ્રયત્નનો બોજો ઊતરી ગયો હતો. તે રીતે અનસુને તેડવાનો પ્રારંભ પણ એણે વહાલથી નહીં, પ્રયત્નથી કર્યો : પહેલાં એને ધૂળે ભરેલીને બે હાથે અધ્ધર ઉપાડી, છી-છી-છી-છી કર્યું, પછી તેડી, ને કહ્યું : “બા પાસે તને લઈ જવા આવ્યો છું, અનસુ!” “નહીં જવા દઉં!” યમુના બી ઊઠી. “તને પણ, યમુના!” “દેવુને, બાપાને, મામાને – બધાંને?” “હા, બધાંને!” “જૂઠું!” ગાંડી પણ વીરસુતનું આટલું પરિવર્તન કબૂલવા તૈયાર ન થઈ.

“એ કાંઈ નહીં. એ કાંઈ મારે સાંભળવું નથી. મને જીવતો જોવો હોય તો ચાલો બધાં.” એવા મક્કમ સ્વરે વીરસુતે પોતાના પિતાના તમામ વાંધાને કાપી નાખ્યા. પુત્રનું મોં પિતાને ઓશિયાળું લાગ્યું. પુત્રના સ્વરમાં ધ્રૂજતું એકલતાનું આક્રંદ પિતાના પ્રાણના તંબૂર-તાર ધ્રુજાવી રહ્યું હતું. “આ આખી વેજા છે, ભાઈ! તને સુખે નહીં રહેવા આપે!” પિતાના આ શબ્દો નકામા ગયા. વીરસુતનું પરિવર્તન એટલું બધું કષ્ટમય હતું કે પિતાની દલીલોના જવાબો દેવાને બદલે પછી તો એ વડચકાં જ ભરવા મંડી પડ્યો : “હું તમારો એકનો એક પુત્ર છું – કંઈક તો ભાન રાખો!” પછી તો રાત્રિએ બચકાં બંધાવા લાગ્યાં. દેવુ વસ્તુઓ લેવા માટે બહાર દોડાદોડ કરવા લાગ્યો ત્યારે આંગણામાં, પડોશની શેરીમાં ને બજારમાં ચણભણાટ ચાલ્યો : “રાંડીરાંડ દીકરા-વહુ ઘેર પાછી ન આવી ને દેર કેમ આવીને ઊભો રહ્યો?” “કેમ બધાં સામટાં અમદાવાદ ઊપડે છે?” “અમદાવાદથી કદાચ જાત્રા આગળ નીકળવાની નહીં હોય ને!” “હોય પણ ખરી!” “એટલે પછી ભદ્રાને એવા ભારભરેલા શરીરે આંહીં શા સારુ આંટો ખવરાવે!” ખુદ પિતાનું અંતર પણ વહેમાયું હતું. વીરસુતનું આ પગલું વિસ્મયકારી હતું. કુટુંબના શંભુમેળા પર એકાએક વહાલ આવી જવાનું કારણ કલ્પી શકાતું નહોતું. એણે ગામલોકોની ગિલાને જાણ્યા પછી પણ પોતાના મનને કહ્યું : મારા પોતાને બદલે કોઈ બીજા બ્રાહ્મણની વિધવા પુત્રવધૂ અને પરિત્યક્ત પુત્ર વિશેનું આ પ્રકરણ હોત તો? તો હું પણ ગામલોકોની માફક જ એ બીજાઓ વિશે વાતો કરત ને? વાતો ન કરત કદાચ, તોયે વહેમ તો હૈયામાં સંઘરત ને? શું હશે? ભદ્રાની જ કોઈ આપત્તિ હશે? ઘરને તાળું દેતાં પહેલાં દાદાજીએ તુલસી-રોપ બહાર લીધો, ને એ પોતે પોતાની સંબંધી સરસ્વતીબાઈને દેવા ગયા; કહ્યું : “રોજ લોટી પાણી રેડજો, ભાભી!” “સારું, ભૈ! વેલાસર આવજો. ને, હેં ભૈ,” એણે ફાળભર્યા હેતાળ સ્વરે નજીક જઈ પૂછ્યું : “ભદ્રાવહુને શરીરે તો સારું છે ના? અંબાજીમા એને નરવ્યાં રાખે, ભૈ! મારી તો બાપડી દીકરી જેવી છે. લોકોનાં વગોણાં સામે ના જોશો, ભૈ! ને તુળસી-માની કશી ચંત્યા કરશો નૈં!” “ઝાડવું તોયે જીવ તો છે ને, ભાભી!” ડોસા સહેજ ગળગળા થયા. “એણે અમને આજ સુધી સાચવેલ છે. દીવો, બની શકે તો, કરતાં રે’જો, ભાભી!” “કરીશ જ તો, ભાઈ! શા સારુ નૈં કરું! આંગળીક ઘી પેટમાં નહીં ખાઉં તો ક્યાં દૂબળી પડી જવાની છું, ભૈ!” એનો અર્થ એ હતો કે ઘીનો દીવો કરવો ને ઘી રોટલા પર ખાવું એ બેઉ વાતો સાથે બની શકે તેવી સ્થિતિ આ વિધવાની નહોતી. એવા નિરાધાર પાડોશીઓની સેવા કરવાનું છોડવું પડ્યું, તેની વ્યથા સોમેશ્વર માસ્તરના મોં પર તરવરતી હતી. ભારે હૈયે એ સ્ટેશને ચાલ્યા. આગળ ‘અંધા’ જ્યેષ્ઠારામ મામાને દોરી દેવુ ચાલતો હતો. સ્ટેશનને આખે રસ્તે અનેક આંખો ચોંટી રહી. એક જણે ઊભા રહીને કહ્યું : “આમ કેમ અણધાર્યું પ્રયાણ! નાશક-પંઢરપુર સુધી તો થતા આવશોને, જાનીજી!” કહેનાર થોડી વાર જવાબની રાહ જોતો ઊભો રહ્યો કે તરત અંધા જ્યેષ્ઠારામે દેવુનો હાથ છોડાવી, ચાર ડગલાં પાછાં ફરી, એ બોલનાર જ્ઞાતિબંધુની લગોલગ ઊભા રહી પોતાની આંખોનાં પોપચાં ઊંચાં કર્યાં ને ઉચ્ચાર્યું : “ઓળખ્યા! કોણ – ભવાનીશંકર ને? જાત્રાએથી આવીને તમને ગોદાવરીનું તીર્થોદક ચખાડશું, હો કે! નહીં ભૂલીએ! ઓળખ્યા! નહીં ભૂલીએ, હો કે!” જ્ઞાતિબંધુ ભવાનીશંકર ત્યાં ને ત્યાં થંભની માફક ખોડાઈ ગયો. એણે દીઠું – અંધની દેખતી બનેલ આંખોમાં પોતાના મુર્દાનું પ્રતિબિંબ.

અમદાવાદના બંગલામાં ડોસાનો ફફડાટ આઠ દિવસે માંડ માંડ શમ્યો. દાતણ કરવાને ટાણે ભદ્રાની એક ઊલટીનો પણ અવાજ એણે સાંભળ્યો નહીં. વીરસુત એક પણ ગુપ્ત વાત કહેવા આવ્યો નહીં. દેવુને મોકલી મોકલી દાદાએ ભદ્રાને વીરસુતની ગેરહાજરીમાં ચોગાનમાં બોલાવી પુછાવી જોયું : “કેમ રહે છે? કાંઈ નડતર તો નથી થઈ ને? શરીરે તો નરવાં છો ને, મોટાં વહુ? મને કહેતાં અચકાશો નહીં, હો બેટા!” લાજ કાઢીને ઊભેલી ભદ્રાના દેહે જ પોતાની સંપૂર્ણ સ્વસ્થતાનો જવાબ, ભદ્રાની જીભ આપે તે પૂર્વે, આપી દીધો. ભદ્રાનાં શીલ અને ભદ્રાની ચેષ્ટાઓ–અરે, ભદ્રાની ચાલી જતી આકૃતિનાં પગલાંની પાની પણ ડોસાએ વાંચી લીધી. તો પણ ખરાવી ખરાવી પૂછી જોયું : “ભાઈ તો ઓચિંતો તેડવા આવ્યો એટલે મારે હૈયે ફાળ પડી’તી, બેટા, કે તમને શરીરે નરવાઈ નહીં હોય કે શું? નજરે જોઈને રાજી થયો કે કશું જ નથી!” “દાદાને કહે, દેવુ, કે ઈશ્વર સૌની લાજ રાખે છે. કશી જ ચિંતા કરશો મા.” એ ભાષામાં વહુ ને સસરો બેઉ પરસ્પર સમજી ગયાં. યમુના ગાંડીનો તો એક જ ધંધો થઈ પડ્યો : અનસુને લઈને તેણે બંગલાના ચોગાનમાં ફૂલો જ વીણવા માંડ્યાં. યમુનાને ઉઘાડું આંગણું, દિવસે ફૂલફૂલના બહુરંગી ઢગલા ને રાત્રિએ સૂતેલાં ફૂલોની મહેક મહેક સુવાસ સાથે આભની ભરપૂર ફૂલવેલીઓ મળી. આટલું સ્વચ્છ આકાશ એણે ઉઘાડે માથે ઊભા રહીને અગાઉ કોઈ દિવસ ક્યાં જોયું હતું! ફૂલ-ફૂલ પર ઊડતાં પતંગિયાંને ચુપકીદીથી જોઈ લેવા આટલી દોડાદોડ એ ગાંડીને અગાઉ કોણે કરવા દીધી હતી? ને આટલાં બહોળાં પાણીએ કપડાં ધોવાનું પણ એને કયે દહાડે મળ્યું હતું? નાની અનસુને ડુબાડું ડુબાડું કરતી એ નળ પાસેના પાણીભર્યા પીપમાં ડબકાવતી હતી... ને આખો દિવસ, બસ, કપડાં જ ધો ધો કરતી, વાસણ જ માંજ માંજ કરતી. એનો પુરસ્કાર મોકળું ક્રીડાંગણ હતું અને રોજ ત્રણ વાર નજીક થઈને જ પાવા વગાડતી સુસવાટ માર્યે જતી આગગાડી હતી.