નિરંજન/૩૮. વિજય – કોલાહલનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૮. વિજય – કોલાહલનો

એ વ્યાખ્યાનમાં નિરંજને પોતાના લાલવાણી સાથેના સ્નેહ-સંબંધનો રજેરજ ઇતિહાસ ખુલ્લો કર્યો. એ સંબંધની સુંદર મર્યાદાઓ સચવાઈ રહ્યાની ખાતરી આપી. પછી નિરંજને પોતાની દિગ્મૂઢ દશા, વેદના, તેમ જ ઉગારની શોધાશોધ વર્ણવી. જીભ ખોલવાનું કોઈ સ્થાન નહોતું. કૉલેજના ગ્રંથાલયમાં ચોપડી નહોતી. પેલા ભયાનક ગણાતા માજી પ્રોફેસરને ઘેર મુલાકાત કર્યાની પોતે વાત કહી. વાંચેલ ગ્રંથનું તારતમ્ય ધરી દીધું, ને પૂછ્યું: ``હવે કહો! મારા જેવા, લાલવાણીના જેવા, કેટલા કેટલા આ ઝંઝાવાતમાં ઝપટાયા હશે? બની ગયેલા દાખલા દીધા. ``પ્રકૃતિની આ ચેતનાઓ! એણે કહ્યું, ``પરસ્પર પ્રાણદાન કરવા જેટલી આ તાલાવેલી સ્ત્રી ને પુરુષ વચ્ચે હોય તો સતીત્વના તખ્ત પર વિરાજે: પુરુષ પુરુષ વચ્ચે બને છે ત્યારે ગંદામાં ગંદા આક્ષેપોમાં રગદોળાય ને જિંદગીના ભોગ માગે. ``બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે? કોને કાને પડે છે? શા માટે અમુકને જ સંભળાય છે? કોઈ કાયદો છે? ``અભેદ્ય છે એ સમસ્યા. એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ-સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે? ``આપણું અગિયાર વર્ષનું કિશોરજીવન: તેમાં ક્યાંયે આ વાતનો નિર્દેશ ન મળે. ``લોજિકનું એકેય સિલોજિઝમ, તર્કશાસ્ત્રની એકેય વ્યાપ્તિ આ જીવતા જીવનને લાગુ ન પડે. ``રસાયણવિદ્યામાંથી ગેરહાજર આ એક વસ્તુ: આ જીવનરસાયન. ``મનોવિજ્ઞાને ઘણી મોટી વાતો કરી આપણા કાનમાં – બાતલ ફક્ત આ જીવનનાં મર્મો; ભૂમિતિએ ઘણાય ખૂણાનાં માપ ભરતાં શીખવ્યું – ન કોઈએ નજરે પણ કરાવ્યા આ મનોભૂમિના ખૂણા. ``પ્રકૃતિને વિકૃતિમાં ઘસડનારું આ અજ્ઞાન એ વિદ્યાલયોનું શેષદાન છે. આપણી જુવાનીને હણનાર ઘી વિનાની રોટલી નથી, વિટામિનના અભાવવાળું ભોજન નથી, રાતભરનાં અવિરામ અધ્યયનો નથી, પરીક્ષાઓ પણ નથી. ``હણે છે – આ જીવનતત્ત્વોનું અજ્ઞાન... ``સાહેબ, એક અવાજ ઊઠ્યો, ``જે સાચોસાચ અનર્થ બન્યો છે, તેના પર આ શણગાર ન પહેરાવો. નિરંજને બોલનારને નિહાળ્યો. એ હતો એક જૂનો જોદ્ધો: બી. એ.માં નપાસ થઈ રહી ગયેલો પેલો સેક્રેટરી. ``તમારી વાત સાચી છે. નિરંજને મીઠી નરમાશથી સ્વીકાર કરી લીધો, ``મેં શણગાર પહેરાવ્યા છે, પણ કોઈ અનર્થને નહીં: એક સુંદરતાને. એ સૌંદર્યને વાણીના લેબાસની જરૂર નહોતી. ``એ સૌંદર્યસૃષ્ટિના નવાવતારી કોલંબસની જ અમારે જરૂર નહોતી. વિરોધી જુવાને નિરંજનની નરમાશનો લાભ લીધો, ``આ તો બધી દુરાચારની હિમાયત છે, ને આ ફોજદારીનો ગુનો છે. ``ડીકરી, બી.એ. થયા પહેલાં કાયદો પન વાંચી નાંખિયો કે? એક પારસી વિદ્યાર્થીએ વાતાવરણની કરુણતામાં હાસ્યરસ છાંટ્યો. ``હસવાની આ વાત નથી. વિરોધીએ વધુ જોર પકડ્યું, ``અમે સમજીએ છીએ કે પ્રેમમાં ભગ્નાશ થયાથી ઘણા આ માર્ગે વળે છે. ``હો-હો-હો-હો- વિરોધીના એક નાનકડા ટોળાએ એક બેન્ચ પરથી થબડાટા અને પગના પછડાટા શરૂ કર્યા. ઢોલ પર દાંડી પડતાં બજાણિયાને અંગે જે રોમાંચ જાગે તે જ રોમાંચ જુવાનોમાં આ થબડાટોએ જગાવી મૂક્યો. ગંભીરતા એક ફૂંક સરખી બની ઊડી ગઈ. ટોળું નશાખોર બન્યું. નિરંજનનું મુખ નિસ્તેજ બન્યું. એનાં પગલાં પાછાં વળ્યાં. કોલાહલ – પછી એ ટોળીનો હો, છાપાની કટારોનો હો, ન્યાયની અદાલતનો હો, કે ન્યાતની સભાનો હો, પણ કોલાહલ જ – સત્યાસત્યનાં પલ્લાંને મનફાવતી રીતે ગોથાં ખવરાવી શકે છે. એ કોલાહલના ઢોલ પિટાયા. તેની નીચે નિરંજનના પક્ષનો મંજુલ રવ, પ્રચંડ ભીડાભીડમાં નાનું બાળક ચેપાય તેમ, ચેપાઈ ગયો. વળતી એક જ રાત દરમિયાન કૉલેજ અને હોસ્ટેલની દીવાલો પર, પગથિયાં પર, પાટિયાં પર અને ભોંય ઉપર જે જે લેખોનું ચિત્રાંકન થયું તેને માટે યથાર્થ બની શકે એવો એક શબ્દ `બિભીષિકા' છે. એ બિભીષિકાને પોતાના હરએક પગલે નિહાળતો નિહાળતો નિર્ભય નિરંજન લાલવાણીના ખંડ તરફ ચાલ્યો. એનો પંથ તે પ્રભાતે નિર્જન બન્યો હતો. એને દેખી એના ઘડી-બે ઘડીના સહવાસના પ્યાસી જુવાનો ગઈ કાલ સુધી ભમરાઓની જેમ ટોળે વળતા, તેઓ આજે એની નજર ચુકાવી ઓરડીમાં પેસી જતા હતા. જેમને જેમને નિરંજને સામા ચાલી બોલાવવા યત્ન કર્યો તેઓ પણ ટૂંકા બોલમાં પતાવીને સરી ગયા. દરેકને પોતાની ઇજ્જત જોખમમાં દેખાઈ. દરેકને કંઈ નહીં તો હેરત તો થયું જ હતું કે આવા ભયાનક વિષયને આટલી બધી સલૂકાઈથી છેડી જ શે શકાય! એવી વિજનતા વચ્ચે પણ નિરંજનને આનંદ હતો. એ આનંદનું ઝરણ ક્યાંથી વહેતું હતું? નિખાલસપણામાંથી: પોતે જે ખાનગીપણાનાં પાંદડાં, જાળાં ને ઝાંખરાં અળગાં કરી નાખ્યાં હતાં તેમાંથી. સુખનું ઝરણું હવે વણઢાંક્યું, વણઅટવાયું, સૂર્યકિરણોનાં પ્રતિબિંબો ઝીલી નૃત્ય-ગેલ કરતું નિર્ઝરતું હતું. લાલવાણીનો ખંડ અંદરથી બંધ હતો. નિરંજને ટકોરા માર્યા. દ્વાર ન ઊઘડ્યું. નિરંજને ધીરા સાદ દીધા. ``ચાલ્યા જાઓ! ચાલ્યા જાઓ! અંદરથી લાલવાણીનો સ્વર આવતો હતો. એ સ્વરમાં રોષની ધાર હતી; દુ:ખની ચીસ હતી; સ્પષ્ટ રુદનનાં ડૂસકાં હતાં. નિરંજન પાછો વળ્યો. એ જાણતો હતો કે ઓરડીઓ પરથી છાની નજરે સહુ તમાશો જુએ છે, ને બીજી બાજુ લાલવાણીનો આત્મા અંદર પુરાઈને છુંદાઈ રહેલ છે. પલ બે પલ તો નિરંજનની નસો કોઈ જંતરડામાં ખેંચાતી થઈ ગઈ. પોતે એવું શું કર્યું છે? શાની આ સજા મળે છે? સજા કરનાર કોણ? અંગે અંગે વીંછીના ડંખ લાગ્યા. એ બે પલ. એના શરીરનું અરધું રુધિર શોષીને, ધરાયેલી જળો જેવી, આપોઆપ ઊખડીને ખરી ગઈ. મનને શાંતિ વળી. શામાંથી વળી? એકના એક ભાવોદયમાંથી, કે મેં તો મારું હૃદય ખુલ્લું મૂકી દીધું છે. `ખાનગી'નો પહાડ મારા આત્મા પરથી ફગાવી નાખ્યો. હવે મને શી ભીતિ છે?