નીરખ ને/કવિતા અને ધર્મ : રજનીશજીની છણાવટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ધર્મને આપણે એટલા માટે પુરાતન અને સનાતન કહીએ છીએ કારણ કે સત્ય સદા હોય છે. અને ધર્મને આપણે એટલા માટે નૂતન અને નૂતનતમ કહી શકીએ છીએ કારણ કે સત્યની અનુભૂતિ જ્યારે પણ થાય છે, જે વ્યક્તિને એની ચોટ લાગે છે એની એ અનુભૂતિ એકદમ નવી, તાજી, કુંવારી-વર્જિન સરખી હોય છે. જો કોઈ વ્યક્તિ આ બેમાંથી કોઈ એક ધારા પકડી લે તો એ વ્યક્તિ ક્યારેય અસંગત નહીં લાગે. જો એ કહે કે સત્ય સનાતન છે અને ક્યારેય ન કહે કે સત્ય નવું છે તો તેમને કોઈ અડચણ નહીં પડે કે અસંગત નહીં લાગે. કોઈ વ્યક્તિ એમ પણ પકડી બેસે કે સત્ય નવું અને નૂતન છે... એ પુરાણું છે જ નહીં. આ બન્ને વ્યક્તિ તદ્દન સંગત દેખાશે... પરંતુ આ અર્ધસત્ય છે એવી મારી પ્રતીતિ છે. આ બન્ને અર્ધસત્ય છે. અર્ધસત્ય હમેશાં સંગત હોઈ શકે છે, કંસિસ્ટંટ હોઈ શકે છે. પૂર્ણ સત્ય સદાય અસંગત રહેવાનું, ઇનકંસિસ્ટંટ હોવાનું, કારણ કે પૂર્ણમાં વિરોધને પણ સમાવવું પડવાનું. એક માણસ કહે છે કે બસ પ્રકાશ અને પ્રકાશ જ સત્ય છે તો એ અંધારાને અસત્ય કરી મૂકે છે. એ અસત્ય કહે એટલે અંધારું મટી નથી જતું, પણ એ સંગત થઈ જાય છે. એનું વક્તવ્ય સીધું સાફ ગણિત જેવું હોઈ શકે છે. જે માણસ એમ કહે છે કે અંધારું અને અંધારું જ છે, પ્રકાશ ધોખો છે, એને પણ મુશ્કેલી નથી. પણ મુશ્કેલી તો એ માણસને છે જે કહે છે કે અંધારું પણ છે અને પ્રકાશ પણ છે. જે માણસ બન્નેનો સ્વીકાર કરે છે એ કોઈ ઘેરા અર્થમાં એ વાતનો પણ સ્વીકાર કરશે કે બન્ને અંધારું અને પ્રકાશ એક જ ચીજની બે બાજુ છે... જ્યારે પણ સત્ય એની પૂરેપૂરી સ્થિતિમાં પકડી શકાશે, જ્યારે એને અનેક અર્થમાં પકડી શકાશે ત્યારે વિરોધી કથનો એક સાથે કરવાં પડશે... જે સત્ય બહુ સાફ દેખાઈ પડતાં હોય છે, સહજ ઉકેલવાળાં દેખાઈ પડે છે એ અધૂરાં હોય છે. પૂર્ણ સત્યની એની મજબૂરી હોય છે, એ જ એનું સૌંદર્ય પણ છે, એ જ એની જટિલતા પણ છે. પણ એ જે વિપરીતને પણ સમાવી લેવાનું છે એ જ સત્યની શક્તિ પણ છે.


રજનીશજી



કવિતા અને ધર્મ : રજનીશજીની છણાવટ

રજનીશજી કવિતા અને ધર્મને અમુક પરિપ્રેક્ષ્યમાં તપાસે છે એ જોવાનો ઉપક્રમ અત્યંત રસપ્રદ ઠરી શકે એમ છે. રજનીશજી વિવાદગ્રસ્ત વ્યક્તિ છે છતાં એમને સાંભળવા એ જેમ રસપ્રદ છે એમ એમની કિતાબોમાં, આપણે એમના મતો સ્વીકારીએ કે ન સ્વીકારીએ વિચારપ્રેરક વાતો ઘણી હોય છે એ કબૂલ કરવું જોઈએ. ‘The Grass Grows By Itself’ ગ્રંથમાં કવિ નિનાગવા કેવી રીતે ગુરુ ઈક્યુના શિષ્ય બને છે. એ ગુરુ-શિષ્યની પ્રશ્નોત્તરી ઉપર વિવરણ કરતાં રજનીશજી કવિતા અને ધર્મને અમુક સંદર્ભમાં મૂકી પોતાના વિચારો વ્યક્ત કરે છે. એમાંનું થોડુંક જોઈએ. રજનીશજી કહે છે કે કવિતા ધર્મશાસ્ત્ર (થિયૉલૉજી) કરતાં ધર્મની વધુ નજીક છે, તર્ક કરતાં કલ્પનાની વધુ નજીક છે, અને અલબત્ત ધર્મ બન્નેને (તર્ક અને કલ્પનાને) અતિક્રમી જાય છે. તર્ક બંધિયાર છે, અક્કડ છે, એનામાં લવચીકપણું નથી, એનાં દ્વાર અને વાતાયન ખુલ્લાં નથી, એ કબર સમાન છે. તર્ક દ્વારા ધર્મના પેટાળમાં ઊતરવું મુશ્કેલ છે. કવિતા વધુ વહેતી, પ્રવાહી, લવચીક ચીજ છે. કવિતાને અનેક ફાંટો, વાતાયનો, દ્વારો છે. તાજી હવા કવિના અંતરના ગૂઢતમ મર્મ સુધી પહોંચી શકે છે. Logic is resistant. તર્કશાસ્ત્રીઓ જેટલા જૂનવાણી લોકો બીજા તમને કોઈ મળશે નહીં. ખુલ્લા થતા નવા પરિમાણને એ લોકો કોઈ દિવસ સાંભળી નહીં શકે. એ તરફ એ જોશે પણ નહીં. એમનું એ જ રટણ રહેશે કે સંભવિત નથી. જે કંઈ તમે જાણો છો એ જ સંભવિત છે. જે બની ચૂક્યું છે એ જ બની શકે. એ લોકો હમેશાં અજાણ્યા તરફ સંદેહની દૃષ્ટિએ જોતાં હોય છે. પણ કવિનું હૃદય અજાણ્યાના પ્રેમમાં હોય છે. કવિ અંધકારમાં ફંફોસે છે – કંઈક નવું, કંઈક મૌલિક, કંઈક અણચખ્યું, કંઈક બિનઅનુભવ્યું હાથ લાગી જાય તો અને એમ કરતાં ક્યારેક અજાણ્યા સાથે અથડાઈ પડે છે અને ધર્મના પેટાળમાં ઊતરી પડે છે. કવિતા રૂપકાત્મક છે, રૂપકોમાં શ્વસે છે. ધર્મની ભાષા પણ એ જ છે. અલબત્ત જ્યારે રૂપકનો કાવ્યમય રીતે ઉપયોગ થાય છે ત્યારે એ એક વસ્તુ છે અને જ્યારે ધાર્મિક રીતે એનો વિનિયોગ થાય છે ત્યારે એનો બીજો અર્થ થાય છે. પણ બન્ને રૂપકો વાપરે છે એ એમનું મિલનબિંદુ છે. અંદર તો તફાવત ઘણો વિશાળ છે, પણ ઘાટમાં, સપાટી ઉપર તર્ક અને ધર્મ કરતાં કવિતા અને ધર્મમાં વધુ સામ્ય છે. આ સામ્યને કારણે ધર્મે હમેશાં કવિની રીતે વાત કરી છે – ઉપનિષદ, વેદો, કબીર, મીરાં, ઝેન કવિઓ જુઓ. બુદ્ધ, મહાવીર કે ઈશુ કવિતાની ભાષામાં વાત નથી કરતા, પણ એમના શબ્દો પાછળ કાવ્યતત્ત્વ રહેલું અનુભવાય છે. જ્યાં કવિતા પૂરી થાય છે, કવિતા એનું ગૌરીશંકર શિખર, એવરેસ્ટ સર કરે છે, એ રહસ્યવાદી દેવાલયનું પહેલું પગથિયું છે. ઊંચામાં ઊંચી કવિતા એ નીચામાં નીચો રહસ્યવાદ (મિસ્ટિસિઝમ) છે. મને હમેશાં એવું લાગ્યું છે કે મહાનમાં મહાન કવિ ધર્મને ટાળી શકે નહીં, કારણ કે કવિતા એમને એક એવા ચોક્કસ બિંદુએ દોરી જાય છે કે એની પેલી પાર ધર્મ છે. તર્કશાસ્ત્રી અને વૈજ્ઞાનિક પણ લગભગ આવી જ યાત્રા કરે છે, પણ જુદી રીતે. વૈજ્ઞાનિક પોતાના માર્ગ ઉપર આગળ અને આગળ જાય છે, અને પછી એક બ્લાઈન્ડ એલિમાં આવી ઊભો રહી જાય છે, જ્યાંથી આગળ જવાનો કોઈ માર્ગ નથી. પણ કવિ માટે તો આગળ જવાનો માર્ગ છે. પણ હવે એ કવિતાનો માર્ગ નથી રહેતો. એ સહજ રીતે ધર્મને માર્ગે વળી જાય છે. રજનીશજી અમુક મુદ્દો ઉપસાવવા માટે સરલીકરણનો આશરો પણ લેતા હોય છે. એ સાચું છે કે વૈજ્ઞાનિકને પોતાના વિષય પૂરતી અમુક તર્કની શિસ્ત સ્વીકારવી પડે છે. પણ એથી બીજી રીતે એ કલ્પનાશીલ કે સ્વપ્નોમાં રાચતી વ્યક્તિ ન જ હોય એ માની લેવું એ તો તદ્દન સપાટીની વાત થઈ. હવે રજનીશજી એમની મધ્યવર્તી, વિચારણા માંગતી વાત કવિતા વિશે કરે છે. “If poetry does not lead you to meditation, it is not poetry. At the most, it may be a clever composition of words, but there will be no poetry in it. You may be a good linguist, a good composer, a good grammarian, one who knows all the rules about how to write poetry, but you are not a poet – because poetry in its deepest core is meditative... in fact, when the poet is not, then the poetry happens. When the poet is completely absent, suddenly he is filled with something unknown, unasked for; suddenly something of the unknown has entered into him, a fresh breeze into language – he is not a composer, he is a translator.’ પછી રજનીશજી કવિઓને ચીમકી દે છે : “કવિઓ ખૂબજ અહંકારી હોય છે. સાહિત્યકારો જેવા અહંકારી લોકો મળવા મુશ્કેલ છે. એમની સાથે કોઈ પણ સંવાદ અશક્યવત્ છે. એ બધું જાણતા જ હોય છે. એ લોકોને શીખવી શકે, પણ એમને શીખવી શકાય નહીં. ત્યાર બાદ રજનીશજી વિવાદાસ્પદ વિધાન કરે છે : ‘પણ સાચા કવિને અહં નથી હોતો. If a poet has a very crystallised ego, he is not a poet at all. Because he has learned nothing out of his poetry, he has not even learned this basic truthઃ that poetry descends when you are not. અને એટલે જ પ્રાચીન સમયમાં કવિની સહી વગરની કવિતાઓ હસ્તીમાં હતી. કોઈને ખબર નથી કે ઉપનિષદો કોણે લખ્યા છે. છેવટે સીમિત તર્ક અને અસીમ કલ્પના, સીમિત મસ્તિષ્ક અને અસીમ હૃદય, નોન અને અન્નોનની વાત રજનીશજીએ કવિ વિશે સુંદર કથન કરી દોહરાવી છે એ ટાંકીને વિરમીશું : ‘કવિ ઘણો હિમ્મતવાન (courageous) હોય છે. હૃદયથી જીવવું પણી ઊંડી હિમ્મત માંગી લે છે. અંગ્રેજી, શબ્દ ‘કરેજ’ ઘણો રસપ્રદ શબ્દ છે. એની ઉત્પત્તિ લેટિનના ‘cor’ શબ્દમાંથી થઈ છે જેનો અર્થ હૃદય થાય છે... હૃદય હમેશાં જોખમ ખેડવાને ઉત્સુક હોય છે, એ જુગારી છે, મસ્તિષ્ક વેપારી છે. મસ્તિષ્ક હમેશાં ગણતરી કરે છે... એ પક્કું છે. હૃદય ગણતરીથી પર છે... કવિ હૃદય દ્વારા જીવે છે, અને ધીરે ધીરે અજાણ્યા - unknown – ધ્વનિઓ સાંભળવા લાગે છે. મસ્તિષ્ક સાંભળી શકતું નથી; એ અન્નોનથી ઘણું દૂર છે. મસ્તિષ્ક તો નોનથી જ ભરાયેલું છે.’

[મે, ૧૯૮૦