નીરખ ને/સાચું શિક્ષણ ક્રાંતિકારી
શ્રીમતી હેન્ડરસનના દરેકે દરેક નિબંધમાં હું જાણું છું એ બધા સામાજિક પ્રશ્નો પરનાં લખાણો કરતાં વધુ ‘રિયાલિટી’ હોય છે. એ કેવી રીતે બન્યું? એમના પ્રમાણપત્રો ક્યાં છે? ના, કોઈ પ્રમાણપત્ર નથી. એ કોઈ કૉલેજમાં નથી ગયાં. પોતાને વિશે શ્રીમતી હેન્ડરસન કહે છે કે શાળામાં પણ ખાસ નથી ગયાં એટલું જ નહીં, પણ દેવળમાં પણ જવાનું નથી બન્યું. કોઈ સંસ્થા સાથે એમનો નાતો બંધાયો નથી. અને વળી એ પરદેશી છે; નવા બનેલા નાગરિક છે. એટલે જ કદાચ તાજુબ થઈ જવાય એવી સ્વતંત્રતા એમના વિચારોમાં અનુભવાય છે, અને એટલી જ માત્રામાં એમની હિંમત અને શક્તિ દાદ માંગી લે છે. ઘણાં મૂળે એમના જેવાં હોય છે, પણ શિક્ષણની પ્રક્રિયામાં એઓ બધું ગુમાવી દેતા હોય છે. આ શિક્ષણ પરિણમે છે વિશ્લેષણથી ઊભા થતા પક્ષઘાતમાં અને કેળવાયેલી અપાત્રતામાં. શિક્ષણના આ તંત્રમાં આધ્યાત્મિક, ધર્મશાસ્ત્રીય કે તત્ત્વજ્ઞાનીય તાલીમને નકારી દેવાઈ છે. શ્રીમતી હેઝલ હેન્ડરસન સ્વ-શિક્ષિત તત્ત્વમીમાંસક છે. આને કારણે કદાચ વિવિધ વિજ્ઞાનો, વિચારસરણીઓ, પુરાણકલ્પનો કે બીજા વિષયો માપવા એ સમર્થ થયાં છે. એ સ્થાપિત હિતોને કહે છે, ‘મોટા ભાગના તમારા સિદ્ધાંતો મેકબિલીવ છે. તમે તમારી સંસ્થાઓના સોનામઢેલા પાંજરામાં ફસાયા છો. પણ વ્યક્તિઓ સંસ્થાઓ કરતાં ઝડપથી શીખતી જાય છે. એટલે સાવધાન. તમારા પાંજરામાં તમને કોણે પકડી રાખ્યા છે? શા માટે બહાર ન નીકળી જાઓ? અને શારીરિક સ્તરે તમે મુક્ત ન થઈ શકો તો પણ કમ-સે-કમ તમારા વિચારો મોકળા ન થઈ શકે? તમને નગ્ન બાદશાહનાં કપડાંની પ્રશંસા કરવાની તો કોઈ ફરજ નથી.’
ઈ.એફ. શુમાકર
સાચું શિક્ષણ ક્રાંતિકારી
‘તમને ક્યારેય વિચાર આવ્યો છે કે તમે શા માટે ભણો છો? શા માટે ઇતિહાસ, ગણિત, ભૂગોળ શીખો છો? આ કહેવાતું શિક્ષણ શું છે? કૃષ્ણમૂર્તિ આ પ્રશ્ન વિદ્યાર્થીઓને પૂછે છે. વિદ્યાર્થીઓને શું આવા પ્રશ્નો ઊઠે છે ખરા? બાળક જન્મે છે ત્યારથી જ માબાપ, શાળા, સમાજ લગાતાર એનું માનસપલોટ કરતાં રહે છે. જે કોઈ જીવનઢાંચામાં એને ગોઠવાવાનું છે એને અનુકૂળ સતત એનું માનસ ઘડાતું જાય એનો આજુબાજુનો પરિવેશ બરાબર ધ્યાન રાખતો હોય છે. છતાં આવા પ્રતિકૂળ વાતાવરણમાં પણ એવાં કિશોરકિશોરીઓ મળી આવે જેમનામાં ખૂણેખાંચરે ક્યાંક વૈયક્તિકતા રહી ગઈ હોય અથવા તો ક્યાંક મુક્ત વાતાવરણ મળ્યું હોય, જ્યાં પ્રશ્નો ઊઠતા રહ્યા હોય. ૧૮ વર્ષની સોનલે પૂછ્યું હતું કે ‘જન્મીએ એટલે ભણવું જ પડે, પરણવું જ પડે એ કેવું?’ આ બંને વસ્તુમાંથી છટકી એ અનંતમાં ભળી ગઈ, પણ પ્રશ્ન ઊભો રહ્યો. તો કેવું છે આજના શિક્ષણનું માળખું? પહેલાં જોવા મળતું એ કરતાં આજે મધ્યમવર્ગીય કુટુંબોમાં મા-બાપ સંતાનોની વિશેષ કાળજી રાખતાં લાગે – એમના શારીરિક વિકાસ, ભણતર અને ભવિષ્યની કારકિર્દી પાછળ સારી જહેમત ઊઠાવતાં દેખાય. આર્થિક સધ્ધરતા અને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન એમનાં સંતાનને પ્રાપ્ત થાય એવી ઝંખના-ચિંતા-મહેચ્છા એમને શિક્ષણ માટે બધું હોડમાં મૂકવા સુધ્ધાં સુધી લઈ જાય. સ્પર્ધાત્મક સમાજનો હાઉ એમને ગ્રસી જાય. શાળાઓ અને કૉલેજોમાં પણ સતત સ્પર્ધા, સતત તુલના, ઊંચા ગુણાંકો દ્વારા વિવિધ પારિતોષિકો દ્વારા, પરીક્ષાઓ દ્વારા ચાલતી જ હોય. ઈર્ષા અને ભયની વૃત્તિ વિદ્યાર્થીઓમાં ઘર કરી બેસે એ નવાઈ ન કહેવાય. માબાપને સંતાનના ભવિષ્યની ચિંતા વળગાડની જેમ કોરી ખાય. એ ભૂલી જાય કે બાળકને કોઈ વર્તમાન હોય છે, વર્તમાનમાં પણ એને જીવવાનું હોય છે, આનંદ કરવાનો હોય છે. કોઈક ધૂંધળા, અચોક્કસ ભવિષ્ય માટે બાળકના વર્તમાનનો બલિ દેવાય. સારી કહેવાતી શાળાઓમાં દાખલ કરવા માટે માબાપની દોડધામ શરૂ થઈ જાય. પણ આ શાળાઓમાં બાળકને ગૌરવપૂર્વક સ્થાન મળે છે ખરું? નાનુંઅમથું બાળક શાળાને લાયક છે કે નહીં એ માટે શાળાના અધિકારીઓ એની મુલાકાત લે! એ બાળક છે એ જ એની લાયકાત ન ગણાય! આ અપમાન માબાપ ગળી જાય. માબાપો ગર્વપૂર્વક કહે છે કે જયા ભાદુડી અને અમિતાભ બચ્ચન પણ પોતાનાં બાળકોને સ્કોટિશ ઓર્ફનેજ શાળામાં દાખલ કરાવવા માટે ક્યૂમાં ઊભાં હતાં! પછી શરૂ થાય શાળામાં ભણતર. દરેક વિષયમાં હકીકતોની ભરમાર, માહિતીઓની દુનિયા. પહેલા ધોરણમાં હજી બાળક પહોંચે એ પહેલાં અંગ્રેજી શાળામાં જેને કે. જી. કહે છે એ ધોરણથી જ થોકબંધ હોમવર્ક એને આપવામાં આવે. ત્રસ્ત મમ્મી અને બેધ્યાન બાળક એ હોમવર્ક કરે. બીજા કે ત્રીજા ધોરણમાં મહારાષ્ટ્રમાં એને સઘન-વિસ્તારપૂર્વક શિવાજી શીખવાનાં હોય. લડાઈમાં જેટલા જેટલા કિલ્લાઓ શિવાજીએ જીત્યા હોય અને જ્યાં જ્યાં જીત્યા હોય એ સ્થળો વગેરે બધી ઝીણી ઝીણી વિગતો એણે ગોખી નાખવાની. એ હજી તો પૂરા શિવાજીને નથી સમજતું, પણ આ વિગતો કંઠસ્થ કરી દેવાની! પરીક્ષા પછી સ્વાભાવિક રીતે જ સારે નસીબે એ બધી વિગતો ભૂલી જાય. આવું દરેક વિષયમાં હોય. મહારાષ્ટ્રમાં કઈ ખાણ (સોનાની, મેંગેનીઝ વગેરે) ક્યાં આવી એ એને યાદ રાખવાનું. પણ ખુદ મહારાષ્ટ્ર, અરે મુંબઈ જ્યાં એ રહે છે એ શું છે, ક્યાં છે, દેશ શી વસ્તુ છે એનો એને ખ્યાલ ન હોય. નકશાનો બહોળો ઉપયોગ કરી આ બધું માહિતીઓની જટાજાળમાં સમજાવવાનો ન શિક્ષકને વખત હોય, ન વૃત્તિ હોય. ભલે આપણે અમેરિકા જેટલા સમૃદ્ધ નથી કે દરેક દેશ, પ્રદેશનો પરિચય વીડિયો-ફિલ્મ દ્વારા આપી શકીએ, પણ નકશાઓનો ઉપયોગ તો બરાબર થઈ જ શકે. કદાચ દૃશ્ય-સાધનના અભાવે આપણા વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ વધુ સતેજ બને. ભાષાઓના ભણતરની સ્થિતિ પણ આવી જ. એટલે પાયાનું જ્ઞાન કોઈ વિષયમાં બાળક પ્રાપ્ત ન કરી શકે. લાગે કે બાળક ખૂબ ભણ્યું, પણ સામાન્ય સવાલોના જવાબ આપવા એ અસમર્થ. આપણા સાહિત્યકારો જે શિક્ષક-અધ્યાપકો છે એ ક્યારેક વિદ્યાર્થીઓનો દોષ કાઢતા દેખાય છે કે એમને સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. પણ કદી મૂળ જોવાનો એ લોકો પણ યત્ન કરે છે ખરા? વિષયોનું પાયાનું જ્ઞાન જો વિદ્યાર્થીઓને મળી જાય તો કોઈ પણ વિષયને લગતી હકીકતો એમને જોઈએ ત્યારે પોતે જ મેળવી શકે એ રીતે એમને તૈયાર કરી શકાય; શિક્ષણક્ષેત્રમાં એમને આત્મનિર્ભર બનાવતા જવાય. વિવિધ કોશો કેમ વાપરવા, સંદર્ભગ્રંથો કેમ જોવા વગેરે એમને શીખવી શકાય. શિક્ષણમાં આત્મનિર્ભરતા ઉપર વિનોબા ભાવેએ ખૂબ સચોટ અને યોગ્ય રીતે ભાર આપ્યો છે. અને તો શિક્ષણ રસપ્રદ બને એ મહત્ત્વની વાત બને. જે. કૃષ્ણમૂર્તિએ સાચી ક્રાન્તિની વાત કરી છે. એમણે ભારપૂર્વક કહ્યું છે કે રાજકીય, આર્થિક, સામાજિક ક્રાન્તિથી કંઈ વળતું નથી કારણ કે એવી ક્રાન્તિઓથી કાં તો ભયાનક આપખુદ સત્તાઓ થઈ જાય છે કે પછી માત્ર એક જૂથની બીજા જૂથ દ્વારા સત્તા-ફેરબદલી થાય છે. પણ એથી કંઈ આપણા સંઘર્ષ અને ગૂંચવાડામાંથી માર્ગ મળતો નથી. ખરી જરૂર તો મનના આમૂલ પરિવર્તનની છે. અને એ સાચા શિક્ષણ અને સર્વાંગી માનવીય વિકાસ દ્વારા જ થઈ શકે. આથી કૃષ્ણમૂર્તિએ વિશ્વમાં જ્યાં જ્યાં બની શકે ત્યાં એમને અભિમત શાળાઓ સ્થાપી છે. કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્યારે કોઈપણ જાતની બળજબરી ન હોય ત્યારે શિક્ષણ સંભવે છે. તુલના અને સ્પર્ધાનો એમને સખત વિરોધ છે. તુલનાથી માત્ર હતાશા ઊભી થાય છે અને ઈર્ષાને પ્રોત્સાહન મળે છે. તુલના ભય પેદા કરે છે. મહેચ્છા પણ ભય પેદા કરે છે. મહેચ્છા પછી વ્યક્તિગત હોય કે સામૂહિક હમેશાં સમાજ-વિરોધી છે. વિખ્યાત યહૂદી ચિંતક માર્ટિન બ્યુબરના શિક્ષણ અંગેના વિચારો ખાસ્સા ઉદ્દીપક - Provocative છે. એમણે શિક્ષણ અને પ્રચાર વચ્ચે ભેદ કર્યો છે. શિક્ષણ એટલે લોકોને આજુબાજુના વાસ્તવને જોતાં, પોતાની મેળે સમજતાં શીખવવું તે. પ્રચાર એથી તદ્દન વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. એ તો લોકોને કહે છે, ‘અમે જેમ કહીએ તેમ વિચારો.’ માર્ટિન બ્યુબર કહે છે કે મુશ્કેલી એ છે કે આ માત્ર વિચારસરણીનો સંઘર્ષ નથી; વેગ – tempoનો સંઘર્ષ છે. The tempo of propaganda is feverish and nervous. એનો વેગ ટેલિવિઝન અને રેડિયોનો છે, વર્તમાનપત્રોનાં મથાળાંઓનો, રસ્તામાંના ફેરિયાની બૂમનો છે. જ્યારે શિક્ષણની ગતિ ધીમી છે. એનો વેગ શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે વાતો કરે એનો છે, એનો વેગ વ્યક્તિ પોતાની મેળે ખંડમાં વાંચતી હોય એનો છે. એનો વેગ ન વધારી શકાય, ન એમાં ઉતાવળ કરી શકાય. માર્ટિન બ્યુબરને જ્યારે પૂછવામાં આવ્યું કે હમેશાં શું પ્રચારનો જ વિજય થશે? હમેશાં શું ઝડપી વેગ (fast tempo) ધીરા વેગને હંકારી કાઢશે? ત્યારે એમણે જવાબ આપ્યો કે ‘ના, એવું નથી. એ સાચું છે કે આજના વાહનવ્યવહાર અને ગતિના જમાનામાં ઝડપ એ પ્રગતિનો પર્યાય બની ગઈ છે. પણ આ રીતે ઇતિહાસ રચાતો નથી. સાચાં પરિબળો જે વિશ્વને ઘડે છે અને બદલે છે એ ઊંડા અને સપાટી નીચે હોય છે. સ્વાભાવિક જ એમની ગતિ ધીમી હોય છે. સાચો ઇતિહાસ એ ધીમી ગતિનો ઇતિહાસ છે. પ્રશ્ન એ છે કે લોકો પૂરતા પ્રમાણમાં આ ઘોડાપૂર વેગની પાછળની છેતરામણી જોઈ શકશે ખરા? એની લાલચમાં પડ્યા વગર ધીરા વેગના સત્યને માટે પ્રતિબદ્ધ થશે ખરા? આજે આપણા શિક્ષણક્ષેત્રમાં સૌથી વધુ પેચીદો પ્રશ્ન બની ગયો હોય તો એ શિક્ષણના માધ્યમનો છે અને છતાં એના ઉકેલ વગર એક ડગલું પણ સાચા શિક્ષણની રાહમાં આગળ વધી શકાય એમ લાગતું નથી. સુરેશ જોષીએ મુંબઈના એમના એક વ્યાખ્યાનમાં ચેક લેખક મિલાન કુન્દેરાને ટાંક્યા હતા. મિલાન કુન્દેરાએ ચેક પ્રજાને કહ્યું હતું કે તમે બધું ગુમાવી દો તો વાંધો નહીં, પણ તમારી ભાષાને ફેંકી દેશો નહીં. આપણે કદાચ આ જ કરવા બેઠાં છીએ – આપણી ભાષાને ફેંકી દેવા બેઠાં છીએ. કેટલું સ્વાભાવિક છે કે બાળક જે ભાષામાં બોલે એ ભાષામાં શિક્ષણ મેળવે! પણ આપણે એવી કોઈ કૃત્રિમ સામાજિક-રાજકીય આબોહવામાં શ્વાસ લઈ રહ્યા છીએ અને એવું કોઈ વિષચક્ર સરકારની સરિયામ ભાષા-નીતિની નિષ્ફળતાને કારણે ઊભું થયું છે કે માતૃભાષા દ્વારા શિક્ષણની વાતની કોઈ જ અપીલ નથી રહી. શહેરોમાં અંગ્રેજી માધ્યમવાળી શાળાઓ ફૂલતીફાલતી જાય છે. શહેરોના અનુકરણમાં ગામોમાં પણ સ્વાભાવિક જ અંગ્રેજી માટે મોહ અને આકર્ષણ વધ્યાં છે. અંગ્રેજી શાળામાં માહિતીપ્રધાન શિક્ષણ તો ખરું જ, ઉપરાંત અંગ્રેજી માધ્યમનો બેસુમાર બોજ બાળક ઉપર પડે છે. તેજસ્વી વિદ્યાર્થી હોય, ઘરમાં વાતાવરણ અનુકૂળ હોય તો અંગ્રેજી માધ્યમ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવામાં એને સફળતા વરે. પણ એવા કેટલાય વિદ્યાર્થીઓ જોવા મળે જે ક્યાંયના નથી રહ્યા – નથી ભણતર પૂરું કરી શકતા કે નથી મા-બાપોને એમની આર્થિક સલામતી માટે ઝટ બીજા વેન્યૂ દેખાતા. મધ્યમવર્ગનાં ઘણાં રઘવાયાં માબાપો જોવા મળે છે. આપણે જાણે સ્વત્વ જ ગુમાવી બેઠાં છીએ. ભણતર એ માતૃભાષા દ્વારા જ હોય એ તો કોઈ પણ સાચો શિક્ષણશાસ્ત્રી કહેશે. પણ એ આપણા ચારિત્ર્યનો પણ સવાલ છે, આપણા આત્મગૌરવની વાત છે, આપણી ભાષામાં આપણું શિક્ષણ એ સ્વતંત્રતાનું પ્રતીક છે, ગુલામી મનોદશા સામે પડકાર છે. આ વાત આપણને ક્યારે સમજાશે? આજે માબાપોને પોતાનાં બાળકો તૂટીફૂટી અંગ્રેજી બોલે એથી ગૌરવ અનુભવતાં જોઈએ છીએ ત્યારે દયનીય લાગે છે. છતાં ઐતિહાસિક-રાજકીય કારણોને લીધે અંગ્રેજી ભાષા સાથે આપણને ઘનિષ્ઠ નાતો છે અને આપણા દેશમાં એનું મહત્ત્વનું સ્થાન છે એ એકદમ સ્વીકારવું જોઈએ, અને અંગ્રેજી ભાષાના અભ્યાસને આપણી શાળાઓમાં ઉચ્ચ સ્થાન મળવું જોઈએ. ખરેખર તો પ્રાદેશિક ભાષાઓવાળી શાળાઓ જો ઉત્તમ અંગ્રેજી શીખવવાનો પ્રબંધ કરે તો અંગ્રેજી માધ્યમવાળી શાળાઓને મોટો પડકાર બનીને ઊભી રહે. પણ આવી નિષ્ઠાની તો સર્વત્ર ખામી છે. ડૉ. પ્રબોધ પંડિતે એમની લાક્ષણિક સચોટતાથી દર્શાવ્યું છે કે આપણા દેશમાં અંગ્રેજી પૂરક ભાષા છે, ફ્રેન્ચ કે જર્મન જેવી પરભાષા નથી. ફ્રેન્ચ કે જર્મન શીખવું એ શોખની વાત છે, પણ ઐતિહાસિક કારણોએ જે સ્થાન આપણા દેશમાં અંગ્રેજી ભાષાને પ્રાપ્ત થયું છે એથી અંગ્રેજી શીખવાની જરૂરિયાત છે. અલબત્ત, અંગ્રેજીને માધ્યમ તરીકે સ્વીકારવાની વાત આવતી જ નથી એ દોહરાવવાની જરૂર ન હોય. આપણા સાહિત્યકારો – એમને તો ભાષા સાથે જ કામ પાડવાનું છે – શું વિચારે છે આ બાબતમાં? આ સંદર્ભમાં નૌશીલ મહેતાનો યત્ન સરાહનીય છે. એમણે ‘વિકલ્પ’ નામની નાટકની સંસ્થા સ્થાપી છે. એનો એક ઉદ્દેશ અંગ્રેજી નાટકોના પ્રેક્ષકવર્ગને ગુજરાતી નાટકો તરફ વાળવાનો છે. ફાર્બસ ગુજરાતી સભાના ઉપક્રમે એકાંકી – વાંચનનો કાર્યક્રમ થોડા સમય પહેલાં રાખ્યો હતો ત્યારે અંગ્રેજીમાં જ બોલવાનો મહાવરો હોવા છતાં ગુજરાતીમાં જ (ઘણા અંગ્રેજી શબ્દો અને વાક્યો સાથે) બોલવાનો યત્ન એમણે જારી રાખ્યો એ પ્રશંસનીય છે. એથી ઊલટું જ્યારે નાટકકાર અલિક પદમસી sજજજ ‘the fashionable thing nowadays is to throw stones at English – language-theatre’ એ આજની અંગ્રેજી પ્રત્યેની લોકોની ઘેલછાના પરિપ્રેક્ષ્યમાં વિચિત્ર લાગે છે. અંગ્રેજી ભાષાનાં નાટકો ભજવાય એનો વાંધો ન હોઈ શકે, પણ એમાં નિજી ભાષાનું, પોતાનું ગૌરવ જળવાવું જોઈએ એમાં બે મત નથી. આપણાં મૂળ, આપણી identity જાળવીને આપણે બીજે વળવાનું છે. નહીં તો આપણે ઘરના કે ઘાટના ક્યાંયનાં રહેતા નથી. જ્યારે આપણે શિક્ષણ માટે નહીં, પણ શિક્ષણ આપણા માટે હશે ત્યારે સાચું શિક્ષણ અસ્તિત્વમાં આવશે અને ત્યારે દેશના નકશામાં આમૂલ ક્રાન્તિકારી પરિવર્તન આવશે એ નિશ્ચિત છે.
[નવે., ૧૯૮૪