દરિયાપારથી.../સહેતાં, સ્વીકારતાં, સમજતાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સહેતાં, સ્વીકારતાં, સમજતાં

અઢી હજારથી વધારે વર્ષો પહેલાં સોક્રટિસ નામના એક જણે જાહેર કર્યું -Know Thyself. એટલે શું? “જાતને જાણો”, કે “પોતાને ઓળખો” – તે? પણ આ શબ્દોનો કોઈ અર્થ ખરો? આ શબ્દોનો ખરો અર્થ કયો? શું સોક્રેટિસ પોતે જ પોતાને જાણી શકેલા? વાયકાઓ પરથી લાગે છે, કે એમની પત્ની તો એમને નહતી જ ઓળખી શકી. કોઈ કોઈને ઓળખી શકે છે ખરું? ક્યારેય? ધારો કે આપણે કહીએ, કે માનીએ, કે આપણે આપણી જાતને ઓળખીએ છીએ, પણ બીજી કોઈ વ્યક્તિ આપણને ખરેખર ઓળખી શકે છે ખરી? જાતને કે કોઈને પણ ઓળખવા અંગેની ચર્ચા-વિચારણા અઘરી અને અંત વગરની લાગે છે, તો બીજો પણ એક પ્રશ્ન છે- આપણને કોઈ કઈ રીતે ઓળખે તો આપણને ગમે?- એનું શું? આ પ્રશ્ન વિવિધ સ્તરે તોળાયેલો છે અને એના જવાબ એકથી અત્યધિક છે. શીશમહેલમાં પડતાં બહુસંખ્ય પ્રતિબિંબોનું કલ્પન સુઝી આવે છે. માણસના જેટલા મનોભાવ તેટલી એની ઓળખ. કોઈને એનો અમુક ભાવ જોવા મળે, તો કોઈને બીજો અમુક. એક વ્યક્તિ જુદી જુદી રીતે જોવાતી ને ઓળખાતી રહે. શું એ વ્યક્તિને આ સ્વીકાર્ય અને સંતોષપ્રદ હશે? જવાબ જો ‘હા’ હોય તો નિરાંત થઈ, ને વ્યક્તિ છૂટી; પણ જવાબ જો ‘ના’ હોય તો શું? એણે આ બાબતે જાત સાથે કઈ રીતે સમાધાન કરવાનું? એક ચાદરને પણ આપણે આખી ખોલીને જોયા પછી પસંદ કરતાં હોઈએ છીએ, તો વાળીને, ગડી કરી રાખેલા મનનો- કે સ્વભાવનો, કે વ્યક્તિત્વનો, કે જીવનનો – આવિર્ભાવ કઈ રીતે દર્શાવવાનો? ને પામવાનો? જો એ આવિર્ભાવ આંશિક રીતે જ શક્ય હોય, તો એ કયા અંશે શક્ય થાય તો ગમે? બહુ લાંબા સમયથી મનમાં આ પ્રશ્ન અમળાતો રહ્યો છે. એ વિષે વિચાર કર્યા કરતાં એટલું સમજાયું છે કે જવાબ અત્યંત જટિલ છે. એટલો ખ્યાલ તો મળે છે કે સમય, સ્થળ, પ્રસંગ, પરિસ્થિતિ ઇત્યાદિ પ્રમાણે, તેમજ વ્યક્તિની ઈચ્છા, રુચિ, અગત્ય ને આવશ્યકતા પ્રમાણે જુદી જુદી ગડી બહાર દેખાતી જતી હોય છે. એટલે એમ કે કઠપૂતળી એની દોરી પોતાના હાથમાં રાખી શકે છે. છતાં, એ પછી પણ એના મનમાં આનંદ અને સંતોષ હશે ખરો? આડંબર, છેતરપીંડી અને હોંશિયારીનું ઓઠું રાખતાં ના આવડતું હોય તેવા, અને સમગ્ર ઓળખાણ જાહેર થતી રહે તેમ ઝંખતા હોય તેવા, સાદા-સીધા સર્વ-જન પાસે એક અજંપો અને ઉદાસી રહી જાય છે. નૈતિક જ નહીં, અન્ય સ્તરે પણ આંશિક ઓળખાણ પૂરતી નથી હોતી. સામેનાં દ્વારા થતાં રહેતાં ઉપરછલ્લાં અનુમાનો, પ્રશ્નો, ધારણાઓ, ધૃષ્ટતાઓ વધારે ને વધારે મિથ્યા, ને સીમિત, તારણ નિપજાવતાં રહે છે. જોરથી માથું ને હાથ હલાવીને સર્વ-જન વિરોધ નોંધાવવા, સમજુતી આપવા પ્રયત્ન કરે છે; સભા-જન બહેરો બનેલો હોય છે. ઓહ, તમે પશ્ચિમી કપડાં જ પહેરો છો?, ઓહ, તમે કેવળ ઇન્ડિયન કપડાં જ પહેરો છો?, ઓહ, તમે મોટર ચલાવતાં જ નથી?, ઓહ, તમે મંદિરે જતાં જ નથી?, ઓહ, બધી હિન્દી ફિલ્મો જુઓ છો?.. ઓહ, ઓહ, ઓહ.... અમુક રીતે એમ લાગે છે કે અજાણ્યાંની સાથે આપણે વધારે સુરક્શિત હોઈએ છીએ. કોઈ પૂર્વ-સંકલ્પિત નિષ્કર્ષો ના હોય, તેથી મનના આવા ચેન-આરામમાં ઘણાં વર્ષો મેં અનેક દેશોના પ્રવાસમાં ગાળ્યાં છે. જાણે કે ખલિફ હારુન અલ-રશીદની જેમ ગુપ્ત વેશે જીવન-ચર્યા કરી છે. ભારતીયપણું તો, અલબત્ત, રહેવાનું જ. રંગ, રૂપ ને દેખાવને ક્યાં સંતાડવાનાં? એવી કોઈ ઈચ્છા પણ નહીં જ. પરંતુ ‘શું?, શા માટે?, કેમ નહીં?’ જેવી પૃચ્છાઓથી વીંધાયા વગર- કેવળ એક માનવ તરીકે, વ્યક્તિ તરીકે – જીવી શકાય તો ગમે તો ખરું જ ને? ભારતીય તરીકે પણ અન્ય દેશોનાં પ્રજાજનો કઈ રીતે જાણે કે પ્રમાણે તે ગમે? – જેવો પ્રશ્ન જાતને પૂછવાની જરૂર પણ પ્રવાસ દરમ્યાન પડતી હોય છે. જેમકે, ઘણા દેશોમાં બૉલિવૂડની ફિલ્મો બહુ લોકપ્રિય બની છે, ને ટેલિવિઝન પર પણ ત્યાં ત્યાં એ બતાવાતી હોય છે. એ જ વિષે, તેમજ ફિલ્મોના સિતારાઓ વિષે સળંગ, સતત પૃચ્છા થતી રહે ત્યારે ભારતીય તરીકેની એ આંશિક ઓળખ બહુ નાપસંદ, કંટાળાજનક અને ક્લાંતિકર બને છે. આ ઓળખ શું સહી-સ્વીકારી પણ લેવાની? તો ઇન્ડોનેશિયાના લૉમ્બૉક અને બાલિ ટાપુ પર અપવાદરૂપ પ્રસંગ પણ બન્યા હતા. જ્યાં દેશનો રાષ્ટ્ર-ધર્મ ઇસ્લામ છે ત્યાં આ બે ટાપુઓ પર હિન્દુઓની ઘણી વસ્તી છે. ( જોકે એ હિન્દુ ધર્મ અમુક રીતે, કેટલીક રીતે જુદો પડે છે.) લૉમ્બૉકમાં એક દુકાનદારે મારી પાસે કૃષ્ણ, રામ, લક્શ્મી તેમજ સરસ્વતી માટેનાં પૂજા-સૂત્રો લખાવી લીધાં. કહે કે એ રોજ દેવોને પ્રાર્થના કરે છે. તો ઉતારા પરના યુવા-વયી સંચાલકે તો વિનંતી કરી કે,“હવે ફરી આવો ત્યારે ગંગા-જળ લેતાં આવજો. એ બહુ પવિત્ર છે, ને હું તો ઇન્ડિયા ક્યાંથી જઈ શકવાનો?” – વગેરે. આવી પૃચ્છા અને ચર્ચા ગમે. હંમેશાં ભારતનાં ઇતિહાસ-ભૂગોળ, રામાયણ-મહાભારત, રવીન્દ્રનાથ-ગાંધીજી ઇત્યાદિ વિષે વાત કરી શકાય તો મનમાં સંતોષની ટાઢક જરૂર વળતી હોય છે. એમ કહી શકાય કે મૂલ્યો, માનવીયતા, થોડું પણ ઊંડાણ, અને આભિજાત્યની સંધિ થાય ત્યારે ભારતીય વ્યક્તિ હોવાનો સભાન હરખ હિલ્લોળે ચઢે છે, મનને ખૂબ ગમે છે. કોઈ મને વ્યક્તિ તરીકે ગેરસમજથી અથવા ખોટી રીતે જુએ ને જે દુઃખ થાય, તેનાથી પણ વધારે દુઃખ તુચ્છ અને ઉપરછલ્લા સંદર્ભોને કારણે થાય છે, તેમ મને નિઃશંક લાગે છે. સાધારણ બુદ્ધિવાળા લોકો તો એનાથી ઊંચે કે ઊંડે જઈ જ નહીં શકવાના, તેમાં પણ શંકા નથી. આવી પ્રતિક્રિયા તો સહી લેવાની જ હોય, એમ સમજ્યા પછી એ ગ્નાનને અનુરૂપ હું વર્તી પણ ખરી. લૉમ્બૉક ટાપુ પર થોડા કલાકો માટે ભાડે કરેલી ટેક્સીનો, ત્રીસીમાં પહોંચેલો ચાલક એવી ઉક્તિઓ સંભળાવવા માંડ્યો કે એમને “એલ-ફેલ” જ કહેવાય. કમ-અક્કલવાળી તો જરૂર જ કહેવાય. એ કહે, “ઇન્ડોનેશિયા ઇન્ડિયા કરતાં ઘણો વધારે ધનિક દેશ છે.” એ પણ ભારતીય ફિલ્મો જોતો આવેલો. એ દ્વારા એ ગ્નાન પામેલો, કે “ઇન્ડિયામાં તો કેવી જૂની જૂની મોટરો વપરાય છે. અહીં તો લોકો સરસ અને નવી ગાડીઓ ચલાવતા હોય છે.” એનો જવાબ મેં આપ્યો જ નહીં. એ હતો એટલા નીચા કે સાધારણ સ્તરે કે હું ત્યાં પહોંચી જ નહતી શકવાની. અને મોટે ભાગે બનવાનું તો આમ જ, તેથી આંશિક સમજ કે ગેરસમજથી દુઃખી થઈને શક્તિ કે સમય વેડફવાનો અર્થ જ નથી હોતો. ને આમેય, હરખની તો ભીંજવે એવી છાલકો જ હોય, ડુબાડે તેવાં મોજાં નહીં.