દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૮. અયોગ્ય ન કરવા વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૯૮. અયોગ્ય ન કરવા વિષે

સોરઠા


ઉચ્ચરિયે ઉચ્ચાર, પ્યાર વધે જેથી પુરો;
ભુંડાપે ભંડાર, ભરવાથી મરવું ભલું.

તજી નિજ દેશ તમામ, નામ ન જાણે ત્યાં જવું;
કુળ લાજે તે કામ, કરવાથી મરવું ભલું.

વનમાં કરી વિશ્રામ, દિન નિર્ગમિયે દોહલા;
ઠગ જન જ્યાં તે ઠામ, ઠરવાથી મરવું ભલું.

ન મળે જો નર માંહિ, પુરુષાતન તે પરમ શુભ;
ગુણકાના ઘરમાંહિ, ગરવાથી મરવું ભલું.

જીવ જવાનો જેમ દરિયામાં ડૂબે તરે;
તો તે જળમાં તેમ, તરવાથી મરવું ભલું.

સજ્જનનો સજી સંગ, સદ્‌ગુણ સજીએ સર્વદા;
ધૂતારાના ઢંગ, ધરવાથી મરવું ભલું.

લાયક ન ગણે લોક, તો જીવતર તેનું કશું;
ફેલી થઈને ફોક, ફરવાથી મરવું ભલું.

જે નારીને નાથ, ગમતે ગમતાં તે ભલું;
વણ ગમતા વર સાથ, વરવાથી મરવું ભલું.

થાય નાશ કે ક્ષેમ, ધીરજ ધરિયે ધર્મથી;
હેતૂ જનનું હોય, હરવાથી મરવું ભલું.

ઘણી કુટુંબી ઘેર, રિદ્ધિ દેખી રાચવું;
ઉલટું આંખે ઝેર, ઝરવાથી મરવું ભલું.

અણબનતી ત્યાં આપ, વાસ કરી વસીએ નહીં;
સદા ઉઠી સંતાપ, સ્મરવાથી મરવું ભલું.

સજવો નહિ સંગ્રામ, સજવો તો સજવા પછી
દિલમાં દલપતરામ, ડરવાથી મરવું ભલું.