દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૬. જ્વાસા વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૬. જ્વાસા વિશે


જ્વાસા શીદને મરે છે સુકાઈ,
ભુંડું શું કીધું વરસાદે ભાઈ; જ્વાસા. ટેક.

ચારે દિશ વરસાદની થઈ ચડાઈ,
દેખી તેની સરવ થકી સરસાઈ;
હાંરે તારા ઉરમાં આવી અદેખાઈ; જ્વાસા.

થયાં નવપલ્લવ તરુવર સરવે,
અખિલ જન હરખિયાં એને ઉતરવે;
હાંરે તું તો ગંડક બળી મરે ગરવે; જ્વાસા.

ધાર્યું તેં તો અભિમાન અતિ ઘણું આજે,
બીજાની ચઢતી દેખીને તું દાઝે;
હાંરે જાણે ઘન કેમ મુજ શિર ગાજે; જ્વાસા.

એનો એક વાળ તારાથી ન તૂટે,
તેનો જશ તારે ખુટાડે ન ખૂટે;
હાંરે ઠાલો શીદને કપાળ તું કૂટે; જ્વાસા.

એનો જગકર્ત્તાએ કીધો વધારો,
તેથી તે તો સર્વને લાગે છે સારો;
હાંરે તું તો તોલ તપાસને તારો; જ્વાસા.

જોને તે તો સર્વનું ઇચ્છે છે સારું,
નથી ચહાતો કોઈનું થવાને નઠારું;
હાંરે તેણે શું બગાડ્યું ભાઈ તારું; જ્વાસા.

એને એકે આળ ચડાવ્યું ન ચડશે,
એના સામું ફેંકતાં તુજ શિર પડશે;
હાંરે તારી ઇર્ષા તે તુજનેજ નડશે; જ્વાસા.

જ્યારે તુજ અંગમાં શોષ જણાયો,
ત્યારે તું અદેખોને ભુંડો ભણાયો;
હાંરે તું તો હલકો હઠીલો ગણાયો; જ્વાસા.

તું તો જાણે માન હું મેળવું મોટું,
તે તો બીજા લોકના ચિત્તમાં ચોંટ્યું;
હાંરે ખેંચી લેતાં તો મળવાનું ખોટું; જ્વાસા.

હજી થાને ગંભીર તજ હલકાઈ,
અલપ ગણુ મળતાં ન જવું છલકાઈ;
હાંરે ભલું તેથી થાશે તારું ભાઈ; જ્વાસા.

થયાં સઉ પ્રફુલ્લિત તું તેવો થાને,
સરસ ગુણ વરસાદના ગણી ગાને;
હાંરે મિત્રતાથી હળીમળી જાને; જ્વાસા.

કહ્યાં આ તો કથન તારે શુભ કામે,
દેખી તારું દુઃખ દીલ ધારી દયા મેં;
હાંરે રૂડી રીતથી દલપતરામે. જ્વાસા.