ધરતીનું ધાવણ/16.દિલાવર સંસ્કાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


16.દિલાવર સંસ્કાર

[‘સૌરાષ્ટ્રની રસધાર’ (ભાગ 3)નો પ્રવેશક : 1925] ભાતીગળ ફાલ બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલતાં હોય છે પણ કોઈ કોઈ ફૂલોની પાંખડીએ પાંખડીએ એકસામટા સાત-સાત રંગોની ભાત પડેલી દીસે છે તેનું કારણ શું હશે? પુષ્પોનાં વિધવિધ પુંકેસરો ઊડીને વિધવિધ સ્ત્રીકેસરોમાં ઢળી પડ્યાં, એના અંતરમાં ઉતારા કરી લીધા, એમાંથી આવો ભાતીગળ ફાલ નીપજ્યો. ગુલાબોએ અને ગલગોટાએ કંઈ કંઈ રંગો બદલ્યા છે, ને હજુ લોહીમિશ્રણ પુષ્પોની દુનિયામાં ચાલી રહ્યું છે. એમાંથી નવાં નવાં અનેક છાંટણાં લઈને નવીન સૌંદર્યની રમઝટો જામશે. પુષ્પની દુનિયામાં જે બન્યું તે આ સોરઠી પ્રજાની દુનિયામાં પણ બની ગયું. આજે ‘કાંટિયાં વરણ’ કહીને જેની આપણે અવગણના કરી છે, તે બધી જાતિઓના ચહેરા નીરખીને જુઓ : એના પહેરવેશ, રીતરિવાજ, દાઢીમૂછના વળાંક, આંખોની અણીઓ અને ભમ્મરનાં ભાલાં નિહાળો; એની રમણીઓના અંગ-લાવણ્ય, અવાજની મીઠાશ, ગાવાની હલક, ઓરડાની કલા-કારીગરી, સીવણગૂંથણના શણગાર, એ બધું તપાસો; એ બધામાં અનેકવિધ સંસ્કારોની રળિયામણી ભાત પડી છે. એક મેરાણીના દેહને નિહાળો; ચોવીસેય કલાક પરિશ્રમ કરતી કણબણ જેવા એના સ્નાયુઓ છે, રાતદિવસ ધૂળમાં રોળાતાં એ અંગોમાં રાણીવાસની કોઈ તન્વંગી રજપૂતાણીનાં રૂપ નીતરે છે, અને છતાંય કામદેવની કામઠી સરીખાં એનાં નેણની નીચે કોઈ ચારણી જોગમાયાની અગ્નિઝરતી આંખો ઝગે છે. એવી જ રીતે એના પુરુષને તપાસો અને પછી એ સાંતી હાંકતો કણબી છે, થોભાળો રજપૂત છે કે દેવીને પૂજક કોઈ ચારણ છે, તે શોધવાની રમણીય મૂંઝવણ અનુભવો. સુવાસ ને સુરંગો બગીચાની અંદર વસંતના વાયરા વાયા અને સેંકડો પુષ્પો જાણે હોરી ખેલવા નીસરીને સામસામાં પોતાના પરમાણુઓ ફેંકી ફૂલદડે રમ્યાં. એમ રમતાં રમતાં કંઈ કંઈ વર્ષો વીત્યે ભાતભાતના રંગબેરંગી પાકા છાંટા પરસ્પરની પાંખડીઓ પર ઊપડી આવ્યા. ભભક પણ અક્કેક ફૂલમાંથી જાણે વિવિધ જાતની ફોરી. એમ કાઠીઓ અને કોટીલાઓ, મેરો ને ખસિયાઓ, આયરો ને ચારણો, એ બધા પણ ભાતભાતના લોહીમિશ્રણમાંથી રંગાઈને ખીલેલાં માનવ-પુષ્પો છે. અને એવી મિલાવટમાંથી જન્મેલી સુવાસ સોરઠી સાહિત્યરૂપે, શૌર્ય-કથાઓને અને પ્રેમકથાઓને રૂપે, સુખદુ :ખના રાસડાઓ, વાજિંત્રો, કલા-કારીગરીઓ અને ગાર-ગોરમટીને રૂપે મંદ મંદ મહેકી રહી હતી. સોરઠી જીવનને એણે સુવાસિત બનાવ્યું હતું. આજ એ સુવાસ બંધ પડી છે. એ રંગોની ઉપર રજ ચડી છે. આજ સંસ્કૃતિનાં પારણાંમાં હીંચેલી એ બધી જાતિઓ બળાત્કારે જીવે છે, વિકૃત બનીને ઊલટું આપણી સંસ્કૃતિને વિશે ભુલાવો ખવરાવે છે. કોટીલા સોરઠી પ્રજાજીવનનો એ નવરંગી ફાલ કેવી રીતે ઊતરતો આવ્યો છે? પાંચસો વર્ષ પૂર્વે શિહોરના રાજમહેલમાંથી એક બ્રાહ્મણ પોતાનો જીવ લઈને નાસતો હતો. એની પાછળ મોત પોકારતું હતું. સાંજ પડી ત્યાં તળાજા ગામના પાદરમાં આવીને એનું થાકેલું શરીર ઢગલો થઈ ગયું. ભૂખ લાગી હતી. ગામમાંથી આટો આણ્યો. આસપાસથી અડાયાં વીણીને આગ પેટાવી. પણ પાસે વાસણ નહોતું. આટો રૂમાલમાં નાખીને એમાં નાખ્યું પાણી. પાણી શી રીતે રહે? લોટ મસળાતો નથી, ભૂખે અંધારા આવે છે, માથે મોત ગાજે છે, ધુમાડો લાગવાથી નેત્રોમાં પાણી ઝરે છે. દુ :ખનાં આંસુઓ એ ધુમાડાનાં આંસુઓની સાથે ભળીને શ્રાવણ-ભાદરવાની ધારા સરજાવે છે. સામી વાવને કાંઠે બે યુવતીઓ બેઠેલી. કુમારિકા નણંદે કહ્યું : ભાભી, જુઓ તો ખરાં, બિચારો બ્રાહ્મણ કેવો દુ :ખી થાય છે! કોઈ દિવસ કર્યું નથી લાગતું. લાગે છે કોઈક સુંવાળું માણસ. ભાભીએય દયા ખાધી : પણ નણંદ તો મુસાફર સામે જોતી જાય ને ઉદ્ગારો કાઢતી જાય : ભાભીથી ન રહેવાયું. બહુ દયા આવતી હોય તો જઈને એના રોટલા ઘડોને બા : વાહ વાહ ભાભી, ભોજાઈ તો માને ઠેકાણે; માની આજ્ઞા મળી ગઈ. લ્યો રામ રામ : તરુણીને મોઢે શરમના શેરડા પડ્યા હતા. દેહમાંથી જાણે રૂપનાં ટીપાં નીતરતાં હતાં. એ કુમારિકા બ્રાહ્મણના મંગાળા પાસે ગઈ. ઊઠો મહારાજ, આજથી તમારા જ રોટલા ઘડીશ : બ્રાહ્મણનું બધું દુ :ખ કોઈ અમંગળ સ્વપ્નની માફક ઊડી ગયું. મીઠી મીઠી નજરે ટગરટગર ટાંપી રહ્યો : ફરી અવાજ આવ્યો, ઊઠો : પણ તમે કેવાં છો? અમે ધાંખડા બાબરિયા : અરરર! હું બ્રાહ્મણ વટલી જાઉં : ના, ના, પ્રીતિને વળી વટાળ કેવા! ઊઠો : બ્રાહ્મણ ઊઠ્યો. ત્યાં શાસ્ત્ર નહોતું, પુરોહિતના મંત્રોચ્ચાર નહોતા, સપ્તપદી, ચૉરી, કાંઈ નહોતું; ત્રણ પથ્થરના મંગાળામાં અગ્નિદેવ બળતા હતા. તેની સાક્ષીએ લગ્ન થયાં : બ્રાહ્મણ ને બાબરિયાનાં રક્ત મળ્યાં. ગામના રાજા એભલ વાળાએ દંપતીને દુવા આપીને ટીલું કર્યું : પણ કપાળે નહિ, કોટે : કારણ કે બ્રાહ્મણ વટલ્યો : તિલક એટલું નીચું ઊતર્યું. એ બ્રાહ્મણ હતો શિહોરનો રાજા ત્રિકમ જાની, અને એ રમણી એક બાબરિયાની દીકરી : આજે એ લગ્નનું કોઈ સાક્ષી છે? કોઈ શિલાલેખ? કોઈ પાળિયો? અરે ભાઈ, કોટીલા નામની આખી જાતિ જ આજ મોજૂદ છે. એને ઘેર રાજ ચાલ્યાં આવે છે. જંજીરાના હબસી રાજાને હંફાવનાર ડેડાણનો દંતો કોટીલો સોરઠી ઇતિહાસનું એક તેજસ્વી પાત્ર છે. ખસિયા સાતસો વરસ પહેલાંની એક બીજી પ્રેમકથા સંભારો : ગંગાજળ જેવા પવિત્ર ગોહિલકુળને લઈને આ સોરઠમાં ભક્ત વીર સેજકજી પધાર્યા. પોતાના ભાઈઓ સહિત એક વખત મૃગયા ખેલવા નીકળ્યા, એક ભાઈ રસ્તો ભૂલીને એકલો પડી ગયો. ભાલ કાંઠાના ખસ ગામને પાદર નીકળ્યો. બપોરનો કાળો તડકો સળગતો હતો. ચારકોસી એક વાડીના લેલુંબ વડલાને છાંયડે એ ભૂખ્યો રાજકુમાર ઘાસિયો પાથરીને પોઢી ગયો. સાંજે આંખ ઉઘાડે ત્યાં તો પનિહારીઓનું વૃંદ ચાલ્યું આવે છે. ‘સોનલા ઇંઢોણી ને રૂપલાં બેડલાં’નો રાસડો ગાજતો આવે છે. વચલી પનિહારીને માથે મોતીની ઇંઢોણી અને તે ઉપર પિત્તળનું ઊજળું બેડું. ધોરિયામાંથી છાલિયે છાલિયે બેડું ભરાવા લાગ્યું : રજપૂતે પાણી માગ્યું. રંભા જેવી એ પનિહારીએ છાલિયું ભરીને હેમની દીવી જેવો પોતાનો હાથ લંબાવ્યો. રજપૂતે છાલિયું હોઠે માંડ્યું. પૂરું પી ન શક્યો, કેમ કે એની બે આંખો પેલી પનિહારીના સૌંદર્યને પી રહી હતી. છાલિયું પાછું દેતાં દેતાં રજપૂત પૂછે છે કે, કેવાં છો? જવાબ મળ્યો : કોળી : અરરર! હું વટલી ગયો : પનિહારી મોં મચકોડી બોલી : બહેનો, પાણી પીને પછી જાત પૂછે એનું નામ? પનિહારીઓએ સામટો ઉત્તર દીધો : ‘ગમાર’. રજપૂત જોતો રહ્યો. આખું વૃંદ બેડાં ભરીને ગાતેવાજતે ગામમાં ગયું. શોધ કરતા કરતા સેજકજી આવી પહોંચ્યા. વિસાજીભાઈ, ચાલો. પણ વિસાજી તે શી રીતે ચાલે? ભાઈ, હું તો વટલી ગયો : અરે વટલ્યો હો તો ગંગાજીએ જઈએ : ના ના, એ ડાઘ તો અંતર પર પડ્યા; ગંગોદક વડેય ન જાય. એ તો સાત જન્મારાના સ્નેહ-વટાળ : ગામના કોળી દરબારની એ કુંવરીની સાથે વિસોજી ગોહિલ પરણ્યો. ખસ ગામ ઉપરથી એની ઓલાદનું નામ ‘ખસિયા’ પડ્યું. ખસિયાની રાજવટે પણ ક્ષત્રીવટની માફક ખાંડાના ખેલ કરી જાણ્યા છે. એમાંયે મિતિયાળાના વીજા ખસિયાને મહુવાના જસા ખસિયા જેવા બળિયા જન્મ્યા છે. એણે નાનાં નાનાં રાજ માણ્યાં છે. આજ પણ એ રાજવેલ, છૂંદાયલી ને કચરાયલી છતાંયે કૉળી રહી છે. કારણ કે એનાં મૂળમાં તો પ્રેમ-લગ્નનાં મીઠાં પાણી સિંચાયલાં છે. ભાવનગર તાબે મહુવા પરગણામાં એનાં બાર ગામ હજુયે ખાય છે. લોકો કહે છે કે હજુય ખસિયો પોતાની આંખ ઉપરથી ઓળખાય છે — કેરીની ફાડ જેવી એ આંખ! લોહી-મિશ્રણનું આ બીજું રમ્ય દૃષ્ટાંત : નવલકથા કે દંતકથા નહિ, પણ તાજી ઇતિહાસ-કથા. કાઠી આજે જે વીર્યવંત જાતિનું નામ ધારણ કરીને આ કાઠિયાવાડ ઊભો છે, તે જાતિના બીજમાં પણ કેવાં મિશ્ર લોહીનાં મધુર સિંચન થયાં છે? ઢાંકના સૂર્યપૂજક વાળા રાજાને જંગલી પટગર કાઠીઓની સહાય મળી. અથવા કોઈ કહે છે કે એણે પટગરોને સિંધના બાદશાહથી રક્ષણ આપ્યું. એ મહોબ્બતને તો વાળા રાજાએ પોતાની જાતનો ભોગ આપીને અમર બનાવી. પટગરની પુત્રી રૂપાંદેને એણે પોતાના પવિત્ર અંગની અર્ધાંગી બનાવી. ક્ષત્રીવંશમાંથી બહિષ્કાર મળ્યો તે એણે માથે ચડાવ્યો. શાસ્ત્રના ધર્મ ને જ્ઞાતિના ધર્મ કરતાં પણ વીરધર્મ એણે વધુ વહાલો કરી લીધો. રૂપાંદેનાં માવતરે કડક શરત મૂકી કે ‘મારા ભાણેજોની વચ્ચે ભેદભાવ રાખવો નહિ પાલવે.’ વાળાએ એવા કરારને પણ મંજૂર રાખ્યો. આજ કાઠી રાજ્યના કુંવરો વચ્ચે પાટવી-ફટાયા જેવો ભેદ હોવાને બદલે ‘ભાઈએ ભાગ’ની પ્રથા ટકી રહી છે તે પાંચસો વરસના પ્રેમપ્રેરિત, વીરધર્મપ્રેરિત રક્તમિશ્રણનો પુરાવો છે. વાળા, ખાચર અને ખુમાણ કાઠીઓનાં પચીસ હજાર જીવંત માનવીઓ એ બલિદાનની ઉચ્ચતા ઊજવતાં આજે પણ ઊભાં છે. મોટાભાઈ હજુ તો થોડાં જ વર્ષ પૂર્વે પોરબંદર રાજની તખ્તનશીની વખતે જેઠવા રાજાના કપાળ પર જે લોહીનું તિલક કરવામાં આવ્યું હતું, તે લોહીનું ટીપું કોનું હતું? પોતાની ટચલી આંગળી વાઢનાર એ બખરલા ગામનો વીરમ પટેલ રાજસખા નામની મેર શાખાનો એક વંશજ છે. હનુમંતના સંતાન તરીકેનું ગૌરવ લેનાર જેઠવા વંશમાંથી એક સમયે એક આશક અવતર્યો. તેણે પોતાનો પ્યાર એક વનવાસિની મેર-કન્યાને સમર્પ્યો. પોતે પોતાની મેળે જ વંશભ્રષ્ટ થઈ ગયો. પોતે મોટો ભાઈ હોવા છતાંય રાજપાટનો હક્ક મૂકી દીધો. નાના ભાઈને ગાદીએ બેસાડી, પોતાની ટચલી આંગળીમાંથી લોહીનો ટશિયો કાઢી ભાઈને તિલક કર્યું. આજ એ ‘મોટાભાઈ’નાં પ્રેમલગ્ન અને બલિદાનમાંથી ચાલેલી ઓલાદ મોજૂદ છે. બખરલાની મેર રમણીઓનાં લાવણ્યમાંથી આજે પણ જાણે એ પ્રેમ ને બલિદાનની સુગંધ મહેકે છે. મરદોની મુખ-કાન્તિમાં પણ પ્રેમશૌર્યવંત માબાપની લગ્ન-કથા લખાયેલી લાગે છે. આજ પણ ‘મોટાભાઈ’-પદ ચાલ્યું આવે છે. એક પછી એક તમામ જેઠવા રાજાઓએ પોતાના રાજ્યારોહણને ‘મોટાભાઈ’ના લોહીના તિલક વિના અધૂરું ગણ્યું છે. અને આજ જોકે વીરમ પટેલના લોહીનું તિલક લેવા પૂરતી એકતરફી જ વિધિ કરવામાં આવી છે, પરંતુ પ્રાચીન રિવાજ તો એવો ચાલ્યો આવતો હતો કે તિલક કરનાર ‘મોટાભાઈ’ને રાજ તરફથી છડી વગેરે એનાયત થાય. આજ લગભગ ફરજિયાત અને એકતરફી બની ગયેલી આ ક્રિયામાં પણ એક સુંદર શોણિત-મિશ્રણની યાદગીરી રહી ગઈ છે. ભીલ-ક્ષત્રી નીલીછમ નાઘેરના દીવ પરગણામાં કોળીની એક શાખા વસે છે. ઘણું કરીને એની શાખ ગોહેલ છે. એ પ્રજા કોના વીર્યમાંથી જન્મી? કોઈ કામી પુરુષનું એ વીર્ય નહોતું. એ તો હમીરજી ગોહિલનું તુખમ હતું. સોમૈયો મહાદેવ જેટલો એ જુવાનને વહાલો હતો તેટલો તો પ્રભાસના ઉપવીતધારી ને વેદગામી પૂજારી બ્રાહ્મણોને પણ નહોતો. ચારસો વરસ પહેલાં ત્રીજી વાર એ સોમનાથ પર ઈસ્લામની તરવારનો પડછાયો પડ્યો. બ્રાહ્મણો નાઠા. ક્ષત્રિયો લપાઈ ગયા. ત્યારે અરઠીલા ગામના ભર્યા ઘરમાંથી કુંવારો કનૈયો હમીરજી એકલો ચાલી નીકળ્યો. રસ્તે ગીરમાં વેગડા ભીલની મહેમાની સ્વીકારી. મૉતને માર્ગે જતાં જતાં પણ એ ગંગાજળિયા ગોહિલને પ્રેમ લાગ્યો. કોની સાથે? વેગડા ભીલની કાળી કાળી કન્યા સાથે. જીવનના ગોધૂલિ-સમયે, પહાડોની નિર્જન છાંયડીમાં, પ્રકૃતિના રમ્ય મંડપ નીચે એ લગ્ન હતાં. એક ઊંચી રજપૂત જાતિ, બીજી ભીલ જાતિ : એક જ રાત્રિનો ઘરવાસ : બીજે દિવસે સોમૈયાને શિર-સમર્પણ : એ લગ્નમાં વાસના ક્યાં હતી? એક જ રાત્રિના સંબંધ માટે જીવનપર્યંતનું વૈધવ્ય સ્વીકારનાર એ ભીલ-કન્યા કેવી હશે? એક રાત્રિના એ દાંપત્યમાંથી એક જાતિ જન્મી ચૂકી. એ લગ્નને કે એ જાતિને કોઈએ અપમાનેલ નથી, લોક-વાણીએ સત્કારેલ છે. એવાં બેનમૂન અને જાતવંત લોહી-મિશ્રણ આ ભૂમિ પર થયાં છે. સોરઠના પ્રેમભક્તોએ જ્યારે જ્યારે આત્માના ઉચ્ચ આદેશો સાંભળ્યા, ત્યારે રૂઢિનાં બંધનો કેવી નીરવ હિંમત રાખીને તોડ્યાં, અને એ આત્માની દિલાવરીમાંથી કેવાં મનુકુળ જન્મ્યાં, તે જોવાઈ ગયું. કોઈ પણ જાતના મતપ્રચારની દૃષ્ટિએ આ હકીકતો નથી કહેવાતી. તેઓ પણ કાંઈ સુધારકો નહોતા. તેઓ તો પ્રેમમાર્ગના પ્રવાસીઓ હતા. એ માર્ગે જે મળે તે જીવન કે મૃત્યુ, તેને તેઓ આલિંગન દેતા. ધર્મભાવના જેમ જાતિ વચ્ચે ઝનૂનો નહોતાં, તેમ ધર્મભેદનાં ઝનૂનો પણ ઉચ્ચ માનવધર્મનો આદેશ ઊતરતાં કેવી રીતે શમી જતાં! સોરઠનો અણનોંધ્યો ઇતિહાસ એ ધાર્મિક દિલાવરીની વિચિત્ર ઘટનાઓને સંઘરી રહ્યો છે. અને તે ઘટનાઓમાંથી કાવ્યો ફૂટ્યાં છે. વસ્તુત : ઍ ખુદ ઘટનાઓ જ સોરઠી જીવનનાં જીવતા જાગતાં કાવ્યો જેવી છે. હાલોજી કેવાં વિરોધી દૃષ્ટાંતો! જે રાણપુરમાં ધર્માંધ રાજા રાણજી ગોહિલ, સ્વાર્થી બ્રાહ્મણોનો શીખવ્યો, એક મુસલમાન વિધવાના એકના એક નિર્દોષ બેટાનો ઘાત કરી બેઠો, તે જ રાણપુરમાં સ્વેચ્છાથી જ મુસલમાન થઈ ગયેલા તેના જ ભાણેજ હાલાજી પરમારની જબરી ઓલાદ હજુ ચાલી આવે છે. ચુસ્ત હિંદુ એ હાલોજી1 : હામી તરીકે એને અમદાવાદમાં બાદશાહની આગળ રહેવું પડ્યું. પોતાના દેહને એણે મુસલમાની પાણીનો છાંટોય ન અડવા દીધો. બાદશાહે બતાવેલી બધી લાલચો અને ઉલેમાઓએ ચલાવેલી બધી દલીલો સામે એના હિન્દુત્વે તિરસ્કારયુક્ત હાસ્ય કર્યું. પણ ઘેરે આવતાં ભાભીએ દિયરને પાણિયારેય ન અડવા દીધો. અરે ભાભી, મેં એનું ટીપુંય નથી પડવા દીધું : પણ તમે એની સાથે વસ્યા ખરા ને? ભાભી! સાથે વસવાનું પણ ન સાંખે તેવો નિર્દય તારો હિન્દુ ધર્મ! માનવધર્મ એનાથી મોટો છે. હાલાજીએ પાછા જઈ સુલતાનને કહ્યું : ચાલો બાદશાહ, મને ઈસ્લામની દીક્ષા આપો. હાલોજી વટલ્યો, પણ તેથી શું? એનું મનુષ્યત્વ ન લોપાયું. એક દિવસ હાકલ પડી કે ગાયોનાં ધણ ચોરાય છે. પાણી પીવાયે એ મુસલમાન ઊભો ન રહ્યો. ધંધુકાની સીમમાં ગયો ને લૂંટનારાઓ સાથે શમશેરનો મુકાબલો કર્યો. આજ ધંધુકાની સીમમાં ‘હાલા પીર’ની દરગાહ સાક્ષી આપે છે. અને એની વિધવા રાણીએ સુલતાન પાસે જઈને શું માગ્યું? સ્વામીના મૃત્યુસ્થાન આસપાસની જમીનને ગૌચર તરીકે દેવાની માગણી. હિન્દુ ધર્મને તિરસ્કાર દઈને મુસલમાન થયેલો માનવ ગાયને માટે મર્યો. મુસલમાનોએ એમાં પીર સ્થાપ્યો. પતિવ્રતા સ્ત્રીએ સ્વામીની જારતમાં ગૌચરો અપાવ્યાં, અને મુસલમાન રાજાએ વિના આગ્રહે ગૌચરો દીધાં. ચારસો વર્ષ વીત્યે અંગ્રેજ રાજ્યે એ ગૌચર રદ કીધાં! સંસ્કૃતિનાં નોખ-નોખાં પાનાં વાંચી લ્યો. આજે એ ઉદાર માનવધર્મી હાલાજીની સંતતિ બીજાં ઘણાં ઘણાં બિરદ ભલે ગુમાવી બેઠી હોય, પરંતુ ગાયો પ્રત્યેનો ધર્મભાવ હજુ તે પ્રજામાં સજીવન છે. અહિંસાનો લોપ નથી થયો. હિન્દુ ધર્મ પ્રત્યે તેઓની કરડી નજર નથી. તેઓની લગ્ન તેમજ મરણની અનેક વિધિઓમાં હિન્દુત્વ હાજર છે. ઝનૂન જેવું તો જરાયે તત્ત્વ તેઓને નથી વળગી શક્યું. જત-પરમાર માંડવના ડુંગર ઉપર હિન્દુ-મુસલમાનનાં લોહીની બે ધારાઓ વચ્ચે એક સંધ્યાકાળે ત્રિવેણી સંગમ થયો હતો તે યાદ આવે છે? એને ચારસો વર્ષ વીત્યાં. સિન્ધના લંપટ રાજ સુમરાની મદભરી આંખ એક જત મુસ્લિમની ખૂબસૂરત કન્યા ઉપરી ઠરી. દોઢ હજાર જતો એ દીકરીનું શિયળ રક્ષવા નાઠા. ભલભલાએ જાકારો દીધો. મૂઠીભર પરમારોએ મૂળીમાં આશરો આપ્યો. પછી તો સૂમરાઓની તલવારો સાથે જત અને પરમારોની તલવારો તાળી દેતી દેતી લોહીને રંગે હોરી ખેલી. મુસલમાનની દીકરીને માટે રંગભીના ક્ષત્રિયો કપાયા : સેંકડો પરમારણોના કસુંબલ ચૂડલા ઊતર્યા. સંધ્યાની રાતી છાયા માંડવના ડુંગર ઉપર નીતરતી હતી. યુદ્ધના નાદ શમી ગયા હતા : ડુંગર પર બે યોદ્ધા પડખે પડખે સૂતા સૂતા છેલ્લી સલામો દેતા હતા : એક જત અને બીજો પરમાર : એક મુસ્લિમ અને બીજો હિન્દુ : બેઉનાં શરીરમાંથી લોહીની ધારા પડીને ધરતી પર રેલાવા લાગી. છેલ્લી ઘડીએ એ બેહોશ મુસલમાનને ભાન થયું કે હમણાં મારા લોહીની ધાર પરમારના લોહીની ધાર સાથે ભળશે અને છેલ્લી ઘડીએ આ પાક ક્ષત્રિય નાપાક બની અસદ્ગતિ પામશે. હું કૃતઘ્ન બનીશ? જખ્મોમાં વેતરાઈ ગયેલો જત એ લોહીનો સંગમ અટકાવવા માટે પોતાની કમજોર ભુજાને ભોંય પર પસારી પોતાના લોહી આડી ધૂળની પાળ બાંધીને એ પ્રવાહ બીજી બાજુ વાળવા લાગ્યો. ત્યાં તો છેવટના શ્વાસ ઘૂંટતો પરમાર પોતાનું તમામ જોર સમેટીને પોકારી ઊઠ્યો : ઈસા સુણ, આસો કહે, મરતાં પાળ મ બાંધ, જત પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ. વીંખી નાખ, ઓ ઈસા! પાળ વીંખી નાખ. જિંદગીની બાંધેલ દોસ્તી ઉપર મરણની અમર મહોર અંકાવા દે : જત અને પરમાર તો એકલોહિયા બન્યા. એ મિલન તો રંધાઈ ગયું. હવે ફરી વાર એને ન રાંધતો : પાળ તૂટી. લોહી ભેટ્યાં. સદાને માટે જત ને પરમાર ‘લોહીભાઈ’ કહેવાયા. ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’નો કર્તા વૉટસન તો એટલે સુધી કહે છે કે જત-પરમારોનું એ લોહી-આલિંગન આંતર્લગ્નોરૂપે પણ અમર થયું છે. મેર-નાઘોરી આ બનાવ જો એકલવાયો બનીને જ ઇતિહાસના પાનામાં પડ્યો રહ્યો હોત, તો તેનો મહિમા બહુ ન ગણાત. પણ સોરઠી સંસ્કારે અને લોકજીવને તો એ બનાવને ઝીલ્યો, ઝીલીને અંતરમાં ઉતાર્યો. આખી ભાવનાને ધર્મભાવથી પોતાની કરી લીધી. એટલે જ તેની કિંમત છે. કાંધલજી મેર જૂનાગઢના રાજાને તિરસ્કાર દઈને ચાલી નીકળ્યા. વાંસે જૂનાગઢની વાર ચડી. વણથળીના નાઘોરી મુસલમાનોએ વિનાપિછાન્યે એ પાદરથી નીકળેલા પરોણાને ‘અતિથિદેવો ભવ’ કહી આશરો દીધો. આ આશરા-ધર્મ ખાતર તે દિવસ નવસો મીંઢળબંધા મુસ્લિમો સમરાંગણે પોઢ્યા, અને કંકુની પૂતળી જેવી નવસો નાઘેરણોએ ચૂડલા ભાંગ્યા. એ ઘટના એટલેથી બનીને અટકી ગઈ હોત તો સોરઠી લોકોની ધાર્મિક દિલાવરી સાબિત કરવામાં એનો ઉપયોગ ન કરત. તો તો એ ઘટનાની ભવ્યતા એકાકી બનીને ઊભી રહેત. પણ એ ઘટના તો યુગના કોઈ સંદેશરૂપે પ્રજાના પ્રાણમાં ટપકી પડી. વણથળીના નાઘોરીઓ અને કાંધલજી મેરના વંશવારસો આજ પણ પરસ્પર ‘લોહીભાઈ’ કહાવવામાં પોતાનું ગૌરવ સમજે છે. ‘રસધાર’માં પડેલી આ પ્રેમશૌર્યની ઘટનાઓને અકસ્માત ગણીને નવલકથાના નાટકીય રસની વ્યર્થ શોધમાં ન પડજે. પણ માતૃભૂમિનાં દટાયેલાં ખંડેરોની છિન્નભિન્ન ઇંટો ઉપર મમતાભર્યાં નેત્રે બારીક નિરીક્ષણ ચલાવીને એના ભૂતકાળની કલ્પના કરજે. આંહીં સાચું શૌર્ય હતું, કારણ કે સાચાં લગ્નો, સાચાં બલિદાનો, સાચાં ઔદાર્ય હતાં. સોરઠના તખ્ત પર ઈસ્લામ આવ્યો ખરો. પણ આવીને એણે હિન્દુવટને પોતાની બહેન કરી લીધી. હિન્દુ-મુસલમાન એકદિલીનાં એવાં ઊંડા મૂળ સોરઠની ધરતીમાં બાઝી ગયાં હતાં. સોરઠનાં પીર-પીરાણાંની આખી સંસ્થા જ એ રામ-રહેમાનના હસ્તમેળાપના અમર સિક્કા જેવી સજીવન પડી છે. સોરઠના જીવણદાસ જેવા ભક્તોએ એ અભેદભાવની મીઠી મીઠી અનેક કલામો દાસીભાવે ગાઈ છે : ભગવાં રે વસ્તર મારે અંગડે વિરાજે મારે ફરવું અતીતુંના વેશમાં. દાસીને તેડી રે જાજો તમારા દેશમાં! લીલુડો અંચળો મારે અંગડે બિરાજે મારે ફરવું ફકીરુંના વેશમાં. દાસીને તેડી રે જાજો તમારા દેશમાં! પીરની સ્તુતિમાં કહાનદાસ મહેડુ નામનો ચુસ્ત હિંદુધર્મી ચારણ પોતે જ્યારે કોઈ જૂઠા આરોપ બદલ અંગ્રેજોનો કેદી બન્યો હતો ત્યારે પોતાની વહારે ધાવા માટે દરિયાઈ પીરની સ્તુતિ કરી. ને એ બંદીખાનામાં દરિયાઈ પીરે આવી એની બેડી તોડ્યાની દંતકથા છે. એ આખા પોકારમાં કહાનદાસ ચારણે ગોરાને હિન્દુ-મુસ્લિમ બંને ધર્મથી વિમુખ કરીને આલેખ્યો છે. તે આલેખનમાં પણ એણે ઈસ્લામના દીનને હિન્દુ ધર્મ જેવો જ પ્રભુનો પંથ માનેલ છે — ભુજ દંડ કોપ્યો દુઠ ભૂરો ઘાટ જેહડો તણ ઘડી, લોહરા નોંધી દિયા લંગર કિયો કબજે કોટડી, તણ ઉપર જડિયાં સખત તાળાં ઉપર પહેરો આવગો, દુલ્લા મહમ્મદ પીર દરિયાઈ ભીર કર બેડી ભગો. [આ દુષ્ટ ભૂરો સાહેબ મારા ઉપર કોપ્યો, મારે અંગે લોઢાની બેડીઓ જડી દીધી, કોટડીમાં પૂર્યો, તેના ઉપર વળી સખત તાળાં, અને તેટલુંય બસ નહોતું એટલે ઉપર ચોકીપહેરો બેસાર્યો. હે દુલ્લા દરિયાઈ પીર, મારી સહાય કરીને મારી બેડી તોડ.] અને એ કોપ કરનાર ‘દુષ્ટ ભૂરો’ કેવો છે? કલબલી ભાષા પેર્ય કુરતી મેર નૈ દલ માંઈયાં, તોફંગ હાથે સરાં ટોપી સોઈ ન ગણે સાંઈયાં, હરરામ ચીજાં તરક હિન્દુ લાલ ચહેરે તણ લગો, દુલ્લા મહમ્મદ પીર દરિયાઈ ભીર કર બેડી ભગો. [એની કલબલ કરતી ભાષા છે, એ કુડતું પહેરે છે, દિલમાં દયા નથી. હાથમાં તોફંગ અને માથે ટોપી છે. એ સાધુસંતોને પણ ગણતો નથી. હિન્દુ અને મુસ્લિમોને જે વસ્તુ હરામ હોય છે તે એને ખપે છે.] અને વળી — શાખા ન ખત્રી નહિ શૂદર વૈશ બ્રહ્મન કુલ નહે, હલ્લે ન મુસલમાન હિન્દુ કમણ જાતિ તણ કહે? અશુદ્ધ રેવે, ખાય અમ્મખ, નાય જલમાં હુઈ નગો; દુલ્લા મહમ્મદ પીર દરિયાઈ ભીર કર બેડી ભગો. [જે નહિ હિન્દુ કે નહિ મુસલમાન, જે નગ્ન બનીને નહાય, શુચિ ન જાળવે, અભક્ષ્યનો આહાર કરે, એ કયા વર્ણનો કહેવાય? વળી કવિ કહે છે, કે તે નથી લેતો પરમનું નામ કે નથી પુકારતો અલ્લાહને; એ નથી જતો કાશીએ કે મક્કે; નથી કરતો ઉપવાસ કે રોજા : બારેય પંથની બહાર પડેલો છે.] ઈદકા નાહીં દીપ ઓછવ, ગામદેવાં નહ ગણે, કુરાન ગીતા નહિ ખટક્રમ, બહ્મવાણી નહ ભણે, ચલ હોઈ થક્કા નહિ નક્કો દોહી રસ્તેથી દગો, દુલ્લા મહમ્મદ પીર દરિયાઈ ભીર કર બેડી ભગો. આપણા ઉપયોગ પૂરતું તો ગોરાનું આ રમૂજી ચિત્ર ગૌણ છે. આપણે તો આ એક ચારણના પંથચુસ્ત પ્રાણમાં રહેતી બે મહાન ધર્મોની અણસમજુ છતાં રક્તગત સમદૃષ્ટિ જોઈ લેવાની છે. વાછરા ડાડા પોરબંદર પંથકમાં ગામડે ગામડે પીપળાના ઝાડ તળે દેવસ્થાનાં જોયાં. બીજી કશી મૂર્તિ નહિ, પથ્થરમાંથી કંડારેલા ત્રણ-ત્રણ ઘોડા : સુંદર આકૃતિઓ (બરડાના મીણ સરીખા મુલાયમ પથ્થર ઉપર ગામડિયો શિલ્પી મનમાની મૂર્તિ કંડારી શકે છે) : ગામ બહારથી ચાલ્યો આવતો ચાહે તે ઘોડેસવાર, રાય હો કે રંક, એ દેવસ્થાનની સમીપે ઊતરી પડે, અને એટલું અંતર પગપાળો ચાલે. એ થાનક વાછરા ડાડાનું કહેવાય છે. એના ભૂવા રબારી : એના ભક્તો હિન્દુ : ગાયોના એ પરમ રક્ષણહાર : એની માનતા માન્યે હડકાયાં કૂતરાંનો કરડ હાનિ ન કરે : ડાડા ઉપર લોકોને અનહદ આસ્થા : એ કોણ હતા? એ હતા એક ક્ષત્રિય. મહુવા પાસે દુંદાસ ગામના એ વતની હતા. વાછરા (વત્સરાજ) સોલંકી એનું નામ. ચોરીમાં પરણતાં પરણતાં રજપૂતે ધા સાંભળી — પોપટ પારેવાં તણી, રાણા, રમતું મેલ્ય, ધણ આવ્યું ધણસેર, વેગડ નાવી વાછાર! [હે વાછરા! જેને દૂધે દીવા બળે છે એવી વેગડ નામની ગાયને દુશ્મનો વાળી જાય છે. વા’રે ચડ્ય મારા બાપ!] ચોથો ફેરો અધૂરો રાખી વત્સરાજ ચડ્યો. વેગડની વહાર કરતાં ખપી ગયો. એ ત્યાગ ને એ વીરત્વને લોકોએ દેવપદ દીધું. પણ ખૂબી તો એ છે કે વાછરો કેવળ હિન્દુનો જ પૂજનીય નથી. હિન્દુઓએ એને કર્ણનો અવતાર માન્યો, તેમ મુસલમાનોએ પણ એને — વાય ઉડાણું વાછરા, મક્કે મદીનાં, પોતરો અલીહુસેનજો, ભડ હુસેનજો વીયા. કહીને પોતાનેય પીર તરીકે સ્થાપ્યો છે. આ દુહો એની સાહેદી દે છે. આમ સૌરાષ્ટ્રનું હિન્દુ-મુસ્લિમ તત્ત્વ ઠેર ઠેર બંધુતા બાંધીને ઊભું છે. દાદવો કે દ્વારિકાધીશ! રૂઢિચુસ્ત ચોખલિયા ઈશ્વરદાન ચારણને મુસલમાનનું મોં ન જોવાનાં કરડાં વ્રત : ચિતોડના રાણાએ ઘણો સરપાવ કર્યો, ઘણી ચાકરી કરી, દેવાધિદેવને મળે તેવાં પૂજનઅર્ચન આપ્યાં : પણ ચારણ રાણાની તારીફનો એક દુહોય ન કહેતાં ચાલી નીકળ્યો. રાણો સીમાડા સુધી વળાવવા જાય છે : રાણાજી, બસ, હવે પાછા વળો : કવિરાજ, શ્રીમુખના એક દુહાની આશા હતી : ના, રાણા, તું હિન્દવો શાળિગરામ સાચો, પણ દ્વારિકાધીશને બિરદાવ્યા પહેલાં માનવીને ન સ્તવવાના મારે શપથ છે : દુભાયેલા રાણાએ શાપ ઉચ્ચાર્યો : અભિમાની ચારણ! જેનું મુખ નથી જોતો તેને જ ગાવો પડશે, દ્વારિકાધીશ તો દૂર રહી જાશે : ‘તો જેવી હરિની ઈચ્છા, રાણાજી’ : એવું કહીને ચારણ પંથે પળ્યો. સોરઠના બાલાગામની સીમમાં લૂંટાયો, ગાડાને બળદ ન રહ્યા. રાત અંધારી : અનુચરો ગામમાં બળદની મદદ જાચવા નીકળ્યા, મશ્કરીખોરોએ ‘દાદવા દરબારની ડેલી’ ચીંધાડી : દાદવો એક કંગાલ મુસલમાન : કટકો જમીન ખેડી ગુજારો કરે : બે જ બળદ : દુખિયાં વટેમાર્ગુની વહારે ગયો. કવિએ સાંભળ્યું કે એક મુસલમાનને રુદે રામ વસ્યા છે. દ્વારિકાધીશને એણે દાદવાના દિલાવરપણામાં દેખ્યાં. અંતર ફાટવા લાગ્યું : લાખ લાખ રૂપિયાનાં મોતી જેવા દુહાઓની માળા રચી મુસલમાનને પહેરાવી. જાતિભેદને આવા જોડા માર્યા — ચોખાં જેનાં ચિત્ત, (એનાં) વરણ કાઉં વચારીએ પ્રહ્લાદેય પવિત્ર, (મર) દાવણ હૂતો દાદવા! [હે દાદવા! જેનાં અંતર ચોખ્ખાં છે, એની જાતભાત શા માટે જોવી! પ્રહ્લાદ પણ જાતનો તો દાનવ હતો છતાં કેવો પવિત્ર હતો!] વરણ ન કવરણ હોય, (મર) કવરણ ઘર ઊઝર્યો કરણ, કોયલ કસદ ન હોય, (મર) દસદે પાળી દાદવા! [ઓ દાદવા! તું મુસલમાનને ઘેર અવતર્યો એમાં શું થયું? કર્ણ ક્યાં દાસીને ત્યાં નહોતો ઊછર્યો? અને કોયલનાં બચ્ચાં પણ બેસૂર એવા કાગડાના માળામાં પોષાય છે, તોયે એનો સૂર બગડે છે કદી?] ધર્મઝનૂનનાં વિષ નીતરી જાય, તેવાં આ ભૂમિનાં તત્ત્વો હતાં. એવી ઘટનાઓને સંઘરી લેનાર અને પોતાના જીવનમાં વણી લેનાર સોરઠી પ્રજા પણ હિન્દુત્વનું સાચું દિલાવરપણું સમજતી હતી. સોરઠનો એવો ઉદાર સંસ્કાર એક મહિમાશાળી સાહિત્યનું પ્રેરણાબળ કાં ન બની શકે? મરદાનગીના કરાર પણ ત્યારે શું સોરઠી ઇતિહાસમાં આ હિન્દુ-મુસ્લિમ સ્નેહભાવનાની બીજી બાજુ નથી? હા, ચોક્કસ એ પણ છે. હિંદના બીજા પ્રાંતોના લોકસાહિત્યની માફક આંહીંનું લોકસાહિત્ય પણ હિન્દુ કાઠિયાવાડણોનાં મુસલમાનોએ કરેલાં અપહરણોની કથાઓ નોંધી ગયું છે. અપ્સરા-શી આહીરાણી જાહલને સિંધના સૂમરા રાજાએ ઝાલી, જોબનવંતી જીવણાંબાઈ ચારણીને સરધારના શેખની મેડીએ ચડવું પડ્યું, અને પાંચાળમાંથી આણું વાળીને ચાલી આવતી કોડભરી કાઠિયાણીને સમી સાંજે ભીમડાદનો ખોખરો શેખ રાત રોકવા આડો ફર્યો. લોકગીતોમાં પણ એક એવી ઘટના ગવાય છે કે : સોનલ રમતી રે ગઢડાને ગોખે જો, ગઢડાને ગોખે જો; રમતાં ઝલાણી સોનલ ગરાસણી. પરંતુ એ બધાં તો ધર્મઝનૂનનાં દૃષ્ટાંતો નહીં. પણ માનવસહજ કામાંધતાના કિસ્સાઓ. એ કાંઈ પયગમ્બરનું પ્રબોધેલું પશુબળ નથી. ઉપરાંત એ સોરઠી વીરાંગનાઓની મર્દાનગીની સાહેદીઓ છે. જાહલે ચાતુરી વાપરી છ મહિનાની અવધિ માગી. જીભના માનેલ માડી જાયા નવઘણને નવ લાખ ઘોડે નોતરીને રંગીલા સૂમરાને લોહીના રંગે રમાડ્યો. સિંહણરૂપધારિણી જીવણાં આઈએ તો થાપો નાખીને સરધારના શેખનાં આંતરડાં ખેંચી કાઢ્યાં. તેનો ઇતિહાસ આ દોહો કહે છે : બાઈ થારો બોકડો થાનક દેતો ઠેક, સરધારારો શેખ, ઝોપે લીધો જીવણી! ને પરપુરુષનો અંગસ્પર્શ પણ અસહ્ય માનનારી એ ચારણી ચંડી પોતે પણ સરધારના ગઢની રાંગમાં સમાણી. સમાતાં સમાતાં એની ચૂંદડીનો જે છેડો બહાર રહી ગયો હતો તે આજ પૂજાતો હોવાનું કહેવાય છે. ભીમડાદને સીમાડે ઈશ્ક કરવા આવનારાએ છેલબટાઉ ખોખરાની મસ્ત છાતીમાં પેલી આણાત કાઠિયાણીની તાતી કટાર કેટલી ઊંડી બેઠી હતી! તે દિવસનો આથમતો સૂરજદેવ પોતાની એ વહાલી દીકરીના શૌર્યનો સાક્ષી બનીને આભને આથમણે કાંઠે થંભ્યો હશે અને ગઢડાને ગોખે રમતાં રમતાં ઝલાયેલી એ ગરાસણીને છોડાવવા — આડો આવ્યો રે સોનલ દાદાનો દેશ જો, દાદાનો દેશ જો; સોનલે જાણ્યું જે દાદા છોડવશે. દાદે દીધાં રે સોનલ ધોળુડાં ધણ જો, ધોળુડાં ધણ જો; તોય ન છૂટી સોનલ ગરાસણી. પછી — આડો આવ્યો રે સોનલ કાકાનો દેશ જો, કાકાનો દેશ જો; સોનલે જાણ્યું જે કાકો છોડવશે. કાકે દીધાં રે સોનલ કાળુડાં ખાડું જો, કાળુડાં ખાડું જો; તોય ન છૂટી સોનલ ગરાસણી. આગળ ચાલતાં — આડો આવ્યો રે સોનલ વીરાનો દેશ જો, વીરાનો દેશ જો; સોનલે જાણ્યું જે વીરો છોડાવશે. વીરે દીધાં રે સોનલ ધમળાં વછેરા જો, ધમળાં વછેરાં જો; તોય ન છૂટી સોનલ ગરાસણી. પણ જ્યારે એના દાદાએ લૂંટારાઓને દીધેલાં ‘ધોળુડાં ધણ’ (ગાયો), કાકાએ દીધેલાં ‘કાળુડાં ખાડું’ (ભેંસો) ને વીરાએ દીધેલાં ‘ધમળાં વછેરાં’ ફોગટ ગયાં, ત્યારે પછી — આડો આવ્યો રે, સોનલ, સ્વામીનો દેશ જો; સ્વામીનો દેશ જો; સોનલે જાણ્યું જે સ્વામી છોડવશે! અને સ્વામીએ શું દીધું? સ્વામીએ દીધી રે એના માથા કેરી મોળ્યું જો; માથા કેરી મોળ્યું જો; ધમકે છૂટી સોનલ ગરાસણી. સ્વામીએ દુશ્મનોની સામે સમશેર ચલાવીને પોતાનું લીલું માથું હોડમાં મૂક્યું, ત્યારે સોનલ તરકોના હાથમાંથી કેવી તાબડતોબ છૂટી! આવી જાતના મરદાનગીના કરારો ઉપર જ સોરઠી હિન્દુ-મુસ્લિમોની સમભાવનાના અણલખ્યા દસ્તાવેજો થયેલા હતા. ઉદાર ધર્મસહિષ્ણુતા એકલી જ કાંઈ નહોતી ચાલી શકી. આ બે સોરઠી કોમોનાં બળનાં છાબડાં જો આજ સુધી બરાબર તોળાઈ રહ્યાં હોય, મુસ્લિમોની સલ્તનતો આવી આવીને ચાલી ગઈ ત્યાં સુધીમાં આંહીં એ છાબડાં જો ઊંચાંનીચાં ન થયાં હોય, આંહીં મંદિરો પર મસ્જિદો ચણાયાના કે મસ્જિદોના મિનારાઓ જમીનદોસ્ત થયાના કિસ્સાઓ જો ઓછા બન્યા હોય, તો તે બધું એ ઉદાર જાતિભાવનાની સાથેસાથ આ મરદાનગીની શર્તને પણ આભારી સમજવું. એ સંસ્કૃતિનાં ઝરણાં એ ધરતીનાં પડ તળે વહી રહ્યાં છે. ભક્તિમાં રંગાયેલા ઘણાય મુસ્લિમ ભજનિકો પોતાની મંડળી જમાવી જમાવીને અખંડ રાત્રિભર રાધાકૃષ્ણનાં રામસીતાનાં અને શુદ્ધ હિન્દુત્વની ભાવનાથી ભરપૂર ભજનોની ઝૂક મચાવે છે. એવી જ જમાવટ ગામડાની ઈસ્લામી સ્ત્રીઓમાં પણ માલૂમ પડે છે. એનાં જાગરણ ભલે ઈદ કે રોજાનાં હોય, છતાં એના રાસડા તો એ-ના એ જ. આપણાં જ દેવ-પુરુષો અને દેવ-નારીઓનાં નામ એનાં ગાણામાં ગવાઈ રહ્યાં છે. મરજી પડે ત્યારે વળી એના એ જ રાસડામાં કોઈ ઈસ્લામી સિદ્ધોનાં નામ પણ લલકારાય છે. શિયળની ભાવના જીવનની ફિલસૂફીને જેમ સોરઠી પ્રજાએ આ જાતિભાવનામાં અને ધર્મભાવનામાં રેડી દીધી, તેમ મૃત્યુની ફિલસૂફી પણ તેઓની પાસે એમની પોતાની હતી. એક રાજાની નજર લગાર કૂડી થતાં તો કામબાઈ પોતાનાં થાનેલાં વાઢી આપે અને પોતાના વૃદ્ધ સ્વામીનું મહેણું વાગતાં યુવાન કાઠિયાણી કમરીબાઈ પોતાના દાંત પડાવી નાખે, એ વસ્તુઓ આજની જનતાને ન સમજાય તેવી તો નથી જ. એ બધાં સાહસોની વિલક્ષણતા સમજવા માટે આપણે એ જમાનાના મનુષ્યોનાં દૃષ્ટિબિન્દુ (‘આઉટલુક’) સમજવાં જોઈએ. લાઠીના ઠાકોર સાહેબ સ્વ. કલાપીનાં માતુશ્રીને માટે કહેવાતી એક કથા છે. એ મોટી વયનાં રજપૂતાણી એક વાર ઓરડામાં બેઠાં છે. પોતાના સગા ભાઈ મળવા આવેલા છે. વાતો ચાલે છે. અચાનક એ રાણીના ઘેરદાર લેંઘા નીચે થઈને સાથળ ઉપર સર્પ ચડ્યો. સર્પે ડોકું ઊચું કર્યું ત્યારે રાજપૂતાણીને ભાન થયું. છાનાંમાનાં, કશી વ્યાકુળતા બતાવ્યા વિના એમણે ઉપરથી સર્પનું ડોકું ઝાલી લીધું. મૂંઝાયેલા દુશ્મને પોતાના શરીર વડે રાણીના સાથળનો ભરડો લીધો. એ જમદૂતનું જોર વધે છે તેમ તેમ બાઈના મોં પર લોહી ધસે છે. છતાં ભાઈની સાથેની વાતોમાં તો એ કશોય વિક્ષેપ દાખવતી નથી. ચોંકેલો ભાઈ પૂછે છે : ‘બહેન, કેમ આ લાલ મોઢું? કાંઈ અસુખ?’ ‘ના, ભાઈ, કંઈ જ નથી. સહેજ. તમે જાવ ડેલીએ. દરબાર વાટ જોતા હશે.’ ભાઈ ગયા. ઓરડામાં એકાન્ત હતી. પણ દેહની એબ ઓરડાનેય ન દેખાડાય એવું એ વખતનું માનસ હતું, સાદ કર્યો : ‘છોડીઓ! મારો બીજો લેંઘો લાવો, મને એરુ વીંટળાણો છે’. ‘બાપ રે!’ કહેતી વડારાણો રફુચક થઈ! તોય રજપૂતાણી ન ડગી. સર્પને બરાબર દબાવીને ઊઠ્યાં. જીવ જાવા જેવું થાય છે, પણ ધીરે રહી સામી ઓળવણથી બીજો લેંઘો લીધો. એક હાથે લેંઘો બદલાવ્યો. બીજે હાથે સર્પને લેંઘા સમેત ઝોંટીને દૂર ફગાવ્યો. બેશક, આજે આપણને દેહમરજાદનાં જૂનાં ધોરણો ઢીલાં કરવાની જરૂર પડી છે. લજ્જાની કેટલીક જૂની લાગણીઓમાં આપણને અતિરેક જણાયો છે. એમ તો યુગેયુગના રીતરિવાજો જુદા પડે છે. પરંતુ તેથી આપણે ઉપર લખ્યા તેવા જૂના સમયના શુદ્ધ દેહમરજાદના આદર્શને નમી કાં ન શકીએ? એને નમવાથી આજના યુગમાગ્યા પરિવર્તનને કાંઈ આપણે અપમાનવાની જરૂર નથી. એ જ રીતે પતિભક્તિ, શિયળ, આતિથ્ય ઈત્યાદિ વાતો વિશે એ ગત યુગની ઉગ્ર — અતિ ઉગ્ર — ભાવનાને આપણે શું ન્યાય ન આપી શકીએ? મૃત્યુ-ભાવના એ જ રીતે એનાં મૃત્યુ તપાસો : આજ તો ભાડે લીધેલાં પશુ જેવા સિપાઈઓ પણ સમરાંગણમાં જઈને સહસ્ર-સહસ્રને હિસાબે સામી છાતીએ ઘા ઝીલી મૃત્યુ સ્વીકારે છે, ને છતાં આપણે પૂજીએ તેવાં એ બલિદાન કોઈ એક બિરુદ (‘કોઝ’) માથે ચડતાં આપણે જોયાં છે? હવે, સોરઠી વીરોનાં થોડાંએક મૃત્યુનાં દર્શન કરીએ, કેમ કે તેમાં પણ શાંત મૃત્યુની એક નિરાળી જ ભાત્ય પાડેલી છે. મચ્છુ નદીને કિનારે તરવાર કાઢીને વૃદ્ધ ફકીરો કરપડો સામે કાંઠે ઊભેલા શત્રુઓની સનસન ગોળી વડે વીંધાઈને પોતાના બાલ રાજાને ખાતર જ્યારે પડે છે, ત્યારે એ શું કરવા લાગે છે? પોતાની પછેડીની ફાંટમાં ધૂળ ભરવા માંડે છે! સામે કાંઠેથી સાદ આવ્યો : ‘ફકીરા, સનેપાત ઊપડ્યો શું?’ ‘એ બાપ, સનેપાત નથી; પૂરેપૂરી સાધ છે, મારા ધણીને સ્વર્ગાપરમાં જઈને કહી શકીશ કે, હે ધણી! જીવતાં તો તારી ધરતીને મેં તારા પુત્ર માટે રક્ષી રાખી, એક તસુય શત્રુઓને હાથ જવા ન દીધી, પણ મરતાં મરતાંયે તારી જમીન લીધી છે, શત્રુઓને દીધી નથી.’ આટલું ઉચ્ચારીને એ વીર છેલ્લા શ્વાસ સુધી ફાંટમાં માટી ભરતો રહ્યો. ઈસો ને આસો પણ મરતી વખતે જે શુદ્ધિ દાખવે છે તે આપણે જોઈ ગયા. હવે બીજો પ્રકાર જુઓ. રાઠોડ ધાધલ અને કલોજી લૂણસરિયાના મૃત્યુની અંદર છેલ્લી ઘડી આવી પહોંચતાં તો શત્રુઓ ભુલાયા, હારજીત ભુલાઈ, બીજું કોઈ ન યાદ આવ્યું. વેર-ઝેર એના આત્માની અંદરથી ઓસરી ગયાં. સ્મૃતિ રહી તે માત્ર પોતાના મૃત્યુની વિધિની. રાઠોડ ધાધલનું અંતરિયાળ મૃત્યુ થયું એટલે પિંડ મૂકનાર કોણ? લોહીને ધૂળમાં ભેળવી ગારાના ત્રણ પિંડ કરી પોતે એ ક્રિયા ઉકેલી. તરવારની મૂઠને વક્ષ :સ્થળ પર રાખી સૂતા. અખંડ ઊંઘ લઈ લીધી. અને કલોજીએ ગારાના શિવજી બનાવી સમરાંગણમાં પોતાની ગરદન વાઢી કમળપૂજાનાં વ્રત પાંચ વરસ પહેલાં પૂરાં કર્યાં. એટલી બધી શુદ્ધિ! એવું મીઠું વિસ્મરણ ને એવું અખંડ આત્મભાન! જાપાનમાં કંઈક એવી જ મૃત્યુપ્રથા હતી. રાજ્ય કે રાજા પ્રત્યે ગંભીર દોષ થયો હોય ત્યારે જાપાની ક્ષત્રિયો ઘરમાં બેસી હારાકીરી કરે. હારાકીરી એટલે? બ્રાહ્મણ પૂજા કરતો હોય તેટલી જ સહેલાઈથી કટાર વડે પેટ ઉપર ત્રણ ચીરા કરવા, પછી ગરદન વીંધીને હથિયારમાં છેક મગજના ભાગ સુધી માથું પરોવી નાખવું; ને ક્રિયા ખતમ થતાં સુધી શુદ્ધિ જાળવવી. આવા મૃત્યુઓને બુદ્ધિ હસી કાઢી શકે છે, પણ તેમાં મરનારનો દેહ પરનો જે વિજય દેખાય છે તેને કોઈ પણ બુદ્ધિવાદની પટુતા ઝાંખો પાડી નહીં શકે