નવલકથાપરિચયકોશ/અરવલ્લી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩૬

‘અરવલ્લી’ : કિશોરસિંહ સોલંકી
‘અરવલ્લી’ પ્રકૃતિ સૌંદર્યનું લલિતગદ્ય ગાન

– ભરત એન. સોલંકી
Aravalli Book Cover.jpg

‘અરવલ્લી’ લલિત નવલકથાના સર્જક કિશોરસિંહ સોલંકીનો જન્મ તા. ૧-૪-૧૯૪૯ના રોજ થયો હતો. તેમનું વતન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું મગરવાડા ગામ. તેમણે ગુજરાતી વિષયમાં એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે તલોદ, પ્રાંતિજ, મોડાસા કૉલેજમાં સેવાઓ આપી છેલ્લે સમર્પણ આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ગાંધીનગરમાં આચાર્ય તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયેલ છે. કિશોરસિંહ સોલંકીના સર્જક વ્યક્તિત્વ તરફ નજર નાખીએ તો તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. તેમની પાસેથી દસ નવલકથાઓ, છ કાવ્યસંગ્રહો, ચાર નિબંધસંગ્રહો, એક વાર્તાસંગ્રહ બે પ્રવાસકથાઓ, પાંચ સંપાદનો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેમણે ‘સંદેશ’ દૈનિકમાં કોલમ લેખક તરીકે તેમજ ‘શબ્દસર’ સામયિકના તંત્રી તરીકે પણ સેવાઓ આપેલ છે. અહીં જે નવલકથાની વાત કરવી છે તે ‘અરવલ્લી’ નવલકથા. પ્રથમ આવૃત્તિ ૨૦૦૭માં પાર્શ્વ પ્રકાશન, અમદાવાદથી પાંચસો પ્રત અને ૨૮૫ પૃષ્ઠના ફલક સાથે પ્રગટ થાય છે. વળી આ નવલકથાની પ્રસ્તાવના પણ સર્જકે પોતે જ ‘અરવલ્લીના આંગણે’ અંતર્ગત લખી છે. આ પ્રસ્તાવનાના એક અંશમાંથી ‘અરવલ્લી’નું ઉદ્ગમસ્થાન મળે છે. સર્જક લખે છે : ‘મલક મારો અરવલ્લીથી એક વેંત દૂર, બૂમ પાડું તો એની ટેકરીઓ સાંભળે. દાંતાની આજુબાજુનાં ગામોમાં સંબંધીઓ-સ્વજનો અને સગાં-વ્હાલાં પણ ખરાં. બાળપણથી અરવલ્લીને ખૂંદ્યો છે. તેના પથ્થરે પથ્થર સાથે રમ્યો છું. એની વનરાજીમાં અટવાયો છું. તેથી એની નસેનસથી પરિચિત છું હું.’ આ નવલકથા સર્જકે અર્પણ પણ ‘અરવલ્લીના વનવાસીઓને’ કરી છે. ‘અરવલ્લી’ નવલકથાના વિષયવસ્તુનો વિચાર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના જાસોર ક્ષેત્રના અરણ્યરક્ષક તરીકે કથાના નાયકની નિમણૂક થાય છે. માથું ફાડી નાખે એવા વૈશાખના ભયંકર તાપમાં પોતાની ફરજ પરના સ્થળે હાજર થવા જાય છે. કાળઝાળ ગરમીના લીધે નાયકને પાણીનો શોષ પડે છે. ગાડી ગરમ થઈ જાય છે. ગાડીમાં રેડવા કેરબામાં પાણી હતું તે પાણી જીવનમાં નાયક પહેલીવાર ગરમ-ગરમ અને ગાળ્યા વગરનું પીએ છે, અને છેવટે તરસના લીધે સ્થળ પર પહોંચતાં તે બેભાન થઈ જાય છે. બીટગાડ હમિરસિંહ પાણી છાંટીને એને ભાનમાં લાવે છે. ભાનમાં આવતાં જ નાયકને અહીંથી રાજીનામું આપી અમદાવાદ પાછા જવાની તીવ્ર ઇચ્છા પ્રગટ કરે છે. પરંતુ આગળ જતાં સમય વીતતાં એ અહીંની અરવલ્લીની પ્રકૃતિથી ‘હેવાયો’ બની જાય છે. અરવલ્લીની તળેટીનાં ગામડાં અને ત્યાંની વનવાસી લોકસંસ્કૃતિનું એને આકર્ષણ જાગે છે. વન્ય જીવસૃષ્ટિ સાથે એ તાદાત્મ્ય સાધે છે. નોકરીની ફરજના ભાગરૂપે ખાડા ખોદાવવા, વનીકરણ કરવું, વન-તલાવડીઓ બનાવવી, રોપા રોપવા વગેરે કામગીરી તે કરે છે. ગાજણા અને લુખ્ખા ડુંગરા વચ્ચે પાળા બનાવીને ‘ગંગાસાગર’ બનાવે છે. જંગલમાં આડેધડ અને ગેરકાયદેસર ચાલતી વૃક્ષ-છેદનની પ્રવૃત્તિ, દલાલો અને વન-અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ માત્ર કાગળ પર ચાલતી વનીકરણની મોટી મોટી યોજનાઓ, કથાનાયક જેવા સરળ, નિખાલસ અને પ્રકૃતિપ્રેમીની ઉપરી અધિકારી દ્વારા થતી સતામણી, વનઅધિકારીઓની મોટીમસ માસિક ગેર-કાયદેસરની કમાણી અને વનવિભાગના ચાલતા ભ્રષ્ટાચારનું વરવું અને કડવું વાસ્તવ અહીં નિરૂપણ પામ્યું છે. યથાપ્રસંગ અહીં વનવાસીઓના રીતરિવાજો, પ્રસંગો, ઉત્સવો, માન્યતાઓ, ચમત્કારી સાધુઓ, વનવાસી ભોપાઓનો પ્રભાવ, વિવિધ ઋતુઓની પ્રકૃતિલીલા-સૌંદર્ય વગેરેનું હૃદયસ્પર્શી નિરૂપણ એટલે આ નવલકથાનું વિષયવસ્તુ. નવલકથાના અંતમાં કથાનાયક પાસેથી કોઈ જ પ્રકારનો આર્થિક લાભ ન થતો હોવાથી એના પર ખોટા આક્ષેપો મૂકી છેવટે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. માત્ર એક જ વર્ષમાં એને નોકરીમાંથી રૂખસદ આપી દેવામાં આવે છે. આમ, આ બંને અંતિમો વચ્ચે નવલકથા રસપ્રદ વળાંકો લે છે. સર્જકે આ લલિત નવલકથાનું અનોખું વિભાજન કર્યું છે. સાડા ત્રણ પગલાંના અંતરમાં કથાતંતુ વિકસતો જાય છે. નવલકથાનો આરંભ-ઉઘાડ ધોમધખતા વૈશાખથી થાય છે. આ પહેલું પગલું, બીજું પગલું અષાઢમાં મુકાય છે. ત્રીજુ પગલું શરદ અને હેમંત અને ચોથું અડધું અને અંતિમ પગલું પુનઃ ચૈત્રમાં પડે છે. આમ ઉનાળો, ચોમાસું અને શિયાળો અને પુનઃ ઉનાળો એમ એક ઋતુચક્ર પૂર્ણ થાય છે. એક વર્ષના સમયગાળાને પ્રકૃતિખચિત વિશ્વથી સર્જક ભરી દે છે. ‘અરવલ્લી’ નવલકથાની વિશિષ્ટતા એ છે કે અહીં કોઈ એક વ્યક્તિ મુખ્ય પાત્ર તરીકે કે નાયક તરીકે નથી. અહીં જો કોઈ કેન્દ્રસ્થ પાત્ર હોય તો તે અરવલ્લી અને અરવલ્લીની ગિરિમાળા પોતે જ છે. આ નવલકથામાં પાત્રબહુલતા તો છે પણ એ સહુનું કામ છે અરવલ્લીની ભાતીગળ વ્યક્તિમત્તાને પ્રકટાવવાનું અને આ જ કારણોથી આ નવલકથામાં કથાનાયક સિવાય અન્ય કોઈ પાત્રની અંગત વિશેષતા જોવા મળતી નથી. આમ છતાં ‘અરવલ્લી’માં આવતી ભાતીગળ પાત્રસૃષ્ટિમાં ભિન્ન ભિન્ન પાત્રોનાં રેખાચિત્રો પણ આબેહૂબ થયાં છે. અહીં હમિરસિંહ, લેંબો, રેવાપુરી, વાઘાજી, રતન ફાંગણાં, પરભુ રબારી, વગેરેનાં વાણી વર્તન અને વ્યવસાય અરવલ્લીની યાત્રામાં વિશેષ ઉમેરણ કરતાં જાય છે. નવલકથા નાયક હમિરસિંહ સાથે વનપ્રદેશમાં ફરી ફરી એ વૃક્ષ, વનરાજી, નદી, ઝરણાં, પશુ-પંખી, ડુંગરો, ખીણો, ભોંખરા સાથે આત્મીયતા કેળવે છે. સૂર્યોદય-સૂર્યાસ્તને માણે છે. રોજબરોજ રૂપ બદલતી ઋતુઓના સૌંદર્યને માણે છે. અરણ્ય રહેવાસી હોવાને લીધે એ અરવલ્લી ગિરિમાળાનો ચાહક, પ્રશંસક અને પૂજક બનતો જાય છે. તે કહે છે : ‘અરવલ્લી ધીમે ધીમે મારામાં ઓગળતો જાય છે અથવા એમ કહેવાય કે હું અરવલ્લીમાં ધીમે ધીમે વિસ્તરતો જાઉ છું.’ આમ કહેતા નાયકને ‘ગિરિમાળાઓ અત્તરના પૂમડા જેવી’ લાગે છે. અરણ્યનાં પ્રાણીઓ હનુમાન લંગૂર, રાતી બિલાડી, વાઘ અને પંખીઓ; પોપટ, સૂડા, વૈયાં, લેલા, કાબરોના દેશમાં કથાનાયક ભૂલો પડી વિસ્મયનો અનુભવ કરે છે. વળી વનની વનસ્પતિઓ ધવ, મેધડ, ગોલર, ટીંબરો, હરડે, અરેઠી, ખાખરો, બહેડાં, ખેર અને સીસમ જેવી ઔષધિઓ અને ખેરખટ્ટો, પીલક, રાખોડી ચિલોત્રો, કલકલિયો, કંસારો, દૂધરાજ, ગયણો, બુલબુલ, ચાષ જેવાં પંખીઓનો પરિચય પણ સર્જક અહીં કરાવી દે છે. આ નવલકથાનું ભાતીગળ પાસું એ ભાષાકર્મ છે. પ્રતીક, અલંકાર, કલ્પનશ્રેણી અને વર્ણનો વર્ણ્ય વિષયવસ્તુને ઉપકારક બને છે. જુઓ : ‘મારા આશ્ચર્ય વચ્ચે, આવી ગ્રીષ્મની ગરમીમાં ગરમાળો ચારેબાજુથી મન મૂકીને ફૂલ્યો-ફાલ્યો છે. કેટલાક ગરમાળા પીછાં આકારના, એમાં લટકતાં પર્ણો થકી અત્યંત નયનરમ્ય લાગે છે. એની કલગીનો પુષ્પવિન્યાસ, લાંબી દાંડી જેવી કથ્થાઈ કાળી એની શિંગો પવનમાં ડોલતી દેખાય છે. કેટલાકનાં પાન પાનખરનાં પૂરેપૂરાં ખરી ગયાં છે. એ જાણે પીળા રંગનો ઝભ્ભો પહેરીને ઊભાં ન હોય!’ આવી અરવલ્લીની પ્રકૃતિ અને એની ગોદમાં વસેલાં વનવાસીઓની સરળ અને સાદગીપૂર્ણ જીવનશૈલી પ્રત્યેનો કથાનાયકનો અહોભાવ સ્પષ્ટ દેખાય છે. નગરજીવનમાં જન્મ ને ઉછેર પામેલા નાયક સામે નગર-જીવનની કૃત્રિમતાની સામે વનવાસી જીવનની સહજતા સહેજે પાસપાસે મૂકી સર્જક વનવાસી જીવનના પક્ષપાતી બને છે, વળી વનવાસી લોકજીવનમાં લગ્ન, લોકમેળો, મૃત્યુ, પરંપરાગત ધાર્મિક-સામાજિક તહેવારો વગેરેનાં વિગત-સમૃદ્ધ ઘટના-પ્રસંગોના આલેખનમાં સર્જકની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ ધ્યાનપાત્ર બને છે. ‘અરવલ્લી’નાં વર્ણનોમાં કાવ્યાત્મક શૈલી અને વર્ણનખંડોમાં લલિત-નિબંધના દર્શન થાય છે. અરણ્યમાં વરસાદ આવે એ પણ અલૌકિક છે. નાયક વરસાદમાં જાણી-જોઈને પલળે છે, હમિરસિંહ સાહેબને ટોકે છે, ‘સાહેબ, કપડાં પલળશે.’ ત્યારે કથાનાયક કહે છે, ‘પલળવા દો વરસાદ ક્યાંથી?’ આમ કૃષિપ્રધાન દેશમાં વરસાદ પ્રત્યેનો પ્રેમ સ્વાભાવિકપણે જ પ્રગટ થાય છે. ‘અરવલ્લી’ નવલકથાના સંદર્ભે ધીરુભાઈ ઠાકર નોંધે છે : ‘ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિ કે તેના અંગને કેન્દ્રમાં રાખીને કોઈ નવલકથા લખાયેલી મારી જાણમાં નથી. એ દૃષ્ટિએ આ અપૂર્વ વિષયવસ્તુ ધરાવતી અનોખી નવલકથાને હું આવકારું છું.’ આમ, સમગ્રતયા ‘અરવલ્લી’ નવલકથા વિષયવસ્તુ ચરિત્ર, ભાષા, વર્ણનો બોધ વગેરેની દૃષ્ટિએ નવીન ભાત પાડે છે. સાથે સાથે અભિવ્યક્તિની દૃષ્ટિએ પણ લલિતનિબંધના ગદ્યની લગોલગ ચાલતી આ નવલકથા ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં ચોક્કસ નવીન દિશા, નવો ચીલો ચાતરે છે.

ડૉ. ભરત એન. સોલંકી
એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાળા આર્ટ્સ કૉલેજ,
પાટણ
કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક અને સંપાદક
મો. ૯૯૭૯૨૨૮૬૬૭
Email: drbnsolanki67@gmail.com