દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૭. મનરૂપી હાથી વિષે ગરબી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫૭. મનરૂપી હાથી વિષે ગરબી


મન મનદઝર મેગળ એક છકેલો છુટ્યો છે,
છંછેડી છરાવેલો છેક, છકેલો છુટ્યો છે.
એ તો અંકુશ તોડે ટચ, ભચકાવો ભાલો ભચ. છકેલો.
નહિ માને માવતનો માર, કરે અકરાકેર અપાર. છકેલો.
જઈને જામ્યો જુની બજાર, પ્રજા નાશીને પાડે પોકાર. છકેલો.
નાઠા પૂરા શૂરા રજપૂત, નાઠા જોગી જુઓ અબધૂત. છકેલો.
નાઠા ધ્યાની તો ધરતા ધ્યાન, કંઈક જ્ઞાનીએ ગુમાવ્યાં જ્ઞાન.
એના કંઠમાં સાંકળ એક, લોકલાજની પાતળી છેક. છકેલો.
તાણે તો ટુક ટુક થાય, જો મેલે તો જડમૂળ જાય. છકેલો.
થીર થુળ તોડે તે થંભ, જોતાં અંતર ઉપજે અચંભ. છકેલો.
જ્યારે આવશે એનું મોત, જાશે ગોફણગોળા સોત. છકેલો.
એને સૌ સમજે સેતાન, કોઈ મરદ લડે મેદાન. છકેલો.
બાંધી કમર જીતવા કામ, રામ સમરીને દલપતરામ. છકેલો.