નવલકથાપરિચયકોશ/ભળભાંખળું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩૩

‘ભળભાંખળું’ : દલપત ચૌહાણ

– કાંતિ માલસતર
ભળભાંખળું.jpg

દલપત ચૌહાણનો જન્મ ૧૦ એપ્રિલ, ૧૯૪૦ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મંડાલી ગામમાં થયો હતો. તેઓએ ૧૯૬૪માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ.નો અભ્યાસ કર્યો અને ૧૯૬૬માં સરકારી સેવામાં કાર્યરત રહીને ૧૯૯૮માં નિવૃત્ત થયા. તેમની પાસેથી ‘મલક’ (૧૯૯૧), ‘ગીધ’ (૧૯૯૯), ‘ભળભાંખળું’ (૨૦૦૪), ‘રાશવા સૂરજ’ (૨૦૧૨) અને ‘બપોર’ (૨૦૨૧) નવલકથાઓ મળી છે. ‘મલક’ નવલકથાનો અંગ્રેજી અનુવાદ નીલુફર ભરૂચાએ કર્યો છે, જે કેન્દ્રીય સાહિત્ય અકાદમી-દિલ્હીથી પ્રકાશિત થયો છે. તેમની‘ગીધ’ નવલકથાનો અંગ્રેજી અનુવાદ હેમાંગ અશ્વિનકુમારે કર્યો છે, જે પેંગ્વીન રેન્ડમ હાઉસથી પ્રકાશિત કરવામાં આવી છે. ‘મૂંઝારો’, ‘ડર’, ‘ભેલાણ’ અને‘ચૂંટેલી વાર્તાઓ’ વાર્તાસંગ્રહ, ‘તો પછી’, ‘કયાં છે સૂરજ’ કાવ્યસંગ્રહો, ‘અનાર્યાવર્ત’ નાટક અને ‘હરીફાઈ’ એકાંકીસંગ્રહ, ‘સંભારણાં અને સફર’ નિબંધસંગ્રહ, ‘પદચિહ્ન’, ‘સમર્થન’ વિવેચનસંગ્રહ, ‘તળની બોલી’ કોશ, ‘દલિત સાહિત્યની કેડીએ’ ગુજરાતી દલિત સાહિત્યનો ઇતિહાસ, ઉપરાંત અનેક સંપાદનો પણ મળ્યાં છે. ‘ભળભાંખળું’ નવલકથા હર્ષ પ્રકાશન, અમદાવાદ દ્વારા ડિસેમ્બર, ૨૦૦૪માં પ્રકાશિત થઈ હતી. આ નવલકથાની ૧૨૦૦ નકલ પ્રકાશિત થઈ છે. લેખકે આ નવલકથા પૂંજાદાદા, રાજીદાદી, ધુળાબાપા, મજીમા...ને અર્પણ કરી છે. અર્પણમાં લખ્યું છે “તમે જ તો હતાં સાક્ષી, આ કથાની ઘટનાઓનાં.” આ નવલકથાની પ્રસ્તાવના ‘ભળભાંખળું’ના ગર્ભમાં રહેલો સૂર્યપ્રકાશ’ શીર્ષકથી હરીશ મંગલમે લખી છે. આ નવલકથાને ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦૦૪નું દોલત ભટ્ટ પારિતોષિક, પ્રિયકાંત પરીખ નવલકથા પારિતોષિક-૨૦૦૪-૦૫, ગુજરાત સાહિત્ય અકાદમીનું ૨૦૦૪નું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અને ગુજરાત સરકારનો-૨૦૦૫-૦૬ નો ‘દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ’ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ‘ભળભાંખળું’ દલિત નવલકથાનો સમયગાળો ૧૯૧૫થી ૧૯૩૫નો છે. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના રાજમાં ગામડાઓમાં વસતા અંત્યજોની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક અને આર્થિક સ્થિતિ કેવી હતી તેનો ચિતાર આ નવલકથામાં આપવામાં આવ્યો છે. પીઠઝબકારની પ્રયુક્તિથી ત્રણ પેઢીની કથા ‘મણિ’ની કહાણી રૂપે આલેખન પામી છે. નવલકથાનો આરંભ નાટ્યાત્મક રીતે થયો છે. મણિદાદી ટી.વી. ચાલુ કરે છે એ સાથે જ સ્કૂલે જતાં બાળકોની જાહેરાત આવે છે. ‘સ્કૂલ ચાલ્યા અમે’ શબ્દો મણિદાદીના કાને પડતાં જ તે અતીતમાં સરી પડે છે. ત્યાર પછી કથા ત્રીજા પુરુષના કથનકેન્દ્ર દ્વારા આગળ વધે છે. મણિદાદીનું સંવેદનશીલ માનસ એ બાળકોમાં પોતાના બાળપણના ચહેરાને શોધવા મથે છે. મણિદાદી બાળપણમાં નિશાળમાં નામ મંડાવા ગયાં એ વેળાએ જે ઘટના બની હતી તે ભૂલી શક્યાં નહોતાં. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)એ દરેક વર્ગનાં છોકરા-છોકરીઓને નિશાળમાં ભણવા જવાનું ફરજિયાત કર્યું, નિશાળે ના મોકલનાર માતા-પિતા પાસેથી દંડ લેવામાં આવશે એવો નિયમ રાજાએ બનાવ્યો. રાજાના આ ઢંઢેરાને કારણે વણકરવાસનો વાલો તેમની દીકરી મણિને નિશાળમાં મોકલવાનું મનોમન નક્કી કરે છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે દીકરીને નિશાળમાં બેસાડવા માટે ગામના મુખી નારસંગની અનુમતિ લેવા જવું પડે છે! નારસંગ પહેલાં તેને અનુમતિ આપી દે છે પણ બીજા જ દિવસે મુખીના હુકમથી બબો રાતોવાસમાં આવીને સાદ પાડે છે “મુખીભાએ કેવરાયું સઅ કઅ કાલે નેંહાર ઊઘડઅ તાણઅ ઢેઢે સોકરાં નેંહારે મોકલવા નઈ. આજે રાતે ગોમ ભેળું થઈ તમારો નિયાય કરસે...” (પૃ.૧૨) મુખી ગામમાં રાવણું ભળે છે. શાળાના ગૌરીશંકર માસ્તર, જીવતરામ ગોર અને નારસંગ દલિત બાળકો શાળામાં ભણે તેવું ઇચ્છતા નથી! નારસંગ તો સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિ એવો ન્યાય કરે છે, “ જુવો માસ્તર, ઢેઢાંના સોકરાં ભણવા આવઅ તો બેલાસક નોંમ લસી લેજો અનઅ હોવઅ નેંહારમઅ પેહવા દેતા નઈ. પસઅ દંડય શેનો પડઅ; નઅ ઢેઢ સેનાં ભણઅ?” (પૃ. ૩૩) આમ, નારસંગ અને તેના મળતિયાઓ સાથે મળીને દલિત બાળકોને શાળામાં પ્રવેશ આપવાનું માત્ર નાટક કરે છે, પણ વાલો મણિને નિશાળે મોકલવા મક્કમ છે. મુખીનો સહકાર ના મળતાં વાલો વણકરવાસ, મિયોરવાસ અને સેનમાવાસમાંથી લોકોને બોલાવે છે, વણકરવાસના પશા નાથા, લવજી ભીખા, કચરા હેમા અને ઉગરા ભગત આવ્યા પણ બિનદલિતોની બીકને કારણે મિયોરવાસ અને સેનમાવાસમાંથી કોઈ આવ્યું નહીં! કારણ કે ભૂતકાળમાં વાલાએ તેના દીકરા શિવાને શાળામાં ભણવા મોકલ્યો ત્યારે વાસ પર આફત આવી પડી હતી અને શિવાને નિશાળમાંથી ઉઠાડી લેવો પડ્યો હતો અને દંડ પણ ભરવો પડ્યો હતો! આથી મોટાભાગના લોકો વાલાને સાથ આપવા માટે ગભરાતા હતા, પણ વાસના કેટલાક લોકો વિચારે છે કે કાલે સવારે પોતાનાં છોકરાંઓ પણ નિશાળમાં ભણવા જેવાં થશે, આખરે વાસના મોવડી ઉગરા ભગત મણિને શાળામાં બેસાડવાની છૂટ આપે છે. આથી વાલો બીજા જ દિવસે મણિને નિશાળમાં દાખલ કરવા માટે જાય છે, પણ માસ્તર “આ તો ગામનું ધરમનું કામ કેવાય” કહી મુખી અને બાવાજીને પૂછીને દાખલ કરવાનું જણાવે છે. વાલાની મણિને નિશાળે મૂકવાની વાતે આખા ગામમાં હાહાકાર મચી જાય છે. આયોજનપૂર્વક વણકરવાસ પર પથ્થરમારો થાય છે! વાલો અને ઉગરા ભગત મુખીની મદદ લેવા માટે જાય છે તો મુખી તેમને મણિને ન ભણાવવાની સલાહ આપે છે! અંતે વ્યથિત વાલો બીજા જ દિવસે નિશાળે જઈ માસ્તરને ‘મણિને અવઅ નેહાર નહી બેસાડવી’ કહી આવે છે. છતાં પણ વાસ પર પથ્થરા પડવાનું બંધ થતું નથી. આ માટે વાસના લોકો પણ વાલાને જ દોષિત માની ગાળો ભાંડે છે. અંતે વાલાના મનમાં વિદ્રોહ ભભૂકી ઊઠે છે. તે માસ્તરને ઘોઘળે બેસી એનું લોહી પીવાનું વિચારે છે. વાલાને પશા નાથા અને ઉગરા ભગતનો સહકાર મળે છે. તેઓ ગામ લોકો પર હુમલો કરવાની યોજના ઘડે છે. પશા નાથા અને વાલાનો દીકરો શિવો રાત્રે આંબલીના ઝાડ પર ચઢીને પથ્થરમારો કરે છે. ઠાકોરવાસના શનાજીના દીકરા અનારજીનું માથું ફૂટે છે. આથી ફરી વાતાવરણ તંગ થઈ જાય છે. ગામલોકો ઉશ્કેરાઈને અંત્યજો જે ખાદરામાંથી પીવાનું પાણી ભરતા તેમાં છાણ નાખી જાય છે! આ પછી પણ અનેકવાર અંત્યજવાસ પર હુમલા થતા રહે છે પણ નોંધપાત્ર બાબત એ છે કે કટોકટીભરી સ્થિતિમાં પણ નાનજી ભગત જેવા કેટલાક બિનદલિત લોકોનો સહકાર મળતો રહે છે. ઠાકોર જ્યારે અંત્યજોના પીવાના પાણીના ખાદરામાં છાણ નાખી જાય છે ત્યારે ખાદરું ગળાઈ ન જાય ત્યાં સુધી નાનજી ભગત પોતાના કૂવેથી પાણી ભરવાની છૂટ આપે છે. એટલું જ નહિ, વણકરવાસમાં પથ્થરા પડવાનું બંધ નથી થતું ત્યારે તેમણે પોતાના ઘેર રાવણું બોલાવીને સમાધાન કરાવ્યું હતું. આમ, નાનજી ભગતને કારણે દલિત-બિનદલિત વચ્ચે સમાધાન થતા બધું શાંત પડે છે. નવલકથાના ઉત્તરાર્ધમાં મણિની સગાઈ અને લગ્નની તૈયારીમાં કથા ગતિ કરે છે. કાશીપરના જેઠા બેચરના દીકરા મૂળા સાથે મણિનાં લગ્ન ગોઠવાય છે. પંચના ઠરાવ મુજબ મણિને લગ્નમાં તાંબાનું બેડું આપવાનું નક્કી થતાં ફરી દલિત અને બિનદલિત વચ્ચે સંઘર્ષ થાય છે. દલિતોને મંગળ પ્રસંગે ઢોલ વગાડવા ન દેતું, વરઘોડો કાઢવા ન દેતું ને પગરખાં ન પહેરવા દેતું ગામ દલિત કન્યાને તાંબાના બેડે પાણી ભરતાં જોઈ શકે ખરા? દલિત સ્ત્રીઓ બેડાંથી પાણી ભરે તો ગામની આબરૂ જાય પણ દલિતો નાટ્યાત્મક રીતે પોતાનું ધ્યેય પાર પાડે છે. વાલો અને નાનજી ભગત ઠાકોર કેસરાજીની પત્ની રૂપાની મદદ લે છે. ઉગરા ભગતને ઊંચેથી પાણી રેડતા રૂપાને વેરાઈના દર્શન થાય અને એ જ રૂપા તાંબાનું બેડું લઈને જાન વળાવવા નીકળેલા અંત્યજો પર અત્યાચાર કરી રહેલા બિનદલિતોને રોકવા ખુલ્લા વાળ રાખી હાથમાં તલવાર લઈ વણકરોની રક્ષા માટે દોડી આવે તેવું નાટ્યાત્મક આલેખન ધ્યાનપાત્ર છે. દલિત સમાજની સામાજિક, ધાર્મિક ગતિવિધિનું આલેખન તો સઘનતાથી થયું છે પણ આ નવલકથામાં મુખ્ય પ્રશ્ન શિક્ષણનો છે. મણિને ભણાવવા બાબતે બિનદલિત સાથે સંઘર્ષ થાય છે પણ કથાના ઉત્તરાર્ધમાં આ સંઘર્ષ જોવા મળતો નથી! વાલો નિશાળમાં જઈને માસ્તરને કહી આવે છે કે મણિ હવે ભણવા નહિ આવે પણ આ પછી કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી. નવલકથાના અંતે મણિનો દીકરો કાનજી, કાનજીનો દીકરો કિશોર અને કિશોરનો દીકરો મયંક ભણીગણીને સ્થિર થયા છે પણ આ બધું કેવી રીતે બન્યું? પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાથી માંડીને ઉચ્ચશિક્ષણ મેળવવા સુધીમાં તેમને કેવા-કેવા સંઘર્ષ કરવા પડ્યા તેનું આલેખન કર્યું હોત તો નવલકથા વધારે પ્રભાવક બની હોત. નવલકથાનો અંત સુખદ છે. મણિદાદી કથાન્તે અતીતમાંથી વર્તમાનમાં પાછાં ફરે છે ને તેને પહેલાંનું અંધારું હડસેલાઈને ભળભાંખળું થતું અનુભવાય છે. હવે મણિદાદીનો પરિવાર ગામડાને બદલે શહેરમાં રહે છે. કિશોરનો દીકરો મયંક પાટીને બદલે નોટબુકમાં લખે છે. ઘરમાં સોફા-ટીવી વગેરે છે. આમ ‘ભળભાંખળું’ દલિતચેતનાની સક્રિયતાની નોંધ લેતી નવલકથા છે. આ નવલકથા સંદર્ભે પારુલ દેસાઈએ ઉચિત નોંધ્યું છે, “મણિને એક છોકરીને ભણાવવા નિમિત્તે દલિતચેતના જે રીતે સક્રિય થાય છે તે જ સાચું ભળભાંખળું છે.” (‘ખેવના’, સપ્ટેમ્બર, ૨૦૦૫, પૃ. ૫૪) ‘ભળભાંખળું’માં લેખકે તટસ્થતાથી તત્કાલીન સમાજમાં પ્રવર્તમાન આંતરદ્વંદ્વને આલેખ્યો છે. દા.ત. વણકરો જો ઓરગણાના છોકરાને અડકી જાય તો પાણીની છાંટ નાખે છે! દલિત-બિનદલિતોના કૂવા અલગ છે તેમ દલિતોમાં પણ વણકર, મિયોર અને સેનમાના કૂવા અલગ છે! ઠાકોર પાસે તાંબા-પિત્તળનાં વાસણો નથી આથી ‘ઢેઢણ તાંબાનાં બેડે પાણી કેવી રીતે ભરે?’ આમ, ઈર્ષા, વેરઝેર, તુમાખી પણ જાતિગત ભેદભાવની સાથે-સાથે વકરતાં રહ્યાં છે. ગામની દરેક વ્યક્તિને પોતાનો સ્વાર્થ છે. જેમ કે, જ્યારે ઠાકોરવાસના લોકો વણકરો પર હુમલો કરે છે ત્યારે કેસરાજીને ચિંતા થાય છે કે “જો અસ્પૃશ્યો ગામ છોડી જતાં રે’શે તો મારો દારૂ કોણ પીશે.’ આ નવલકથાનું દરેક પાત્ર બીબાંઢાળ ન રહેતાં પોતાનું પોતીકું વ્યક્તિત્વ ધરાવે છે. પાત્રોની આંતરક્રિયાઓ, મનઃસ્થિતિનું પણ સૂક્ષ્મતાથી નિરૂપણ થયું છે. કથન અને વર્ણન બેઉ સ્તરે ભાષાનો સાદ્યંત વિનિયોગ થયો છે. તળબોલી, રૂઢિપ્રયોગ અને કહેવતોના વિનિયોગ દ્વારા ભાષાનું પોત નિરાળું બન્યું છે. અહીં દલિતવિશ્વ પૂરી માંસલતા સાથે આલેખાયું છે. જેમકે ટકાનો રિવાજ, કંકુ પાડવો, પાટ પરંપરા, રાવણાનાં દૃશ્ય, લગ્નમાં તાંબાનું બેડું આપવાનો રિવાજ, કાપડ વણવામાં વપરાતાં સાધનોનાં તળપદાં નામ, વગેરે. આ નવલકથા નિમિત્તે આઝાદી પૂર્વેના ઉત્તર ગુજરાતના દલિત-બિનદલિત સમાજના સામાજિક ઢાંચાનો સઘન પરિચય મળે છે.

સંદર્ભ : ૧. ‘ભળભાંખળું’, ચૌહાણ, દલપત. હર્ષ પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. ૨૦૦૪, મૂ. ૧૦૦

કાંતિ માલસતર
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી,
નવરંગપુરા, અમદાવાદ-૯
વિવેચક, અનુવાદક
મો. ૯૪૨૮૦૩૨૮૦૨
Email: kmalsatar@yahoo.in