તુલસી-ક્યારો/૨૮. ક્યાં ગઈ પ્રતિભા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૮. ક્યાં ગઈ પ્રતિભા!

“પણ તું સીધું સામે જોઈને તો ચાલ! આમ ચકળવકળ શું જોયા કરે છે? અહીં સ્ટેશન છે એટલું તો ધ્યાન રાખ!” પણ ભાસ્કરના એ ઠપકાની કશી અસર કંચન પર ન થઈ. અમદાવાદ સ્ટેશન પર એ ઊતરી કે તરત જ એની આંખો ચોમેર શોધાશોધ કરી રહી : ક્યાંય વીરસુત છે? ક્યાંય દેવુ છે? ક્યાંય ભદ્રા કે સસરો છે? શૂન્ય નજરે જોતી એ રઘવાયા જેવી, બાઘોલા જેવી, બની રહી. પ્રેમીજનો ને શત્રુજનો – બંનેની આવી લાગણી રેલવે-સ્ટેશનો પર એકસમાન હોય છે : તેઓ કશી સંભાવના વગર પણ પોતાના પ્રેમ વા શત્રુતાનાં પાત્રોને સ્ટેશન પર શોધતાં હોય છે. દરવાજા પર ટિકિટ આપી દેવાની હતી. ટિકિટની શોધ માટે કંચને પોતાના સ્વેટરનાં ખિસ્સાં, નીચે પોલકાનાં ખિસ્સાં, હાથની બૅગ વગેરે ઘાંઘી બનીને તપાસ્યાં. આખરે પોતાની બગલમાંથી નીચે સરી પડેલી ડિટેક્ટિવ નવલકથાના બેવડમાંથી ટિકિટો બહાર આવી. (હમણાં કંચનને જાસૂસી વાર્તાઓ જ બહુ ગમતી.) “વાહ રે વાહ ઢંગ!” ભાસ્કરે વ્યંગ કર્યો તે દરવાજે ઊભેલા ત્રણ-ચાર ટિકિટ-કલેક્ટરોએ ને પોલીસે સાંભળ્યો. મોટર કરીને ભાસ્કરના મકાને પહોંચતાં સુધીમાં તો ભાસ્કરનો કંટાળો કંઠ સુધી આવી ગયો. એના સ્પષ્ટ મુરબ્બીભાવના ઠપકા સામે કંચન બૂમબરાડા પાડતી થઈ એટલે એણે ઉઘાડા ઠપકાને બદલે મહેણાં-ટોણા માર્યાં. પણ એ સર્વના માર્મિક જવાબો આપી ન શકવાથી કંચન વારે વારે આંસુઓ સારતી થઈ. પહેલો જ સવાલ કંચને ક્યાં રહેવું તેનો ઊઠ્યો. ભાસ્કરથી ત્રાસી ગયેલી એ તરુણીએ પોતાની સ્નેહીસંબંધી સ્ત્રીઓમાંની કેટલીએકને ઘેર રહેવાની ઇચ્છા આગળ કરી. પોતાના પ્રત્યે સન્માન ધરાવતા પુરુષ-સ્નેહીઓને પણ એણે ઇશારો કરી જોયો. પણ એને પોતાના ઘરમાં આશરો દેનાર કોઈ સ્નેહી-કુટુંબ નીકળ્યું નહીં. સ્ત્રીઓએ એકાંતે જવાબ આપ્યો : “શું કરીએ, બા! પુરુષોનો કંઈ ભરોસો નહીં. વખત છે ને તારું અપમાન કે તારી બેઅદબી કરી બેસે તો અમે શું મોં બતાવીએ?” પુરુષોએ પોતાની ટોપીઓ ચંચવાળતે ચંચવાળતે જવાબ દીધો કે, “ઘરની સ્ત્રીઓ વહેમીલી ને ઈર્ષાળુ કંઈ ઓછી હોય છે! જીવનને ઝેર બનાવી દેતાં વાર નહીં લગાડે! બાકી તમારે જે કંઈ મદદ જોઈએ તે અમે આપશું – મૂંઝાશો નહીં!” “તમારા પડોશમાં કોઈ મકાન ખાલી હોય તો …” કંચને એક કરતાં વધુ સ્નેહીઓને પૂછી જોયું. જવાબમાં એ પ્રત્યેકનું મોં ઝંખવાયું. જવાબો એકંદરે ઉડાઉ મળ્યા. કોઈએ કહ્યું કે, ‘મકાનો છે જ નહીં.’ ને મકાનો જેમની નજીક ખાલી હતાં તેમણે ઘરમાલિકો કજિયાળા હોવાનું કારણ આપી વાતને તોડી પાડી. આખરે એ ભાસ્કરને ઘેર સંઘરાઈ, અને ભાસ્કરે પોતાને માટે બીજે રહેવાની ગોઠવણ કરી. સ્નેહી પુરુષો એને ત્યાં આવીને મળી જતા, ખબર કાઢી જતા. જો’તું-કરતું આપી પણ જતા. ને રમાનો વર, લલિતાનો વર, મંગળાગૌરીનો વર, નેનીનો વર – પ્રત્યેક ત્યાંથી ઊઠી જતી વેળા એક વાત ‘બાય ધ બાય’ કહી લેતા કે : ‘હું આંહીં આવું છું તે રમાને કહેવા જરૂર નથી.’... ‘લલિતાને કહેવા જરૂર નથી...’ ‘મંગળાને …’ ‘નેનીને કહેવા જરૂર નથી.’ આવનારો પ્રત્યેક પરણેલ પુરુષ ફફડતો હતો; કેમકે કંચનને કશું મદદ કરવાપણું હોય જ નહીં, અને હોય તો તે મદદ સ્ત્રીઓએ જ કરવાની હોય, એવું એ પ્રત્યેકની પત્ની મક્કમપણે માનતી. એવું એ પત્નીઓ માનતી તેમાં તેમની માન્યતાનો દોષ નહોતો; દોષ હતો કંચનની મુખમુદ્રામાં મઢેલી મોહભરી બે આંખોનો. ભાસ્કરે રડાવી રડાવી નિચોવી નાખેલી છતાં પણ એ આંખોમાં ઝલકતું જાદુ અખંડિત હતું. કંચનનું સ્ત્રીત્વ એટલાં ઊંડાં મૂળિયાં વડે એના દેહમાં બાઝેલું હતું કે એના જીવનમાં થયેલો આવડો પ્રચંડ પ્રકમ્પ પણ એને ઉખેડી શક્યો નહોતો. પુરુષોનાં કાર્યો કરવા લાગતી સ્ત્રીઓનો કંઠ બદલી જાય છે, લાવણ્ય લુછાઈ જાય છે, આંખો પણ નૂર અને નરમાઈ હારી બેસે છે – એ ખરું; પણ કંચન તો કંચન જ રહી હતી. બાર-પંદર મહિનાની ક્રાંતિદશા એના નારીત્વનો નાશ કરી મરદાઈનો એક પણ મરોડ એને આપી શકી નહોતી. એટલે જ પરણેલી સ્ત્રીઓને પોતાના ઘરસંસારમાં એની હાજરી ચિંતાજનક લાગતી હતી. કંચન એમને ખપ્પરજોગણી જેવી દેખાતી. પુરુષોને ભરખી જવાની ગુપ્ત શક્તિ એ ધરાવતી હતી એમ માનનારી સ્ત્રીઓ કંચન જ્યારે પોતાને ઘેર આવે ત્યારે પતિઓને કાં નાહવા, કાં ખાવા, કાં કશુંક ખરીદ કરવા વિદાય કરી દેતી. પણ કંચનની તો કસ્તૂરી-મૃગ જેવી દશા હતી. એને ખબર જ નહોતી કે પોતાની પાસે મોહિની છે. એ મોહનાસ્ત્રથી પરપુરુષોનો વિજય કરવા પણ નીકળી નહોતી. એનો સંગ્રામ જુદો જ હતો. એને વિશે જે મોટી મોટી માન્યતાઓ બાંધવામાં આવી હતી તેને એ સાચી પાડી બતાવી ન શકી. આઠ જ દિવસમાં એણે સ્ત્રી સેવા સંઘે સોંપેલાં સાત કામ બદલ્યાં. એક પણ કામ એને માફક ન આવ્યું, ને દરેક કામ પર એ નાનીમોટી ભૂલો કરી બેઠી. “બસ, મને તો ખાનપુરના લત્તામાં જ નવું બાલમંદિર ખોલી આપો.” એ કંચનની હઠ હતી અને બાલમંદિર ચલાવવાને માટે પોતાનામાં જે ગુણો છે તેથી વધુ ખાસ કશી લાયકાત હોવી જોઈએ એમ પોતે માનતી નહીં. વાત પણ ખરી હતી : વિધવા હોવું, ત્યક્તા હોવું કે ભાગેડુ હોવું એ પ્રત્યેક સ્ત્રીને માટે બાલમંદિર ચલાવવાની ગનીમત લાયકાત ગણાતી. પણ ખાનપુરનું બાલમંદિર તો ખોલી શકાયું નહીં ને કંચનને છેવટે નિરુપાયે મજૂર-લત્તાની સંસ્થા ઉપર સંચાલક નિમાવું પડ્યું. આ નિમણૂક કરતી વેળા સ્ત્રી સેવા સંઘના સંચાલકો બબડતા તો હતા જ કે, ‘નહીં ચાલી શકે!’, ‘કોણ જાણે ક્યાં ચાલી ગઈ એની પ્રતિભા!’, ‘પોતાને વિશે ઘણું વધુ પડતું માની બેઠેલ છે!’ વગેરે. “એ તો તમારી આખી જાતિનો જ ગુણ છે ને!” એક પુરુષ-સંચાલકે ટોણો મારી લીધો હતો, ને એને પરિણામે ત્યાં મોટો ટંટો મચી ગયો હતો. આખર એ પુરુષને માફી માગવી પડી હતી. મજૂર-બાળકોની શાળા ચલાવવાનું બહાનું કંચનના સંતપ્ત આત્માને ઝાઝા દિવસ ઠેકાણે રાખી શક્યું નહીં. એની બુદ્ધિ-મંદતા જોતજોતામાં ઉઘાડી પડી ગઈ. એની સાથે કામ કરતો સ્ટાફ એની મશ્કરીઓ કરતો થઈ ગયો. ઘણોખરો સમય એ ટેલિફોન પર જ કાઢવા લાગી. એ આને ટેલિફોન કરતી ને તેને ટેલિફોન કરતી. એ કોઈ સ્નેહીને ‘કાર’ લઈને આવવા કહેતી ને કોઈને ટેલિફોનમાં પોતાની અગવડો તેમ જ માનભંગ સ્થિતિનાં રોદણાં સંભળાવતી. એ બધાં રોદણાંનું ધ્રુવપદ આ હતું કે, ‘જો મને પહેલેથી આવી ખબર હોત તો ....’ વાક્ય અધૂરું મૂકીને એ ટેલિફોનનું રિસીવર પછાડતી. ને કોઈ વાર જ્યારે એ વાક્ય અધૂરું મૂક્યા પછી રિસીવર કાને ઝાલી રાખતી ત્યારે સામી વ્યક્તિનો બોલ સંભળાતો : ‘કેમ જાણે અમારા વાસ્તે જ બાએ ઘર છોડ્યું હોય! આવી ખબર હોત તો ...’ એટલું બોલીને સામી વ્યક્તિ રિસીવર છોડી દેતી ને આંહીં રિસીવર પકડી રાખીને પલભર સ્તબ્ધ બની બેસી રહેતી કંચનની આંખોમાં છલછલ પાણી ઊભરાઈ આવતાં. જલદી જલદી એ આંસુ લૂછી લેતી, કેમકે પોતાના સાથીઓની નજરે એણે પોતાની છેલ્લી નબળાઈ – આ આંસુ – હજુ નહોતી ચડવા દીધી. અત્યાર સુધી તો એના સાથીઓ તથા નોકરો ટેલિફોન પરથી પાછાં આવતાં એના લાલ લાલ ધગેલા ચહેરાનો ને એની સૂજી ગયેલી આંખોનો જ તમાશો જોવાની રાહ જોઈ બેસતાં. એક દિવસ એણે રિસીવર ઉપાડી નંબરનું ચક્ર ફેરવવા માંડ્યું. એ પ્રત્યેક આંકડાના ઘુમરડા સાથે આંગળી ઝણેણાટ અનુભવી રહી. છેલ્લો આંકડો ઘૂમી રહ્યો ત્યારે ઝણેણાટ વધ્યો. કાનમાં શબ્દ પડ્યો : “આ....લા... વ – કોણ છો? કોનું કામ છે?” એ અવાજ કૉલેજના બુઢ્ઢા પટાવાળા કરણાજીનો હતો. “પ્રોફેસર વીરસુત છે કે નહીં, કરણાજી!” કંચને પૂછ્યું. ‘કરણાજી’ એ પરિચિત શબ્દ બોલ્યા પછી એને પોતાની ભૂલ જડી. કરણાજી કૉલેજના પટાવાળાઓનો બુઢ્ઢો જમાદાર, જે ઘણા મહિના થયા આ કંઠનો સમાગમ હારી બેઠો હતો, તેને ઓચિંતો આ પરિચિત સ્વરનો સંપર્ક થયો. કરણાજીનું નામ ટેલિફોનમાં બીજું કોઈ પ્રોફેસર-કુટુંબ કદી લેતું નહીં. “હા, બા!” કરણાજીએ ઝટ ઝટ કહ્યું : “ઊભાં રહો, બોલાવી લાવું છું.” કરણાજી દોડતો પ્રોફેસરના ઓરડામાં ગયો. વીરસુત ત્યાં નહોતો. કરણાજી રોજની રસમને છોડીને વીરસુત જે વર્ગ લેતો હતો ત્યાં ધસ્યો. વીરસુતને શ્વાસભેર ધીરે રહીને કહ્યું : “ટેલિફોન છે.” “પછી.” વીરસુતે કરડું મોં કરીને કહી દીધું. “જરૂરી ટેલિફોન છે.” કરણાજીએ તાકીદ કરી. વીરસુત દોડાદોડ ટેલિફોન પર આવ્યો ને રિસીવર લઈ ઘણું ઘણું ‘અલાવ’ ‘અલાવ’ પુકાર્યું, પણ સામે કોઈએ જવાબ દીધો નહીં. “કોણ હતું, કરણાજી?” વીરસુત ચિંતાતુર સ્વરે પૂછતો હતો. “સાહેબ!” કરણાજી સ્પષ્ટ કરવા મથ્યો : “મારું નામ કોઈ બીજું કદી ટેલિફોનમાં લેતું નથી. કોણ જાણે કેમ થયું, લાઇન કપાઈ ગઈ. પણ હું, સાહેબ, જૂઠું નથી બોલતો. મેં કાનોકાન સાંભળ્યું. ને મારી આંખે ભલે ઝાંખપ આવી, મારા કાન તો ઠાકરની દયાથી એવા ને એવા સરવા છે.” “અરે ઘેલા!” પ્રો. વીરસુત હસ્યા : “તને મેં એ ક્યાં પૂછ્યું છે? હું તો પૂછું છું કે ફોન કોનો – ઘરેથી કોઈનો હતો?” “ઘેરથી જ તો, સાહેબ! એ જ ગળું – મેં ભૂલ નથી ખાધી, સાહેબ!” વીરસુતે પોતાના બંગલાની નજીક એક શેઠ-કુટુંબનો ફોન હતો ત્યાં જોડીને ઘેરથી કોઈકને તેડાવવા કહ્યું. દેવુ તો નિશાળે ગયેલો, ને દાદાજી સૂતેલા, એટલે ભદ્રાભાભી ફોન પર આવ્યાં. કોઈ કોઈ વાર વીરસુત કહાવતો ત્યારે એ આવતી. ને એ આવતી તે બંગલાવાસી સ્ત્રી-પુરુષોને ગમતું. “હાં... કોણ – ભૈ?” ભદ્રાએ કશી શહેરી છટા વગર, તેમ જ કશી ગ્રામજડતા કે બનાવટી સંકોચ વગર, સ્વાભાવિક લહેકાથી જ, રિસીવર કાને માંડીને જવાબો વાળ્યા : “ના, ભૈ! અમે કોઈએ તો ફોન કરેલો નથી ... ના, ભૈ, અંઈ તો કોઈ આજે આવેલું પણ નથી ... ના રે ના, ભૈ! એવું તે હોય કંઈ, ભૈ! ... કશું મનમાં ન રાખજો, ભૈ! ... કશું મનમાં ન રાખજો, ભૈ! ... અરે, એમ કંઈ હોય, ભૈ! અંઈ આવે તો હું ન બેસારું એમ કંઈ બને કે, ભૈ! .. ના, ના, ના, ભૈ! એવો રોષ ના રાખીએ ... ના, મારા ભૈ! પોતાનું ઘર છે, પોતાનો વિસામો છે – ન આવે તો ક્યાં જાય મનુષ્ય! ... સારું, ભૈ, વેળાસર આવજો!” રિસીવર પાછું મૂકવાની છટા માણસે માણસે જુદી હોય છે : કોઈ જોરથી પડતું મૂકે છે. કોઈ વળી હીરામાણેકનું ઘરેણું હોય તેવી કાળજીથી મૂકે છે. કોઈ વળી ટેલિફોન કંપની પર ઉપકાર કરતા હોય તેવા તોરથી મૂકે છે. તો કોઈ પ્રણયી કેમ જાણે પોતાનું પ્રેમીજન સામે જોતું હોય તેના દિલ પર સારી છાપ ચડે તેવી અદાથી મૂકે છે. મૂકવાની રીત પરથી માણસો વચ્ચે થયેલી વાતચીતનો પ્રકાર ને માણસના મિજાજનાં પરિવર્તનો અનુમાની શકાય છે. ને વાતો ચાલી રહી હોય તે વખતના મોં પરના હાવભાવ ને હાથપગની ચેષ્ટાઓમાં તો માણસનું સ્વરૂપ અવનવી વિચિત્રતાઓ બતાવતું હોય છે. બંગલાવાસીઓ ટેલિફોન કરતી ભદ્રાને અજબ રસથી નિહાળી રહ્યાં હતાં. ને ભદ્રાની મુખમુદ્રા પર સ્થિર ગતિએ ને અખંડ એકધારે રેલ્યે જતા ભાવ-રંગો એક સ્વસ્થ આત્માની કથા કહી રહ્યા હતા. બંગલાવાસીઓનાં હૃદયોને અકલિત ખેંચાણ કરતી ભદ્રા ઘેર ચાલી ગઈ, કૉલેજના ફોન પરથી ઊઠીને વીરસુત કરણાજી ડોસા સામે કંટાળીને નજર નાખતો વર્ગમાં ચાલ્યો ગયો, ને ભોંઠો પડેલો કરણાજી પોતાનું નામ દઈને બોલનાર એ નારી-કંઠના નવા ‘કૉલ’ની આશા સેવતો ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. પણ કંચને આકુળવ્યાકુળ બનીને છોડી દીધેલું રિસીવર ફરી વાર તે દિવસ ઉપાડ્યું નહીં. મજૂરશાળાથી ઘોડાગાડી ભાડે કરીને ઘેર જતી કંચન થડકથડક થતે હૈયે કલ્પના કરતી હતી કે વીરસુત ફોનમાં સામે આવ્યો હોત તો શું થાત? પોતે શું પૂછત? શું બોલત? કઈ વાત કરત? સાડીઓની ને પોલકાંની? ‘મારાં કપડાં ને મારી ચીજો કેમ બગાડવા આપો છો?’ એવા પ્રશ્નના જવાબમાં એને અપમાન સાંભળવું પડત તો? અપમાન કર્યા વગર એ રહેત ખરો? અત્યારે તો એની વારી છે! એનું ઘર ભર્યું છે! એને હવે કોની પરવા છે! એને તો ભદ્રા જેવી ... એટલા વિચારે એણે ઘોડાગાડીમાં બેઠે બેઠે દાંત ભીંસ્યા, ને એના મનમાં ઉચ્ચાર થયો : ‘હું તો બધી બાજુથી લટકી પડી!’ ને એ વિચારની છેલ્લી કોદાળી વાગતાં જ એનાં આંસુનો ડાર ભેદાયો. આંખો છલ છલ થતી હતી, એટલે ઘોડાગાડીની બાજુમાં, સહેજ પાછળ, કોઈક સાઇકલ-સવાર છોકરો ગાડીને પકડીને પેડલ હલાવ્યા વગર ચાલતો હતો તે એને કળાયું નહીં. પણ એકાએક એણે ‘બા’ એવો શબ્દ સાંભળ્યો. તે સાથે જ ઓચિંતો ગાડીએ એક ગલીમાં વળાંક લીધો. સામે એક મોટર ધસી નીકળી. બરાબર ખૂણા પર મોટરગાડી અને ઘોડાગાડી – બેઉની વચ્ચે આવી ગયેલી પેલા ‘બા’ કહેનારની નાનકડી બાઇસિકલ ભીંસાઈ ... અને લોકોની તીણી-કારમી ચીસો પડી : ‘ઓ... ઓ.... છોકરો મૂઓ.... મૂઓ... અરરર!’