દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૧. ફૂલણજીની ગરબી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬૧. ફૂલણજીની ગરબી

ફૂલણજી તમે ફુલાવ્યા કેમ ફૂલ્યારે,
આ ઉપજ ખરચનો અડસટો કેમ ભૂલ્યા, મારા ફૂલણજી.
કરજ કરીને વરા ભલા તમે કીધારે,
આ ગરથ પરાયા ખરચીને જશ લીધા, મારા ફૂલણજી.
ઘર વેચીને ઘી સાકર તો લીધાંરે,
આ જમણ સરસ સામોવડિયાથી કીધાં મારા ફૂલણજી.
પીતાંબર પેહેરી પંગતમાં ફરિયારે,
આ મનમાં ફૂલ કરી મૂછે કર ધરિયા, મારા ફૂલણજી.
વળતો દિવસ થયો કે માગે નાણાંરે,
આ નાણાનાં તો ન મળે ક્યાંઈ ઠેકાણાં, મારા ફૂલણજી.
ફૂલણજી ઉપર અરજી થઈ ત્યાંથીરે,
આ જપત થઈ મિલકત કાહાડ્યા ઘરમાંથી મારા ફૂલણજી.
ફૂલણજી તમને જેણે ફૂલાવ્યારે,
આ તે તો કોઈ મદદ કરવા નવ આવ્યા, મારા ફૂલણજી.
ફૂલણજી તો કુવો શોધવા ચાલ્યારે
આ ગરથવિના તે અફિણ ન કોઈએ આલ્યાં, મારા ફૂલણજી.
જમતી વખત વખાણ ભલાં જે કરતારે,
આ એ સહુ હાસ્ય કરે નિંદા આચરતા, મારા ફૂલણજી.
એ અવસર તો અધિક વખાણી ચડાવ્યારે,
પણ આ અવસર તો બેવકૂફ ઠરાવ્યા, મારા ફૂલણજી.
પેહેર્યાને પટકુળ બાંધ્યા ચંદરવારે,
આ ઘર બાળીને ચાલ્યા તીરથ કરવા, મારા ફૂલણજી.
ફૂલજીની રાંડ રૂએ મોેં વાળીરે,
આ ફૂલણજી સીધાવ્યા ટેકો ટાળી, મારા ફૂલણજી.
ભોળાને નરસી શિખામણ દેશેરે,
તે નિસાસાનું પાપ ઘણું શિર લેશે, મારા ફૂલણજી.
દિલમાં દલપતની શિખામણ ધરજોરે,
તો કરજ કરીને નાત વરા કરજો, મારા ફૂલણજી.