નારીસંપદા : ટૂંકી વાર્તા/બકેટ લિસ્ટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બકેટ લિસ્ટ

અલકા ત્રિવેદી

બસ, હવે તો પોતાનું ગમતું નાનકડું વિશ્વ. નિજાનંદ. મયુરીને બકેટ લિસ્ટ બનાવવું ખૂબ ગમતું. બકેટ લિસ્ટ અને ડાયરી બધું ભેગું. નિવૃત્તિ પછી ક્યાં ક્યાં ફરવા જવું, કોને મળવું, કઈ શિબિર ભરવી... આવાં કંઈ કેટલાંય સપનાંઓના ભારથી બકેટ લિસ્ટ ભારે થઈ ગયું હતું. ઘણીવાર મનના કોશેટોમાંથી સપનાનાં પતંગિયાં સળવળાટ કરી બહાર નીકળવા પ્રયત્ન કરતાં. તે તેને સમજાવી, પટાવી પાછાં સીલ કરી દેતી અને મનમાં બોલતી કે નિવૃત્તિને ક્યાં વાર છે? પછી તમે અને હું. પ્રજ્ઞેશના અચાનક મૃત્યુ પછી એક એક સળી ભેગી કરી તેણે માળો બાંધેલો. દીકરા-દીકરીને એકલા હાથે ઉછેરવા કંઈ સહેલાં તો નહોતાં જ અને યુવાનીનાં તે દિવસો... પણ બધું પાર પડ્યું. ઘરના બે છેડા તો માંડ માંડ ભેગા થતા. દીકરીને હેમખેમ પરણાવી. કોઈ લોન ક્યાં બાકી હતી! છેલ્લે તો કેયુરની ઇચ્છાઓની પ્રતિપૂર્તિ માટે એજ્યુકેશન લોન પણ લેવાઈ ગઈ. તેને પરદેશ જવું હતું વળી. તેના બનાવેલા માળામાં રેશમી રજાઈ ક્યાં હતી? ઘણીવાર આ માળાનાં તણખલાં તેને વાગી જતાં. ઉઝરડા પડેલી ચામડીની સાથે શબ્દો પણ તતડીને બેસી જતા. પણ ચામડી પરનાં તે લાલ ચકામાં લાંબો સમય તો રહેતાં જ. તેની ઇચ્છા મુજબ તો તે ક્યાં જીવી હતી? ઘણીવાર રજાઓમાં તે રેશમી ધુમ્મસની સાથે સ્વૈરવિહાર કરી પાછી વાસ્તવિકતાના કોચલામાં લપાઈને બેસી જતી. એક એક કરી પંખીઓ તો માળામાંથી ઊડી ગયાં અને મસમોટા ખોખલા દિવસો ખખડતા રહ્યા. ટુકડે ટુકડે દુઃખને ગળી જતા તો તે ક્યારનું શીખી ગઈ હતી. હવે જીવાયેલા જીવનને સમેટી વધેલા દિવસોને શણગારવા તે થનગનાટ અનુભવતી હતી. આ શહેરમાં આમ કોઈ નહીં અને આમ મસમોટો વિદ્યાર્થી પરિવાર. એક બેનપણી રેવા પણ લટકામાં... તેણે સુંદર મઝાનો વિદાય સમારંભ કાર્યાલયમાં રાખવાનું વિચાર્યું. પછી શહેરને, શહેરના લોકોને, કાર્યાલયના લોકોને "આવજો" કહી અલગારી રખડપટ્ટી કરવા ટ્રેનમાં નીકળી પડવાનું. પોતાના ગામ શુકલતીર્થ જવા તો તે તલપાપડ હતી જ. ગામડાની શેરીઓની રેતીથી મોંને રંગવાની મઝા કંઈ ઓર જ હોય છે. જોકે આ બધામાં તેના લિસ્ટમાં ગંગાદર્શન પહેલું હતું. હવે સમયના કેદખાનામાંથી તો તેને મુક્તિ મળવાની જ. હવે પંખીની જેમ મન ફાવે ત્યાં પ્રવાસ. સંબંધોનાં બંધન પણ નહીં! દીકરો, દીકરી તો પરદેશ. મરજીનું જીવન. વિચારયાત્રામાંથી પાછી આવી તેણે વિચાર્યું કે વિદાય સમારંભ માટે કેયુરને પરિવાર સાથે બોલાવી લેવો જ જોઈએ. તેણે ફોન જોડી કેયુરને પરિવાર સાથે આવવા આગ્રહ કર્યો. સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવાની વાત પણ કરી. પણ કેયુરે તો વળતો સવાલ પૂછ્યો. ‘તેં આ બાબતે પહેલાં તો ચર્ચા કરી ન હતી!’ ‘હું નિવૃત્ત થઉ છું તે તો તને ખબર જ હતી ને. બધાંને જમાડવાની મારી ઇચ્છા છે.’ ‘હા, પણ આ બાબતમાં તારે ફેરવિચારણા કરવી જોઈએ. હવે કાર્યાલયમાં ઓળખીતા તો કોઈ છે નહીં. હોય તોય તેમનું કામ પણ શું છે?’ ‘એટલે?’ ‘લોકો તો આવે. ખાઈને ભૂલી જાય. પૈસાની જરૂર તો હવે પડવાની. માંદા થઈએ તો આમાંનું કોઈ આવીને ઊભું રહેવાનું છે? આને હું બગાડ કહું છું. દેખાડો કહું છું!’ મયુરીને આંચકો લાગ્યો. જેને તે પ્રસંગ ગણતી હતી તેને દીકરો પ્રદર્શન ગણે છે! ‘અરે, મને તો એમ કે તું પરિવાર સાથે આવીશ.’ ‘ના, હું નહીં આવું. અહીં ઘણાં કામ છે.’ તેણે ફોન મૂકી દીધો. હવે પરિવાર વગર પાર્ટી આપીને પણ શું કરવાનું? દીકરી પણ કેનેડાથી આવી શકે તેમ નથી. તેણે "બકેટ લિસ્ટ" કાઢ્યું અને વિદાય સમારંભ પર ચોકડી મૂકી. તેણે ભૂતકાળમાં ભ્રમણ કર્યું. તેને કદી બકેટ લિસ્ટની યાદીમાં ચોકડી મૂકવી પડી ન હતી. બકેટ લિસ્ટની ડાયરી બંધ કરતાં તેની દૃષ્ટિ ભીંત ઉપર લગાડેલા પ્રજ્ઞેશના ફોટા તરફ ગઈ. તે પણ હંમેશા તેના વિચારોને માન આપતો. બંને સાથે બકેટ લિસ્ટ બનાવતાં. કાર્ય પૂર્ણ થઈ જતાં ટિક્ મારતાં. આ પહેલી વાર ચોકડી મારવી પડી. આંખોની ભીનાશ હૃદયમાં ઊતરી ગઈ. તે અસમંજસમાં પડી ગઈ કે હવે શું કરવું? નોકરીમાં કામ કરતા તમામ સહકર્મચારીઓ તેના પરિવાર જેવા જ હતા. તેની માંદગીમાં તેમણે જ ધ્યાન રાખ્યું હતું. પણ તેના શિક્ષક હૃદયે વ્યવહારિક વિકલ્પ પસંદ કર્યો. ‘હવે નોકરી પૂરી. પરિવાર પહેલો.’ પુત્રની ઇચ્છા વિરુદ્ધ જવામાં મઝા નહીં. તેણે ફેર-વેલ પાર્ટી માંડી વાળી. જોકે તેણે તો નવી સાડી પણ ખરીદી લીધી હતી. મઝાનું ભાષણ પણ તૈયાર કરેલું. વર્ષો પછી બ્યુટી પાર્લરની એપોઇન્ટમેન્ટ પણ લીધી હતી. બકેટ લિસ્ટમાં તો એ બધું હતું જ. આ બાદબાકી સહેલી નહોતી.‌ વળી...મેનિક્યોર, પેડીક્યોર, નવી હેર સ્ટાઈલ-પેલી નંદિની જેવા ખુલ્લા વાળવાળી... અરે, વીડિયોગ્રાફરને પણ બુક કરેલો જ ને વળી. પાકી તૈયારી. પણ... દિવસો પસાર થતા ક્યાં વાર લાગે છે. નિવૃત્તિનો દિવસ આવીને જતો પણ રહ્યો. તેણે વિચાર્યું, બકેટ લિસ્ટ પ્રમાણે સૌપ્રથમ ગંગાદર્શન કરવા નીકળી પડવું છે. રેવાને પણ સાથે લઈ લઈશ. ત્યાં ફોન ઉપર મેસેજ બ્લીંક થયો. અરે, આ તો અમેરિકાની ટિકિટ! તેણે તરત જ વોટ્સએપ કોલ કરી પુત્રને પૂછ્યું કે આ શું? તે બોલ્યો, ‘સરપ્રાઈઝ.’ બકેટ લિસ્ટમાં ક્યાંય અમેરિકા જવું તો લખ્યું જ ન હતું! હજુ તો ભારતદર્શન જ બાકી છે ને વળી પોતાના ગામ જઈ બાપ દાદાના ઘરની મરમ્મત પણ કરવી છે. પણ પુત્રને નારાજ કરવો કેમ પોસાય? ના છૂટકે બિસ્તરા બાંધ્યા. ઘરની ચાવી રેવાને આપી. રેવા તો ખુશ થઈ કે ભારતદર્શન તો ગમે ત્યારે થાય. અમેરિકાદર્શન કરવાની તક ક્યાં મળવાની. પાછી ખુશ થઈને બોલી, ‘તું ખરેખર ભાગ્યશાળી છે. તને આવો પુત્ર મળ્યો. તને તરત જ અમેરિકા બોલાવી લીધી. ત્યાં જલસા કરજે.’ "બકેટ લિસ્ટ"ની નાની ડાયરી પર્સમાં મૂકી મયુરી અમેરિકા ઊપડી. પરિવારમાં પૌત્ર અને પૌત્રી પણ હતાં. દાદી તેમને જોઈને ખુશ થયાં અને બાળકો દાદીને જોઈને. નવી સવાર ફૂટી. પાંચ વાગે ઊઠવું. બધાં માટે ચા નાસ્તો તૈયાર કરવો. બાળકોને નિશાળે પહોંચાડવા. ટિફિન તૈયાર કરવાં. બાળકો આવે ત્યારે નાસ્તો તૈયાર રાખવો. સાંજનું ખાવાનું... કંઈ કેટલાંય કામ. કપડાં ને વાસણ તો ખરાં જ. ઘડિયાળની ટક ટક પણ ખરી. કામવાળી રમા બહુ યાદ આવી. તેનો કેવો સમય સાચવી લેતી. અહીં રવિવાર તો નાસ્તા બનાવવામાં જ જાય. ગ્રોસરી શોપિંગ તો લટકામાં. દીકરો કહેતો કે બહારનું ભાવતું નથી! તારા હાથમાં જાદુ છે. બે મહિના પછી બહારગામ લઈ ગયો. બે દિવસ જાત જાતના નાસ્તાના ડબ્બા તૈયાર કર્યા પછી... વાહન ચલાવતાં આવડે નહીં તેથી ઘરમાં જ બંદી. ઠંડી કે ગરમી, દિવસ કે રાત બધું સરખું. બપોરે તો તેને એકાંત કનડતું. આ ઘરમાં તે એકલી અને સામેના ઘરમાં કૂતરો. તે કોઈક વાર ભસીને હાજરી પુરાવતો. અહીં સમય જ તેની સંવેદનાનો સાક્ષી રહેતો! રવિવારે વળી નાસ્તામાં વધારે મીઠું પડી ગયું. ‘મા, તારું ધ્યાન ક્યાં હોય છે? આવું ખાવાનું તો કૂતરાય ના ખાય!’ ગળે ડૂમો આવી અટકી ગયો. પોતાના પેટનું થોડું ખોટું લગાડાય? રેવાના મેસેજ તો આવ્યા જ કરતા. ત્યાં ટકી જજે. જે છે તે દીકરો જ છે. પણ તેને ક્યાં ખબર છે કે અહીં રોજ જાત જાતનાં સૂચનોની ભરમાર થાય છે. શું ખાવું, શું પહેરવું, કેવી રીતે વાતચીત કરવી! તે તો શિક્ષિકામાંથી વિદ્યાર્થિની બની ગઈ! એકાંતમાં ઘણીવાર તે વિચારતી કે તે કેવી મજબૂત મનોબળવાળી હતી. સંજોગોએ... ના...ના... પરિવારે તેને નબળી પાડી દીધી! સતત બોલતી શિક્ષિકાને હવે શબ્દો ગળી જવા પડતા. એકવાર રસ્તામાં એક ગુજરાતી પરિવાર મળી ગયો. ખબર પડી કે તેના ગામના જ હતા. વાતચીતની મઝા માણતી હતી ત્યાં ફોન આવી ગયો. ‘અજાણ્યા દેશમાં ક્યાં ફરે છે? અમને કહીને તો જા...’ ફોન નંબરની આપ લે કરી તે ઝડપથી ઘર તરફ વળી. સવારે ફોનમાં રેવાનો મેસેજ હતો. ‘નૂતન વર્ષાભિનંદન’. પાછું લખેલું, અહીંયાં દિવાળી જેવું કંઈ નથી. સાવ ફિક્કી દિવાળી લાગે છે. તે વિચારે ચડી. અમેરિકામાં તહેવારો ઊજવાતા હશે? જોકે ઘરની ચાર દીવાલોમાં તો બધું સરખું જ હોય. માનીએ તો રોજ ઉત્સવ. પેલા ગુજરાતી પરિવાર જોડે મિત્રતા વધતી ચાલી. એકવાર આગ્રહ કરીને ઘેર પણ લઈ ગયા. ગાડીમાંથી મયુરીએ જુદાં જુદાં ઘરોને શણગારેલાં જોયાં. મિત્ર પરિવારે કહ્યું કે "હેલોવીન"નો તહેવાર છે. તેથી દરેક લોકો ઘરને સજાવે છે. ઘણાં ઘર ઉપર કરોળિયાનાં જાળાં હતાં, તો ઘણાં ઘર ઉપર ભૂત જેવાં પોસ્ટર હતાં. મોટાં કેસરી રંગના કોળાં ઘરની આગળ મૂકેલાં. મયુરીને નવાઈ લાગી. જોકે આજે એને બહુ મઝા આવી. આછી રોશનીમાં કલરફુલ અમેરિકા. "હેલોવીન" તહેવાર વિશે પેલા પરિવારે સમજ આપી. રાત્રે ઘરની બહાર "બોન ફાયર" પણ કરવામાં આવે. મૃત પામેલી વ્યક્તિનો આત્મા આ દિવસે પૃથ્વી પર આવે. પાદરીઓ તેની હાજરીને કારણે ભવિષ્યની સાચી આગાહી કરી શકે. આવી બધી વાતો આ તહેવાર સાથે સંકળાયેલી છે. ‘વાહ, કહેવું પડે!’ ‘જોકે અમને પૂરેપૂરું જ્ઞાન નથી. આવી થોડી ઘણી સમજ છે તે તમને સમજાવ્યું.’ મયુરીને તો જ્ઞાન સાથે ગમ્મત થઈ. જ્યારે તેણે જાણ્યું કે બાળકો જુદાં જુદાં કેરેક્ટરના વેશ પરિધાન કરે છે, મોટેરા પણ વેશભૂષા કરે ત્યારે તેને ભારતની વેશભૂષા હરીફાઈ યાદ આવી ગઈ. પરિવારે મયુરીને સુંદર ડ્રેસ ભેટ પણ આપ્યો. પણ મયુરીની ખુશી લાંબી ટકી નહીં. ઘરે પહોંચતાં જ વહુ- દીકરો તૂટી પડ્યાં : ‘રાત પડી ગઈ. જમવાનું પણ તૈયાર નથી! અમે પિત્ઝા મંગાવી લીધાં છે. તમને ભાવતાં નથી તો તમે કંઈક બનાવી લેજો.’ મયુરી કશું બોલ્યાં વિના કામકાજ કરી તેના રૂમમાં જતી રહી. તે ધ્રુસકે ધ્રુસકે રડી. દીકરાનો બોલવાનો સૂર દિવસે દિવસે આકરો થતો હતો. દીકરો તો તેના રૂમમાં જઈને સૂઈ ગયો. જોડે તેના શબ્દો પણ. પરંતુ બંનેના રૂમની વચ્ચેની દીવાલની એક બાજુ હૂંફ માટે ઝૂરતી હતી. આખી રાત મયુરીના વિચારો જાગતા રહ્યા. તે પડખાં બદલતી હતી ત્યાં બંને બાળકો રૂમમાં આવ્યાં. દાદીને રડતાં જોઈ તે ગભરાયાં. ‘એનીથીંગ રોંગ?’ ફરિયાદ કરી પોતાની ફજેતી કરવાનો અર્થ ન હતો. ‘કાંઈ નહીં.’ કહીને તેણે વાત ભૂલવા પ્રયત્ન કર્યો. બાળકો જુદાં જુદાં મુખોટા લઈને ઊભાં હતાં. નાનો જેસન પોતાનો સુપરમેનનો ડ્રેસ બતાવતો હતો. ડિમ્પલ સિન્ડ્રેલાનો ડ્રેસ બતાવતી હતી. દાદીએ પેટી ખોલી અને બાળકો માટે લાવેલાં કપડાં – જે આજ સુધી તે કાઢવાની હિંમત કરી શકી ન હતી – તે તેમને આપ્યાં. ચણીયા-ચોળી જોઈને ડિમ્પલ ખુશ થઈ ગઈ. જેસને પીતાંબર જોયું. મયુરીએ પૂજામાંથી મોરપીંછ લઈને તેના માથા ઉપર સજાવ્યું. બંનેને રાધાકૃષ્ણનો ફોટો બતાવ્યો. બંને બાળકો સમજી ગયાં કે આ રીતે તૈયાર થવાય. ‘કાલે "હેલોવીન" છે. બહુ બધી ચોકલેટ મળશે. બધાં જુદાં જુદાં ડ્રેસ પહેરીને બહાર આવશે.’ બાળકોએ બાને સમજાવ્યાં. બા તો તહેવાર વિશે અને એ સિવાયનું ઘણું બધું સમજી ચૂક્યાં હતાં. તેમણે બાળકો આગળ પોતાની ઇચ્છા રજૂ કરી. ‘હું પણ તમારી સાથે આવીશ અને આ તહેવારમાં ભાગ લઈશ.’ બાળકો ખુશખુશાલ થઈ ગયાં. ‘દાદી, તમે શું બનશો?’ ‘જોકર’ બાળકો તાળી પાડી કૂદી પડ્યાં. ‘ડ્રેસ તો નથી?’ આપણે જોકરનું મોઢું બનાવી દઈએ કહી ત્રણે જણાંએ જોકરનું મોઢું બનાવ્યું. રબર બેન્ડની મદદથી મોહરું મોઢાં ઉપર પહેરીને ટ્રાયલ પણ લઈ લીધો. ગુડ નાઈટ કહીં બધાં છૂટાં પડ્યાં. પણ તેમનાં ગયાં પછી આખી રાત ઓશીકું રડતું રહ્યું. સવાર પડતાં જ તેણે જોકરનું મોઢું પહેરી લીધું. રાતી આંખો તેની પાછળ સંતાઈ ગઈ. બાળકો રાધાકૃષ્ણ બન્યાં. ઘર જાણે વૃંદાવન થઈ ગયું. દીકરો અને વહુ તો ચોંકી ગયાં. ‘આ બાળકોની સાથે તમે શું ખેલ માંડ્યો છે? શરમજનક લાગે છે.’ મયુરીની આંખોમાંથી ફરી અશ્રુ બિંદુઓ છલકાયાં.‌ પણ તે ગળા સુધી આવીને અટકી ગયાં. ત્યાં તો બંને બાળકોએ બાની આંગળી પકડી લીધી. ‘ડેડી, ગ્રાન્ડ મા વિલ કમ વિથ અસ. ધેટ વીલ બી એ ગ્રેટ ફન.’ બાળકોની જીદ આગળ દીકરાએ નમતું જોખ્યું. બાળકોની આંગળી પકડી મયુરી બહાર નીકળી ગઈ. બાળકો કેન્ડી ઉઘરાવીને તેની મીઠાશ માણતાં હતાં. બધું મધુર મધુર... જોકરને જોઈને કો’ક બોલ્યું, ‘સમથીંગ ન્યુ!’ આમેય દેશી સાડી અને તેની પર જોકરનુ મુખોટું! વિચિત્ર તો લાગે જ, પણ આ તહેવાર જ એવો. જાતજાતનાં વિચિત્ર ડ્રેસથી રસ્તાઓ ભરેલા હતા. તેમાં વળી મયુરીએ વધારો કર્યો... કો’ક કોમ્પ્યુટર બન્યું હતું તો કો’ક મિકી માઉસ. ઘણાએ રંગથી પોતાના મોઢાને ચિતરેલા. છેલ્લે બાળકો સાથે તે બગીચામાં જઈને બેઠી. તેણે ભૂતકાળ અને વર્તમાનનો હિસાબ માંડ્યો. ગણિત સ્પષ્ટ હતું. ત્યાંની જિંદગી અને અહીંની જિંદગી. તેણે પર્સમાંથી "બકેટ લિસ્ટ" કાઢ્યું. ઘણા વખતથી એ તો એમનું એમ જ હતું-અનટચ. તેણે ડાયરીને ચૂમી લીધી. તેણે વિચાર્યું કે શું આ ભીની ઇચ્છાઓને કાયમ માટે ભીતરમાં છુપાવી દઉં? પણ સપનાઓ તો સળવળાટ કરવાનાં જ વળી. તે કંઈ સીધાં રહે! આકાશમાં સંધ્યા સમાઈ ગઈ હતી. દિશાઓમાં કેસરી રંગના એક બે લસરકા જ રહ્યા હતા. ત્યાં કો’ક પસાર થયું. તેના સ્પ્રેથી વાતાવરણ સુગંધી બની ગયું. તેણે તે સુગંધને માણી ને છેક અંદર સુધી ઉતારી. ચેતાતંત્ર ચેતનાથી ભરાઈ ગયું. બસ, હવે બહુ થયું. કંઈક નક્કી થયું. તે ઊભી થઈ. મુખ ઉપરનું જોકરનું મોહરું જોરથી ખેંચાઈ ગયું. દીકરાએ અપાવેલ થોડી ઊંચી એડીનાં ચંપલ પણ કાઢી નાંખ્યાં. તે કચરા ટોપલી પાસે ગઈ. બંનેને વિદાય આપી. ડિમ્પલે પૂછ્યું, ‘કેમ?’ ‘કાંઈ નહીં.’ ‘પગરખાં ડંખ આપી વારંવાર દુઃખી કરે તો ફેંકી દેવા પડે.’ તે બબડી. ત્યાં જેસન દોડતો આવ્યો. હાથમાં બકેટ લિસ્ટની ડાયરી હતી. ‘ગ્રાન્ડ મા, યુ ફરગોટન ધીસ...’ બાએ બંનેને ચૂમી લીધાં. પેલા મિત્રપરિવારને ફોન જોડ્યો. ‘કાલે સવારે લેવા આવજો ને.’ ‘સામાન વધારે છે? જો વધારે હોય તો મોટી ગાડી લઈએ એટલે પૂછ્યું.’ ‘ના... ના... સામાનનો તો ભાર જ નથી. સંબંધોનો ભાર છે.’ ‘સી યુ સૂન.’ ફોન કપાઈ ગયો. તેણે આકાશ સામે મીટ માંડી. આખું આકાશ તારામંડળના તેજથી ચમકતું હતું. પ્રકાશ રેલાયો. તેણે આકાશમાં દેખાતા તેજસ્વી તારાને સ્મિત આપ્યું. એ પ્રજ્વલિત તારો ધરતી તરફ ખર્યો. પ્રજ્ઞેશ! હાસ્તો, આજે હેલોવીન... આત્માનું મિલન! તે પાછી બેંચ તરફ ચાલવા માંડી. બાળકો તે જોઈ બોલ્યાં, ‘વોટ હેપન્ડ?’ ‘સારાં શુકન થયાં.’ બેંચ ઉપર બેસી તેણે બકેટ લિસ્ટની ડાયરી ખોલી. પર્સમાંથી પેન કાઢી કંઈક લખ્યું. રેવા... ગંગા... હરિદ્વાર... શબ્દો થોડા ઝાંખા પડી ગયા કારણકે તેની આંખોમાંથી પણ ગંગા વહેતી હતી ને.