નવલકથાપરિચયકોશ/વાયા રાવલપિંડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪૯

‘વાયા રાવલપિંડી’ : ગિરિમા ઘારેખાન

– હીરેન્દ્ર પંડ્યા
Vaya ravalpindi.jpg

સર્જક પરિચય : વાર્તાકાર, લઘુકથાકાર અને બાળવાર્તાકાર તરીકે જાણીતાં ગિરિમા ઘારેખાન પાસેથી ‘ટુકડો’, ‘લંબચોરસ લાગણીઓ’ અને ‘ભીનું ભીનું વાદળ’ (વાર્તાસંગ્રહ), ‘તેજ તિખારા’ (લઘુકથાસંગ્રહ), ‘એકરૂપ’ (કાવ્યસંગ્રહ), ‘પતંગિયાની ઉડાન’ અને ‘રમકડાં પાર્ટી’ (બાળવાર્તાસંગ્રહ), ‘રજથી સૂરજ સુધી’ (વ્યક્તિ ચરિત્રો) મળે છે. ‘વાયા રાવલપિંડી’ એ તેમની પ્રથમ નવલકથા છે. અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કરનાર ગિરિમાબેનની (જન્મતારીખ : ૨૮-૦૨-૧૯૫૫) વાર્તાઓ તેમના અભ્યાસકાળ દરમિયાન ‘આરામ’, ‘ચાંદની’ જેવાં સામયિકોમાં પ્રગટ થઈ હતી. લગ્ન બાદ મસ્કત ગયાં. ત્રીસ વર્ષ બાદ ભારત પાછાં ફર્યાં. પુનઃ લેખન શરૂ કર્યું. તેમની વાર્તાઓ ‘પરબ’, ‘નવનીત સમર્પણ’ ‘કુમાર’ ‘શબ્દસર’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થાય છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, નર્મદ સાહિત્ય સભા, ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઇત સાહિત્ય સભા જેવી સુખ્યાત સંસ્થાઓ તરફથી પુરસ્કારો મળ્યા છે. તેમની ઘણી વાર્તાઓ મરાઠી, હિન્દી, ઓડિયા ભાષામાં અનુદિત થઈ છે. કૃતિ પરિચય : ‘વાયા રાવલપિંડી’ નવલકથા સૌપ્રથમ ‘ગુજરાત ગાર્ડિયન’ની(સૂરત આવૃત્તિ) બુધવારની પૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થઈ. ત્યારબાદ ઈ. સ. ૨૦૨૦માં પુસ્તકરૂપે (ગૂર્જર પ્રકાશન, અમદાવાદ) પ્રગટ થઈ. ‘વાત વાયા રાવલપિંડી’ના શીર્ષકથી જાણીતા નવલકથાકાર મહેશ યાજ્ઞિકે કૃતિની પ્રસ્તાવના લખી છે. સર્જકે નવલકથા પોતાની પુત્રી કૃતિને અર્પણ કરી છે. પુસ્તકના આરંભે ‘કલમનો હાથ ઝાલીને કરેલી રાવલપિંડીની સફર’ શીર્ષકથી નવલકથા સર્જનનો અનુભવ આલેખ્યો છે. નવલકથાનાં કુલ પૃષ્ઠ ૧૭૮ છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી આ નવલકથામાં ત્રીસ પ્રકરણ છે. સંસ્કૃત સાથે એમ. એ. કરી રહેલી બાવીસ વર્ષની સમજદાર, સંવેદનશીલ નાયિકા સ્તુતિ મહેતાના જીવનના સાત દિવસનું આલેખન છે. અમેરિકાના એરપૉર્ટ પરથી દુબઈ જઈ રહેલા પ્લેનમાં સ્તુતિ પિતા વત્સલભાઈ સાથે બેઠી છે ત્યાંથી નવલ શરૂ થાય છે. અંકિતભાઈ અને કદંબીભાભીને ત્યાં પારણું બંધાવાનું હોવાથી મમ્મી નીલિમાબેન અમેરિકામાં રોકાઈ જાય છે. દુબઈમાં રહેતા મોટા પુત્ર નંદનના આગ્રહને લીધે વાયા દુબઈ થઈને ભારત જવાનો નિર્ણય લેવાય છે. પરંતુ પરિસ્થિતિ અણધાર્યો વળાંક લે છે. પપ્પાને પહેલાં હાર્ટએટેક આવી ગયો હોવાથી સ્તુતિ તેમના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. પ્લેનમાં પપ્પાને હાર્ટએટેક આવે છે અને તાત્કાલિક સારવાર માટે રાવલપિંડી, પાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે. બેભાન પિતા સાથે એક વાનમાં તે, જેને બાળપણથી દુશ્મન માનતી આવી છે એ દેશ પાકિસ્તાનના શહેરમાં પહોંચે છે. પપ્પાના મૃત્યુના આઘાતથી સ્તુતિ બેભાન થઈ જાય છે. નંદનભાઈ-સ્નેહાભાભી દુબઈમાં સ્તુતિ અને વત્સલભાઈની રાહ જોઈ રહ્યાં છે. શુક્રવાર સુધી ઈદની રજાઓ અને નેશનલ ડેની બે રજાઓના લીધે એમ્બસી બંધ. પાકિસ્તાનના વિઝા લઈ નંદન સ્તુતિ પાસે પહોંચે ત્યાં સુધી તો ઘણું મોડું થઈ જાય. પપ્પાના અવસાનના સમાચાર સાંભળી સગર્ભા કદંબીની તબિયત બગડે છે. આ સ્થિતિમાં સ્તુતિએ એકલપંડે પિતાના શબને લઈને પાકિસ્તાનથી ભારત જવાનું છે. સ્તુતિને હેરી અને નારીસંરક્ષણ ગૃહ ચલાવનાર મનોવૈજ્ઞાનિક અહેસાનની સહાય મળે છે. મોર્ગમાં પપ્પાનું શબ જોઈને સ્તુતિ ફરી બેભાન થઈ જાય છે. અહેસાન તેને હૉસ્પિટલના એક રૂમમાં રાખે છે અને તે કેવી રીતે પિતાના શબ સાથે ભારત જઈ શકશે તે આખી પ્રક્રિયા સમજાવે છે. મીડિયા અને રાજકારણીઓના લીધે પાકિસ્તાનમાં પણ (ભારતની જેમ જ) ભારતવિરોધી વાતાવરણ છે. સ્તુતિ આ વાતાવરણમાં જ મોટી થઈ હોવાથી આ દેશના લોકોને દુશ્મન માને છે. અહેસાનના વર્તનને લીધે તેની આ માનસિકતા બદલાય છે. યુદ્ધવિરામ વખતે ભારતીય સૈનિકોએ કરેલા હુમલામાં અહેસાનના સૈનિક પિતા વિના કારણે મૃત્યુ પામ્યા હતા. તેથી અહેસાનનો નાનો ભાઈ જેહાદી બની ગયો અને મા સલમા બેગમ ભારતવિરોધી. હૉસ્પિટલ પાસે બોમ્બ બ્લાસ્ટ થતાં વાતાવરણ તંગ બને છે. સ્તુતિને ભારતીય જાસૂસ ગણી જેલમાં નાંખી દેવાનું ષડ્યંત્ર રચાય છે. આ વેળાએ અહેસાન મહેમૂદની મદદથી સ્તુતિને બચાવી પોતાના ઘરે લઈ જાય છે. અહેસાનની નાની બહેન શમા તેને પ્રેમથી આવકારે છે. સલમા બેગમ સ્તુતિની આપવીતી સાંભળીને પોતાની પુત્રીની જેમ હેતથી જમાડે છે. અહેસાનનો કાકાનો દીકરો રહેમાન (જે પોલીસમાં મોટી પોસ્ટ પર છે.) ભારતીય છોકરી સ્તુતિને જેલભેગી કરવા શોધી રહ્યો છે. તે પણ એ રાતે અહેસાનના ઘરે આવે છે. શમાનો મંગેતર રાશીદ પણ રાત્રે આવવાનો હોય છે. આથી, અહેસાન, સલમા બેગમ અને શમા સ્તુતિને શમાની રૂમમાં એક રાત માટે છુપાવી દેવાનું નક્કી કરે છે. પણ અડધી રાતે રહેમાનને ફોન પર કડક ચેકિંગ અને નાકાબંધીના આદેશ આપતો સાંભળીને રાશીદ સમજી જાય છે કે જો સવાર પડી ગઈ તો સ્તુતિનું આવી બનશે. તે રાત્રે જ સ્તુતિને ઉઠાડી, બાઈક પર બેસાડી, ભારતીય દૂતાવાસમાં લઈ જાય છે. શુક્રવારની રાતે સ્તુતિ એમ્બસીમાં પહોંચે છે. સોમવારે અમેરિકાના એરપૉર્ટ પરથી મમ્મીથી છૂટી પડેલી સ્તુતિ છેક શનિવારની સવારે મમ્મી સાથે વાત કરી શકે છે. પિતાના શરીરમાં કેમિકલ ભરવાની (એમ્બામીંગ) પ્રક્રિયાનું સર્જકે ઝીણવટભર્યું નિરૂપણ કર્યું છે. બીજા દિવસે લાહોર એરપૉર્ટથી પિતાના શબ સાથે તે ભારત આવવા નીકળે છે. ઘરે પહોંચેલી સ્તુતિ અહેસાનની યાદો બાજુ પર મૂકી રોજિંંદા જીવનમાં ગોઠવાઈ જાય ત્યાં નવલકથા પૂરી થાય છે. સ્તુતિના પરિવારની સમાંતરે અહેસાનના પરિવારનું આલેખન થયું છે. અંકિત, નંદન અને સ્તુતિનો ભાઈ-બહેનનો સ્નેહ તથા અહેસાન-શમાનો ભાઈ-બહેનનો સમ્બન્ધ અહીં જોવા મળે છે. નીલિમાબહેન અને સલમા બેગમના પાત્રો દેશની સરહદો ઓળંગી જતાં માતૃત્વને ઉજાગર કરે છે. “પ્રેમની જેમ માતૃત્વનો પણ કોઈ દેશ, કોઈ ધર્મ નથી હોતો. ‘મા’ના સ્વરૂપમાં આવી ગયેલી દરેક સ્ત્રી ક્યારેક તો ‘જગતજનની’નું સ્વરૂપ ધારણ કરી જ લે છે.” (પૃ. ૧૫૦) આરંભથી જ આગળ બનનારી ઘટનાના સૂક્ષ્મ સંકેતો મળતાં રહે છે. પ્રથમ પ્રકરણમાં જ મમ્મી સ્તુતિને પપ્પા સાથે મોકલતાં કહે છે કે, ‘જો, મારું તિરાડ પડેલું કાચનું વાસણ તને સોંપું છું. બરાબર સાચવજે.’ આરંભે નાજુક, નમણી લાગતી સ્તુતિનું વિષમ સ્થિતિમાં મુકાયા બાદ સાત દિવસમાં અડગ, મક્કમ યુવતીમાં થતું રૂપાંતરણ વાસ્તવિક બને તે રીતે આલેખાયું છે. સર્જકની સમય વિશેની સૂઝ નોંધપાત્ર છે. પ્રથમ ત્રણ પ્રકરણની ઘટનાઓ પ્લેનમાં અને ચોથા પ્રકરણથી ઘટનાઓ પાકિસ્તાનમાં બને છે. પ્રકરણ-૬થી પ્રકરણ-૮ નંદન-સ્નેહાને આલેખે છે. સર્જક આછા લસરકામાં જ સ્નેહાનાં દૃઢ મનોબળ અને ત્વરિત નિર્ણયશક્તિને ઉપસાવી આપે છે. તેમાંય પ્રકરણ-૨૨થી પ્રકરણ-૨૯ સુધીના પ્રસંગો ઈદના દિવસે જ બને છે. પ્રકરણ-૨૩થી પ્રકરણ-૨૫ સુધી ટૅક્સીમાં થતી અહેસાન, મહેમૂદ અને સ્તુતિની વાતચીત દર્શાવી છે. જેમાં અહેસાનના કુટુંબ વિશેની માહિતી સ્તુતિની સાથે ભાવકને મળે છે. ૨૬મા પ્રકરણમાં સ્તુતિ અહેસાનના ઘરે પહોંચે છે અને ૨૯મા પ્રકરણમાં રાત્રે રાશીદ સાથે એમ્બસી જવા નીકળે છે. સાત દિવસમાં પણ પ્રથમ દિવસ અને ઈદનો દિવસ મહત્ત્વપૂર્ણ હોઈ સર્જકે તે દિવસોનું વિગતે નિરૂપણ કર્યું છે. અંતિમ પ્રકરણમાં ભારતનો પરિવેશ છે. તેમાં પિતાની અંતિમ ક્રિયાનું નિરૂપણ થયું છે.પરિવેશની દૃષ્ટિએ જોઈએ તો, સર્જકે સ્તુતિની પપ્પા સાથેની વાતચીત વડે અમેરિકાના સ્થળોની વાત ગૂંથી લીધી છે. નંદન-સ્નેહાની વાતો વડે દુબઈનાં જોવાલાયક સ્થળોની વાત વણી લીધી છે. પાકિસ્તાનની વાત કરતાં કરતાં કૃષ્ણનાં ભજનો રચતી અને ગાતી ગઝલગાયિકા પરવીના શાકીર, હિન્દી ફિલ્મોનાં ગીતો માણતાં પાકિસ્તાનીઓ, તેમની ખાણી-પીણીના, પહેરવેશના ઉલ્લેખો વડે પરિવેશ સ્પર્શક્ષમ બન્યો છે. સર્જકની ભાષા પણ વિષય અને સંવેદનને અનુરૂપ છે. “સ્તુતિ રાશીદની સાથે ઉપર ચડી ગઈ પણ એ વખતે એની આંખોમાં લટકતું ‘હજારો શુક્રિયા’ કહેતું જળનું ઝુમ્મર સલમા બેગમ અને શમાની આંખોમાં પણ પ્રતિબિમ્બિત થઈ રહ્યું.” “કોઈ સંબંધો એવા પણ હોય કે એને દાહ આપતી વખતે ન ધુમાડો નીકળે કે ન રાખ ઊડે. એના ઉપર નવા સંબંધોનું દૂધ રેડીને એમને ઠંડા કરી દેવાના.” અહેસાનના પાત્ર વિશે વાત કરતા મહેશ યાજ્ઞિક યોગ્ય જ કહે છે કે, ‘નવલકથામાં સારપના પ્રતીકરૂપે અહેસાન અને એના આખા પરિવારની ભલમનસાઈ વાચકના હૃદયને સ્પર્શી જાય એ રીતે રજૂ થઈ છે.’ રઘુવીર ચૌધરી આ નવલકથા વિશે લખે છે, ‘આજના જગતની સમજણ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યાંક-ક્યાંક ટકેલા વિધાયક માનવી સંબંધોનો નિર્દેશ કરે છે... લેખિકા વ્યક્તિનું મન, કુંટુંબ અને આંતરરાષ્ટ્રીય સંબંધોની સંતુલિત છબિ રજૂ કરે છે આ કંઈ નાનીસૂની વાત નથી.’ સ્તુતિના વિચારો અને વ્યક્તિત્વમાં આવતું પરિવર્તન, ભારત-પાકિસ્તાન વચ્ચેના સેતુ જેવો ધીર ગંભીર અહેસાન, સ્થળ-સંસ્કૃતિના સૂક્ષ્મ ઉલ્લેખો વડે રચાતો પરિવેશ અને સીમાડા ઓળંગી જતી માનવતા- આ બધાને લીધે આ નવલકથા આસ્વાદ્ય બની છે.

હીરેન્દ્ર પંડ્યા
નવલકથાકાર, વિવેચક
આસિસ્ટન્ટ પ્રોફેસર
આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર
Email: hirendrapandya@gmail.com