નવલકથાપરિચયકોશ/ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૦૦

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ-૩ : મનુભાઈ પંચોળી ‘દર્શક’

– વેદાંત પુરોહિત

ઈ. સ. ૧૯૫૨માં પ્રગટ થયેલ દર્શકની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નો ત્રીજો અને અંતિમ ભાગ ઈ. સ. ૧૯૮૫માં પ્રગટ થાય છે. ૧૯૫૨માં શરૂ થયેલ કથા-પ્રવાહ ૩૩ વર્ષ બાદ તેના સમાપન તરફ પહોંચે છે. તો આ સમયગાળામાં દર્શકની ‘સોક્રેટીસ’ (૧૯૭૪) નવલકથા પણ પ્રકાશિત થઈ. નવલકથાનો પહેલો અને બીજો ભાગ પુસ્તક તરીકે જ આવ્યા પરંતુ ત્રીજો ભાગ ધારાવાહિક તરીકે મુંબઈના ‘જન્મભૂમિ’માં ૧૯૮૪-૮૫ના સમયગાળા દરમિયાન પ્રગટ થયેલો. આ ત્રીજા ભાગના પ્રકાશનમાં ભલે ઘણો લાંબો સમય લાગ્યો હોય પરંતુ કથા-પ્રવાહમાં આ અંતરાલ અસર કરતો નથી. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ-૩ કુલ ૩૧૯ જેટલાં પૃષ્ઠ અને ૩૨ પ્રકરણમાં વિસ્તરેલી નવલકથા ‘મધુરેણ સમાપયેત્’ શીર્ષકથી થયેલ ઉપસંહારથી અંત પામે છે. યુરોપની ઐતહાસિક ઘટનાઓ અને બીજા વિશ્વયુદ્ધની આસપાસ વિદેશી ધરતીમાં વિહરતી કથા ત્રીજા ભાગમાં એશિયામાં આવી પહોંચે છે. જે દૃશ્યથી બીજા ભાગનો અંત થયેલો તે જ દૃશ્યથી ત્રીજા ખંડનો પ્રારંભ થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇઝરાયેલ, બર્મા (મ્યાનમાર) અને ઉત્તર-પૂર્વ ભારતની પરિસ્થિતિનું વર્ણન નવલકથામાં જોઈ શકાય છે. લેખક કથા-પ્રવાહને આગળ વધારવા કેટલાંક નવાં પાત્રો પણ દાખલ કરે છે તો સાથે જૂનાં પાત્રો પણ વધારે વિકસિત થયાં છે. કેટલીક ઐતિહાસિક ઘટનાઓ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના વિચારના સંયોજન દ્વારા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ-૩ એક નવી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આટલી ભૂમિકા બાદ હવે આપણે ભાગ-૩ના મુખ્ય કથાંશો જોઈએ. ગીરનારની તળેટીમાંથી ત્રીજા ખંડનો પ્રારંભ થાય છે. રોહિણી, રેખા, અચ્યુત વાડીથી કેશવદાસજી તથા મર્સી રોહિણીને પ્રેમથી ભીંજવે છે. તો રેખાને અચ્યુત સાથે જોડવા આતુર રોહિણી તે કાળ પૂરતી નિષ્ફળ નીવડે છે. સત્યકામ તથા રોહિણી વર્ધા આશ્રમ ખાતે ગાંધીજીને મળે છે, જ્યાં સત્યકામ અને ગાંધીજી વચ્ચે ઘણા મહત્ત્વના સંવાદો થાય છે. મર્સી સાથે સત્યકામ શાંતિમતિ પાસે હજાર બુદ્ધની ગુફા (બર્મા સરહદ)ના સ્થાને પહોંચે છે. બીજા વિશ્વયુદ્ધની આગની લપેટમાં આવેલ બર્મા, આઝાદ હિંદ ફોજની રચના, બર્મા પર જાપાનીઝ આક્રમણથી થયેલ ખુવારી, નાસભાગ, ૧૯૪રના ‘ભારત છોડો’ આંદોલનથી અંગ્રેજ વિરોધી લાગણીમાં ઊકળતું ભારત – શરૂઆતનાં પાંચ પ્રકરણમાં આવી ઘટનાઓનું આલેખન થયેલું છે. એ પછીનાં પાંચ પ્રકરણમાં ‘દર્શક’ આપણને જૈન ધર્મના વાતાવરણમાં લઈ જાય છે અને કથા-પ્રવાહ એક નવી દિશામાં ગતિ પામે છે. પ્રકરણ ૬થી ૧૦માં જૈન ધર્મની તે વખતની સ્થિતિ, રેખાની સખી ચંપા અને માલિનીનો દીક્ષા પ્રસંગ, સ્વરૂપચંદ શેઠનું સ્વ-રૂપ દર્શન, જૈન ધર્મ સામેના કેટલાક પ્રશ્નો-વિવાદો, સંથારા-પ્રસંગ જેવી ઘટનાઓ રહેલી છે. તો પ્રકરણ ૧૧થી ફરી કથા વિદેશી ધરતી પર પહોંચે છે. જેમાં લેખક અચ્યુત સાથે ભાવકોને ઇઝરાયેલના દર્શન કરાવે છે. હવે કથામાં યહૂદી લોકોની યાતના તથા ઇઝરાયેલમાં યહૂદી-આરબો વચ્ચેનો સંઘર્ષ અને આ બે કોમની વ્યથા-વેદના દર્શાવી છે. રેથેન્યુનાં સંતાનોની ભારતમાં સત્યકામને સોંપણી કરી અચ્યુત અંગ્રેજ લશ્કરમાં ડૉક્ટરની સેવા આપે છે. આ પછી જાપાની આક્રમણ, અંગ્રેજોની પીછેહઠ અને આ યુદ્ધના સંજોગોમાં અચ્યુત-મર્સીનો લગ્નપ્રસંગ આવે છે. તે બંને જંગલમાં સત્યકામના આશીર્વાદ મેળવી લગ્નજીવનનો પ્રારંભ કરે છે. ત્યારબાદ બાપના ગામના કાઠી સુરગનું મિલન, મર્સી-અચ્યુતને જોડિયાં બાળકોનો જન્મ થાય છે. ત્યારબાદ યુદ્ધને કારણે અચ્યુતનો પરિવાર વિખૂટો પડી જાય છે. જેમાં સુરગ બંને બાળકોને લઈને અજ્ઞાત જગ્યાએ ચાલ્યો જાય છે. મર્સી જાપાનીઓની પકડમાં આવે છે અને અચ્યુત એકલો પડી જાય છે. એ પછી જાપાની જનરલ યામાશીટાની સારવાર દરમિયાન મર્સી-અચ્યુતનું મિલન થાય છે પણ મર્સી છૂટી શકતી નથી. કોહિમા લશ્કરી છાવણીમાં રેખા નર્સ તરીકે આવે છે અને ત્યાં તે અચ્યુતને મળે છે. એવામાં અચ્યુત નાગા બાળક હેરીની મદદથી સુરગ બાળકોને લઈ દીમાપુર રોહિણી પાસે પહોંચે છે. જર્મનીનો કાર્લ ભારત આવે છે અને મર્સી તેને હાથ લાગી જવા જેવી ઘટનાઓ મધ્યના પ્રકરણમાં કથાપ્રવાહ વહેતો રાખે છે. નવલકથા ધીમે ધીમે અંત તરફ પહોંચે છે. એ પૂર્વે જાપાની સૈન્યની પીછેહઠ, માર્સીની શોધ કરતો અચ્યુત, હિટલરની આત્મહત્યાના સમાચાર સાંભળી થતું કાર્લનું મૃત્યુ, છેલ્લા શ્વાસે અચ્યુતને મળી મૃત્યુ પામતી મર્સી, જનરલ યામાશીટાની હારાકીરી, રેખાનું ઘાયલ થવું, અચ્યુતના પિતા બેરિસ્ટરનું અવસાન, બીજા વિશ્વયુદ્ધનો અંત વગેરે જેવી ઝડપથી બનતી ઘટના પછી ‘મધુરેણ સમાપયેત્’ શીર્ષક ધરાવતા ઉપસંહારમાં બાપની વાડીમાં ઊજવાતો ભારતનો સ્વતંત્રતા ઉત્સવ સાથે બાપના કુટુંબનું પુનઃ મિલન થાય છે. તે વચ્ચે કેશવદાસ જ સત્યકામ છે તે હકીકત અચ્યુતને જણાવાય છે. અચ્યુત અને રેખાનું પણ અહીંયાં મિલન થાય છે તો અચ્યુત તેનાં સંતાનોને મળે છે. ચંદ્રના શીતળ તેજમાં વૃક્ષતળે બેઠેલાં રોહિણી અને સત્યકામના મધુર દૃશ્ય સાથે કથાનું મંગલ સમાપન થાય છે. શિંગોડાને કાંઠે પ્રકૃતિની ગોદમાં સાદું, સરળ, પરિશ્રમી જીવન જીવતા ગોપાળબાપના શાંત સરોવર જેવા કુટુંબજીવનથી આરંભાયેલ નવલ-પ્રવાહ બે-બે વિશ્વયુદ્ધોના કારમા ઓથાર તળે પીડાતી-કચડાતી માનવજાતના ખળભળતા સાગરના વ્યાપ સુધી પહોંચે છે. સત્યકામ-રોહિણીના વ્યક્તિગત જીવનની વ્યથા વિશ્વસ્તરે વેદનામાં વિસ્તરે છે. અહીં જે જીવન ઊભરે છે તે ગુજરાતી નવલકથા-સાહિત્યમાં અનન્ય છે. નવલકથાના ત્રીજા ભાગની પાત્રસૃષ્ટિ વિશે વાત કરીએ તો પહેલા બીજા ભાગમાં આવતાં પાત્રો અહીંયાં હાજર છે જ તો રેખા જેવાં પાત્રોના વિચાર- પરિવર્તનથી કથા-પ્રવાહ આગળ વધે છે. આ સિવાય કથાનુસાર કેટલાંક નવાં પાત્રોનો લેખક ઉમેરો કરે છે. જેમાં જનરલ યામાશીટા, અંગ્રેજી લશ્કરનો વડો અને અચ્યુતનો મિત્ર લેવર્તી. ઉપરાંત ઇઝરાયલમાં અચ્યુતને મળેલ આરસીનોવોફ તથા જુડી કથામાં ભલે થોડા સમય માટે આવે છે પણ આડકથા તરીકે આવતો તેનો ભૂતકાળ હૃદયસ્પર્શી છે. બીજા ભાગમાં બાળક હતા તે રેથેન્યુના બંને પુત્રો જેકોબ અને જોસેફ હવે યુવાન અને બહાદુર થઈ ગયા છે. યહૂદી સામે થતા અત્યાચારમાં તે યહૂદી તરફથી લડાઈ પણ આપે છે અને પિતા જેવી કુશળ બુદ્ધિ પણ ધરાવે છે. ભારતના ઉત્તર-પૂર્વના નાગા વિસ્તારનો બાળક હેરી પણ નવલકથાનું એક યાદગાર પાત્ર છે. લેખકની પાત્રસૃષ્ટિ અલગ અલગ વિચારધારા દ્વારા કથામાં એક નવો પ્રાણ પૂરે છે. આ પાત્રોમાં કોઈ આડંબર નહિ પરંતુ જીવનની વાસ્તવિકતા જોઈ શકાય છે. લેખક કોઈ આદર્શ પાત્રોને બદલે સાહજિક પાત્રો દર્શાવે છે જેથી આ પાત્રો વાચકના મનમાં સ્થાન પામી જાય છે. તો આ પાત્રો લેખનને પણ ઘણાં પ્રિય છે જેનો ખ્યાલ દર્શક પોતાની ‘સોક્રેટીસ’ નવલકથા પોતાના પ્રિય પાત્ર રોહિણીને અર્પણ કરે છે એ પરથી આવી શકે છે. ‘દર્શક’ની વર્ણનકળા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ-૩માં સોળે કળાએ ખીલી ઊઠી છે. ત્રીજા ભાગમાં મુખ્યત્વે ઇઝરાયેલ, બર્મા સરહદ અને ઉત્તર-પૂર્વ ભારત જેવાં સ્થળોની કથા છે. કંગાળ બની સંઘર્ષ કરતું રાષ્ટ્ર ઇઝરાયલ લેખક અક્ષરો દ્વારા વાચક સામે ઊભું કરી આપે છે. પ્રજાની ગરીબી, વિવિધ કોમ વચ્ચેનો સંઘર્ષ અને વિશ્વયુદ્ધ વખતે ઇઝરાયલની વ્યથા, ત્યાંના લોકોની જીવનશૈલી, રહેઠાણ વગેરે બાબતો લેખક આબેહૂબ દર્શાવે છે. આ વર્ણનો માટે મનુભાઈ ત્રણ અઠવાડિયાંનો ઇઝરાયલનો પ્રવાસ કરે છે તેની નોંધ નવલકથાના પરિશિષ્ટમાં જોઈ શકાય છે. તો બીજી તરફ ઉત્તર- પૂર્વ ભારત અને બર્મા સરહદની પ્રકૃતિનાં વર્ણન પણ એટલાં જ જીવંત છે. બર્માના ગાઢ જંગલનો ચિતાર દર્શક પોતાના શબ્દોમાં સચોટ રીતે આલેખે છે. નવલકથાના યુદ્ધનાં દૃશ્યો વાચક પોતાની આંખે નિહાળતો હોત એવાં જીવંત રીતે દર્શાવ્યાં છે. તો રમણીય લાગતી પ્રકૃતિનું ભયાનક સ્વરૂપ કેવું હોય તે પણ આ નવલકથાનાં વર્ણનો પરથી જાણી શકાય છે. ભયંકર ગાઢ જંગલ અને એમાં ચાલતા યુદ્ધનાં વર્ણનો સાહસકથા જેવો રોમાંચક અનુભવ કરાવે છે અને નવલકથાની શરૂઆતમાં આવતું બાપાની સૌરાષ્ટ્રમાં આવેલી વાડીનું વર્ણન જ્યારે રોહિણી વર્ષો બાદ સત્યકામને વાડી બતાવતી હોય ત્યારે અંતમાં ફરી આવે છે ત્યારે વાચકને પણ તેનાથી સંતોષ થાય છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ-૩ ઐતિહાસિક દૃષ્ટિએ : નવલકથા આમ તો લેખકની મૌલિક કથા છે પણ દર્શકના ઇતિહાસ જ્ઞાનનો આ કથાને પૂરેપૂરો લાભ મળ્યો છે. નવલકથામાં આવતી કેટલીક ઘટનાઓને બાદ કરતાં મોટાભાગની ઘટનાઓ ઇતિહાસની છે. આ ઘટનાઓ વિશે લેખકે જ્યાંથી માહિતી મેળવી છે તે પુસ્તકોની યાદી પણ નવલકથાને અંતે પરિશિષ્ટમાં દર્શાવે છે. જો વાચકને કલાત્મક રીતે, રસ સાથે ઐતિહાસિક સમજ મેળવવી હોય તો આ નવલકથા વાચકની જિજ્ઞાસાને સંપૂર્ણ રીતે સંતોષે છે. કાલ્પનિક પાત્રો અને એતિહાસિક પાત્રનું સંયોજન નવલકથાને એક નવો જ રંગ આપે છે. બે બે વિશ્વયુદ્ધની મુખ્ય ઘટનાઓ અને આ યુદ્ધની સારી-માઠી અસર અહીંયાં કથા પ્રવાહ રૂપે રજૂ થાય છે. જેમાં પ્રથમ વિશ્વયુદ્ધ, ભારતનો સ્વતંત્રતા સંગ્રામ, બીજું વિશ્વયુદ્ધ, જર્મની તથા આજુબાજુના યુરોપના દેશોમાં ચાલતાં યુદ્ધ, ઇઝરાયલના આંતરવિગ્રહ તથા ત્યાંના યહૂદી લોકોની સ્થિતિ, બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની ભૂમિકા, આ બધી ઘટનાઓની ભારત પર થતી અસર, આઝાદ હિન્દ ફોજની રચના, બર્મા (મ્યાનમાર)ની આઝાદી, ભારતની આઝાદી જેવી વાસ્તવિક ઘટના અહીંયાં કથાનક તરીકે વાચક સમક્ષ રાખવામાં આવે છે. સામાન્ય રીતે વાચકને ઇતિહાસના ગ્રંથો વાંચવા પસંદ હોતા નથી પરંતુ જ્યારે કથા વચ્ચે કાલ્પનિક પાત્રોના સંયોજનથી આવા ઐતિહાસિક પ્રસંગોનું નિરૂપણ થયેલું હોય તો વાચક સરળતાથી આવી કથા વાંચતો હોય છે. આમ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથા ઐતિહાસિક કથાનક સાથે એક અલગ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ-૩ ચિંતનાત્મક/દાર્શનિક દૃષ્ટિએ : જે રીતે નવલકથાની એક બાજુ ઇતિહાસ છે એવી જ રીતે બીજી બાજુ દર્શન તથા ચિંતનની છે. અહીંયાં કથા માત્ર મનોરંજન કરતી નથી પરંતુ વિવિધ ધર્મના ચિંતનને વિવિધ દાર્શનિકોના દર્શન પ્રસ્તુત કરે છે. વિશ્વયુદ્ધની વિનાશક લીલાથી થરથરી ગયેલા માનવસમાજને આ કથા પુણ્યની, શાંતિની, સમર્પણની, પરિશ્રમની દિશા તરફ દોરે છે. તેના જીવન સંદેશના પ્રભાવી તત્ત્વ વડે સાચા અર્થમાં પ્રેમ, પ્રકાશ, પ્રેરણા, પ્રોત્સાહન પાઠવતી પ્રસ્તુત કથાનું જીવન દર્શન પરમ આકર્ષક બળવાન પાસું છે. ‘દર્શક’ કલાકાર રહીનેય ચિંતક તરીકે અહીંયાં ઊપસી આવ્યા છે. જે તેમની સફળતા છે. ચિંતન આ નવલમાં ભારરૂપ આગંતુક ન બનતાં, એકરસ થઈ રહે છે. નવલકથામાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મના ચિંતન સાથોસાથ પ્લેટો જેવા પાશ્ચાત્ય ચિંતકની વાતો પણ થઈ છે. તો વર્ષો જૂના સનાતન ધર્મના સિદ્ધાંતો, ભક્તિ-ભજન પરંપરાને પણ લેખક અહીં સ્થાન આપે છે. સંસ્થાનવાદ, સામ્યવાદ જેવી વિચારધારા વિશે લેખકનું ચિંતન પણ અહીં વિવિધ પાત્રોની ઉક્તિ દ્વારા રજૂ થાય છે. ગાંધીજી જેવી મહાન વ્યક્તિના વિચારોમાં રહેલી કેટલીક ખામી તરફ પણ અહીંયાં ધ્યાન દોરવામાં આવ્યું છે. શાંતિમતિ જેવા બૌદ્ધ પાત્ર દ્વારા સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મની પ્રસ્તુતતા વિશે વાત થઈ છે. તો રેખાના અનુભવ દ્વારા જૈન ધર્મની સારી-નરસી બાબતો અહીંયાં પ્રગટ થાય છે. કથા જે રીતે ઐતિહાસિક ઊંચાઈ ધરાવે છે તે રીતે ચિંતનાત્મક ઊંડાણ પણ ધરાવે છે. ગુજરાતી નવલકથા ક્ષેત્ર ગોવર્ધનરામ પછી કીર્તિસ્તંભ સમા મુનશીજી અને પન્નાલાલ મળે છે, પરંતુ ગોવર્ધનરામની ચિંતન-પરંપરા તો જાળવે છે માત્ર ’દર્શક’. નવલકથાની ભાષા દરેક વાચકને આકર્ષે તેવી છે. મનુભાઈ લેખક તરીકે પોતાની શાસ્ત્રીયતા દર્શાવવાને બદલે વાચકોને અનુલક્ષીને ભાષાપ્રયોગ કરે છે. સૌરાષ્ટ્રનાં પાત્રોમાં દર્શક પોતાની બોલીનો જ ઉપયોગ કરે છે. તેથી કથા વધારે જીવંતતા પ્રાપ્ત કરે છે. તો વર્ણનો પણ સરળ ગુજરાતી ભાષામાં થયાં છે જેથી વાંચતી વખતે વાચનપ્રવાહ સતત વહેતો રહે છે. આમ તો નવલકથાની કથાવસ્તુ વિશ્વનાં જુદાં-જુદાં સ્થળોએ ફરતી રહે છે પરંતુ શક્ય ત્યાં સુધી લેખક અંગ્રેજી કે અન્ય ભાષાનો ઉપયોગ ટાળે છે. પણ જરૂર જણાય ત્યાં અંગ્રેજી કવિતા કે ઉક્તિનો ઉપયોગ થયેલો જોઈ શકાય છે. વિદેશી પાત્રોની ભાષામાં ક્યારેક સૌરાષ્ટ્રની બોલીના શબ્દો આવે તે બાબત થોડી અસામાન્ય લાગે તેવી છે. વાચક જ્યારે ત્રીજા ભાગની સરખામણી અન્ય ભાગ સાથે કરે છે, ત્યારે ત્રીજા ભાગમાં ઘટનાઓ ઘણી ઝડપથી ચાલે છે અને પ્રમાણમાં ઘણી વધારે લાગી શકે છે. આ બાબત વાચકની સભાનતાની અપેક્ષા રાખે છે. નવલકથાનો મધ્યભાગ અચ્યુતની ડાયરી દ્વારા આગળ વધે છે, અચ્યુત તેનાં બાળકો તથા પત્ની મર્સીને ખોઈ બેઠો છે. તેથી એ મળે ત્યારે તેને બધી વિગતો જણાવવા માટે આ ડાયરીનું લેખન થયું છે. આ પૂર્વે સત્યકામની ડાયરીમાં પણ આ જ પ્રયુક્તિ વાપરવામાં આવી છે તેથી એક પ્રયુક્તિનું નવલકથામાં બીજી વખત પુનરાવર્તન થાય છે. તો આ ડૉક્ટર અચ્યુત દ્વારા લખાયેલી ડાયરીમાં કેટલીક આલંકારિક ઉક્તિઓ અસાહજિક લાગે એવી છે. નવલકથામાં રહસ્ય માટે લેખક કેટલીક ટેક્નિકનો ઉપયોગ કરે છે પરંતુ વાચક તેને સરળતાથી ઓળખી શકે છે. જેમકે જ્યારે મિસ શેઠ નામે એક નર્સ આવે છે તો વાચક ત્યારે જ અનુમાન લગાવી શકે છે કે તે અન્ય કોઈ નહીં પરંતુ રોહિણીની બહેન રેખા જ હશે. તો બર્માના જંગલમાં કાઠીયાવાડના સુરગનું હોવું પણ કથા-પ્રવાહ જાળવી રાખવા માટેની એક યોજના છે તે સરળતાથી પારખી શકાય છે. આ કેટલીક મર્યાદાઓને અવગણીએ તો આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં મહાનવલની પંક્તિમાં મૂકવા યોગ્ય બની રહે છે. જેમાં લેખકનું વાંચન, જ્ઞાન, ચિંતન સંયોજાઈને એક સંસ્કાર કથાનો આકાર પામે છે. નવલકથાના અલંકાર પ્રયોગ સંદર્ભે ડૉ. દલપત પઢિયારનું વિધાન : “અંલકારો એમનું મંજાયેલું ઓજાર છે. એમનાં લખાણોમાં અલંકારો છૂટા હાથે પ્રયોજાયા છે અને એની પ્રયોજના કુદરતી હોય છે. એ ભરાવેલા કે લગાડેલા લાગતા નથી. કૃતિના એક અભિન્ન અંગ તરીકે વિલસે છે.” આ નવલકથા વિશે ડૉ. સરૂપ ધ્રુવ નોંધે છે : “દર્શક જ્યારે વાત માંડે છે, ત્યારે વારતા માત્ર એક જ સ્તરની નથી બની રહેતી. એ આપણને એમની સાથે લાંબી વિચારયાત્રાએ ખેંચી જાય છે.”

વેદાંત પુરોહિત
એમ.એ. (અનુસ્નાતક), ગુજરાતી,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
મો. ૭૯૯૯૫૪૬૩૦૨
Email: vedantpurohit૨૧૧૨@gmail.com