નીતિન મહેતાનાં કાવ્યો/બધા જ શેતાનો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બધા જ શેતાનો

બધા જ શેતાનો કંઈ દર વખતે
ઘાતકી ક્રૂર અને હરામી નથી હોતા
કંઈક બીજું પણ હોય છે

કેટલાક તો ઘડિયાળ નીચે
દબાયેલી રૂવાંટીમાં બેઠા બેઠા
વહેતી નદીમાંથી આવતા
પવનમાં સ્નાન કરતા
આંખ મીંચી ચુપચાપ
આખો વખત
પડ્યા રહેતા હોય છે
તો ક્યારેક
સફરજન ખાતાં ખાતાં
સંત પુરુષોનાં વચનોય મમળાવતા હોય છે

આ શેતાનો
કે જેમને પોતાના
કુળમૂળની ખબર નથી
એવા ટેબલ ને કાગળ જેવા
પેપરવેઇટમાં પુરાયેલા
આકાશની જેમ
પોતાની પાંખો ક્યારેક ક્યારેક
ફફડાવે છે ત્યારે
સંતોના પડછાયા
ખોંખારા ખાય છે
એ વાત પણ ખરી
 
પણ કોઈ વાર
પીળી ઝાંયવાળી નારંગી બપોરે
આછી ઊંઘમાં
પડખું ફરતાં
કાનની નીચે
દીવાસળી ચંપાય
ને
બટકું ભરેલું
અડધું કોહવાયેલું
સફરજન
ઘડિયાળમાંથી
લોહીના ફુવારા સાથે
ઊછળી આવે
પેપરવેઇટમાં થીજેલું આકાશ
વીજળીથી ચિરાઈ જાય
ને
પડછાયા પરપોટા થાય
બંગડીઓ તૂટે
શિયળ છેદાય
ડૂસકાંઓથી હવા તરડાય
એ જ પળે
પોતાનાં મૂળિયાં શોધવા ઊઠેલાં
કાગળ ને ટેબલ
કપાઈ ગયેલી ડાળી જેવાં
કોરમાંથી કજળેલાં
જમીન
પર
પડે
એટલું જ
 
હા
એ તો
કોઈ વાર
શેતાને દાઢ પડાવી હોય
કે
સંતને ડાબે પડખે
દુઃખાવો ઊપડ્યો હોય
અને
પાત્રો ઘણી વાર
સંવાદ ભૂલી જાય
ત્યારે
જે જે હોય
તે અન્ય બને
બાકી
પીળી ઝાંયવાળી
નારંગી બપોરની
વાત જરા જુદી છે
હાલ તો