તુલસી-ક્યારો/૪૩. ‘બડકમદાર!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૩. ‘બડકમદાર!’

સ્ટેશને દેવુ સામે લેવા આવેલો. એના મોં પર લાલી ચડી હતી. “ઓ અનસુ!” એમ કહી એણે અનસુને બાથમાં લઈ એ ચીસ પાડે ત્યાં સુધીની ચીપ દીધી, ને અનસુને રીઝવવા એ ભાતભાતની પશુ-વાણી કરવા લાગ્યો. એણે યમુનાબહેનની પાછળ છાનામાના જઈને ચીંટી ખણી. કોપેલી યમુના પાછળ ફરી જુએ તો દેવુ મોં ફેરવીને સાવ અજાણ બની ઊભેલો! યમુનાનો કોપ મસ્તીરૂપમાં ફેરવાઈ ગયો. યમુનાએ દેવુના બરડામાં એક ધબ્બો દીધો. સામાન ઉપડાવતી ભદ્રાએ આ તોફાન-મસ્તીમાં દેવુનું ને યમુનાનું નવું જીવન નાદ કરતું દીઠું. કોઈકને ધબ્બો મારવાનું દિલ તો એનેય થઈ આવ્યું. પણ એનો ધબ્બો સુસ્થાને શોભે તેવો કોઈ બરડો ત્યાં નહોતો. કિશોર છોકરો કે ગાંડી બૈરી બની જવા એનું મન ઝંખી ઊઠ્યું. “ફટવ્યો લાગે છે તારી બાએ!” રસ્તે ટપામાં ભદ્રાએ દેવુને અભિનંદન આપ્યાં. “ફટવે જ તો! શા માટે ન ફટવે?” દેવુનાં ગલોફાં ફૂલ્યાં. ભદ્રાએ અંતરથી આશિષો દીધી ને કહ્યું : “મારી ગેરહાજરીમાં ઘી-ગોળ કેટલાં ઉડાવી ગયો તેનો હિસાબ દેજે જલદી ઘેર જઈને, રઢિયાળા!” “ચોરીને ખાધું તેનો હિસાબ હું શાને દઉં? ચોરને પકડવા આવનારે જ એ તો શોધી કાઢવું રહ્યું!” ભદ્રાને આ જવાબો સુખના ઘૂંટડા પાતા હતા : ‘હાશ, બૈ! છોકરાના મોં માથેથી મારી કે કોઈની ઓશિયાળ તો ગઈ! હું કેટલું ખવરાવતી તોય કદી લોહીનો છાંટોય ડિલે ચડ્યો’તો! હે તુળસીમા! મારો ભાર તમે ઉતાર્યો.’ એણે પૂછ્યું : “બા શું કરે છે?” “નજરે જોજો ને! ઘર ક્યાં દૂર છે? જોઈજોઈને દાઝજો!” “જોઉં તો ખરી– મને દઝાડે એવો તે કયો અગ્નિ પેટાવેલ છે તારી બાએ!” એમ કહેતી ભદ્રા ઘરમાં દાખલ થઈ ત્યાં તો એણે અનાજની ગૂણીઓ ઠલવાયેલી દીઠી. ચોખા ને ઘઉંના ડુંગરા થયા હતા. સોવાનું ને ઝાટકવાનું ધમધોકાર ચાલતું હતું. સાફ થયેલા અનાજને એરંડિયું ચડાવવાની ક્રિયા થઈ રહી હતી. બે મજૂરણોના હાથમાં સૂપડાં ને ચાળણીઓ ચાલી રહ્યાં હતાં. ને એ ઓરડો વટાવી ભદ્રા બીજામાં ગઈ તો એણે ‘બડકમદાર!’ ‘બડકમદાર!’ એવા શબ્દો સસરાના ગળામાંથી પૂર્ણ છટા સાથે છૂટતા સાંભળ્યા ને ત્યાં એણે પીંજારાની તાંત ચાલતી દીઠી. બાપુજી ત્યાં બેઠા બેઠા ઘરનાં જરીપુરાણાં ગાદલાં ઉખેળાવી અંદરનું રૂ પીંજાવતા હતા. એણે ઊઠીને તરત કહ્યું : “પહોંચ્યાં ને તમે? વાહ! બડકમદાર...! હાશ, હવે તો હું છૂટવાનો. આ કંચને તો મારા માથે કેર ગુજાર્યો છે : ‘લાવી દો એરંડિયું! … લાવી દો સામટા દાણા! … લાવી દો નવું રૂ! … આ રૂ સારું નથી …. ને આ એરંડિયું દાણામાં ચડાવવા નહીં ખપ લાગે!’ આ ખાટલાની પાટી ભરનારને તેડાવો, ને પેલા ખાટલાને મુંજ ભરાવી દો.’ મને તો પગે પાણી ઉતરાવ્યાં છે, બાપ! આ તે દીકરાની વહુ કે કોઈ નખેદ દીકરો! મને બેસવા દેતાં નથી. તમે હતાં તો કેવું સુખ હતું! દસ દસ વરસ પહેલાંનાં દેવુનાં મૂતરેલાં ગાભા જેવાં ગાદલાં એ...ઈને મઝાથી ચાલતાં. ને પંદર વરસથી પાટી ધોયા વગરના ઢોલિયામાંય ઘસઘસાટ ઊંઘ આવી જતી. ને વળી મહિને મહિને દાણો લાવીને ખાતાં તેને ઠેકાણે આ તો ઘરમાં મોટી રાજક્રાંતિ થઈ રહી છે! મને શી ખબર કે તમારી દેરાણીને તમે આવડાં પહોંચેલાં કરી નાખ્યાં હશે! નહીંતર તમને હું દૂર રાખત શા માટે? હવે તો, બાપ, તમારી સત્તા આ ઘર માથેથી ગઈ છે. ઘરનાં ખરાં માલિક આવી પહોંચ્યાં છે. હું સાચવવાનું કહેતો ત્યારે આકરું લાગતું. તો હવે લેતાં જાઓ – તમારી સત્તા જ ઝૂંટવાઈ ગઈ. હાથનાં કર્યાં હૈયે લાગ્યાં!” “દેવુ,” ભદ્રાએ પીઠ ફેરવી ઊભાં ઊભાં સસરો સાંભળે તેમ કહ્યું : “બાપુજીને કહે કે મને બનાવો છો શાને! તમે જ ઉપર રહીને કંચનની મદદથી મારી સામે આ કાવતરું રચ્યું છે ના! એટલા માટે જ એને લઈને તમે આંહીં આવ્યા હતા! – પણ એ ગઈ ક્યાં?” એમ કહેતી ભદ્રા બીજા ઓરડે દોડી. ત્યાં એણે કંચનને પીંજાયેલા રૂના પોલ પાછળ છુપાયેલી પકડી પાડતાં સામસામી હસાહસ મચી રહી. “કાવતરાબાજ!” કહી ભદ્રાએ એના કાન આમળ્યા. ભર્યો ભર્યો કંચનનો દેહ અંદરથી કોઈ અજબ સ્ફૂર્તિએ ઊછળી રહ્યો. એના અંગેઅંગમાં જીવન કોઈ હાસ્ય ખેલી રહ્યું. તેની માછલી જેવી ગતિમાન કાયા ભદ્રાના હાથમાંથી સરી જવા લાગી. પીંજેલું રૂ પડ્યું હતું. તેના સફેદ સુંવાળા પોલને બાથમાં લઈને કંચન બોલી ઊઠી : “ખરેખર, ભાભીજી, આજ સુધી બબે મોટાં ગાદલાંમાં સૂતાં છતાં આ તો કદી ખબર જ નહોતી. મને તો એવું થાય છે કે રોજેરોજ નવાં નવાં ગાદલાં ભરાવ્યા જ કરું, રોજેરોજ નવું નવું રૂ પીંજાવ્યા જ કરું ને રોજ આ પોલમાં આળોટ્યા જ કરું. ને સાંભળો તો – આ પીંજારાની તાંત શું બોલે છે!” એમ કહેતે એણે તાંતના ઢેં-ઢેં-ઢફ-ઢફ-ઢફ એવા અવાજોના ચાળા પાડી હાથની ચેષ્ટા કરવા માંડી. ભદ્રા સમજી ગઈ : આ સર્વ સ્ફૂર્તિની ભૂખ એના શરીરની ગર્ભવતી સ્થિતિને આભારી છે. ભદ્રાએ એને મસ્તકે હાથ મૂકીને ફક્ત એટલું જ કહ્યું : “હિલોળા કર તું તારે, બેન! હિલોળા જ કર. આ ઘર તારું જ છે.” “ને બાપુજી તો કાંઈ છે ને, ભાભીજી!” કંચને વાત આદરી : “હું જે કહું છું તે કરવા ખડે પગે – બડકમદાર! ગાદલાં માટે નવું કાપડ લાવો, તો કહે કે, બહુ સારું, બડકમદાર! જે મગાવું તે લઈ આવી દેવા માટે, બસ, બડકમદાર! એ બોલે છે ત્યાં તો મારાથી હસી પડાય છે. એ ‘બડકમદાર’ બોલે છે ને મારા પેટમાં જ, ભાભીજી, કંઈક ઊછળવા લાગે છે.” એમ બોલતી બોલતી કંચન, જેણે ત્રણેત્રણ કસુવાવડો જ જોઈ હતી, જેણે સાતમા ને આઠમા મહિનાની સગર્ભાવસ્થાએ અનુભવાતો સ્વાદ કદી ચાખ્યો નહોતો, તે આ નવા અનુભવની કથા કહેતાં નીચે જોઈ ગઈ. પેટમાં બાળકનું સ્પન્દન ચાલતું હતું. ભદ્રાએ એનું મોં ઊંચું કર્યું ને એની આંખોમાં પળ પૂર્વેના થનગનાટને બદલે ગ્લાનિ ને વિષાદ, ભય ને ચિંતા નિહાળ્યાં. એનો પણ મર્મ ભદ્રા પારખી ગઈ. કંચનનાં નેત્રો એકાદ મહિના પછીની એક કટોકટી પર મીટ માંડી બેઠાં હતાં : એ ટાણે, પ્રસવની ચીસોને ટાણે, એ શિશુના પહેલા રુદનને ટાણે, આ-ના આ જ સસરાના કાનમાં શું થશે? આ ભદ્રા, આ પડોશીઓ, સુયાણી વગેરે સૌ શું કરશે? કોઈને કંઈ આડુંઅવળું કરવાની સૂચના તો નહીં થાય? એ કલંકનો નિકાલ તો કોઈને નહીં ભળાવાય? એ એકેએક મનોવેગને ભદ્રાએ પકડી પાડ્યો ને એણે, કશું જ બોલ્યા વગર, કંચનના રૂના પોલ પર ઢળેલા ચહેરાની જમણી આંખને ખૂણે આવેલું એક આંસુનું ટીપું હળવી આંગળીએ ઉપાડી લીધું. ત્યાં તો સસરાનો શબ્દ સંભળાયો : “બડકમદાર! હું શાક લેવા જાઉં છું. ગાદલાના ગલેફનું કાપડ લેતો આવું છું. બીજું કાંઈ જુવે છે, બડકમદાર? ઠે...ક! અત્યારે યાદ ન આવતું હોય તો પછી કહેજો, બડકમદાર! કરમીની જીભ ને અકરમીના ટાંટિયા! અલી ઓ અનસુ! બડકમદાર! યમુના, બડકમદાર!” એમ બોલતા સોમેશ્વર માસ્તર રૂપેરી હાથાવાળી સીસમ-લાકડી વીંઝતાં, ઘરમાં છુપાઈને હસતી યમુનાના માથા પર લાકડી અડાડતા કહેતા ગયા કે, “બડકમદાર! કોણ કહે છે તું ગાંડી? – બિલકુલ ગાંડી નહીં, બડકમદાર!” ‘બડકમદાર’ શબ્દ કોઈ મંત્ર કે સ્તોત્ર બન્યો હતો. એ ઉચ્ચાર આખા ફળીમાં જીવન પાથરતો હતો. એ શબ્દ વાટે એક વૃદ્ધની સ્ફૂર્તિ ને શક્તિ હવામાં લહેરિયાં પાડતી હતી. ચાલ્યા જતા સસરાની પાછળ શેરી પણ ગાજતી ગઈ : ‘બડકમદાર!’ ભદ્રાએ એનો પણ મર્મ કલ્પી લીધો – કે સસરા જાણે કોઈક અપૂર્વ આપત્તિના કસોટી-કાળને માટે કૃત્રિમ હિંમતનો સંચય કરી રહેલ છે. એવો અર્થહીન ઉચ્ચાર પગલે પગલે કાઢવાનો એ વગર બીજો હેતુ ન હોય. એ કસોટીનો કાળ ક્યાં દૂર હતો? એક મહિના પછી એક પ્રભાતે કંચનની એ પ્રસવ-ચીસોનો પ્રારંભ થયો. એના ખાટલાને ઝાલી ભદ્રા સુયાણીની સાથે બે રાતથી બેઠાબેઠ હતી. વેદના અસહ્ય હતી. કંચનને વેદના પીવાની ટેવ નહોતી. એને તો જાણે કોઈએ અગ્નિકુંડમાં ઝીંકી દીધી. એણે ચીસોને દાબવાની શક્તિ હતી તેટલી ખરચી. પણ છેવટે હોઠની ભોગળો ભેદતો ભેદતો સ્વર છૂટ્યો. કોના નામનો સ્વર? કોને તેડાવતો પોકાર? કોને બોલાવતી ચીસ? એનું કોણ હતું? એને મા નહોતી, બહેન નહોતી, ભાઈ નહોતો; ને એક પણ એવી બહેનપણી નહોતી, એક પણ નારીસન્માનક પુરુષમિત્ર નહોતો. ભરથાર હતો પણ ન હતા જેવો, દરિયાપાર બેઠેલો, રૂઠેલો, પોતે જ ફગાવી દીધેલો. કોનું નામ પોકારે? કોના નામનો આધાર ધર્યો એ વેદનાની આર્તવાણીએ? “બાપુજી! બાપુજી! ઓ મારા બાપુજી.... જી.... જી....!” એમ પુકારતા એના દાંતની કચરડાટી બહાર બેઠેલા સસરાએ સાંભળી. કંચનને મન પોતાનો પરિત્રાતા, પોતાને માટે જમની જોડે પણ જુદ્ધ માંડનાર આ એક જ પુરુષ હતો : સસરો સોમેશ્વર. એણે પુકાર્યું : “બાપુજી! ઓ મારા બાપુજી... ઈ...ઈ...ઈ – ” ને દાંતની કચરડાટી પર કચરડાટી. “તુલસીમા! હે તુલસીમા! તુલસીમા સારાં વાનાં કરશે, બેન!” બેઠી બેઠી ભદ્રા કંચનના લથડતા, કકળતા, ભાંગી ટુકડા થતા શરીરને ટેકવી બોલતી હતી. સોમેશ્વર માસ્તરનો એ સૌથી વધુ કપરો કસોટીકાળ હતો. ગઈકાલ સાંજ સુધી એણે વૈદ્યને બોલાવેલા, ઓસડિયાં ખંડાવેલાં, સુવાવડનો ઓરડો સ્વચ્છ કરાવી ત્યાં ઢળાવવાના ખાટલામાંથી જાતે વીણી વીણી માંકડ કાઢેલા, ધૂપ દેવરાવેલો, ઓરડાને ગૌમૂત્ર છંટાવેલાં ને પૃથ્વી પર મહેમાન બનનારા માટે નાની માંચી, પોચી ગાદલી – અરે, બાળોતિયાંના ટુકડા પણ પોતે ચીવટ રાખીરાખીને તૈયાર કરેલા. એ જ ડોસાએ જ્યારે પ્રસવ સામે દીઠો ત્યારે એક ધ્રુજારી અનુભવી. એનું હૈયું પાછું પડ્યું. એની અંતર-ગુહામાં બેઠેલો સંસારી બોલી ઊઠ્યો : ‘એઈ! પણ આ બાળક કોનું! ને શી આ વાત! આ દીકરાની નામરદાઈનાં નગારાં વગડાવછ! અલ્યા, આ ચીસો પાડનારી લગીરે લજવાતી નથી!’ ઝાઝા વિચારોએ એને જાણે કે પીંખી નાખ્યો. એને સ્વેદ વળી ગયો. ને આજ એક મહિનાથી જે શૌર્ય-શબ્દ ‘બડકમદાર’ એના મોંને જંપવા દેતો નહોતો તે એના ગળાની નીચે રોકાઈ ગયો. “બાપુજી! બાપુજી! ઓ મારા બાપુજી...ઈ...ઈ...ઈ!” ચીસો ઊઠતી રહી. ચીસ પાડનારી રાહ જોતી રહી કે, “હમણાં પડકારશે ડોસા : બડકમદાર! એટલે હું માનીશ કે મારા સસરા મારી વહાર કરવા, મને દાનવોથી રક્ષવા, અહીં જ બેઠા છે.’ પણ કોઈ ન બોલ્યું : બડકમદાર! સોમેશ્વરને લજ્જાએ, નબળા વિચારોએ ને આ ચીસોની નફટાઈએ ભાંગી નાખ્યો. એણે કાન આડી હથેળીઓ દીધી. એણે વહુના પ્રસવખંડની પરસાળ છોડી દીધી. એ જાણે કે નાઠો. પણ નાસીને જાય ક્યાં? નાસીને જવાનું એક જ ઠેકાણું હતું : પાછલી પરસાળે પડેલો અંધા જ્યેષ્ઠારામનો લબાચો. સોમેશ્વર સરકીને ત્યાં પહોંચ્યા, એણે જઈને જ્યેષ્ઠારામના હાથ ઝાલી લીધા. એના મોંમાંથી ‘કરમ! કરમ!’ એવા ઉદ્ગાર નીકળ્યા. જ્યેષ્ઠારામે ઘરમાં જાણે કશું જ બનતું નથી એવા મિજાજે કહ્યું : “કાં દવેજી! આજ તમારું ‘બડકમદાર’ ક્યાં તબડકાવી ગયું?” “ચૂપ રહે, ભાઈ! બોલ મા!” સોમેશ્વરે સાળાનો પંજો દબાવ્યો : “હું હાર્યો છું. મેં આ શું કર્યું? હેં જ્યેષ્ઠા! તેં આ શી સલાહ દીધી’તી મને?” “શું છે?” જ્યેષ્ઠારામ હસ્યો. “આ કોનું સંતાન, હેં? – આ કોનું હશે?” “એ તો ખબર નથી, દવેજી! પણ તમને કાંઈ ખબર છે કે હું મારી માને પેટે કોનો જન્મ્યો હતો? હેં દવે, પાકી ખબર છે તમને કે હું મારા બાપનો જ છું, હેં?” એવા બોલનાં તાળાં સોમેશ્વરની જીભે દેવાય તે પૂર્વે તો અંધાએ આગળ પ્રશ્ન કર્યો : “ને તું પંડે તારી માને પેટે કોનાથી – તારા બાપથી જ પાકેલ, તેની તને ખાતરીબંધ ખબર છે કે, દવે! એંસી એંસી વરસના આપણા ન્યાતીલાને પૂછી જોશું, હેં દવે, કે મારી કે તારી માને પેટે હું ને તું કોનાથી પાક્યા’તા?” સોમેશ્વર ચૂપ બન્યો. થોડી વાર એ મૌન ટક્યું. એ મૌનને વીંધીને બૂમ પડી : “ઓ બાપુજી! ઓ મારા બાપુજી! ઓ... ઓ... ઓ...” “જા, દવે!” અંધાએ કહ્યું : “ને મનેય લેતો જા. કોઈએ આ સંતાન કોનું એવું પૂછવા જેવું નથી. તે પૂર્વે આપણે આપણી જાતને પૂછવું કે, હું પોતે કોનો હોઈશ? માટે, ચાલ; એને હિંમત આપ પરસાળમાં બેસીને.” બીજા હાથે દોરાતો અંધ તે ટાણે સોમેશ્વરને દોરી પ્રસવ-ખંડ પાસે લઈ ગયો ને ઊભો રહ્યો. તે પછી પ્રસવની ભયંકર વેણ્ય આવી. ચીસ પડી : “બાપુજી, ઓ મારા ….” “હો બચ્ચા! આ રહ્યો હું, બચ્ચા! બડકમદાર!” એ શબ્દો કંચને સાંભળ્યા. ને તે પછી બીજી જ ક્ષણે વિશ્વની પરસાળે, બ્રાહ્મણવાડાને ઓરડે, તુલસીને ક્યારે, પ્રભુઘરના પરોણલા-શી એક બાલિકા ઊતરી પડી. સુયાણીએ બહાર આવી ખબર દીધા : “દાદાને ઘેર લેણિયાત આવી!” “બડકમદાર!” એ બોલ બોલીને સોમેશ્વર માસ્તર ગદ્ગદિત બન્યા. એ તુલસી-ક્યારે ગયા. ત્યાં યમુના અનસુને લઈ ચુપચાપ, બીડેલી આંખે, બેઠી બેઠી કંઈક પ્રાર્થના લવતી હતી. અનસુને પણ એણે હાથ જોડાવ્યા હતા.