નવલકથાપરિચયકોશ/નીરવ પગલાં, ભાગ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૯

‘નીરવ પગલાં ભાગ ૨’ : રસિક મહેતા

– મીનાક્ષી ચંદારાણા
Nirav Pagla 2.jpg

‘નીરવ પગલાં ભાગ ૨’ : રસિક મહેતા (રસિક હાથીભાઈ મહેતા) નવલકથાકારનો ટૂંકો પરિચય જન્મતારીખ : ૧૯.૧૧.૧૯૩૪ – અવસાન : ૧૧.૧૧.૨૦૧૧ વતન : માનકૂવા, જિ. કચ્છ અભ્યાસ : ધોરણ ૯ વ્યવસાય : ફિલ્મ અને અન્ય પત્રકારત્વ, સાહિત્યસર્જન સાહિત્યિક પ્રદાન : ૧૫૦ ઉપર પુસ્તકો, ૯૦ નવલકથાઓ, ૪ ઐતિહાસિક નવલકથાઓ, ૩૧ ઐતિહાસિક સંશોધનો, ટૂંકીવાર્તા, જીવનઝરમર, પ્રેરણાત્મક સાહિત્ય, સંશોધનાત્મક સાહિત્ય, બાળસાહિત્ય, પૌરાણિક સાહિત્ય. કેટલાંક પુસ્તકોનું હિંદીમાં ભાષાંતર, કેટલીક આંતરરાજ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલાંક સર્જન પાઠ્યપુસ્તક તરીકે અને Ph.D.ની રેફરન્સ બૂક્સના વિષય તરીકે સ્થાન પામ્યાં. ગુજરાતમાં રાજકોટની સંસ્થા લેંગ લાઇબ્રેરી અને અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના, વિશ્વની પ્રાદેશિક ભાષાઓના સર્વે પ્રમાણે પ્રાદેશિક ભાષામાં સૌથી લોકપ્રિય અને સૌથી વધારે વંચાતા લેખકનું બિરુદ તેમણે પ્રાપ્ત કર્યું. ગુજરાતમાં યોજાયેલ એક કાર્યક્રમમાં તેમને ગુજરાતી સાહિત્યની લોકપ્રિય નવલકથાઓના ‘આઇન્સ્ટાઇન’ તરીકે ઓળખાવવામાં આવ્યા. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ (ગુજરાતી), ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘મુંબઈ સમાચાર’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’, ‘ચેત મછંદર’, ‘રાષ્ટ્રવાણી’, ‘ચિત્રલેખા’, ‘સ્વતંત્ર યુગ’, ‘ચિત્રપ્રકાશ’, ‘આસપાસ’, ‘સંકેત’, ‘ફ્લેશ’, ‘ઈમેજ’ અને ‘પિનાક’ સહિત નામી-અનામીઓ અનેક અખબારો અને સામયિકોમાં તેમની કટારો અને વાર્તાઓ વર્ષો સુધી લોકપ્રિયતાના વિવિધ શિખર સર કરતી રહી. આફ્રિકા અને યુકે સહિત વિશ્વના વિવિધ સ્થળોએ ગુજરાતીઓ દ્વારા ‘રસિક મહેતા ફેન ક્લબ’ ચાલતી, અને સમયાંતરે તેમનાં સર્જનો અને પાત્રો સંદર્ભે વિશ્લેષણો અને સંવાદો યોજાતા. તેમનાં કેટલાંક પુસ્તકોની દસથી બાર આવૃત્તિ થઈ હતી. તે સમયના એ ગ્રેડ લેખક હોવાને નાતે પ્રકાશકો તેમનાં પુસ્તકોની ૨૨૫૦ નકલો છાપતાં, અને ૨૨૦૦ નકલોની રોયલ્ટી અને ૨૫ નકલો ભેટ આપતા. કચ્છની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ‘ભણી નહીં શકે’ કહીને કાઢી મૂકવામાં આવેલા. ‘આકાશ ચૂમે જ્યાં ધરતીને’ – હિંદીમાં ‘ઉષ્મા’ નામે અનુવાદ, અજમેરની કિશનગઢ યુનિવર્સિટીમાં સાઇકોલોજીમાં Ph.D.ના સંદર્ભપુસ્તક તરીકે વરણી. * ધબકાર, પ્રણયપ્રકાશ, રાધિકારાણી; (‘સારસબેલડી’ નવલકથા પરથી ‘થોડી સી બેવફાઈ’ ફિલ્મ, ‘નક્ષત્રોની નીલકૂંજમાં’ નવલકથા પરથી ‘ના તુમને કુછ કહા, ના હમને કુછ સુના’ સિરીયલ, બંનેમાં ક્રેડિટ મળી નથી) ઇનામો : ગુજરાત સાહિત્ય અકાદમીનાં ૨ પ્રથમ અને ૨ દ્વિતીય પારિતોષિકો, સાહિત્યરત્ન સહિત અનેક ઍવૉર્ડ નવલકથાનું પ્રથમ પ્રકાશનવર્ષ/મહિનો : ૧૯૮૫ કુલ આવૃત્તિ : ૩ પૃષ્ઠ : ૨૧૨ નકલ સંખ્યા પ્રતિ આવૃત્તિ : ૨૨૫૦ પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ પ્રસ્તાવના : ના અર્પણ : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરી ફિલ્મ : ના નવલકથાનો પ્રકાર : ઐતિહાસિક અનુવાદ : ના કથાનક : સૂરમોહિની અને ડૉ. હેમિલ્ટન મનમોહિનીનાં લગ્ન રોકવા માટે પ્રયાગ તરફ રવાના થવાનું વિચારે છે, પરંતુ ધનાબા, સૂબાની કેદમાં રહેલા હેમિલ્ટનને જાસૂસ ઠેરવીને મૃત્યુદંડ થશે એવું કહીને, તેને જીવતદાન અપાવવાના બદલામાં સૂરોમા પાસે તે જૈન સાધ્વી થઈ જશે તેવું વચન લઈ લે છે, અને એકલા હેમિલ્ટનને ફરૂખસિયરની સારવાર માટે જવાનું કહે છે. હેમિલ્ટન દિલ્હી પહોંચીને ફરૂખસિયરને દર્દમાંથી મુક્તિ અપાવે છે, તેના ઇનામ રૂપે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળના કાંઠે વ્યાપારની નિરવરોધ પરવાનગી માગી લે છે. ડૉ. હેમિલ્ટન મનમોહિનીને મળે છે, ત્યારે બાદશાહ ફરૂખસિયર સાથેની પોતાની શાદીના રાજકીય લાભો માટે જ પોતે સંમતિથી આ શાદી કરી રહી હોવાનું મનમોહિની તેને કહે છે. સૂરોમાની ઘરવાપસી કરાવવા તેને તેડવા ગયેલ માણસો, સૂરોમા તો જૈન સાધ્વી બની સમેતશિખર ચાલી ગઈ હોવાનો સંદેશો લાવે છે. ડૉ. હેમિલ્ટન અને મનમોહિનીનો કાફલો મનમોહિનીની પિતરાઈ બહેન સૂર્યકુમારીના લગ્ન માટે જોધપુર જવા નીકળે છે. લગ્ન સંપન્ન થયા બાદ, બાદશાહ ફરૂખસિયરને પદભ્રષ્ટ કરીને સૈયદોએ દિલ્હી કબજે કરી લીધાના સમાચાર મળે છે. દિલ્હી પરત ફરતાં તેમના કાફલાને દિલ્હીથી ભાગી છૂટવું પડે છે, અને ગુપ્ત ભોંયરા વાટે જખ્મી હેમિલ્ટન અને મનમોહિની નદીને સામે કિનારે પહોંચી જાય છે. હેમિલ્ટન ત્યાંથી ફોર્ટ વિલિયમ જતા પહેલાં, અનેક આપત્તિ વેઠીને પણ સૂરમોહિનીને મળવા બિહાર સંમેતશિખર જાય છે, જ્યાં સાધ્વી બની ગયેલી સૂરમોહિની પોતે પ્રયાસ કરવા છતાં હેમિલ્ટનને ભૂલી શકતી ન હોવાનો એકરાર કરે છે, પરંતુ વળતી જ પળે અન્ય સાધ્વીઓને “ચાલો ચાલો, ભાણ માથા પર આવી ગયો”નો આદેશ આપે છે, એટલે હેમિલ્ટન પણ પોતાના સાથી ખુદાબક્ષને “ચાલો જલદી કરો, ફોર્ટ વિલિયમ દૂર છે, અને હવે બહુ સમય નથી” કહીને ત્યાંથી નીકળી જાય છે. સૂરમોહિની સાથેના આ છેલ્લા મિલન પછી જખ્મી ડૉ. હેમિલ્ટનની તબિયત બગડતી જાય છે, અને નવલકથાના અંતે અવસાન પામે છે. લેખનપદ્ધતિ – સરળ અને પ્રવાહી, વેગવંતી શૈલી. – લાવણ્યમધુર ભાષાવૈભવ, ભાવોની ઊર્મિલતા, વિપુલ શબ્દભંડોળ, ત્વરિત પ્રસંગ નિરૂપણ, ક્રાંતદર્શી ઉદ્દામ વિચારો, વસ્તુ રજૂ કરવાની આગવી છટા. – વિશેષણો, ઉપમાઓ, ઉત્પ્રેક્ષા અને તારતમ્યોથી સભર વર્ણનો. – સચોટ પાત્રનિરૂપણ – પાત્રને અનુરૂપ ભાષા વૈભવ સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતા – પૃ. ૬૧થી ૬૩ સુધી વિસ્તરેલું ડૉ. હેમિલ્ટનના હાથે કાળભૈરવની હત્યાનું દૃશ્ય, કોઈ ફિલ્મના દૃશ્યની માફક અત્યંત રોચક અને વાચકને જકડી રાખે તેવું છે. – રક્તસૂર્ખ અધર, સ્લથ સ્વર, લાલબિંબ અધરરેખા, મર્મમધુર હાસ્ય, મુનફર્રિક અદાઓ જેવાં અત્યંત સુંદર વિશેષણોને કારણે વર્ણન અત્યંત મધુર બની રહે છે. – ખાતા જંત્રી, ખરીતો, પ્રતિમાન, નેત્રાતનકારો, ભૃભંગીમા, રાઝોરહસ્ય, પરહેજગારી, હસ્તલા જેવા અન્ય ભાષાના શબ્દો વર્ણનને પ્રતીતિકર બનાવે છે. ઉપમાઓનો ઉપયોગ કથાનકને અત્યંત રસપ્રદ બનાવે છે :

* ઉપમા : એવી રીતે ઉછળી પડી જાણે લક્કડફોડના હાથમાંથી નેતરની ડાળી ઊછળી પડી હોય (પૃ. ૭૦), સંતોષની દિપ્તી વદન પર ઉષઃ જ્યોતિકાની માફક છવાઈ ગઈ (પૃ. ૯૬).
* ઉપમા : ‘અંગેઅંગમાંથી ગંગોત્રીધારા જેવું લાવણ્ય ઝરે છે.’ (પૃ. ૧૫); ‘પ્રભાતની લાલ રક્તિમ અરુણીમાથી મંદ્રિત શ્વેતગુલ વાદળમાંથી ઘડી હોય એવી એક અનુપમ બંગાળી સુંદરી.’ (પૃ. ૨૩)
– કોઈને પણ જકડી રાખે તેવાં સ્થળોનાં વર્ણનો જે તે સ્થળનું વાસ્તવિક દૃશ્ય ઊભું કરી આપે છે.
* મસ્જિદોના ગગનસ્પર્શી મિનારા અને મંદિરોનાં ઉન્નત શિખરો... ફૂલોથી લચી પડતા ઉદ્યાનો, પહોળા વિશાળ રાજમાર્ગો પર સામસામે મંડાયેલી ધીકતી બજારો અને હાટો વચ્ચેથી પાલખી ઊંચકીને મુર્શિદાબાદને પાદર વહેતી ગંગાના શાહી ઘાટ ભણી ધપી રહેલા ભોઈ લોકોના મુખમાંથી તેમના ઝડપી કદમોની જેમ જ તાલબદ્ધ ત્વરિત સૂરધારા વહેતી જાય છે. (પૃ. ૪૦)
* બંને કિનારાની વૃક્ષઘટાઓ વચ્ચેથી પંખીઓના ચળાઈને આવતા કલબલાટ, માછીમાર છોકરાઓનાં સ્ફૂર્તિલાં આનંદગીતો સાથે તાલ મિલાવતાં ચઢતા પ્રહરની શાંત હવાને જીવંત બનાવી રહ્યાં હતાં. જહાજની પહોળી કદાવર કાયા પર હડિયું કાઢતા ખલાસીઓ વારંવાર કોઈ ચિત્રવિચિત્ર ઉદ્ગારો વડે અન્યોન્યને સંકેત આપતા સફરને તેજ બનાવી રહ્યા હતા.

મીનાક્ષી ચંદારાણા
નિવૃત્ત કેશિયર, સ્ટેટ બૅન્ક
કવિ, અનુવાદક, વાર્તાકાર, સંપાદક, પ્રકાશક
(સાયુજ્ય પ્રકાશન), વડોદરા
મો. ૯૯૯૮૦૦૩૧૨૮
Email: chandaranas@gmail.com