નર્મદ-દર્શન/‘મારી હકીકત’ — સકલ પુરુષની બીજકલા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘મારી હકીકત’ : સ-કલ પુરુષની બીજકલા

નર્મદ-નગરમાં, નર્મદની સાર્ધ શતાબ્દી ઊજવવા એકત્ર થયેલા આપ સહુ, પ્રમુખશ્રી, સર્જકો, કાવ્યમર્મજ્ઞો, સહૃદયો અને રસિકો. નર્મદ વિશે મારા વડે જે કંઈ સંશોધન, અધ્યયન, લેખન થયું છે, થતું રહ્યું છે, તેના સ્વીકાર રૂપે આ સ્થાને મારી વરણી કરવા માટે, પરિષદની મધ્યસ્થ સમિતિ અને સુરતની સ્વાગત સમિતિનો હૃદયથી આભાર માનું છું. જયંતીઓ અને સંવત્સરીઓ ગુણસંકીર્તનના અવસરો હોય છે. શતાબ્દીઓ વ્યક્તિના પુનઃ પુનઃ મૂલ્યાંકનના અવસરો હોય છે. નર્મદ તો સત્યનો ઉપાસક હતો. સુકુમાર વ્યક્તિત્વનો છતાં, વજ્રહૃદય નર્મદ તત્ત્વાન્વેષી સમીક્ષાથી કરમાઈ જાય તેવો તકલાદી કે તકવાદી નથી. આ અવસરે તેની ‘હકીકત’ની નવેસરથી વિચારણા કરતાં, ગુણચયન સાથે કોઈ દોષ પણ નજર ચડે તો તેને પણ દર્શાવવામાં હું સત્યનિષ્ઠાના તેના પરમ આદર્શનું જ અર્ચન કરું છું.

નર્મદ, આપણો મહાપ્રાણ પૂર્વજ. અનેક વ્યક્તિત્વોનો તેને વિશે ગુણસંભાર. નવા મન્વન્તરના મનુ તરીકે તેનું ગૌરવ થયું તો સમયમૂર્તિ તરીકે તેનો વાસ્તવિક મહિમાયે થયો. પ્રચંડ મનોઘટનાશાળી પુરુષ લેખે તે વધાવાયો તેમ અર્વાચીનોમાં આદ્ય રૂપેય તે બિરદાવાયો. સુધારાનો કડખેદ, ઉત્થાનકાળનો આ યુયુત્સુ એક શ્વાસે આંદોલનવાદી (activist) તરીકે વગોવાયો તો બીજે શ્વાસે પુનઃપ્રવર્તનવાદી (revivalist) લેખે વખોડાયો! પરંતુ તેની કર્મઠતા, હેતુનિષ્ઠા કે સત્યનિષ્ઠા ક્યારેય શંકાસ્પદ ન હતી. કવિતા, નિબંધ, નાટક, કાવ્યશાસ્ત્ર, કોશ, વ્યાકરણ, ઇતિહાસ, સમાજવિચાર કે ધર્મચિંતન – વાઙ્‌મયના અને વિચારના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રથમ પાટલો માંડનાર નર્મદ મણિલાલ અને ગોવર્ધનરામ જેવા મનીષીઓનો પૂર્વસૂરિ હતો; સુધારામાં તે રામમોહન રાય અને કેશવચન્દ્ર સેનનો પ્રતિનિધિ હતો; અટંકી વીરતામાં તે લ્યૂથરનો સમોવડિયો હતો; દાદાભાઈ નવરોજીનો આ પ્રિય વિદ્યાર્થી રાષ્ટ્રવાદમાં પ્રખર છતાં, અનુજ ટિળકથી મવાલ અને ગોખલેથી જહાલ હતો; ધર્મતંત્રમાં તે દયાનંદ અને માદામ બ્લાવાત્સ્કીની પાર જોનારો હતો; વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રહિતના વિષયોમાં તેમ અર્થકારણ, ઉદ્યોગ, રાષ્ટ્રભાષા અને સ્વદેશીની વિચારણામાં તે ગાંધીજીનો આગોતરો અણસાર આપનારો હતો; આચારને સૌથી મોટો ઉપદેશ માનનારો નર્મદ થોડાં વર્ષ વધુ જીવ્યો હોત તો, તેના નિધનના પોણાબે મહિના અગાઉ સ્થપાયેલી રાષ્ટ્રીય કૉંગ્રેસના મંચ પર તે અગ્રસ્થાને વિરાજતો હોત. તે મહામાનવ ન હતો, પૂર્ણ પુરુષોત્તમ પણ ન હતો, સકલ પુરુષ, total man તો તે હતો જ. તેના ગુણસંનિપાતમાં એકાદ કાજળટપકું તેને સવિશેષ વહાલસોયો બનાવે છે. પોતાના જમાનામાં પોતાનાં લેખચિત્રથી, કાર્ય અને કાવ્યથી સત્તાધીશો, ચમરબંધો અને તિલકાયતોને ધ્રુજાવનાર નર્મદ આજે પણ છાપરે ચડી પોકારે છે – ‘જીવતો છઉં હું દમથી’. સત્તામદ, દંભ, પાખંડ અને અસત્ય સામે ઝૂઝનારો તે અક્ષરકર્મથી મૃત્યુંજયી છે.

નવોત્થાનકાળની સાથે જ વ્યક્તિવિશેષનો યુગ – age of personality – આરંભાય છે. નર્મદ જાણતો હતો કે મુંબઈ સમેત ગુજરાતના ‘અરુણું પરભાત’નો સૂર્ય તે પોતે હતો. ગાંધીજી પણ માનતા હતા કે તેમના પ્રયોગો સમાજને ઉપકારક થાય તેવા છે.[1]૧ ઇન્દુલાલ તેમના સમયના ગુજરાતના સર્વાંગી ઘડતરનાં પચાસ વર્ષના એક પ્રેરક અને સંમાર્જક હતા. તેમણે પણ અનુગામી પેઢીને પ્રેરણારૂપ બને તે હેતુથી ગુજરાતના સંસ્કારજીવનની કથાને મિષે ‘આત્મકથા’ લખી.[2] આ પ્રકારની આત્મકથાઓ, અને જીવનકથાઓ પણ, પ્રત્યક્ષતયા અને પરોક્ષતયા પ્રજાની ઉત્થાનકથા પણ બનતી હોય છે. તેમાં સમસામયિકતા (synchronic) અને કાલક્રમિકતા (diachronic) પરસ્પર એવી અનુસ્યૂત કે સંપ્લુત થઈ હોય છે કે જેથી તે, જેમ્સ ક્લિફર્ડ (James Clifford) નોંધે છે તેમ ઇતિહાસ કે સમાજવિજ્ઞાનનાં પ્રકરણો બની ન રહેતાં, માનવવંશકથા (ethnobiography)ના અધ્યાયો બને છે.[3] નર્મદ, ગાંધીજી, ઇન્દુલાલ, સુખલાલજી આદિની આત્મકથાઓ આ પરિપ્રેક્ષ્યમાં મૂલવવા પાત્ર છે. આત્મકથાનું સત્ય સાપેક્ષ, આત્મલક્ષી અને કેટલાંક દૃષ્ટાંતોમાં conditioned બનેલું હોય છે. ઇતિહાસના સત્યથીય તે કેટલુંક વેગળું રહે છે. ‘મારી હકીકત’ એ નર્મદની હકીકત છે, ડાહીગૌરીની કે દલપતરામની નથી. આ સત્ય ન્યાયાધીશી પણ હોતું નથી. આત્મકથાલેખક જીવનની એવી ઘટનાઓ પસંદ કરે છે, જેમાંથી તેના આંતરિક વ્યક્તિત્વની એક સમન્વિત પ્રતિમા રચાય. આ ચયનમાં કલ્પનાશીલતા (imaginativeness) હોય છે જે કૃતિને સર્જનકલ્પ બનાવે છે. આ કારણે નૉર્થ્રૉપ ફ્રાય (Northrop Frye) આત્મકથાને ગદ્યાત્મક કથાસાહિત્યનો – prose fictionનો જ એક પ્રકાર, confession form, ગણે છે. તેના મતે તો રૂસો(Rousseau)થી જ આત્મકથાનાં સ્વરૂપગત લક્ષણોએ દેખા દીધી હતી. જે સર્જક પોતાના વિચારો અને સિદ્ધાંતોને પાત્રના સમાજગત સંદર્ભમાં ઓગાળી દઈ ન શકે તે મિલ (Mill) કહે છે તેવા ‘એક પાત્રના માનસ-ઇતિહાસ’ (mental history of a single character)નું સર્જન કરે છે. આત્મકથા અને કૌતુકકથા તત્ત્વતઃ અંતર્મુખી (introvert) અને વ્યક્તિકેન્દ્રી (personal) હોય છે, તેમ બંનેના નાયકો પણ અન્વેક્ષણીય (inscrutable) હોય છે. આ કારણે નૉર્થ્રૉપ ફ્રાય આત્મકથાને કૌતુકકથા સાથે વર્ગીકૃત કરે છે.[4] આમેય આત્મકથાને નવલકથા સાથે મૂકવાનું વલણ જૂનું છે. જ્યૉર્જ બૉરો (George Borrow)ની બે નવલકથાઓ, ‘લાવેન્ગ્રો’ (Lavengro) અને ‘ધ રોમાની રાઇ’ (The Romany Rye) આત્મકથનાત્મક નવલકથા – autobiographical novel – ગણાઈ છે. થિયોડોર વૉટ્‌સ-ડન્ટને (Theodore Watts-Dunton) લેખકના જીવનની અને ‘લાવેન્ગ્રો’ની ઘટનાઓ વચ્ચે ઊડીને આંખે વળગે તેવાં અનેક સામ્યો જોયાં અને લેખકનું તે તરફ ધ્યાન દોર્યું ત્યારે બૉરોએ પ્રતિપ્રશ્ન કર્યો : ‘આખરે આત્મકથા છે શું? તે એક વ્યક્તિના જીવનની ઘટનાઓની નોંધ માત્ર છે કે વ્યક્તિના પોતાના જીવનનું, તેના આત્માનું ચિત્ર પણ છે?’[5] મુનશીની નવલકથાઓ અને તેમની આત્મકથા શ્રેણી[6] વચ્ચે, મુખ્યત્વે ‘તપસ્વિની’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ વચ્ચે આવું આંતરસામ્ય ચીંધવામાં આવે તો મુનશી પણ આવો જ ઉત્તર આપે! આત્મકથા અને નવલકથા વસ્તુ અને/અથવા રીતિના વિષયમાં કેટલીક વાર એટલી નજીક આવે છે કે તેમાંની કેટલીક fictional autobiography બને છે તો કેટલીક autobiographical fiction બને છે. મુનશી, ચન્દ્રવદન,[7] વિજયરાય[8] જેવા કૌતુકરંગી ચરિત્રનાયકોની આત્મકથાઓ નિરૂપણરીતિએ fictional autobiography બની છે તો ઉષા શેઠની નવલકથા ‘મૃત્યુ મરી ગયું’ autobiographical fiction બની છે. આત્મકથાનું પ્રથમ અને અનિવાર્ય લક્ષણ એ કે તે પહેલા પુરુષથી, ‘હું’થી કહેવાઈ હોય. બીજું અપરિહાર્ય લક્ષણ એ કે લેખક પોતે તેનો ચરિત્રનાયક હોય. ત્રીજું અવગણના ન થઈ શકે તેવું લક્ષણ એ કે તેમાંની ઘટનાઓ કાલ્પનિક (imaginary) ન જ હોય, ચોથું ઇચ્છનીય લક્ષણ એ કે તે ઘટનાઓ કલ્પનાશીલતા (imaginativeness)થી નિરૂપાયેલી હોય જેથી વાચકને તે વ્યક્તિમાં રસ ન હોય તોય કૃતિમાં તો રસ પડે જ. આ બધાંનું સમવેત પરિણામ તે, તે કૃતિ વિશે કૌતુકનું નિર્વહણ. નવલકથા પ્રથમ પુરુષથી કે ત્રીજા પુરુષથી કહી શકાય. આત્મકથા પહેલા પુરુષથી જ કહી શકાય. અન્યથા ધીરેન્દ્ર મહેતાને નિકટથી ઓળખનાર સૌ જાણે છે કે ‘ચિહ્ન’માં મુખ્યત્વે તેમનું જ જીવનચરિત્ર છે. પરંતુ તેમણે તે આત્મકથા ન બને માટે તેને ત્રીજા પુરુષથી કહી, autobiography-oriented novel જ બનવા દીધી છે. ધનસુખલાલ મહેતાની આત્મકથા ‘આથમતે અજવાળે’ વાંચો, ‘અમે બધાં’ પણ autobiography-oriented novel તરીકે આપણા મનમાં વસી જશે. સર્જકતા અને સત્ય પરસ્પર વિરોધી નથી હોતાં. આત્યંતિક સત્ય કે નિતાન્ત સર્જકતા કેવળ ધ્યર્થ રૂપે હેાય છે, વ્યવહારમાં આમ કે તેમ સમાધાન થતું હોય છે. સત્યગુણે અને સાહિત્યગુણે અનવદ્ય આત્મકથાઓમાં આપણે ગાંધીજી, સુખલાલજી,[9] નાનાભાઈ ભટ્ટ[10] અને પ્રભુદાસ ગાંધીની[11] આત્મકથાઓને નિઃસંકોચ ગણાવી શકીએ. પ્રભુદાસ ગાંધીની આત્મકથામાં તો ભાષાશૈલી ઉપરાંત કાવ્યકલ્પ વર્ણનોનો પણ સાહિત્યગુણ છે. તે સિવાયની ત્રણે આત્મકથાઓ કથનરીતિનો ઉત્તમ ઉન્મેષ છે. મુનશીની આત્મકથાશ્રેણીમાં સત્યને આત્મલક્ષી વળાંક લેવો પડ્યો છે. તેમાં નિખાલસતાનો ઓપ છે તે, વાસ્તવિક ચિત્ર આપવા કરતાં તો, પેલી નબળાઈઓ, ક્ષતિઓ છતાં, પોતે કેવી સિદ્ધિઓ અને પ્રસિદ્ધિઓ અંકે કરી શક્યા તેની મહામહિમતા દર્શાવવા માટેનો છે. આને કારણે સર્જન-કલ્પ શૈલીનો ઉન્મેષ તેમાં પ્રગલ્ભતાથી પ્રગટ્યો છે. ચન્દ્રવદનની ‘ગઠરિયાં’ શ્રેણીમાં નિર્દંભતા, નિખાલસતા, સંવેદ્યતા, સ્વપ્નદર્શિતા, કંઈક મનસ્વિતા, વક્રદર્શિતા, સંકટોને હસી નાખવાની અને જીવનને નિર્લેપતાથી જોવાની સુરતી પ્રકૃતિ, તેમાંથી નીપજતી હાસ્યવૃત્તિ છે – તે સર્વને સંસ્કાર મળ્યો છે વિશ્વસંદર્ભનો. આને પરિણામે તેમાં જે સત્ય પ્રગટ્યું તે કૌતુકરંગ્યું બન્યું છે. મુનશી, ચન્દ્રવદન અને વિજયરાય આન્દ્રે મોર્વા (Andre Maurois)[12] કહે છે તેવા homo fictus ચરિત્રનાયકો છે. તેમની આત્મકથાઓમાં ઘટના અને રીતિ બંને સર્જકતા ધારણ કરે છે તેથી તેમાં સત્ય કલાસાપેક્ષ બને છે. ગાંધીજી, સુખલાલજી, મણિલાલ, નાનાભાઈ, ધૂમકેતુ homo sapien ચરિત્રનાયકો. તેથી તેમની આત્મકથાઓમાં કલા સત્યસાપેક્ષ બને છે. નર્મદ, ઇન્દુલાલ અને પ્રભુદાસ ગાંધીમાં બંનેના ગુણોનો સમન્વય, તેથી તેઓ homo biographicus ચરિત્રનાયકો. તેમની આત્મકથામાં આથી સત્ય અને કલા પરસ્પર સાપેક્ષ બને છે. નર્મદ, મણિલાલ, ગાંધીજી, ઇન્દુલાલ તેમ સુખલાલજીની આત્મકથાઓ fictional autobiography ન બની તેનું એક મહત્ત્વનું કારણ એ કે તેમની પ્રતિભા નિતાન્ત સર્જકની નહિ, લોકસંગ્રાહકની અને શાસ્ત્રકારની હતી. નર્મદ પણ પહેલો વિચારક, કવિ તે પછી. કૌતુકરાગી ચરિત્રનાયકોની આત્મકથામાં સત્ય ઊણું તો નહિ, રંગાવૃત (camouflaged) અવશ્ય હોય છે. વાચકને તેમાં પોતાનાં મનોવલણો અનુસાર અથવા પોતે માનેલા સંદર્ભો અન્વયે અર્થ વાંચવાની મોકળાશ હોય છે. ચન્દ્રવદને આલેખેલી બ્રેડા સાથેની ઘટનામાં કેટલાકે મૈત્રીસંવેદનને સ્થાને પ્રેમનો સંવેગ વાંચ્યો. ચન્દ્રવદનની લાગણી તેથી ઘવાઈ પણ ખરી. તેમણે રોષ પણ ઠાલવ્યો.[13] સત્યને રીતિમૂલક સર્જકતાથી પ્રગટ કરવામાં, વાચકની કલ્પનાશીલતા ઊફરી જવાનો સંભવ ખરો. નર્મદ, મણિલાલ, ગાંધીજી, ઇન્દુલાલ, સુખલાલજી જેવાની કથામાં આમ ન બને કારણ, તેમનું સત્ય રંગાવૃત તો નહિ જ. નર્મદ, મણિલાલ અને ઇન્દુલાલનું સત્ય આત્મનિષ્ઠ ખરું પણ કૌતુકરંગ્યું નહિ. ગાંધીજી કે સુખલાલજીના સંદર્ભમાં તે લોકનિષ્ઠ બનવાનું વલણ ધરાવે છે.

‘મારી હકીકત’ પોતે લખવાનાં અનેક કારણોમાં નર્મદે પ્રથમ ગણાવ્યું છે – ‘પોતાની હકીકત પોતે લખવી એેવો ચાલ આપણામાં નવો દાખલ કરવો.[14] નર્મદને બંસીલાલ શાયર જેવાની આ પહેલાં લખાયેલી ગણતર આત્મકથાઓ નજરઅંદાજ થઈ છે. સંભવ છે કે તે આ સમયમાં પણ જાણીતી નહિ હોય, તેની સમક્ષ તો રૂસો કે ગિબન (Gibbon) જેવાની ગદ્યાત્મક આત્મકથાઓ છે. તે સત્ય સિવાય કશું ન કહેવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે તે ગિબનના સંકલ્પનો[15] પુનરુચ્ચાર કરે છે. ‘મારી હકીકત’ની ગણતર નકલો છપાવી, તે સૌથી નિકટના મિત્રોને આપી, તેનું પ્રકાશન તો પોતાના મૃત્યુ પછી જ કરવાની સૂચના આપવામાં પણ તે ગિબનનું અનુકરણ કરે છે.[16] ગિબને તો માત્ર મુસદ્દા જ તૈયાર કર્યા હતા. નર્મદે તો ‘મારી હકીકત’ની પાંચેક નકલો છપાવીને મિત્રોને આપી રાખી હતી. પરંતુ તેમાંય તે એકલો નથી. તેના એક જ વર્ષ પહેલાં લૉર્ડ બ્રૉટને (Lord Broughton) પણ પોતાની આત્મકથા – ‘રિકલેક્શન્સ ઑફ આ લૉન્ગ લાઇફ‘ (Recollections of a Long Life)ના પાંચ ભાગ ખાનગીમાં છપાવી રાખ્યા હતા, જે તેની પુત્રીએ કેટલાંક પરિશિષ્ટો સાથે ૧૯૦૯માં પ્રકાશિત કર્યા હતા.[17] સ્વ-ચરિત્રકથનમાં અસાધારણ નિખાલસતાને કારણે પશ્ચિમની ઓગણીસમી સદીના અંત સુધીની મોટા ભાગની આત્મકથાઓ સર એજરટન બ્રિજીસ(Sir Egerton Brydges)ના અવલોકન[18] અનુસાર, મરણોપરાન્ત પ્રકાશિત થઈ છે. આ અવલોકન તે સદીની બે મહત્ત્વની આત્મકથાઓ, નર્મદની ‘મારી હકીકત’ અને મણિલાલની ‘આત્મવૃત્તાંત’ માટે પણ સાચું છે. આ પછીના પશ્ચિમના અને અત્રેના લેખકો આ બાબતમાં સંકોચરિક્ત અથવા પ્રગલ્ભ બન્યા છે. આત્મકથાલેખક સત્ય પ્રગટ કરવામાં પણ અસમંજસતા અનુભવતો હોય છે. કેટલીય નામી આત્મકથાઓના એકથી વધુ મુસદ્દાઓ થયા હતા. કેટલીકમાં તો એક વાર પ્રકાશિત થયા પછીયે અનુગામી સંસ્કરણોમાં ફેરફારો થયા છે. ગિબન ગુજરી ગયો ત્યારે તેના ‘મેમ્વાર્સ’ (Memoirs)ના છ છ મુસદ્દાઓ છોડી ગયો હતો. જૉન સ્ટુઅર્ટ મિલ(John Stuart Mill)ની આત્મકથાના પહેલા મુસદ્દામાં તેની પ્રિયતમા, અને પછી પત્ની બનેલી હૅરિયટે (Harriet) સુધારા-વધારા-ઘટાડા કરી તેને વ્યક્તિગત સ્તરેથી વ્યાપક સ્તરે મૂકવા ધાર્યું હતું. તેના પ્રસિદ્ધ થયેલા છેલ્લા મુસદ્દામાં પણ ફેરફાર કરવાને હૅરિયટની પુત્રી હેલન(Helen)ને સમજાવવામાં આવી હતી.[19] વડ્‌ર્ઝવર્થે (Wordsworth) તેની આત્મકથા પ્રગટ કર્યા પછી, ચોવીસ વર્ષે તેનું બીજું સંસ્કરણ કર્યું ત્યારે તેમાં ભારે વિગતફેર કર્યા હતા. લગ્નેતર સંબંધની પ્રિયતમાના પોતાનાથી થયેલા સંતાનનો ઉલ્લેખ તેમાંથી તેણે રદ કર્યો હતો. તેની એવી પણ દૃઢ માન્યતા હતી કે મૌન એ મૃત્યુ પામેલાઓનો હક છે. આત્મકથાલેખકે તેનો મલાજો પાળવો જ જોઈએ.[20] તે એમ પણ માનતો હતો કે આત્મકથાનું સત્ય વિજ્ઞાનનું કે પ્રાકૃતિક તત્ત્વવિજ્ઞાનનું સત્ય નથી. આપણી અપૂર્ણતા અને સામાજિક બંધારણ પર પણ તે નિર્ભર છે. આથી તે કથાસાહિત્યના સત્યથી વેગળું નથી.[21] નર્મદ પણ આ બધા જ સંકલ્પવિકલ્પોથી પ્રભાવિત થયો છે. ‘મારી હકીકત’ને તે પણ ‘અધૂરી’ અને ‘ખરડો’[22] જ કહે છે. પોતાનાં વિચારો અને કાર્યો વિશે લખવાથી પોતાના સંબંધીઓને નુકસાન થાય અને અપક્વ બુદ્ધિના લોકો તેમાંથી ખોટો દાખલો લે એમ બનતું નિવારવા, તેણે ‘તે વાતો ઘટતે પ્રસંગે ઘટતી રીતે લખાય તેમ લખવાને મુલતવી’[23] રાખી હતી. વડ્‌ર્ઝવર્થની જેમ તે પણ બીજી ‘મારી હકીકત’ લખવાનો મનોરથ સેવતો હતો. અને તો આ ‘મારી હકીકત’ પ્રકાશમાં ન આવી હોત.

‘મારી હકીકત’ કવિના પૂર્ણ યશઃકાળે લખાઈ, ગણતર સંખ્યામાં છપાઈ અને ભવિષ્યમાં પ્રકાશન માટે તાત્કાલિક તો તેણે અપ્રકટતાનો અંચળો ઓઢી લીધો. તેમાં નર્મદના જીવનનો પૂર્વકાંડ છે. ૧૮૬૬નું વર્ષ ખૂબ નિર્ણાયક હતું. આ પહેલાંનું તેનું જીવન પ્રવૃત્તિમાં જ ઐશ્વર્ય માનનારું હતું. તે પછી, નવલરામે નોંધ્યું છે તેમ, ‘૧૮૬૫-૬૬થી તેમાં ચિદ્‌ભાગ અને કાળ કે યોગબળ રૂપે પ્રારબ્ધ દાખલ થવા લાગ્યું હતું.’[24] ઉત્તર નર્મદનો આરંભ પણ આ સંધિકાળે. આ જ વર્ષના અંતે કવિએ અગિયાર વર્ષની કવિતાઓ એકત્ર કરી, પાદટીપો લખી, એક ગ્રંથમાં પ્રથમ વાર પ્રગટ કરી, જે ‘નર્મકવિતા’–બીજી આવૃત્તિ તરીકે ઓળખાઈ.[25] આ પછી તે કવિતા પ્રત્યે ઉદાસીન થવા માંડ્યો હતો.[26] શૃંગારકવિતાથી તો તે ઓચાઈ ગયો હતો.[27] કવિતા હવે ગૌણ બની હતી. ગદ્યલેખન હવે મુખ્ય બન્યું હતું. આ જ વર્ષમાં તે મુંબઈથી સુરત રહેવા આવી ગયો હતો. જીવનનો એક કાંડ પૂરો થયો છે ને બીજો આરંભાઈ રહ્યો છે તેનાથી તે સભાન હતો. તેથી જ તેણે પોતાના આ પૂર્વકાંડને ‘મારી હકીકત’ રૂપે દસ્તાવેજી સ્વરૂપ આપી દીધું હતું. ‘મારી હકીકત’નો જે ગુણ સૌથી વધુ પ્રશંસાયો છે તે સત્ય, સત્ય સિવાય કશું ન કહેવાના સંકલ્પનો.[28] પરંતુ ‘આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું.’[29] એ રીતે ભૂમિકા બાંધીને તેણે પણ સત્યને સાપેક્ષ તો બનાવ્યું જ છે. ગાંધીજીએ પોતાની જાતીય વૃત્તિના ઉદ્રેકની વાત કરી છે, તેમાં ભાષાવિવેકનું ઢાંકણ છે. મણિલાલે પોતાની વકરેલી જાતીય વૃત્તિ અને પ્રવૃત્તિઓ કશા ઢાંકપિછોડા વિના વર્ણવી છે. તેમાં એકરાર છે, ઊર્મિમાંદ્ય – morbidity – પણ છે. ઘણી ઓછી વ્યક્તિઓ પોતાના જાતીય જીવન વિશેનું સત્ય હિંમતથી કહી શકતી હોય છે. રૂસોએ બેત્રણ ફકરાઓમાં આ વિશે દિલચોરી વિનાની નિખાલસતા દાખવી છે. કેટલાક વિવેચકોએ તેને કેવળ દેખાડો કરવાની વૃત્તિની – exhibitionist – પણ કહી છે. આ વિષયમાં આન્દ્રે મોર્વાનો મત તો ખૂબ સ્પષ્ટ છે કે આવી બાબતો વિગતે વર્ણવવા કરતાં વ્યંગ્યાર્થ રૂપે આલેખવી ઇષ્ટ છે. આ સંવેગ તો વૈયક્તિક ગુણ છે. નર્યો શારીરભાવ વર્ણવવો તે તો ગ્રામ્ય છે.[30] વૃત્તાંતનિવેદકની હેસિયતથી કે રીતથી આત્મકથાકાર પોતાના જાતીય જીવન વિશે કહી શકતો નથી. તે આત્મવૃત્તાંત આપનાર તો છે જ. પરંતુ કલાકારમાં અપેક્ષિત ઘટનાચયનનો અને ભાષાનો વિવેક તેને વિશે પણ અપેક્ષિત છે. નવલકથાકાર આવી ઘટના કેવળ કલ્પીને સર્જે છે, આત્મકથાકાર તેને સર્જતો નથી. તે ઘટના તેની પોતાની છે તેની સભાનતાથી સર્જનકલ્પ રીતે આલેખે છે. મણિલાલનું વૃત્તાંત અતિ નિખાલસ છે. તેથી વધુ નિખાલસ કશું ન હોઈ શકે તેવી પ્રતીતિ કરાવનારું છતાં, તે વૃત્તાંતનિવેદનથી ઉપર ઊઠતું નથી, એમ તેમની સત્યનિષ્ઠાને ભૂરિ ભૂરિ અંજલિ આપતાંય કહેવું પડશે. તેથી વિરુદ્ધ ગાંધીજીનું દૃષ્ટાંત લઈએ. પિતાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે પણ તેઓ જાતીય સંવેગને દમી ન શક્યા તેનું વર્ણન તેઓ ઘટનાને ગૌણ બનાવી સંવેદનને કેન્દ્રમાં રાખી, લાઘવ અને ભાષાવિવેકથી કરે છે તે પ્રકરણ વાસ્તવમૂલક સર્જનકલ્પ આત્મકથનની અપૂર્વતાનું દૃષ્ટાંત બન્યું છે. નર્મદ તો જુવાનીના જોસ્સાની આલબેલ બાઅદબ, બામુલાહિજા નહિ, બેધડક, છતાં બાહોશ પોકારે છે. પ્રીતિની કેટલીક કવિતા તેણે બેહોશીમાં લખી છે. કેટલીક કવિતાની પાદટીપો પણ તેણે બાહોશીથી લખી ન હોવાની શંકા જાય છે. પરંતુ જુવાનીના તકાદાની આ નોંધો તેણે બેહોશીમાં નહિ, બાહોશીથી લખી છે. તેનું આ નિરૂપણ, reportage, વૃત્તાંતકથનનું નથી, સંવેદનની કક્ષાએ પણ હતાશા કે રુરુદિષાનું નથી, ગાંધીજીમાં છે તેવું સંવરણશીલ પણ નથી તેમ મણિલાલમાં છે તેવું ગ્રામ્ય કે વિગતશોખી પણ નથી. જે ત્રણ વિધાનો[31] દ્વારા તેણે જુવાનીના જોસ્સાની વધાઈ આપી છે તેમાં તેણે પોતાનાં માનસિક ચલણવલણોને અને આચારોને અનાવૃત અવશ્ય કર્યા છે. પરંતુ તે સ્ફોટ અરુચિકર ન લાગે તેવું શૈલીનું લાઘવ પણ ત્યાં છે. એક વાર તેની વાત કરી દીધા પછી તેની ચર્વણામાં તે વાચકને વારંવાર સંડોવતો નથી કે આ પ્રકારના નિરૂપણમાં, મણિલાલમાં બન્યું છે તેમ, જુગુપ્સામાં તરબોળતો પણ નથી. કશું ગોપાવવાનું કવિના સ્વભાવમાં જ નહિ. નિખાલસતાથી બધું કહી દેવામાં કવિ કે નિબંધકાર નર્મદને કશો ક્ષોભ કે છોછ નહિ. તે તો તેના શોખનો વિષય છે. પરંતુ આત્મકથામાં તેણે અમર્યાદ નિરૂપણ નથી કર્યું. એમ તેની પ્રીતિવિષયક કવિતાઓ અથવા ‘વ્યભિચારનિષેધક’, ‘વિષયી ગુરુ’, ‘ગુરુ અને સ્ત્રી’ જેવા નિબંધોની સાથે તેને સરખાવતાં કહેવું પડશે. નર્મદે કશો ઢાંકપિછોડો કર્યો નથી એમ પણ માનવામાં જોખમ છે. આત્મકથાલેખકે જીવનની ક્ષણેક્ષણની કેફિયત આપવાની હોતી નથી તે સાચું. પરંતુ જે ઘટના તેના જીવનના પ્રધાન ધ્યેય કે કાર્યના અંગરૂપ હોય, જગજાહેર હોય, કે ઊહાપોહ જગાડનારી બની હોય તે ઉલ્લેખ ન પામે ત્યારે લેખકના આશય વિશે આશંકા ન જન્મે તોય તેના સ્મૃતિદેાષ વિશે તો જરૂર સચિંત કે સચેત થવાય. વિધવા સવિતાગૌરીને તેણે આશ્રય આપ્યો ૧૮૬૫માં. જદુનાથ મહારાજ સાથે પુનર્લગ્નના પ્રશ્ને શાસ્ત્રાર્થ કરી જાનનું જોખમ નોતરનાર, ગુજરાતનું પહેલું પુનર્લગ્ન કરાવનાર અને પરિણામે અનેક મુસીબતો વહોરનાર નર્મદને તેના આ વિધવાસાહસ વિશે કશું કહેવાનું નથી! શિક્ષકના ધંધાથી કંટાળી કવિએ કલમને ખોળે માથું ટેકવ્યું તે તેના જીવનની સૌથી મહત્ત્વની ઘટના. આ ટેક તેણે લીધો ૧૮૫૮ના નવેમ્બરમાં, છોડ્યો ૧૮૮૨ના આરંભમાં. વચ્ચેના ૧૮૬૨–૬૩ના ગાળામાં તેણે ભારે આર્થિક વિટંબણાઓ અનુભવી હતી. તેનો આછો ખ્યાલ તેણે આપ્યો છે. આ ઘટના પાર કરી ગયા પછી આ નિરૂપણ થયું છે તે સ્વાભાવિક રીતે સ્વસ્થ છે. પોતાના ઉડાઉપણાનો અને શ્રીમંત મિત્રો પાસેથી રાખેલી અને અપૂર્ણ રહેલી અપેક્ષાઓનો પણ તે ઉલ્લેખ કરે છે. પરંતુ આ વર્ષોમાં તેણે ટેક છોડવા વિચાર્યું હતું અને નોકરી અપાવવા મિત્રોને વિનવણીઓ કરી હતી તેનો ઉલ્લેખ અહીં કરવાનું તેને મુનાસિબ લાગ્યું નથી![32] આ બંને ઘટનાઓ તેના આત્મિક વિકાસના અવાન્તર કાળની, મનઃસંઘર્ષ અને સમાજસંઘર્ષની છે. આવી માનવસહજ નિર્બળતાઓને વટાવી, હઠાવી તે સકલ પુરુષની કક્ષાએ વિકસ્યો, તેની આંતરપ્રક્રિયાનું તેમાં દર્શન થાય છે. આત્મકથાઓ સૌથી મહત્ત્વના મનોવૈજ્ઞાનિક દસ્તાવેજો ગણાઈ છે.[33] ઉત્તમ આત્મકથાઓ ચરિત્રનાયકના આંતર સત્ત્વના વિકાસની પ્રક્રિયાનો આલેખ બને છે.[34] પ્રચંડ મનઃસંઘર્ષને અંતે નીપજેલું કાર્ય અથવા કાર્યની પાછળ રહેલો તીવ્ર મનોદ્વેષ, બંને, આત્મકથાના અનિવાર્ય નિરૂપણના વિષયો છે. આ બંને વાનાંના અનુલ્લેખથી ‘મારી હકીકત’નું સત્ય યુધિષ્ઠિર-સત્યની કક્ષાનું બને છે. સર એગરટન બ્રીજીસ આવાં વલણોની મનોવૈજ્ઞાનિક ચિકિત્સા કરતાં નોંધે છે કે સંસ્મરણલેખક પોતે ભ્રમમાં રાચી શકે, પોતાને ખોટો તો ન જ પાડી શકે.[35] નર્મદને ભ્રમમાં રાચવાની અને બીજાઓને ભ્રમમાં રાખી આનંદવાની ટેવ હતી. ‘મારી હકીકત’ બહારની હકીકતમાંથી બે ઘટના જોઈએ : (૧) ‘ઉત્તર નર્મદ ચરિત્ર’માં તે શામળનું નખચિત્ર આપતાં આમ નોંધે છે : ‘નિશો કરનારો, વિષયી, પ્રેમમાં સમજનારો ખરો, પણ જાતે ઈશકી ખરો, ભોગી નહીં...’[36] આ લક્ષણો આમેય પરસ્પર વિરોધી તો છે જ, પરંતુ બે પત્નીઓ, એક રક્ષિતા અને ત્રણેક ‘ડાહી ગુણવંતી’ સ્ત્રીઓ સેવનારો પોતે, ‘વિષયી હોવું’ અને ‘ભોગી હોવું’ એ બંને વચ્ચે ફેર જુએ ત્યારે તે પોતે પોતાને વિશે પણ આવા ભ્રમમાં છે એમ જ સમજવું ને? (૨) એક વાર નર્મદની બંને પત્નીઓ વચ્ચે કલહ થયો. કવિને સંતાપ થયો. અકળાઈ જઈ તેમણે ઘરના ટાંકામાં પડતું મૂક્યું. લોકોમાં હોહા થઈ ગઈ. કવિને ઉગારવા કેટલાક ટાંકામાં ઊતર્યા, તો કવિ તો પાણીમાં મઝાથી તરતા હતા.[37] આમ તે લોકોને ભ્રમમાં રાખવાનો આનંદ લૂંટતો હતો. ઉપરની ઘટનાને નરસિંહરાવ દુષ્ટતાવાળી નહિ, વિલક્ષણતાની છાપ મેળવવાની ઇચ્છાથી પ્રવૃત્ત થતી insincerity ગણે છે. નર્મદની moral courage – વિચાર પ્રમાણે આચાર રાખવાની હિમ્મત, સત્યપરતાને સ્વીકારતાંય તેમાં આને કારણે તેઓ કવિને થોડા ગુણ ઓછા આપે છે.[38] આ બંને સંદર્ભમાં જે વિલક્ષણતા પ્રગટ થાય છે તેને આ આત્મકથાનો દોષ નહિ ગણીએ, નર્મદની મનોગ્રંથિના આવિષ્કાર રૂપે, આત્મકથા માટે અનિવાર્ય એવા વિલક્ષણ સત્ય રૂપે સ્વીકારીશું. આત્મકથાલેખનનો સંપ્રત્યય નર્મદના ચિત્તમાં સ્પષ્ટ નથી. આત્મકથા એટલે ઘટનાઓનું યથાક્રમ (chronological) નિરૂપણ, એવું જ તે સમજ્યો છે. તે સંઘર્ષનો, આંતરવિરોધનો, અનિશ્ચયની અનેક ક્ષણો અનુભવનારો માણસ હતો. એવી કેટલીય ક્ષણો તેની કવિતામાં શોધી શકાય છે, જે આ આત્મકથામાં ખૂટે છે. આથી તેના આંતર વ્યક્તિત્વ(inner being)નો વાસ્તવિક પરિચય તેમાંથી ખૂબ ઓછો મળે છે. આ સમયે વહેમયવન સામે સુધારાદિત્યના જોસ્સાથી લડનાર આ જોદ્ધો પ્રપિતામહ નારાયણ દવેના ચમત્કારની વાત લોકવાયકા તરીકે નહિ, પોતાનેય તેમાં શ્રદ્ધા હોય તે રીતે કરે છે. કિશોર નર્મદ વહેમી, અંધશ્રદ્ધાળુ, ભીરુ હતો તેનું ચિત્ર સરસ ઊઠ્યું છે. ઉત્તરનર્મદ પણ પ્રારબ્ધ અજમાવવા રેતીમાં બાચકાં ભરનારો બન્યો હતો તે પણ ‘મારી હકીકત’ પછીના કાળની નોંધમાં ટપકાવાયું છે. પિતાના અવસાન પછી ઘરનાં દેવલાં કૂવામાં પધરાવી દીધાંની નોંધ પણ તેણે ઉત્સાહથી કરી છે. તે નિરીશ્વરવાદી તો ક્યારેય બન્યો ન હતો. મૂર્તિપૂજાના નિષેધમાં કે સગુણને નકારવામાં સગુણોપાસનાને કારણે પુષ્ટિમાર્ગમાં પેઠેલાં દૂષણો કારણભૂત હતાં તેવું નિદાન થયું છે. વસ્તુતઃ ‘મારી હકીકત’ના ગાળામાં પણ તે દશાવતારનાં સ્તોત્રો રચે છે, સાંબ સદાશિવનાં ભક્તિપદો લખે છે, તે એાછું હેાય તેમ તંત્રમંત્રનાં કવચો પણ બનાવી આપે છે![39] ધૂન આવતાં પૂજનઅર્ચનની નિરર્થકતા વર્ણવતાં કાવ્યો પણ બનાવે છે![40] આ પરસ્પર સામસામા છેડાની ક્ષણો વચ્ચે તેનું આંતર-વ્યક્તિત્વ કેવી તાણ અનુભવતું હશે તે વિશે આપણને વિશ્વાસમાં લેતો જ નથી. આમ કરવાથી પોતાની સુધારક તરીકેની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે એવો તેને ભય હશે? આવો અંદેશો હોત તો તો તેણે પ્રપિતામહના ચમત્કારની વાત અહોભાવથી લખી જ ન હોત! અન્યથા નર્મદ ચાહીને અસત્યકથન કરે છે એવું તો કોઈ સંદર્ભમાં કહી શકાશે નહિ. આત્મકથામાં સત્યને પ્રગટ થવા આડેનાં આન્દ્રે મોર્વાએ ગણાવેલાં વિઘ્નો[41] આ આત્મકથાને નડ્યાં હોય તો તે માનવસહજ છે. રૂસોએ પણ ‘કન્ફેશન્સ’(Confessions)માં, તેના પત્રોમાં વર્ણવેલી કેટલીય ઘટનાઓ અનુલ્લેખિત રાખી છે. તે જેનો સચિવ હતો તે રાજદ્વારી એલચીએ તેને ન્યાય ન કર્યો તેથી તે ક્રાન્તિની દિશામાં વળ્યો. પેલા એલચીએ થોડી બાહોશી બતાવી હોત તો ક્રાન્તિવીર રૂસો મળ્યો જ ન હોત. આ વાત તેણે તેના પત્રોમાં જણાવી છે, ‘કન્ફેશન્સ’માં લખી નથી. તેથી જ આન્દ્રે મોર્વા, ઝ્યાં પ્રેવો(Jean Prevost)ને ટાંકી તેને ‘પ્રામાણિક સ્મરણકથા કરતાં ઓછી ઉદાસીન જીવનકથા’[42] તરીકે વર્ણવવાનું યોગ્ય ગણે છે. આ અર્થમાં ‘મારી હકીકત’ ઉદાસીન પણ નથી તેમ અત્યુત્સાહી પણ નથી. વસ્તુતઃ તેમાં વસ્તુનિષ્ઠ matter of fact પ્રકારની સ્વસ્થતા છે. તેણે કેટલીક વિગતો અનુલ્લેખિત રાખી છે, તેટલે અંશે તે અપૂર્ણ અવશ્ય છે. અપ્રામાણિક તો તેને કહી શકાશે નહિ. પોતાની આ કેફિયત અધૂરી છે તેનો સ્વીકાર તેણે અગાઉથી જ કરી લીધો છે. તેની પૂર્તિ, પોતાના ગદ્યપદ્ય ગ્રંથોમાંથી કરી લેવાનું પણ તેણે સૂચવ્યું જ છે.[43] તેની આ કેફિયતને ‘નર્મકવિતા’, તેની પાદટીપો અને ‘ઉત્તર નર્મદ ચરિત્ર’માં છપાયેલી નોંધો સાથે વાંચો તો સદ્યઃ ચરિત્રનાયકનું લગભગ સજીવ, પ્રામાણિક અને પારદર્શી વ્યક્તિત્વ નીખરી આવશે. નર્મદની ઉદ્રેકશીલ પ્રકૃતિનો પરિચય તો પાદટીપમાં મળે છે. પ્રથમ પત્નીથી થયેલા મૃત બાળકને ભૂમિદાહ માટે લઈ જતાં, તેને જે વેદના થઈ હતી તેનું અને તે જ દિવસે પત્નીનું પણ અવસાન થતાં તેને સ્મશાને લઈ ગયા ત્યારે તેનું જે ચિત્ર તેણે આલેખ્યું છે તેમાં કવિહૃદયનો જ માત્ર તીવ્ર ઉદ્રેક નથી, એક પિતા અને પતિની સંવેદનાની પણ અભિવ્યક્તિ છે. પ્રથમ પત્ની ગુલાબ સાથે તેને મનમેળ ઓછો હતો. તેમાં ગુલાબની અણઆવડત, શંકાશીલ પ્રકૃતિ, સાળીની ચડવણી અને સસરાની વડીલશાહી કેટલી જવાબદાર હતી તેનું આક્ષેપરિક્ત, રોષરહિત, આત્મખોજપૂર્વકનું, પોતે પણ તેને દુઃખ દેતો તેવા એકરારનું નિરૂપણ તેની સંવેદનશીલતા, નિખાલસતા અને પશ્ચાત્તાપતત્પરતાનો પરિચય આપે છે. મણિલાલ, ઇન્દુલાલ અને ચન્દ્રવદનનાં દામ્પત્યજીવન વણસ્યાં તેના કારણરૂપે પત્નીની અસંસ્કારિતા અથવા તેની પાસે રાખેલી અપેક્ષાની અતુષ્ટિ, શ્વશુરપક્ષની આડોડાઈ અને પોતાના સ્વભાવની વિલક્ષણતાના એકરારોનો જે સિલસિલો મળે છે તેનો આરંભ કરવાનું અસદ્‌ભાગ્ય નર્મદને ફાળે ગયું હતું! નર્મદ કવિતાસાધનાના આરંભની વિગતો આપી, દલપતરામના અનુકરણમાં પોતે કવિતાઓ જોડવા માંડી તેનો ઉલ્લેખ કરી, દલપતરામની હાજરીથી પોતાને થતો ક્ષોભ વર્ણવી, પ્રતિભા અને પુરુષાર્થથી ગુજરાતના તે સમયના કવિશ્રેષ્ઠ પર પોતે કેવી સરસાઈ મેળવી તેનું વર્ણન આપે છે તેમાં આપવડાઈ નથી, વસ્તુલક્ષિતા છે. દલપતરામ સાથેની તેની સ્પર્ધામાં એક તરફ તેનો સંકોચ, લઘુતાભાવ અને બીજી તરફ ઈર્ષ્યાભાવ હતો તે છુપાવવાનો તેણે કોઈ પ્રયાસ કર્યો નથી. દલપતરામ સાથેના સંબંધમાં ખટાશ પડી તેની અરુચિકર વાત તે પાદટીમાં જ નોંધે છે, તે પણ પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાના હેતુથી જ. ઇન્કમટૅક્સ અધિકારીએ સરચાર્જ વધારે આકાર્યો ત્યારે જહાલ સ્વભાવના કર્ટિસને મળવા જતાં પોતે ખૂબ ગભરાયો હતો તે નોંધતાં તે પોતાની વીર હોવાની છાપ ઝંખવાશે તેની ચિંતા કરતો નથી. પિતાના પત્રોને તે પોપ, બાયરન અને કાઉપરના પત્રોની કક્ષાના ગણે છે તેમાં તેની પિતૃભક્તિની અતિશયતા છે. પ્રમાણભાનનો તેને અનેક સ્થળે ખ્યાલ રહ્યો નથી. પ્રારંભમાં પોતાનાં જ્ઞાતિ, ગોત્ર, પૂર્વજો વિશે નાની નાની વિગતો તે વિસ્તારથી લખે છે. તે સમર્સ સાથેના સંઘર્ષની અને એવી બીજી ઘટનાઓ વિશે અછડતો ઉલ્લેખ કરી પતાવી દે છે. આ સમાજસુધારકની આત્મકથા છે તેથી મહારાજ જદુનાથ સાથેના સંઘર્ષ જેવી ઘટનાઓ ઔચિત્યથી આલેખાઈ છે. તેમાં તેની અટંકી વીરતાનો, અડગતાનો, નિર્ભયતાનો અને સત્ય માટે ફના થઈ જવાની તત્પરતાનો સાચો પરિચય મળે છે. આ પ્રસંગનું વર્ણન તેણે વિગતે કર્યું છે. પરંતુ તેમાંની કેાઈ વિગત બિનજરૂરી કે આપવડાઈ માટે જ આપી હોય તેમ, આ કિસ્સા અંગે લખાયેલ બીજા સંદર્ભો સાથે સરખાવતાં, જણાતું નથી. પરંતુ, આરંભની કાવ્યસાધના અને દલપતરામ સાથેની કવિતા-કુસ્તીઓની વિગતો સિવાય ‘મારી હકીકત’ અને ‘નર્મ-કવિતા’નો અંતરંગ અનુબંધ પ્રગટ થઈ શક્યો નથી. કથાસાહિત્ય સિવાયનાં વાઙ્‌મયનાં બધાં સ્વરૂપો પર પ્રભુત્વ દાખવનાર આ સવ્યસાચી કથાસાહિત્યમાં પણ તેટલો જ સફળ થયો હોત તે વિશે ‘મારી હકીકત’ આપણને નિઃસંશય કરે છે. પોતાને આવતાં ભયંકર સ્વપ્નો અને પોતે તેથી કેવો છળી મરતો તે વર્ણન વાંચો; કિશોર અવસ્થામાં માતાની સાથે સુરત અને મુંબઈ વચ્ચે કરેલા પ્રવાસ દરમ્યાન કુદરતની શોભાથી થતા વિસ્મય, અવલોકન અને તે વડે અંદરના કવિ-પુદ્‌ગલના થતા પોષણની વિગત વાંચો; દુર્ગારામ મહેતાજીના ડરામણા વ્યક્તિત્વનો પ્રભાવ અને ‘ઙ્‌’નો નિત્ય અશુદ્ધ થતો ઉચ્ચાર એકાએક શુદ્ધ થઈ ગયો તેનો થયેલો ઉલ્લાસ વાંચો; પોતાની અભ્યાસશીલ અને તેજસ્વી બુદ્ધિપ્રતિભાની વિગતો આપતાં આપતાં તેણે દોરેલાં પોતાના શિક્ષકોનાં વ્યંગ્યપ્રધાન હળવાં નખચિત્રો વાંચો; તે સમયના પાઠ્યક્રમની વિગતો સાથે આપસૂઝની વાત કરતાં જવામાં, વાચકને કંટાળો ન આવે તેમ પોતાની બુદ્ધિમત્તાનાં પડળો તે ઉખેળતો જાય છે તે વાંચો; વહેમીપણા અને અંધશ્રદ્ધાના દિવસોમાં પોતે કેવો હાસ્યાસ્પદ બની ગયેલો તેની કથની વાંચો; સસરા સાથેની ટકરામણની કથા વાંચો; રાંદેરની શાળાની નોકરી વેળાની તેણે નોંધેલી દિનચર્યા વાંચો; પોતાની લાલાઈ, બેફિકરાઈ અને ફક્કડાઈના અવારનવાર કરેલાં વર્ણનો વાંચો; જદુનાથ મહારાજ સાથેનો જીવસટોસટનો પ્રસંગ વાંચો; માતા અને પિતાનાં ‘સ્મરણમુકુર’ની કોટિનાં રેખાચિત્રો વાચો – કવિને કથાસાહિત્યને ઉપકારક કથન-વર્ણનની સર્જનકલ્પ શૈલી સહજસાધ્ય હતી તેની સત્વરે પ્રતીતિ થશે. તેના ભાષાવળોટમાંથી કવિની હાલે-મસ્ત પ્રકૃતિનો પરિચય સુપેરે થાય છે. નવલરામ અને નંદશંકર પણ સુરતના, તેના સમકાલીન, મિત્રો, ત્રણે નાગરો (નવલરામ વિસનગરા અને નર્મદ, નંદશંકર વડનગરા) અને તેમના શિક્ષણસ્તરમાં પણ ભારે અંતર નહિ. ત્રણેની કથનશૈલીના નમૂનારૂપ ગદ્યના ફકરાઓ, તેમના નામની ચિઠ્ઠી લગાડ્યા વિના પાસે પાસે મૂકો. નર્મદગંધી ફકરો તરત જુદો ફોરી આવશે. બીજા બે નન્નાઓના ફકરાઓ આપઓળખ નહિ આપે! ‘કન્ફેશન્સ’માં ત્યાં સ્તારોબિન્સ્કી(Jean Starobinski)એ[44] બે રીતિતરેહો તારવી છે. ચરિત્રનાયક વિપન્ન સ્થિતિમાં હોય ત્યારે આત્મકથા લખે, તો elegaic – કરુણપરક રીતિ વિકસે. ચરિત્રનાયક વિપન્નતામાંથી સંપન્નતાએ (વિદ્યાકીય સમેત અનેક ક્ષેત્રોની) પહોંચી તે આત્મકથાલેખન કરે ત્યારે picaresque – યાયાવરી રીતિ વિલસે. એક કૃતિમાં બંને રીતિઓ પણ મનઃસ્થિતિ અનુસાર નિખાર પામતી હેાય એમ પણ બને. ઝયાં સ્તારોબિન્સ્કીએ તારવ્યા અનુસાર રૂસોમાં બંને તરેહો છે. મણિલાલની રીતિ કરુણપરક elegaic છે તો નર્મદ, મુનશી, ચન્દ્રવદન અને વિજયરાય ભૂતકાળમાં વિહાર કરે છે ત્યારે શોકપરક ઘટનાઓને – સમયના અંતરથી પ્રાપ્ત સ્વસ્થતાએ – દાર્શનિકતાથી જોગવે છે અને રસળતી graceful રીતિએ કથન કરે છે. ત્યાં યાયાવરી – picaresque તરેહ નિષ્પન્ન થાય છે.

‘મારી હકીકત’ની સંપૂર્તિ તે ‘ઉત્તર નર્મદ ચરિત્ર’. તેમાં કવિના કેટલાક પત્રો અને ૧૮૬૬થી ૧૮૮૬ સુધીની, ઓગણીશેક વર્ષની કેટલીક નોંધો છે. ‘મારી હકીકત’ કેવી નોંધો ઉપરથી તૈયાર થઈ હશે તેનો ખ્યાલ આ નોંધ ઉપરથી આવે છે. આ નોંધો પણ લખનારની પ્રકૃતિ અનુસારની સંવેદનશીલ છે. વાસ્તવમાં કવિનું સમગ્ર સંવેદનતંત્ર અને વિચારતંત્ર આ નોંધોમાં ખુલ્લું થયું છે. ‘કવિની સરખામણી’ શીર્ષક નીચે ‘અવકાશ તરંગ’ રૂપે પોતે, નવલરામ, વિજયશંકર, મધુવછરામ સાથે સંવાદરૂપે સામળ, પ્રેમાનંદ અને પોતાનું ઉપસાવેલું નખચિત્ર જુઓ : નવલરામે પ્રશ્ન કર્યો : ‘કવિની કવિતા વાંચવાથી મનમાં જે ચિત્ર પડે છે તેનું વર્ણન કરો.’ પહેલાં નર્મદનું વર્ણન થયું. બાકીના ત્રણે મિત્રોએ વર્ણવ્યા પછી નર્મદ પોતે પોતાનું ચિત્ર આંકે છે : “વિશાળ ખેતર, તેમાં વચમાં વચમાં પીળા રંગના મેરાબના ધોરાવાળી વાડીઓ – કિત્તા હોય, જેમાં ફૂલ સફેદ કે સિંદુરિયાં ને પીળાં બ્હેંક બહેંક થઈ રહ્યાં હોય, એક ઝાપટું આવેથી જમીન ધોવાઈ ગઈ હોય ને મેદિની કંઈક ફીકી પણ સ્વચ્છ હોય તેવા દેખાવમાં કોઈ પુરુષ પ્રૌઢ રીતે ઊંડા વિચારમાં મગ્ન હોય પણ એકાએક પાસેના ઘાસનો ભડકો થયેથી ઉશ્કેરાયેલો પણ પછી પ્રેમમાં ગળેલો હોય તેવો.”[45] કવિનાં બાહ્ય અને આભ્યંતર બંનેનું ચિત્ર કલ્પનલાઘવથી અહીં વિશદ બન્યું છે. હવે તેની મનોભૂમિ નવા વિચારને ફળાવવા લાયક અને કેળવાયેલી બની છે. સંવેગ ઠરીને સંવિત્‌ બને તે પહેલાંનો જોસ્સો ક્યારેક ભડકો થઈ આવે છે, પરંતુ તે ક્ષણિક જ – પ્રેમની સંપ્લુતતા તેને નિરંતર ઠારતી રહે છે. આ પ્રેમ તે ઈર્ષ્યા, દ્વેષ, નિંદા આદિનું વિગલન થઈને કેળવાતી જતી હૃદયની સ્ફટિક-નિર્મળ સદ્‌ભાવના. તેની હવે પછીની નોંધોમાં ધર્મ અને સંસ્કારનો પુનર્વિચાર છે. તે ઉદાત્તચિત્ત- magnanimous –બનતો જતો હતો તેનો અણસાર પણ તેમાં મળશે. જેમના પ્રત્યે તે નિરંતર ઘૃણા દાખવતો હતો. જેમને માટે તે ધગધગતા નિબંધો અને તમતમતાં ભાષણો ઝાડતો હતો તે વૈષ્ણવ આચાર્યોનો તિરસ્કાર કરતો અટકી ગયો હતો. ‘સુધારા અને સુધારાવાળા’ નિબંધમાંનો આ ફકરો વાંચો : “મહારાજની અનીતિ કાઢતાં ૪૦ વર્ષ થયાં, પણ તેએાએ તે છોડી નથી; તેને ખરેખર ધિક્કારનારા થોડા જ વૈષ્ણવ છે. કેટલાક ભાટિયા સુધારાવાળા કહે છે કે, મંદિરની વ્યવસ્થામાં ફેરફાર કરવો નહિ, માત્ર મહારાજ સુધરે. વળી દોષ કોનો છે વસ્તુતઃ ગુરુનો કે શિષ્યનો? અમે નથી સમજતા કે સુધારો. મહારાજનો પીછો શા માટે નથી મૂકતો? નવો ઉપાય ન હોય તો થોડાંક વર્ષ વાત બંધ રાખવી. સ્વામી દયાનંદ પણ તેના ઉપર ઊલટ્યો હતો. શું બીજા પંથો નથી સુધારાની સળવળતી જીભ ને ચળવળતી લેખણીને માટે? સુધારો નીતિ અનીતિનો પારેખ થવાનો ડોળ કરે છે પણ તેના કર્મે તે સઘળી બતાવી છે તે ક્રિયામાં ને કાર્યમાં. મૂળથી જ ધર્મની ભક્તિની લાગણી નહિ તે ધર્મસુધારો કેમ થાય?”[46] ભક્તિને નામે થતા અનાચારોની જવાબદારી જેટલી મહારાજોની છે તેટલી તેમના પ્રત્યે આંધળી ભક્તિ ધરાવતા અંધશ્રદ્ધાળુઓની પણ છે તે નિદાનમાં કવિની ઠરેલ અને પ્રૌઢ બનેલી વિવેકશક્તિનો ઉદય છે. સુધારાવાળા પોતે દુરાચારી ન મટે, અને બીજા સંપ્રદાયોના અનાચારો સામે પણ જુદ્ધે ન ચડે ત્યાં સુધી એકલા વલ્લભપંથને ભાંડવામાં ન્યાયબુદ્ધિ નથી તેવો તોલ કરનારો નર્મદ મહારાજોના અનાચારને ચલાવી લેવા તૈયાર થયો છે તેવું નથી. એ એટલું જ કહે છે કે એક ક્ષેત્રના પાપીને બીજા ક્ષેત્રના પાપનો વિરોધ કરવાનો અધિકાર નથી. રંડીબાજને વ્યભિચાર-નિષેધનાં ભાષણો કરવાનો કે દારૂડિયાને કેફ ન કરવા વિશેના નિબંધો લખવાનો અધિકાર નથી. હેતુની પ્રામાણિકતા તેમ જ આચાર ને વિચારનો અવિરોધ કેળવવાનો તેનો બોધ છે. આથી જ પોતે આ ક્ષેત્રમાંથી નિવૃત્ત થઈ ગયો હતો. ઉપરના ‘અવકાશ તરંગ’માં નવલરામે કવિનું ચિત્ર આપતાં ઉમેર્યું હતું : ‘...વિશેષ કે ગુલાબ કે મોગરાના છોડવામાં બેઠેલો, પણ નજર મોટાં ઝાડ વડપીપળા તરફ કરતો હોય.’[47] ૧૮૬૬ પછીનાં કવિનાં સંપાદનો, સંશેાધનો સમેતનાં સારસ્વતકાર્યો અને ચિંતનનાં વ્યાપ, ઊંડાણ અને ઊંચાઈ તપાસો, નર્મદ કબીરવડ જેવો વિસ્તર્યો છે. તેનાં સંશેાધનો, સંપાદનો, સર્જનો, અનુસર્જનો, અનુલેખનો અને અનુવાદોની સૂચિ સુવિદિત છે. તેનો ભગવદ્‌ગીતાનો અનુવાદ, રાજ્યરંગ અને ધર્મવિચાર એ ત્રણ ગ્રંથો તો ઉત્તર-નર્મદની સારસ્વતસાધનાનાં ઉત્તમ સુફલો છે. મણિલાલ અને ગોવર્ધનરામના આગમનની હવાનો અંદાજ તેમાંથી મળી રહે છે.

૧૮૭૦માં બનેલી ઘટના વિશે, નર્મદ ૧૮૬૬માં તો ક્યાંથી લખી શકે? પરંતુ, ચન્દ્રવદનભાઈ, આપે ડાહીગૌરીનું ખૂબ સદાશયી અને ઉદારચરિત ચિત્ર સર્જ્યું છે. તે અન્યથાય તેવાં જ હતાં. તેમને કેન્દ્રમાં રાખીને, નર્મદાગૌરી સાથેનાં વિધવાલગ્નનાં નાટ્યવેશનું હૂબહૂ લાગે તેવું રેખાંકન આપે આપ્યું છે.[48] વિધવા નર્મદા-ગવરીને પરણવા કવિને ડાહીગવરીએ ઉશ્કેરેલા, નર્મદાગવરીને પરણવા તૈયાર કરાયેલો વરરાજા કિડનેપ થઈ ગયેલો, નર્મદાગવરીને સારો મેથીપાક મળેલો, નર્મદને બારણે ડંગોળિયાઓની ગાળાગાળી ધાંધલ-ધમાલ, છતાં તે પાછલે બારણે કવિના ઘરમાં પેઠી – ખચકાતા કવિને ઘડીના છઠ્ઠા ભાગમાં ડાહીગવરીએ નિર્ણય લેવડાવ્યો અને નર્મદાને સહપત્ની તરીકે પોંકી! આ સરસ વીર-વેશથી આપે ‘ઉત્તરનર્મદચરિત્ર’માં કવિએ સાચવેલી નોંધના રૂપમાં આપેલા કવિ અને ડાહીગવરી વચ્ચેના ‘ખૂંદ્યા ખમવા‘ની કબૂલાત કરાવતા, સાત સાત દિવસ સુધી આપેલા માનસિક ત્રાસના નર્મદના ખલ-વેશપ્રધાન (સં)વાદને[49] અશ્રદ્ધેય તો મનાવ્યો જ છે, સાથે નર્મદને male chauvinismના આરોપમાંથી બાઇજ્જત મુક્ત કર્યો છે! સર્જક-નાટ્યકારનો આ અબાધિત અધિકાર છે. ગુલાબદાસભાઈ, આપે ‘નર્મદ – એક વ્યક્તિ’ શીર્ષકથી સુન્દર રેડિયો-રૂપક સંભળાવ્યું.[50] સમયની પાબંદી જાળવીને પણ વહેમી કિશોર નર્મદથી અંતિમ ઘડીએ રાજુને સદ્‌બોધ આપતાં,– વીસેક વર્ષ પહેલાં લખાયેલા – ‘અવસાનસંદેશ’ કાવ્યની પંક્તિઓ રટતાં રટતાં નર્મદને વિદેહ થતો સંભળાવ્યો. યોગ્ય ક્ષણનું કાવ્ય યોગ્ય ક્ષણે ગોઠવી આપે સર્જક-કલાકારની પ્રત્યુત્પન્ન મતિ દાખવી. પરંતુ કોઈ વિવેચક-સંશેાધકને તો ૧૮૬૬ પછી લખાયેલા આ કે તે કાવ્યને ૧૮૬૬ પહેલાંની આ કે તે ઘટના સાથે જોડવાની છૂટ મળતી નથી. વિશ્વનાથભાઈએ ‘વિછૂટી હરિણી જૂથથી’ (‘મૃગીને આશ્રય’) એ ૧૮૬૬ પછી લખાયેલા કાવ્યને સવિતાગૌરીને આશ્રય આપવાની ૧૮૬૫માં બનેલી ઘટના સાથે સંબંધ હોવાનું, ‘ભૂલ ન ખાતા હોઈએ’ એવા વિશ્વાસપૂર્વકનું અનુમાન કર્યું છે![51] તો ભોગીલાલભાઈએ ૧૮૭૦માં બનેલી નર્મદાગૌરી સાથેના કવિના વિધવાલગ્નની ઘટનાને ૧૮૬૯માં બનેલી નેાંધી, તે સાથે આ કાવ્યને જોડ્યું છે![52] Myth આમ જ ઊભી થાય છે ને! વિશ્વનાથભાઈએ આપેલું આ અંતિમ દૃશ્ય : “સં.૧૯૪૨ની શિવરાત્રિનો દિવસ છે. લાંબી માંદગી છતાં કવિ આજે મૃગચર્મ બિછાવીને તે પર બેઠા છે. સામે બે સ્ત્રીઓ ને એક કૉલેજિયન બેઠાં છે. કૉલેજિયન તે કવિએ પોતાના ઘરમાં રાખી ભણાવેલ, પોતાના કારકુનનો પુત્ર રાજારામ શાસ્ત્રી છે. જીવનદીપ બુઝાઈ જવાની તૈયારીમાં છે. કવિને તેનું ભાન છે તેથી પોતાના સ્વજનોને પાસે બોલાવી છેલવેલું જીવનનિવેદન કરી લેવા બોલવા માંડે છે... ‘ત્રેપન થયાં મને... ભૂલીશ નહિ કે ‘સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ... જય સાંબ સચ્ચિદાનંદ!’ આવો આખરી સંદેશ આપીને આ સત્યવીરે જીવનલીલા સંકેલી લીધી.”[53] આ નિરૂપણ અનુસાર તો નર્મદનો દેહોત્સર્ગ થયો ‘શિવરાત્રિએ’. અને તો તેને એક અઠવાડિયું વહેલો દિવંગત માનવો પડે! આ ‘શિવરાત્રિ’એ તો તા. ૧૭-૨-૧૮૮૬ હતી! અને, આપણે સૌએ,[54] નર્મદે જેને સ્વધર્મમાં જ શ્રેય હોવાનું છેલ્લું ઉદ્‌બોધન કર્યું હતું, જે કવિની સારવારમાં હતા, જેણે નર્મદપુત્ર જયશંકર સાથે કવિને કાંધ આપી હતી તે, કવિના પુત્રવત્‌ અંતેવાસી રાજારામ શાસ્ત્રીએ આપેલી તારીખ – ‘૨૬-૨-૧૮૮૬ બપોરે–’ વાંચવાની ચિંતા ન કરી,[55] આ સમયે રાજકોટ ખાતે રહેતા નવલરામે ‘કવિજીવન’માં આપેલી તારીખ – ‘૨૫-૨-૧૮૮૬, ગુરુવાર–’ સ્વીકારીને કવિને એક દિવસ વહેલા વિદાય નથી કરી દીધા? આત્મકથા લેખક બધું જ લખી શકે છે, પોતાની મૃત્યુતિથિ સિવાય!

પ્રેમ-શૌર્યનો ધ્યેયમંત્ર બુલંદ અવાજે ગાનાર આ કવિ અવસાન પહેલાંનાં વર્ષોમાં પ્રેમ-ભક્તિનો ધ્યાનમંત્ર રટતો હતો.[56] પરમ વૈષ્ણવ નરસિંહ અને દયારામના જેવી પ્રેમવિહ્‌વળ અને ભક્તિમર્માળી વાણીમાં, તે મુક્તિઓમાં પરમ ઇષ્ટ એવી સાયુજ્ય મુક્તિની ઝંખના કરતો થયો હતો. ભગવદ્‌ગીતાનો અનુવાદ કરનાર અને પ્રેમાનંદના ‘દશમસ્કંધ’નું શાસ્ત્રીય પદ્ધતિએ પ્રથમ સંપાદન કરનાર આ કવિ ભાગવતી લીલાનો તત્ત્વાર્થ હૃદયગત કરી પોતેય ગોપીભાવ અનુભવનારો થયો હતો! તેનું સંભવતઃ છેલ્લું કાવ્ય પ્રેમલક્ષણા ભક્તિનું છે :

મારે મોહોલે માણીગર આવો, વાલા શાને લોચન લલચાવો–મારે
ઘણા દિવસની ગવાઉં છું જૂઠી, તે આજ લઈએ લાવો–મારે
ના નવ કોહો ક્યાં મળશે કેશો, ફરી અવસર આવો–મારે
મન માણી મોજો માણીશે, ફરી તો નહીં ફાવો—મારે
જ્યારે ત્યારે પણ હું છું તમારી, સીદને તરસાવો—મારે
અધર સુધારસ સુખનો સાગર, આજ પીયો ને પાવો—મારે[57]

કવિએ ‘ગોલોકવાસ’ આટલો વહેલો ન કર્યો હોત તો ન્હાનાલાલના ‘હરિ આવો ને’—ની કક્ષાનાં નિર્મળ, નિતાન્ત પ્રેમભક્તિનાં કેટકેટલાં પદો તેણે આપ્યાં હોત? તેનો ખરખરોય શો કરવો? તોય અદ્યતન કવિઓની ‘કૃષ્ણકવિતા’નોય તે પ્રસ્થાનકાર! તે સૌનું દયારામ સાથે અનુસંધાન કરાવી આપનારોય તે નર્મદ!

ચરિત્રનાયકના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થઈ ચૂક્યો હોય અથવા તેના પુરુષાર્થનાં પરિણામો પ્રગટી ચૂક્યાં હોય ત્યારે તેની આત્મકથા સકલકથા બને. પૂર્ણકથા તો તે ક્યારેય બનતી નથી. પૂર્ણવિરામ તો કાળપુરુષના દસ્કતથી મુકાય છે. મણિલાલના જીવનની પ્રાકૃતતાની ઊંડી ખીણો અને પ્રાજ્ઞતાનાં ઊંચાં શિખરો તેમનાં આત્મવૃત્તાંતમાં દૃષ્ટિગોચર થઈ ગયાં છે. આથી વિશેષ અવનતિ કે આથી વિશેષ ઉદ્‌ગતિ કઈ હોઈ શકે તે પ્રશ્ન સાથે તે કથા આટોપાય છે. પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ બન્યા પછી તે પહાડ જેવા અવરોધને આત્મિક પુરુષાર્થથી વળોટી પરમ આધ્યાત્મિક પ્રજ્ઞાન પુરુષ રૂપે તેમના આત્મવૃત્તમાં સકલતાથી પ્રગટ્યા છે. મુનશીની આત્મકથાશ્રેણીમાંની સર્જકતાની જવનિકા ખસેડીએ કે સદ્ય : એક આત્મકેન્દ્રી, આત્મપ્રત્યયી, યથાસમય અનુનેયતાના ગુણવાળા, મહત્ત્વાકાંક્ષી, સિદ્ધિઓનાં સોગઠાંને યથેચ્છ પોતાની તરફેણમાં પડે તે રીતે ફેંકતા ખેલપટુ, સમાજ, વિદ્યા, સંસ્કાર આદિ કાર્યોની પરંપરા પ્રેરવા, યોજવા અને પાર પાડવામાં અપૂર્વ કુશલ અને મેધાવી, ને સર્વમાં સતત રત રહેવામાં આત્મરતિ અનુભવનાર પુરુષની સકલ કલાઓનો રંગવિસ્તાર વરતાય છે. મુનશીનો રાજયોગ હતો તો ઇન્દુલાલનો હઠયોગ (સવ્યાર્થમાં) હતો. તિતિક્ષા તેમના સ્વભાવનું અને કાર્યનું પ્રથમ લક્ષણ. આત્મપ્રત્યય માટે સરદાર સાથેય બાખડે અને ગાંધીજીથીય છૂટા પડે. કચડાયેલાઓ પ્રત્યે સક્રિય સહાનુભૂતિ, અન્યાય સામે રોષ, કાર્યસિદ્ધિમાં આપનિષેધ અને ફકીરી એ તેમની સામાજિક પ્રતિભાના ગુણો. સાહિત્યકલામાંય દૃષ્ટિસંપન્નતા. નિર્દંભતા અને નીડરતા તેમના વ્યક્તિત્વનાં અવિભાજ્ય અંગો. તેમની આત્મકથા એટલે જે જમાનાથી પોતે રંગાયા અને પોતે પણ જેને રંગ્યો તેની બે પેઢીની મુખ્તેસર હકીકત; રણજિતરામે સેવેલું, મુનશીએ પોષેલું ગુજરાતની અસ્મિતાનું સ્વપ્ન મહાગુજરાત રૂપે વાસ્તવિક બનાવવા મહા સંઘર્ષ ખેલનારની પુરુષાર્થગાથા. સત્યગુણ, સાહિત્યગુણ અને પ્રતીતિનિષ્ઠામાં, એક સીમિત ક્ષેત્ર પૂરતી, ઇન્દુલાલની આત્મકથા સાથે ઊભી રહી છે નાનાભાઈ ભટ્ટની ‘ઘડતર અને ચણતર’. ચન્દ્રવદન મહેતાની ગઠરિયાં-શ્રેણીને કેવળ આ આત્મકથનનો સંસ્કાર નથી મળ્યો, માત્ર રંગ-સંસ્કાર નથી મળ્યો. માનવસંદર્ભ અને વિશ્વ-ફલક પણ મળ્યાં છે. સકલથી દશાંગુલ વધવાની ‘ધમકી’ આ શ્રેણી આપી રહી છે તે આપણું સદ્‌ભાગ્ય છે. ‘રેડિયો ગઠરિયાં’ તો તેઓ નિઃશંક આપશે જ, તે સિવાય પણ તેમની ગઠરિયાંમાંથી ઘણું છોડવા ખોલવાનું તેમની પાસે કરાવવાનું છે. આ બધી સકલકથાઓ છે. કાકાસાહેબ અને પ્રભુદાસ ગાંધીનો ઉપક્રમ મર્યાદિત હતો. બંનેમાં સમાન લક્ષણ તે નિસર્ગપ્રેમ. બંનેમાં વિસ્મયનો ગુણ તેમ જ સત્ય અને કાવ્યનું સામંજસ્ય છે. ધૂમકેતુની આત્મકથાના બંને ખંડો – ‘જીવનપંથ’ અને ‘જીવનરંગ’– એક સર્જકની ઘડતરકથા લેખે મૂલ્યવાન છે. ગાંધીજી તો દેશના સર્વતોભદ્ર ઉત્થાનની પ્રક્રિયામાં એટલા ગળાબૂડ હતા કે તે પ્રક્રિયાના અંગભૂત થતા રહેતા સત્યના પ્રયોગોને ‘આત્મકથા’ના અનુગામી ખંડો રૂપે શબ્દદેહ ન અપાયો. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ ‘હું’થી કહેવાયો છે છતાં તે ઇતિહાસથી આગળ વધી આત્મકથા બની શક્યો નથી. ગાંધીજીને અને તેમનાં વિચાર તથા કાર્યની ભૂમિકાને સમજવાની સજ્જતા આ આત્મકથા જરૂર સંપડાવે છે, છતાં તે ખંડકથા છે. ‘અધૂરી‘ અને ‘ખરડો’ જ કહેવાયેલી ‘મારી હકીકત’ને નર્મદે recast કરી પૂર્ણ કરવા ધારી હતી. પરંતુ શ્રદ્ધાસ્થાપનનાં ચિંતન મનન અને લેખનમાં. તેમ તેનાં પ્રકાશન અને જીવનનિર્વાહ માટે દ્રવ્યોપાર્જનની સતત ચિંતા અને પ્રવૃત્તિને કારણે, તેમ જ પુરુષાર્થીમાંથી તે પ્રારબ્ધવાદી બન્યો હતો તેથી કર્મવિપાકના વિચારના પ્રભાવે કર્તૃત્વભાવ ગૌણ બનતાં, આત્મકથનનો ઉદ્યમ કરવાથી તે પણ વિરક્ત થઈ ગયો હશે. અથવા તે ઉદ્યમ તેણે યથાવકાશ કર્યો પણ હોત. પરંતુ ત્રેપનમે વર્ષે કાળપુરુષ પૂર્ણવિરામ મૂકશે તેવી ચેતવણી પણ તેને ક્યાં મળી હતી? તેથી જે છે તે સ્વરૂપમાં ‘મારી હકીકત’ પ્રખર પ્રતિભાના, પ્રબળ મનોબળના અને પ્રચંડ પુરુષાર્થના આ સકલ પુરુષની માત્ર સૌમ્ય તેજની બીજકલા જ બની રહી છે. અલબત્ત કવિના મનોગતમાં પ્રવેશવાનો આછો નકશો અવશ્ય તેમાંથી મળી રહે છે. ‘મારી હકીકત’થી આરંભાયેલું અને ‘સાફલ્યટાણું’ (સ્નેહરશ્મિ) સુધી પહોંચેલું ગુજરાતી આત્મકથાસાહિત્ય તેના સંસ્કારપુરુષોનું સ્વમૂલ્યાંકન અને ગુજરાતનું સંસ્કારમૂલ્યાંકન પણ બની રહ્યું છે. આભાર. સુરત, વાગ્‌-દ્વાદશી : ૨૦૩૯ : ૨-૧૧-’૮૩. અધ્યક્ષીય વ્યાખ્યાન : ‘મારી હકીકત’ અને ગુજરાતી આત્મકથા સાહિત્ય, પરિસંવાદ વિભાગ : ૩૧-૧૨-’૮૩ સાંજે : ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૨મું અધિવેશન, સુરત.

પાદટીપ :

  1. સત્યના પ્રયોગો અથવા આત્મકથા, (૧૧મી આવૃત્તિ), પ્રસ્તાવના, પૃ. ૪.
  2. આત્મકથા, ભા. ૧ (બીજી આ.), પ્રસ્તાવના, પૃ. ૪.
  3. ‘Hanging up Looking Glasses at Odd Corners - Ethnobiographical Prospects’ : Studies in Biography Edited by Daniel Aaron, pp. ૪૧-૫૬.
  4. Anatomy of Criticism : Theory of Generes, pp. ૩૦૭, ૩૦૮.
  5. Life of Borrow : Herbert Jenkins, p. ૩૯૬.
  6. અડધે રસ્તે, સીધાં ચઢાણ, સ્વપ્નસિદ્ધિની શોધમાં.
  7. ‘ગઠરિયાં શ્રેણી’
  8. વિનાયકની આત્મકથા.
  9. મારું જીવનવૃત્ત.
  10. ઘડતર અને ચણતર.
  11. જીવનનું પરોઢ,
  12. Aspects of Biography, pp. ૧૭૮, ૧૭૯, ૧૮૦.
  13. ‘શ્રી ચન્દ્રવદન મહેતાની સાહિત્યિક મુલાકાત’, યશવન્ત ત્રિવેદી : ફા. ગુ. સ. ત્રૈમાસિક : એપ્રિલ-જૂન ૧૯૮૩.
  14. મારી હકીકત, પૃ. ૧.
  15. ‘Truth, naked, unblushing truth, the first virtue of more serious history, must be sole recommendation of this personal narrative. Memoirs of My Life and Writings : Edward Gibbon (Ed. Lord Sheffield), p. ૧.
  16. ‘... If these sheets are communicated to some discreet and indulgent friends, they will be secreted from the public eye till the author shall be removed beyond the reach of criticism or ridicule.‘ (Ibid.)
  17. English Biography : Waldo H. Dunn, pp. ૨૦૬, ૨૦૭.
  18. ‘Many have written autobiography; but few have had the courage to let them appear during their own lives. Autobiography, Vol. ii, p. ૨૧૧.
  19. Asa Briggs : Foreword : Autobiography of John Stuart Mill.
  20. ‘Silence is a Previlege of the grave, a right of the departed.’ Prose Works of Wordsworth, Ed. William Knight, Vol. ii, pp. ૨૫૯-૨૭૭.
  21. ‘...that biography, though differing in some essentials from works of fiction, is nevertheless, like them, an art-an art, the laws of which are determind by the imperfections of our nature, and the constitution of society. Truth is not here, as in the sciences, and in the natural philosophy, to be saught without scruple, and promulgated for its own sake...’ (Ibid)
  22. ‘મારી હકીકત’, પૃ. ૨. (‘મારી હકીકત’નું લેખન પણ પ્રકરણવ્યવસ્થા વિનાનું અને સળંગ છે. ‘વિરામ’સંજ્ઞાનાં પ્રકરણનિર્દેશો અને શીર્ષકો તથા ઉપશીર્ષકો તો પ્રકાશકે આપ્યાં છે. નર્મદે પોતે જે વિસ્તૃત નોંધ રાખી હતી, તે જ વિસ્તારી, વ્યવસ્થિત કરી અહીં મૂકી છે.)
  23. ‘મારી હકીકત’, પૃ. ૯૪.
  24. ‘કવિજીવન’, નવલગ્રંથાવલિ (આ. ૧), પૃ. ૨૩૩.
  25. ૨૧ સપ્ટે. ૧૮૫૫થી ૩૧ ડિસે. ૧૮૬૬ સુધીમાં–અગિયાર વર્ષમાં– ૪૨૦ કાવ્યો. આ કાવ્યોની પાદટીપ લખાઈ છે.
  26. જાન્યુ. ૧૮૬૭થી ફેબ્રુ. ૧૮૮૬નાં વીસ વર્ષમાં ૧૩૫ કાવ્યો. આ કાવ્યોમાંથી ભાગ્યે બેચારની ટીપ લખાઈ છે.
  27. ‘નર્મકવિતાના શૃંગારમાં જુવાનિયા બહુ રાજી, પણ તેમાંના વીર કે શાંતને શું કરવા જુએ? એ સઘળું શું બતાવે છે? ભ્રષ્ટ મતિ.’ (ધર્મ-વિચાર, પૃ. ૩૩.) માનશંકર મહેતા અને ખાપર્ડેએ કવિને કંઈક ગાઈ સંભળાવવા કહ્યું તો તેણે ‘નર્મકવિતા’ ફેંકી દીધી ને કહ્યું : “અરે ખાપર્ડે, મને આ કવિતાઓ બિલકુલ ગમતી નથી.” (ન. શ. ગ્રંથ, પૃ. ૨૩૩).
  28. ‘...જે જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચેસાચું લખીશ, પછી તે મારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો.’ (‘મારી હકીકત’, પૃ. ૨).
  29. એજન.
  30. ‘It is better in such matters to suggest than to describe. It is passion which has the quality of individuality—mere physiology is banale.’ Aspects of Biography, p. ૧૪૪.
  31. (૧) ‘સને ૧૮૫૦ના સપ્ટેમ્બરમાં મારી જુવાનીના જોસ્સાએ બહાર પડવા માંડ્યું. – હું બાળપણમાં નઠારી સંગતમાં ન છતાં, ને બૈરાંઓ સંબંધી વાતો મેં વાંચેલી નહીં છતાં મ્હારા મનની વૃત્તિમાં નવો ફેરફાર થયો—મને બૈરાંની ગંધ આવવા માંડી... બૈરાંઓ ગમે તે ગમે તે વાતો કરતાં હતાં તે મેં છાનાંમાનાં સાંભળવા માંડી... શામળભટની ચોપડીઓ વાંચવા માંડી. એ સઘળાંથી ઉશ્કેરાયેલી હાલતમાં સંભોગ ઇચ્છાનો જોસ્સો ઘણો થવો જોઈએ તે મ્હને ન્હોતો પણ એવી ઇચ્છા થતી કે કોઈ સ્ત્રી સાથે સ્નેહ બંધાય તો સારૂં. અસલથી ઘણો જ ઠાવકો ને શરમાળ તેથી અને ઈશ્કબાજીથી વાકેફ એવા દોસ્તો નહીં તેથી મારાથી મારા જોસ્સાને લગાર પણ બ્હેકાવાયો નહીં.’ (મારી હકીકત, પૃ. ૩૨)
    (૨) ‘...એવામાં એક કુળવંતી ડાહી સ્ત્રીનો સહવાસ થયો અને એથી મારૂં સમાધાન થયું.’ (મારી હકીકત, પૃ. ૩૫)
    (૩) ‘હું ભાંગ પીતો, પાક ખાતો (બીજી જાતની કંઈ પણ કેફ કરતો નહીં) અને બૈરાંઓમાં મ્હાલતો. એકાંતમાં હું નામ મેળવવાના (પૈસો મેળવવાના નહીં) અને પ્રેમસંબંધી વિચારો કરતો.’ (મારી હકીકત, પૃ. ૩૯)
  32. ‘દયાળુ દેવ તું તો દીનાનાથ રે’ એ પદની પાદટીપ : ‘નાણાંના ગભરાટમાં મેં મારા મિત્રોને કહ્યું હતું કે કોઈ ચાકરી અપાવો, પણ તેઓ ઉડાવ્યા કરતા હતા.” નર્મકવિતા (૧૮૬૬), પૃ. ૨૩૯. આ કાવ્યનું રચ્યાવર્ષ ૧૮૬૩ છે.
  33. ‘Autobiographies are psychological documents of the greatest importance.’ English Biography; W. H. Dunn, p. ૨૦૧.
  34. ‘...a history of development of the inner life, what we may call autobiography par excellence.’ Ibid, pp. ૨૫૨-૩.
  35. ‘A memoir-writer may delude himself but he must. falsify...’ Autobiography, Vol. ii, p.૧૨૧
  36. ઉત્તર નર્મદ ચરિત્ર (આ, ૧), પૃ. ૯.
  37. નરસિંહરાવની રોજનીશી, પૃ. ૨૦૦.
  38. એજન, પૃ. ૧૯૯.
  39. “એક મારો પટલાદી નાતીલો કોઈએ મૂઠ મારી છ એવા વહેમથી માંદો પડ્યો હતો. તે માતાનો ભક્ત હતો તેથી મેં શ્લોકો લખી આપીને કહ્યું કે એનો પાઠ કર્યા કરજે – એ કવચથી તું સારો થઈશ. પછી તેણે તેમ કીધું હતું ને તે સારો થયો હતો.’ – ‘જે જે અંબાશક્તિ તું સાચી’ એ પદની પાદટીપ. ‘નર્મકવિતા’ (૧૮૬૬), પૃ. ૨૨૪.
  40. ‘ગાનિ જીવ વિશ્વનાથ ઠાઠ પરહરી ’ એ પદની ટીપ : દેવને નવાડ્યાનું પાણી–એનો શરીરે સ્પર્શ કર્યાથી અથવા એનું પ્રાશન કીધાથી – એને પીધાથી કેટલાક ભોળા ભાવિકો સમજે છે કે રોગ કુમતિ આર્દિક જતા રહે છે પણ ખરું જોતાં એ કંઈ જ દુઃખ ઓછું થતું નથી – ઈશ્વરે ઓસડ કર્યાં છે તે જ કામ લાગે છે. બાકી ગાંડો ભાવ રાખે કંઈ જ સરતું નથી. —એજન, પૃ. ૨૩૪.
  41. Aspects of Biography, ch. v.v
  42. “The Confessions are ‘less a disinterested a biography than ૨ justificatory memoir.” Ibid, p. ૧૪૮.
  43. ‘મારી હકીકત’, પૃ. ૨.
  44. The Style of Autobiography : Jean Starobinski. Gener-Style : Literary Style. A Symposium, Edited by Seymour Chatman.
  45. ઉ. ન. ચ. પૃ. ૮.
  46. ધર્મવિચાર (આ. ૧), પૃ. ૩૪, ૩૫.
  47. ઉ. ન. ચ., પૃ. ૮.
  48. ‘નર્મદ, આત્મકથા અને ‘મારી હકીકત’, પરબ : વિશેષાંક : ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩, પૃ. ૩૯.
  49. ‘નર્મદનું મંદિર’ (ગદ્ય વિભાગ)માં પૃ. ૩૪૪ પર સંપાદક વિશ્વનાથ ભટ્ટે નોંધેલું વર્ષ-‘૧૮૮૧-૮૨’ સુધારવાપાત્ર છે.
  50. આકાશવાણી-રાજકોટ પરથી તા. ૨૩-૧૦-’૮૩ને રોજ રાત્રે સાંભળ્યું.
  51. વીર નર્મદ (આ. ૧) પૃ. ૯૯-૧૦૧. નોંધ : આ કાવ્ય ‘નર્મ-કવિતા’ની ૧૮૬૬ની આવૃત્તિમાં નથી.
  52. નવયુગનો પ્રહરી નર્મદ : ભોગીલાલ ગાંધી, પૃ. ૧૧૮.
  53. વીર નર્મદ : પૃ. ૩૬, ૩૭; આ વર્ણન રાજારામ શાસ્ત્રીના લેખ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’ને આધારે અપાયું છે.
  54. ‘સૌ’માંથી આ વક્તાની બાદબાકી કરશો? ‘નર્મદ – એક સમાલોચના’ની બંને આવૃત્તિઓમાં તેણે આપેલી તારીખ કૃપયા જોશો.
  55. આ જ શહેરમાં, આ જ પરિષદના પાંચમા અધિવેશનમાં (૧૯૧૫) વંચાયેલા આ નિબંધને પરિષદના હેવાલમાંય ક્યાં આપણે છાપ્યો હતો – તેમાંની આર્યસમાજીઓ અને મહારાજોની ટીકાને કારણે?
  56. આ ધ્યેય/ધ્યાનમંત્રોનો યુગપત્‌ સંકેત ૧૮૬૬ પછી રચાયેલા ‘જય જય ગરવી ગુજરાત’માં મળે છે :

    ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત
    તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત

    આ પંક્તિઓને ભાવસંક્રમણનું પ્રારંભબિંદુ કહીશું.

  57. ‘નર્મકવિતા’ (૧૮૮૮) : પુરવણી, પૃ. ૧૧૦૯.