નિરંજન/૩૯. બદનામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૯. બદનામ

``ભયંકર! ``નિર્લજ્જતા! ``ધૂર્તતા! એવા એવા અર્થના અંગ્રેજી ઉદ્ગારોએ વિદ્યાલયનું મકાન ગજવી મૂક્યું. લાંબી મૂછોવાળા પ્રોફેસરો તેમ જ મૂછો વિનાના, સર્વ મળી સામસામા હેરત બતાવવા લાગ્યા. તેઓના પુણ્યપ્રકોપનો જુસ્સો જ્વાળામુખી ફાટીને પછી રસ ઝરે તેમ ડહાપણના અગ્નિરસને રેલવવા લાગ્યો. ``જુવાનોનું નખ્ખોદ વળી જશે. ``હું નહોતો કહેતો? ``મેં તો ધારી જ મૂક્યું હતું. ``આટલા માટે તો અમે ડરીને વિદ્યાર્થીઓથી વેગળા રહીએ છીએ. ``આ ગંદવાડો અહીં ન ચલાવી લેવાય. ``પ્રિન્સિપાલને કહેવું જોઈએ. ``પોલીસકેસ થઈ શકે તો તે પણ કરાવવો જોઈએ. ``હવે ભાઈ છોડોને! એવી વાતની લાંબી ચોળાચોળ શી! – આમ આગ ઓલવનારા અવાજો પણ ઊઠ્યા. પણ એ અવાજોને આગ શોષી ગઈ. વાત પ્રિન્સિપાલ પાસે ગઈ; પ્રિન્સિપાલે લાલવાણીને તેડાવ્યો, પૂછ્યું: ``ડર રાખશો નહીં. શી વાત છે તે કહો. લાલવાણીના હૃદય ઉપર બદનામીનો ભાર હતો. અપકીર્તિની બીક ઉચ્ચ આત્માઓને પણ પછાડે છે. એ યુવાને પોતાની ચોગમ વાઘ-વરુ ઘેરી વળ્યાં જોયાં; ને આ બધાં પશુઓની વચ્ચે પોતાને લઈ જનાર નિરંજન જ હતો, એવું એણે પોતાના મનને સુધ્ધાં મનાવ્યું હતું. સ્નેહનું મીઠું ઝરણું આ અપકીર્તિના સળગતા તાપથી સુકાઈ ગયું, ને તેની નીચેથી ભોરિંગો ઊઠ્યા. લાલવાણીને બીજી કશી જ ગમ ન રહી, એણે પોતાની જ સલામતી શોધી. એણે કહ્યું: ``હવે મને એમ ભાસે છે ખરું કે નિરંજનની મારા પરની મૃદુતા જો આંહીં જ ન રોકી દેવાઈ હોત તો કદાચ પાપમાં પરિણમી જાત. તે વખતે મને મારી નિર્દોષતાને લીધે આવું કશું ભાન નહોતું. પ્રિન્સિપાલે નિરંજનને તેડાવ્યો, પૂછ્યું. નિરંજને કશું ન છુપાવ્યું; જીવનમાં પ્રથમ વારનો થયેલો આ માનસિક અનુભવ, પહેલી જ વાર નજરે પડેલો આ મનોભાવનો પ્રદેશ, એના હિસાબે તો ભવ્ય બાનીમાં રજૂ કરવા જેવો હતો. પ્રિન્સિપાલ સામે એ જ્યારે બોલી રહ્યો હતો, ત્યારે એને થતું હતું કે પોતે કોઈ કલાકાર બનીને સૂર્યાસ્તનું ચિત્ર દોરતો હતો. ``હું પોતે તો, પ્રિન્સિપાલે કહ્યું, ``આમાંની કેટલીક વસ્તુ સમજી શકું છું. પણ દુર્ભાગ્યે આંહીંના વહીવટી વાતાવરણમાં, ને કાયદાના વિચિત્ર વલણની સામે, આ વાતને કેવળ કવિતામય ગણી હું ચૂપ ન રહી શકું. ``તો આપ શું કહો છો? ``હું તમને જ પૂછું છું. તમે `ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી' સામે ઊભવા માગો છો? કે ચુપચાપ રાજીનામા પર ઊતરી જવા માગો છો? ``મારે નિર્દોષ કોની પાસે ઠરવું છે? કોણ મારી મનોભૂમિકામાં પ્રવેશી શકશે? હું કોને, અને કઈ ભાષામાં સમજાવીશ? ઊલટાનો કાદવ ઊખળશે. અને મને અપરાધ ચડાવનાર જો લાલવાણી પોતે જ હોય, તો પછી મારે નિરપરાધી થવાની પણ શી તમા હોવી જોઈએ? એ કરતાં તો એ પ્રિયની રમ્ય નાની પ્રતિમાને મારા અંતરની કરી, એક ખૂણામાં અખંડિત લઈને જ હું કાં ન ચાલી નીકળું? ને જે વાત મારા પણ શાસન બહારની છે, મને પણ અગમ્ય કોઈ અતલ મન:પ્રદેશની છે, તેને અવનીનાં નેત્રો સામે હું ઉઘાડી પણ કઈ રીતે કરી શકીશ? ચુપચાપ એણે સામાજિક ફાંસીની કાળી ટોપી પહેરી લીધી. સાંજ પડી ત્યારે હોસ્ટેલની `ફેલો-રૂમ' ખાલી હતી, ને નિરંજનને ખતમ કરનાર વિરોધી ત્યાં નિશાચર જેવો લપાતો-છુપાતો કબાટો તપાસતો હતો; ટપાલનાં ફોડેલાં પરબીડિયાંનો જથ્થો પડેલો, તેનાં સરનામાંના હસ્તાક્ષરો વાંચતો હતો.