દરિયાપારથી.../ઇસ સાદગી પે કૌન ન મર જાયે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઇસ સાદગી પે કૌન ન મર જાયે

ઘણા લાંબા સમય પહેલાં એક જાણીતા સર્જક ભારતથી અમેરિકા કોઈ કાર્ય-કારણ માટે આવેલા. એમને મળવા માટે એક મિત્રને ત્યાં નાની મિજબાની ગોઠવાઈ. બહુ સરસ તક કહેવાય, એમ માનીને હું ગઈ હતી, પણ એમની ‘મોટી મોટી’ વાતો સાંભળીને અહોભાવ ઓછો થવા માંડ્યો. પેઢી દર પેઢીથી પોતે અમેરિકન હોય એમ એ મહાશય અમેરિકાની સર્જનાત્મકતાનાં વખાણ કરવા માંડ્યા. એટલું જ નહીં, અમેરિકામાંની ભવ્ય ઇમારતોની પ્રશંસા કરવા માંડ્યા. એ વખતે મારું ‘અમેરિકન બાળપણ’ ચાલે. કદાચ તેથી, કે કદાચ છતાં – મારાથી રહેવાયું નહીં, ને મેં વિરોધ નોંધાવ્યો. મહાશય મને કહેવા લાગ્યા, “ અરે બહેન, દીકરી, તું લિન્કન સેન્ટર જો. કેટલાયે લાખ ડૉલર ખર્ચીને શું સંગીત-નાટ્ય-ભવન બાંધ્યું છે. આપણે ત્યાં (એટલેકે, અલબત્ત, ભારતમાં) આવું કશું નથી.” ત્યારથી – ના, એનાથી પણ પહેલાંથી – આવી ફુગાવેલી વાતો મને સાવ ઉપરછલ્લી અને દંભ ભરેલી લાગે છે. કોઈ પણ બે સમાજોની, બે જીવન-રીતિઓની, બે દેશોની સરખામણી થાય જ કઈ રીતે? કેટકેટલી બાબતો ને સંજોગો ભેગાં થાય છે ત્યારે એક સમાજ કે જીવન-રીતિ કે દેશ ઘડાતા હોય છે. અને તેથી જ, કળાકૃતિઓની રજુઆત માટેના ભવનો જ જુદાં હોય છે તેમ નથી, પણ સ્થાને સ્થાને સર્જનાત્મકતાની અભિવ્યક્તિનાં સ્વરૂપ પણ જુદાં જ હોવાનાં. મઝા આ વૈવિધ્યને માણવામાં મળે. કશાની કચાશ કે ખામી પર ભાર શા માટે મૂકવો? આવી સમજુતી, અને સહિષ્ણુતા, કાળક્રમે હું કેળવી શકી છું. તેને હું સદ્ભાગ્ય માનું છું, કારણકે આથી કોઈ પણ સ્થાનના સર્જનમાંની રચનાત્મકતા પર ધ્યાન પરોવાયેલું રહે છે, નહીં કે ત્યાંની કશી પણ અપૂર્ણતામાં. ભારતમાંના પ્રાંત પ્રાંતમાં પણ સર્જનાત્મકતાનાં આંતરિક સ્વરૂપો તેમજ એમની બાહ્ય રજુઆતોની અનુભૂતિ જુદી જુદી જ થવાની. અહીં હું જો કોઈ એક પ્રાંતમાં પ્રાપ્ત થયેલા અનુભવો સાનંદ વર્ણવું તો એમાં કોઈ બીજા પ્રાંતના સર્જન-જીવનની ટીકા કરવાનો ઉદ્દેશ સહેજ પણ નથી. એ પ્રાંત તે બંગાળ. જે નિર્ભેળ આનંદનો ઉલ્લેખ કરવો છે તે મને મળ્યો કલકત્તાના રંગમંચ પરથી. મનમાં ને મનમાં જ નહીં, પણ જ્યાં તક મળે ત્યાં હું ‘વાહ વાહ’ કરતી રહી. આ શહેરમાં નાટ્ય-ગૃહો તો અસંખ્ય છે, પણ હું તો જ્યાં જવું સૌથી વધારે ફાવે તેવી એક જ જગ્યાએ વારંવાર ગઈ. એનું નામ કલામંદિર. બાજુમાં રવીન્દ્ર-સદન, પાછળ નંદન-ફિલ્મ-સેન્ટર, સામે વિખ્યાત પુસ્તક-મેળાનું મેદાન. કલા-મંદિરના ચોગાનમાં પેસતાંની સાથે આવે આર્ટ ગૅલૅરીવાળો ભાગ, અને બગીચામાં થઈને પાછળ જતાં આવે નાટ્ય-ગૃહ. સાવ સાદું, ને ઘણું નાનું. હું વર્ષોથી ત્યાં નાટક જોતી આવી છું. એકલી જ જઈને બેસી જાઉં. સારું નાટક જોવામાંથી રહી ના જાઉં, મનમાં એ જ ખ્યાલ હોય. એક વાર “અપરાજિતા” નામના નાટકમાં તૃપ્તિ મિત્રના અભિનયથી ‘ ચિત’ થઈ જઈને, નાટક પૂરું થયે એમને મળવા મંચ પર પહોંચી ગયેલી; તો અત્યંત જનપ્રિય સર્જક સુનીલ ગંગોપાધ્યાયનાં લખેલાં નાટકોની ભજવણી એમની સાથે જ બેસીને જોવાનો લ્હાવો પણ એકથી વધારે વાર મળ્યો છે. ઘણી વાર મારી ‘વાહ વાહ’ કલા-મંદિરના બહારના દ્વારથી જ શરૂ થઈ જાય. ત્યાં બહાર જ, મોટા કાળા પાટિયા પર આખા મહિનાના બધાં દિવસ ને રાતનાં આનુષ્ઠાનોની યાદી કરેલી હોય. નાટકનાં, દિગ્દર્શકનાં, નાટ્ય-જૂથોનાં નામ, નાટકનો સમય વગેરે બધું ત્યાં જ જોવા મળી જાય. મહિનો પૂરો થવામાં હોય ના હોય ત્યાં એ પછીણબા મહિનાની આવી યાદી બીજા પાટિયા પર લખાઈ, અને બહાર મૂકાઈ ગઈ હોય. અધધધ – આટલાં બધાં નાટકો? મારી પાસે કલકત્તામાં આટલા બધા દિવસો કેમ નથી? – મને એ જ રંજ હોય. તોયે પાંચ નાટકો તો જોયાં. પહેલામાંથી મધ્યાંતરમાં ઊઠી ગયેલી, પણ બાકીનાં ચાર બહુ ગમેલાં. ટિકિટનો દર વધારેમાં વધારે પચીસ-ત્રીસ રૂપિયા. મોટા ભગના લોકો અડધાએક કલાક પહેલાં આવી નિરાંતે ટિકિટ લે, પછી આર્ટ ગૅલૅરીમાં અચુક આંટો મારી આવે. કલકત્તાની પ્રથા નાટક સાંજે છ વાગ્યે શરૂ કરવાની છે. આ કળપ્રિય જનગણ દૂર દૂર રહેતો હોય, ને બસ પકડીને ઘેર જવાનો હોય, તેથી જ આ પ્રથા પડી હશે. અને આહા, શું શિસ્ત. ભાગ્યે જ કોઈ પ્રક્શક મોડો પડે, પણ પડદો તો ક્યારેય મોડો ના ખુલે. છને ટકોરે નાટક શરૂ થઈ જ જાય. મારાથી તો મનાય નહીં. અંધારામાં હું મારી નાનકડી ટોર્ચ કાઢું, ને ઘડિયાળ જોઉં. ને ખરેખર, છને એક મિનિટ પણ માંડ થઈ હોય. સાડા આઠ વાગતાંમાં નાટક પૂરું થઈ જાય. બધાં શાંતિથી બહાર નીકળવા માંડે, બગીચામાં થઈને રસ્તા પર આવે. છ-સાત જ મોટરો ઊભી હોય, બાકીનાં બધાં પોતપોતાની બસની દિશામાં ચાલવા માંડે. બધું જ અત્યંત સભ્ય અને સુસંસ્કૃત લાગે : કળાગૃહ, બગીચો, શિલ્પો, નાટ્યગૃહ, બંગાળણોનું રુદ્ય લાલિત્ય, પુરુષોની સાહજિક ભદ્રતા, સર્વ પક્શે સમયની સંપૂર્ણ પાબંદી, માળે પાછાં જતાં પંખીઓની જેમ શિષ્ટ પ્રક્શકોનું વિસર્જન. હું વિસ્મય-વિહત, ને વાહ વાહ કરતી જાઉં. મેં ત્યાંનાં મિત્રોને કહ્યું કે અમારે ત્યાં ગુજરાતમાં સાડા નવનું નાટક સવા દસ પછી શરૂ થાય, ને રાતે દોઢ પહેલાં ક્યારેય ના પતે. સંભળીણે એ ભોળાં બંગાળીઓ મૂક બની જાય. કદાચ એમની સજ્જનતા અને ઋજુતા જ એમને “હા ધિક્” કહેતાં અટકાવતી હશે! નાટકના આરંભે કે અંતે અહીં કોઈ ઘોષણા થતી નથી. નાટક, દિગ્દર્શક, અદાકારો, મંચસજ્જા, આલોક, ધ્વનિ વગેરે કોઈનાં નામ બોલાતાં નથી. પ્રેક્શક-ગણ સુગ્ન છે. આ બધાંનાં નામો જાણીને, એમનાંથી ખેંચાઈને જ જોવા આવેલો છે. છતાં, ક્યારેક કશી સૂચના આપવી પડે તો તે અતિમૃદુ સ્વરે અપાય છે. ગાજી ગાજીને ક્યારેય નહીં. પછી ભલેને એ પુરુષનો હોય. બલ્કે, ત્યારે તો એ ઘન-ગંભીર સ્વર વધારે કર્ણપ્રિય લાગે છે. મંચસજ્જામાં મેં હંમેશાં સાદગી જ જોઈ છે. આ પ્રંાત મુખ્યત્વે મધ્યમ વર્ગીય છે. એહીંનાં કળાકારોમાં સર્જન-કૌશલ પ્રચુર હોય છે, ધન નહીં. મેં વારંવાર નોંધ્યું પણ છે કે એ સાદગી યથોચિત હોય છે, ફુવડ કે બેઢંગ નહીં. એ નાટકના માહોલને, કથાના પરિવેશને, પાત્રોનાં વ્યક્તિત્વને ઉપયુક્ત હોય છે. બંગાળી નાટકોના કેન્દ્રાર્કમાં હંમેશાં છતી થતી હોય છે વાસ્તવિકતા – સાવ સીધી રીતની, બિનઆડંબરી, યથાર્થ લાગે તેવી વાસ્તવિકતા. અભિનય પણ આ જ ભાવને અનુરૂપ. કોઈ જાતની વિદ્રુપતા કે અસહ્ય અતિશયોક્તિ ક્યારેય ના દેખાય – પ્રહસનોમાં પણ નહીં. વેશભૂષામાં પણ સાદગી, અનાડંબર, અને ખાત્રીપૂર્વકની બંગાળી લાક્શણિકતા. સ્ત્રી-પાત્રોને ચશ્માં પહેરેલાં કેટલી વાર જોયાં હોય આપણે? સત્યજિત રાય દ્વારા દિગ્દર્શિત, સુનીલ ગંગોપાધ્યાય દ્વારા લિખિત “પ્રતિદ્વંદ્વી” નામની ફિલ્મમાં કદાચ પહેલી જ વાર નમણી કુમારિકા નાયિકાને ચશ્માં પહેરાવેલી જોઈ હતી. એને તો અસંખ્ય વર્ષો થઈ ગયાં. ને હજી પાત્રાનુરૂપ આ સાહજિકતા બંગાળી ચલચિત્રોમાં અને નાટકોમાં રહેલી જ છે. એક નાટકમાં બે બહેનોને ચશ્માં હતાં. ત્રીજી, સૌથી નાનીને ચશ્માં આટે છે, એ પહેરે છે, ને પછી સુખનો શ્વાસ લઈને કહે છે, “હાશ, હવે આપણે ત્રણે બહેનો એકસરખી થઈ ગઈ.” કલકત્તાનાં બંગાળીઓ પાછાં નાટ્ય-પ્રકારોથી સુવિદિત હોય, અને પોતપોતાની પસંદગીનાં જ નાટક જોવા જાય. કોઈને ઐતિહાસિક ફલકવાળાં ગમે, તો કોઈને તળ-બોલીના સંવાદોમાં જ મઝા પડે. અંદર અંદર ચર્ચા થતી રહે, કે “બસ, હવે વામપંથી કથાનકોથી તો થાક્યાં”, અથવા એમ, કે “જીવનમુખી નાટકો તો બહુ જોયાં.” પહેલાં તો હું એ અનપેક્શિત સુંદર શબ્દો ચૂકી જાઉં, પણ તરત ખ્યાલ આવી જાય, ને બહુ ખુશ થઈ જાઉં. આપણે તો જરામાં ‘કમ્યુનિસ્ટ’ કે ‘સોશિયલ’ જેવા સ્થૂળ પર-ભાષી શબ્દો વાપરી બેઠાં હોત! આ ભાષાની માયા-જાળ જ મારે માટે પૂરતી હોય. કથાવસ્તુને પસંદ કરીને અનુષ્ઠાન જોવા જવા જેટલો સમય આગંતુક માટે દર વખતે ક્યાંથી હોય? પણ મારે તો એટલું જ જોઈએ કે નાટક ગુણવત્તાની દૃષ્ટિએ સફળ થાય છે કે નહીં. મારે તો કળાકૃતિનો ઉત્કૃષ્ટ અનુભવ જ માણવો હોય. મનમાં ને મનમાં હું અફસોસનો નિઃશ્વાસ નાખતાં વિચારું, પેલા પાટિયા પર નોંધેલાં બધાં નાટકો જોવાનો સમય કેમ નથી મારી પાસે?