નવલકથાપરિચયકોશ/સોનટેકરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૪૮

‘સોનટેકરી’ : માવજી મહેશ્વરી

– કાંતિ માલસતર

માવજી મહેશ્વરીનો જન્મ કચ્છના માંડવી તાલુકાના ભોજાય ગામમાં ૩૦ ડિસેમ્બર, ૧૯૬૪ના રોજ થયો હતો. તેમણે પીટીસી કર્યું અને એ પછી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્ય કર્યું. લેખક મૂળે તો સંગીત, લોકસંગીતના માણસ પણ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં લેખન કર્યું છે. તેમનાં કુલ ૨૪ પુસ્તક પ્રકાશિત થયાં છે. ‘મેળો’, ‘મેઘાડંબર’, ‘કાંધનો હક’, ‘અગનબાણ’, ‘અજાણી દિશા’, ‘સોનટેકરી’, ‘હું સોનલ ઝવેરી’, ‘છેલ્લું યુદ્ધ’ જેવી નવલકથાઓ, ‘અદૃશ્ય દીવાલો’, ‘પવન’, ‘ખોવાઈ ગયેલું ગામ’, ‘વિજોગ’, ‘સરપ્રાઈઝ’, ‘ઝાંપો’, ‘ધૂમ્મસ’, ‘રત્ત’ (કચ્છી) વાર્તાસંગ્રહો, ‘બોર’, ‘રણભેરી’, ‘મૌનના પડઘા’ નિબંધસંગ્રહો. આ ઉપરાંત ‘ભોજાય-એક જીવંત દસ્તાવેજ’ (દસ્તાવેજી કરણ), ‘ઉજાસ’ (ચિંતન), ‘હસ્તરેખા’ (સંવેદનકથાઓ), ‘સમયચક્ર’ (વિજ્ઞાન શોધોનો ઇતિહાસ અને ભારતીય સમાજ જીવન ઉપર અસરો), ‘તિરાડ’ (ભૂકંપની સત્યઘટનાઓ) વગેરે પુસ્તકો લખ્યાં છે. તેઓ અખબારી કોલમ - ‘કચ્છમિત્ર’, ‘જનસત્તા’, ‘મીડ ડે’, ‘ગુજરાતમિત્ર’, ‘દિવ્ય ભાસ્કર’માં લખે છે. તેમના સાહિત્ય સર્જનને વિવિધ સાહિત્યિક સંસ્થાઓએ પોંખ્યું છે. જેમ કે, ‘મેળો’ નવલકથાને બે પારિતોષિક (૧) ગુજરાત સાહિત્ય અકાદમી (૨) કલાગુર્જરી (મુંબઈ) ‘સોનટેકરી’ નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ ૨૦૧૮ માટે અને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઇનામ. ‘અજાણી દિશા’ને નંદશંકર મહેતા ચંદ્રક, લલિત નિબંધસંગ્રહ ‘બોર’ને ચાર પારિતોષિક - (૧) ગુજરાત સાહિત્ય અકાદમી, (૨) ગુજરાતી સાહિત્ય પરિષદ (૩) કલાગુર્જરી (મુંબઈ), (૪) કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, હ્યુમન સોસાયટી નડીઆદ, ‘મૌનના પડઘા’ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમજ દલિત સાહિત્યમાં વિશિષ્ટ સાહિત્ય સર્જન માટે ગુજરાત સરકારનો ‘સંત કબીર’ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. માવજી મહેશ્વરી એક વિશિષ્ટ ભૌગોલિકતા ધરાવતા કચ્છના સાહિત્યકાર છે, એટલે સ્વાભાવિક રીતે જ તેમના સાહિત્યમાં કચ્છનો પરિવેશ હોય. વળી લેખકની માતૃભાષા કચ્છી છે. એટલે તેમના લેખનમાં પણ કચ્છી ભાષાની છાંટ જોવા મળે છે. લેખકનાં પાત્રોની ભાષા એમની પોતીકી છે જે આ પ્રદેશની ઓળખ છે. માનસશાસ્ત્ર અને ભૂગોળ તેમના ગમતા વિષય છે. તેમની નવલકથાનાં પાત્રો જે સ્થળવિશેષનાં છે તેનો પ્રભાવ ઝીલતાં લાગે છે. અહીં ‘સોનટેકરી’ નવલકથા વિશે વાત કરવાનો ઉપક્રમ છે. ‘સોનટેકરી’ નવલકથા ૨૦૧૮માં ડિવાઇન પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ નવલકથા પુસ્તકરૂપે પ્રકાશિત થઈ એ પહેલાં ‘કચ્છમિત્ર’, ‘ફૂલછાબ’ અને ‘જન્મભૂમિ પ્રવાસી’માં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થઈ હતી. આ નવલકથા ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર ધીરેન્દ્ર મહેતાને અર્પણ કરવામાં આવી છે. ‘સોનટેકરી’માં હાલના અરવલ્લી જિલ્લાના વીસમી સદીના છઠ્ઠા દાયકાનો પરિવેશ આલેખાયો છે. સાબરકાંઠાના એક ગામડાની કથા છે. આમ, તો આ નવલકથા કુદરતે સર્જેલ આફત સામે ઝઝૂમતી યુવતી ચંચળ-સરસ્વતીની કથા છે. નવલકથામાં ખેડૂત મેઘરાજ અને દરજીની દીકરી ચંચળ વચ્ચેનો પ્રણયસબંધ કેન્દ્રમાં છે. નવલકથા વર્તમાનથી અતીત અને અતીતથી ફરી વર્તમાનમાં ગતિ કરે છે. સોનટેકરીથી આરંભાયેલી કથા સોનટેકરી પાસે પૂરી થાય છે. નવલકથાનો આરંભ પ્રતાપ નામના યુવકની બસમાં બેસીને ઉદયપુર-રાજસ્થાનથી ગુજરાત-સોનટેકરી પર આવવાથી થાય છે. પ્રતાપ તેમની માતા ચંચળનું વચન પાળવા માટે સોનટેકરી આવે છે, પણ અહીં મહત્ત્વની બાબત એ છે કે પ્રતાપ તેમની માતાના ભૂતકાળથી અજાણ છે! પ્રતાપે આપેલી પોટલી મઢીના સાધુ માધવગીરી ખોલે છે, જેમાંથી બંગડીના ટુકડા અને તૂટેલો પાવો મળે છે. આ જોઈ માધવગીરી તેના અતીતમાં સરી પડે છે, અને ચંચળ સાથેનું તેનું પૂર્વ જીવન ઊઘડતું જાય છે. એક તરફ ચંચળ ખેતીકામ કરતા મેઘરાજના પ્રેમમાં પડે છે ને બીજી તરફ તેનાં માતાપિતા તેની સગાઈ કરવાની તૈયારી કરી રહ્યાં છે, પણ ચંચળને મેઘરાજ સાથે જ લગ્ન કરવાં છે. બેઉને ખબર છે કે આ સંબંધનો સ્વીકાર નથી થવાનો, એટલે બેઉ ભાગી જવાનું નક્કી કરે છે. માધવ અને મુકેશની મદદથી ગામમાંથી ભાગીને બેઉ ગામથી થોડે દૂર એક કનકેશ્વર તરીકે અવાવરુ અને ભેંકાર ગણાતી જગ્યાએ એક રાત છુપાય છે. મેઘરાજને એ જ રાતે સાપ કરડે છે અને તે મરી જાય છે! ચંચળ વ્યથિત થઈ જાય છે. ચંચળે અંધારી રાતે ને ઠંડીમાં કૂંડીમાંથી પાણીની ડોલ ભરીને પોતાની માથે નાખી! ધણીના નામનું નાહી નાખ્યું. જાણે તેના “આખાય જન્મારાના આંસુ પાણી સાથે વહી ગયાં” (પૃ. ૧૩૦). મેઘરાજના મૃત્યુથી આરંભમાં તો તેનું જીવન ઉપરતળે થઈ જાય છે પણ હામ હારતી નથી. ગામ ત્યજીને આવેલી ચંચળ અંતે ફરી ગામમાં ન જવાનું નક્કી કરે છે! મેઘરાજનું અણધાર્યું મૃત્યુ અને ચંચળના નિર્ણયથી માધવ અને મુકેશ મૂંઝવણ અનુભવે છે. ચંચળ માધવના કહેવાથી સરસ્વતી નામ ધારણ કરે છે! આમ ચંચળમાંથી સરસ્વતી બની ગયેલી ચંચળની નવી જિંદગીનો આરંભ થાય છે. મુકેશ રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાં આવેલી મિત્રની વાડીમાં ચંચળની રહેવાની વ્યવસ્થા કરી આપે છે. એ વાડીનો નોકર મહેશારામ ચંચળને સાચવે છે. ત્યાં ચંચળને ખબર પડે છે કે તેના પેટમાં મેઘરાજનું બાળક ઊછરી રહ્યું છે. એ વાડીમાં જ તે બાળકને જન્મ આપે છે, માધવના કહેવાથી તેનું નામ પ્રતાપ રાખે છે. બાળક બે વર્ષનું થાય તે પછી તે ઉદયપુર રહેવા જાય છે. અંતે ચંચળ પણ મૃત્યુ પામે છે. માધવ અને મુકેશ સંસાર છોડીને સાધુ બની જાય છે. કથાન્તે માધવગીરી પ્રતાપને બધી હકીકતો જણાવે છે કે શા માટે તેની માએ તેને સોનટેકરી પર જવાનું વચન આપ્યું હતું. આમ કથાના આરંભે રહેલું રહસ્ય અંતે સ્ફૂટ થાય છે. મેઘરાજના સ્મરણમાં માધવગીરીએ જે પીપળો વાવ્યો હતો તેને માધવગીરી પ્રતાપના હાથે પાણી પીવડાવે છે અને માધવગીરીએ સાચવી રાખેલી પોટલી જે બેઉના પ્રેમની નિશાની છે એ પીપળા પાસે માટીમાં દાટી દે છે. કથાન્તે સ્થૂળ-સૂક્ષ્મ રીતે સૌનું મિલન થાય છે ને સુખદ અંત આવે છે. મેઘરાજના મૃત્યુ પછી ચંચળના જીવનમાં આવતા ઝંઝાવાતને સયંતરૂપે આલેખવામાં આવ્યો છે. જેના માટે થઈને ઘર છોડ્યું એ મેઘરાજ મરી ગયો, જેના સધિયારાથી બધું છોડીને નીકળી પડી એ માધવ બાવો બની ગયો અને મુકેશ પણ બાવો બની ગયો! પોતાના કારણે જ માધવ અને મુકેશને ઘર છોડવું પડ્યું, એવું માનતી ચંચળ પસ્તાવાની પીડાથી વલોવાતી રહે છે. તેમ છતાં મહત્ત્વની બાબત એ છે કે ચંચળ આવી પડેલ આફતો સામે જીવન ટૂંકાવી દેવાને બદલે તેનો સામનો કરે છે. આમ ચંચળ જેવી ઈ. સ. ૧૯૬૦ના સમયગાળાની એક અભણ ગામડાની નારીજીવનનો મર્મ દર્શાવી આપે છે. નારીનો આંતરસંઘર્ષ ધ્યાનપાત્ર છે, તે માધવ કે મુકેશને પોતાને મદદરૂપ બનવા માટે ફોર્સ નથી કરતી! ને છતાંય માધવ કે મુકેશ તેને તરછોડી દેતા નથી! મિત્ર ગુમાવ્યાનો રંજ સતત માધવ અને મુકેશને રહ્યા કરે છે. આ નવલકથામાં એક પછી એક રહસ્ય ઘૂંટાતું રહે છે, જે વાચકને અંત સુધી જકડી રાખે છે. આમ આ નવલકથા પ્રણય, રહસ્ય અને મિત્રતાનાં તત્ત્વોથી સભર છે. કોઈને આ નવલકથાનાં પાત્રો આદર્શવાદી લાગે પણ નવલકથાકારે જે રીતે પાત્રોનું આંતરવ્યક્તિત્વ આલેખ્યું છે એ જોતાં એ આદર્શવાદી લાગવાને બદલે સહજ લાગે છે. અહીં મુકેશ, મેઘરાજ અને માધવની દોસ્તી પ્રત્યે માન ઊપજે છે, તો મહેશારામનું વાત્સલ્ય સભર વ્યક્તિત્વ ચંચળને જીવન જીવવાનું બળ આપે છે. નવલકથામાં મુકેશ, મેઘરાજ, માધવ, ચંચળ અને મહેશારામ વગેરેના મનોસંઘર્ષનું વર્ણન થયું છે. નવલકથાકારે પાત્રોની મનઃસ્થિતિને ઉજાગર કરવા માટે પ્રકૃતિનાં તત્ત્વોને ખપમાં લીધાં છે. એકાદ ઉદાહરણ જોઈએ. “અચાનક સૂસવાટા મારતો પવન શરૂ થયો. રેતીની ડમરી ચડી. પવનની પહેલી જ થપાટે એરંડો વચ્ચેથી બટકી પડ્યો. મહેશારામ ઓરડી તરફ દોડ્યો. તે વખતે જ ચંચળની મરણચીસ જેવો અવાજ સંભળાયો. મહેશારામના પગ અટકી ગયા. તેને ચિંતા થઈ પડી કે ઓરડીઓનાં પતરાં ઊડી જશે તો શું થશે? સૂસવાટા મારતા પવનથી ઝાડ ધૂણતાં હતાં. મહેશારામ ઓરડીની આડશે ઊભો રહ્યો. બાજુની ઓરડીમાંથી ચંચળના અસહ્ય પીડાના ઉદ્ગારો અને મીણબાઈનો ધીમો અવાજ સંભાળતો હતો. ધરતીના કટકા કરી નાખતો વીજળીનો કડાકો થયાની વળતી પળે પ્રચંડ મેઘગર્જનાથી ઓરડીઓનાં પતરાં ધ્રૂજી ઊઠ્યાં. મહેશારામ બી ગયો. અનાયાસે તેના હાથ આકાશ સામે જોડાઈ ગયા. ફરી વીજ કડાકો થયો અને વાદળોમાં એકસાથે હજારો છેદ પડ્યાં હોય તેમ એકસાથે વરસાદ તૂટી પડ્યો. દેમાર વરસાદના એકધારા રવની વચ્ચે મહેશારામના કાને નવજાતશીશુનું કૂણું રુદન સંભળાયું...” (પૃ. ૧૬૨) આંતર એકોક્તિ દ્વારા ચંચળની મનઃસ્થિતિને લેખકે વર્ણવી છે, “મારું બાળક જન્મીને પહેલો શ્વાસ લેશે ત્યારે તેની આસપાસ કોણ હશે? મારી સાથે જેમને કોઈ જ સંબંધ નથી એવા અજાણ્યા લોકો સિવાય મારા બાળકના જન્મનો હરખ કોઈનેય નહીં હોય. બાળકના જન્મની વધાઈ આપનાર કે સાંભળનાર પણ કોઈ નહીં હોય. હું તો અભાગણી છું, એ બાળક પણ અભાગિયું કે એનું મોઢું જોવા કોઈ જ નહીં.” (પૃ. ૧૫૨) નવલકથાનાં વર્ણનો આસ્વાદ્ય છે. “રાતને અજવાળતો ચંદ્ર બે મનુષ્યોની નિર્ભેળ સ્નેહની સરવાણી જોઈ મલક્યો. તે સાથે જ ફૂલોની પાંખડીઓએ પાંપણ ઊંચી કરી.” (પૃ. ૧૫૩) લયાત્મક ટૂંકાં વાક્યો નોંધપાત્ર છે. નવલકથાકારની સાહજિક અભિવ્યક્તિ વિશિષ્ટ પ્રકારની આત્મિયતાનો અનુભવ કરાવે છે. લેખકનું ગદ્ય પાત્રોના વ્યક્તિત્વના રંગો આલેખવામાં સફર રહ્યું છે. ચંચળના મનોભાવોને વ્યક્ત કરવા માટે લેખકે પત્રશૈલીનો પણ વિનિયોગ કર્યો છે, (પૃ. ૧૦૭). લેખકે તત્કાલીન સમાજમાં પ્રવર્તમાન સામાજિક ઢાંચો, જ્ઞાતિવાદને આલેખાયો છે. તળ શબ્દો અને રિવાજો દ્વારા તત્કાલીન સમયનો પરિવેશ લેખક રચી શક્યા છે. તળની વાત કળાની રીતે આલેખાઈ છે. પ્રાદેશિક પરિવેશની કૃતિ તરીકે ‘સોનટેકરી’ નોંધપાત્ર છે.

સંદર્ભ : મહેશ્વરી, માવજી. ‘સોનટેકરી’, ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ, પ્ર. આ. ૨૦૧૮, મૂ. ૧૭૦

કાંતિ માલસતર
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ-૯
વિવેચક, અનુવાદક
મો. ૯૪૨૮૦૩૨૮૦૨,
Email: kmalsatar@yahoo.in