નીરખ ને/‘પણ તમે તો કોશિયા ન બનો’
કવિઓ પોતાના વ્યવસાયને માણસની શક્તિની શ્રેષ્ઠતમ સિદ્ધિ ગણી શેખી મારે અને પોતાને વિશ્વસર્જનની ટોચના ગણે તો એ તદ્દન સ્વાભાવિક છે. બુદ્ધિજીવીઓ પોતે જેને સિદ્ધિની ટોચ માને એ કરતાં જે યોગીઓ અને ઋષિઓ વધારે ઊંચી સંપ્રજ્ઞતાને પહોંચવાનો દાવો કરે એમને બુદ્ધિજીવીઓ ઉતારી પણ પાડે તો એ પણ સ્વાભાવિક છે. કવિ મનમાં જીવતો હોય છે; આધ્યાત્મિક દ્રષ્ટા નથી હોતો. પણ માણસની બુદ્ધિ માટે કવિત્વપણું માનસિક દર્શનનું ચરમ બિંદુ છે; ત્યાં કલ્પના અંતઃપ્રેરણાને (ઇન્ટ્યૂશન) શબ્દબદ્ધ કરવા મથે છે – જો કે આધ્યાત્મિક અનુભૂતિથી ચીજોનું જે દર્શન થાય એ કરતાં એ ઘણું નીચેનું છે. કવિની આ શક્તિ માટે એની દ્રષ્ટા અને પયગંબર તરીકે પ્રશંસા થાય છે. આ વિચારને વળી આધુનિક કે યુરોપી માનસની ભૂલે પુષ્ટિ આપી છે; એ સહેલાઈથી મનસ્તર પરની જીવંતતા અને ભાવના-પ્રેરિત મનની આત્મા અને આધ્યાત્મિકતા સાથે ભેળસેળ કરી દે છે. સ્પષ્ટતઃ કવિનું મૂલ્ય એની કાવ્યાત્મક શક્તિમાં છે, નહીં કે એની પયગંબરી શક્તિમાં. એ પયગંબર પણ જો હોય તો એનું મૂલ્ય એની અંતર્ગત આર્ષશક્તિમાં જ છે; એની કાવ્યાત્મક પાત્રતા એમાં ઉમેરો નથી કરતી. એ કાવ્યાત્મક પાત્રતા એની અભિવ્યક્તિને વધારે શક્તિ બક્ષે – એ લાભ છે.
અરવિંદ ઘોષ
‘પણ તમે તો કોશિયા ન બનો’
સલમાન રશદીના ‘સેતાનિક વર્સિસ’ પુસ્તકે ફરી લેખકની અભિવ્યક્તિ-સ્વતંત્રતા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૈદ્ધાન્તિક રીતે તો આપણો ઝોક અભિવ્યક્તિ માટે પૂર્ણ સ્વતંત્રતા ઉપર જ હોવો જોઈએ. આપણી સામે બીજાની લાગણી દુભાશે એવો એક હાઉ ઊભો કરવામાં આવે છે. પણ ખમતીધર પ્રજા તો પોતાની શ્રદ્ધા, માન્યતાઓ ઉપરનો કારી ઘા પૂર્ણ સ્વસ્થતા અને આત્મવિશ્વાસથી ઝીલી લે છે. આપણામાં જેટલા પ્રમાણમાં અસલામતીની લાગણી, હતાશા અને સ્વકેન્દ્રી અહંકાર હોય એટલા પ્રમાણમાં આપણે વિરોધી વિચારોથી ઘવાઈએ. આપણી પ્રજા પણ ખમતીધર રહી શકી હોત અને હજી પણ સ્વહિતનું રક્ષણ કરતા અનેક ક્ષેત્રોના આગેવાનોએ પોતાના અર્થે પ્રજાનો ઉપયોગ વારંવાર ન કર્યો હોત તો પ્રજા અનેક આંતર-વિરોધોને પોતાની આગવી સૂઝથી પોતાનામાં સમાવી શકી હોત. સલમાન રશદીના પુસ્તક ઉપર આજે પ્રતિબંધ લાદવાની જરૂર ઊભી ન થાત. સ્વતંત્રતા મળ્યા પછી ગાંધીજી આ દેશમાં જે બી વાવી ગયા એનો ભર્યોભર્યો ફાલ જો જવાહરલાલ પંચશીલ જેવા હવાઈ કિલ્લાઓ બાંધવામાં અને માત્ર સત્તા માટેનું રાજકારણ કરવામાં ન પડ્યા હોત તો મળત. સ્વતંત્રતા પછી નહેરુ લોકપ્રિયતાની ટોચ ઉપર હતા; જો ધારત તો ઘણુંબધું કરી શકવા સમર્થ હતા. દલિતોને જાતે આગેવાની કરી મંદિરોમાં દાખલ કરાવી શક્યા હોત; ગામોમાં સામૂહિક કૂવાઓનું પાણી જાતદેખરેખ નીચે દલિતોને ઉપલબ્ધ કરાવી શક્યા હોત. લોકો માનસિક રીતે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા તૈયાર જ હતા, એટલું જ નહીં પણ ઉત્સાહથી હિંદી શીખવા અને પરીક્ષાઓ દ્વારા એ ઉપર પ્રભુત્વ મેળવવા ઉદ્યુક્ત થઈ ઊઠ્યા હતા. દલિતોની ક્રિયાશીલ નેતાગીરી અને ભાષા માટે ઝડપી નિર્ણય લેવામાં નહેરુ પાછળ પડી ગયા. એમણે જો સાચી નેતાગીરી કરી હોત તો આજે આ બન્ને પ્રશ્નોનો થણે અંશે ઉકેલ આવી ગયો હોત. ચૂંટણીના રાજકારણમાં પણ રામમનોહર લોહિયાએ ધ્યાન દોર્યું એમ મુસલમાનોને વિચારો અનુસાર રાજકીય પક્ષો પસંદ કરી વેચાઈ જાઓ એમ ન કહ્યું, પણ માત્ર કૉંગ્રેસ પક્ષ જ તમારું રક્ષણ કરશે એવી લઘુમતી મતો મેળવવા નહેરુએ અપીલ કરી અને હંમેશ માટે મુસલમાનોનો ચોકો જુદો કરી નાખ્યો. નહેરુના સત્તાકાળ દરમ્યાન ઓબ્રે મેનેનના પુસ્તક ‘Rama Retold’ અને ભારતીય વિદ્યાભવનનું એક પુસ્તક મહંમદ પયગંબર ઉપર હતું એ ઉપર પ્રતિબંધ મુકાયા. એ ભૂલવા જેવું નથી કે સત્તાની શરૂઆતમાં નહેરુની લોકપ્રિયતા બેસુમાર હતી. આ પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકવાને બદલે લોકોને સ્વસ્થતાપૂર્વક વિરોધી વિચાર કે બ્લેસફેમી પણ અમુક પરિપ્રેક્ષ્યમાં સમજવાની તાલીમ આપી શક્યા હોત. આવું બધું જો બની શક્યું હોત તો કાચબાની પીઠ ઉપરથી જેમ પાણી સરી જાય એમ પ્રજાની પીઠ ઉપરથી કંઈક સલમાન રશદીઓ ઓબ્રે મેનનો, મકરન્દ મહેતાઓ સરી જાત. આજે તો એવી સ્ફોટક કોમી સ્થિતિ આપણા દેશમાં છે કે રાજીવ ગાંધીને પ્રતિબંધ મૂકવા સિવાય ઉગારો નહોતો. તત્કાળ વ્યવહાર માટે આવા પ્રતિબંધોની જરૂર નકારાતી નથી, પણ લાંબા ગાળે એ નુકસાન કરે છે. આ અસહિષ્ણુતા પછી ક્યાં અટકે તેની ખબર પડતી નથી. ખરેખર તો મુસલમાનોમાં એક અસહમતિનો – ડિસન્ટ – અવાજ શરૂ થવા માંડ્યો છે – પછી ભલે શરૂઆતમાં ક્યાંક આત્યંતિક બને – એ આવકારવા જેવી વાત છે. બેનઝિર ભુત્તોએ જ્યારે કહ્યું કે રશદીના આ પુસ્તકને મહત્ત્વ આપવા કરતાં અવગણવા જેવું હતું ત્યારે એક તાજી હવાની લહેરખી પસાર થઈ ગઈ. મુસલમાન સમાજમાં આવતુંજતું ખુલ્લાપણું હિંદુઓમાં વધતી જતી અસહિષ્ણુતાને પણ રોકવા સમર્થ બને. બાકી ખોમેનીની મૃત્યુ-ટુકડીઓ મોકલવા અંગેની જાહેરાતનો બેવિવાદ વિરોધ થવો જોઈએ. આમાં ચર્ચાને સ્થાન છે એવું કોઈ માને તો એ પોતાની ભયાનક પડતીનું જ સૂચન છે. ઈરાનમાં પણ કહેવાતા અમેરિકાના લોકશાહીના દંભી ગંદા રાજકારણને લીધે પ્રગતિશીલ તુદેહ પક્ષ ત્યાં સત્તા ઉપર આવવાને બદલે ઝનૂની સાંપ્રદાયિક ખોમેનીએ રાજ્યસત્તા ઉપર આરૂઢ થઈ ઈરાની પ્રજાની આકાંક્ષાઓને ટૂંપો દઈ દીધો. ૬ઠ્ઠી માર્ચ, ૧૯૮૯ના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં આવેલો અશોક મિત્રનો લેખ આ બાબતે આંખ ખોલનારો છે. તુદેહ પક્ષ જો આજે ઈરાનમાં સત્તા ઉપર હોત તો રશદીના પુસ્તક ઉપર આવો ભયાનક ઘટાટોપ ન રચાયો હોત. જુઓ, સાહિત્ય ગમે એટલું રાજકારણથી દૂર રહેવા ચાહે, રાજકારણ સાહિત્યને છોડતું નથી. મુંબઈમાં યોજાયેલા એક પરિસંવાદમાં કોઈકે ગાંધીજીની સાહિત્યકારોને આપેલી શીખ કે કોશિયાને પણ સમજાય એવું લખો એનો ઉલ્લેખ કર્યો હતો; સુરેશ જોષીએ ત્યારે રમૂજપૂર્વક શ્રોતાઓને ઉદ્દેશીને કહ્યું હતું કે તમે તો કોશિયા ન બનો. અત્યંત આવશ્યક એવો ગાંધીયુગીન સાહિત્યવિભાવના સામે સુરેશ જોષીએ વિદ્રોહ કર્યો હતો; પરિણામે શબ્દ માટે તીવ્ર સભાનતા આવી અને ભાષાકર્મનો મહિમા થયો. પણ દરેક વિદ્રોહની એક તાસીર હોય છે કે આરંભ હંમેશાં આત્યન્તિક હોય છે અને ઘણીવાર અનિષ્ટો સાથે સારી વસ્તુ પણ ફેંકાઈ જાય છે. સામાજિક સજગતા પ્રત્યે તિરસ્કાર નહીં તોપણ ઉદાસીનતા કેળવાઈ; સાહિત્યેતર વિષયોમાં રસ નહિવત્ રહ્યો. પરિણામે કૃત્રિમ રીતે અભ્યાસક્રમમાં ઇન્ટર ડિસિપ્લિનરીની વાતો કરવાનો વારો આવ્યો. ગાંધીયુગીન સાહિત્યવિભાવના સાથે કેટલાકે ગાંધીજીને પણ ફગાવી દીધા. વસ્તુઓનું આકલન સર્જકમાં સામાન્યતઃ અંતઃપ્રેરણાથી-ઇન્ટ્યુશનથી થતું હોય છે; એની સાથોસાથ સર્જકમાં અપાર કુતૂહલ અને નિરીક્ષણશક્તિ પણ હોય છે. આજે ક્યાં છે કુતૂહલ? આનો ઘણીબધો અભાવ આધુનિક સર્જકોમાં વર્તાય છે. એક સામાજિક ઘટના લઈએ. મુરારિબાપુને લાખો લોકો સાંભળવા જાય છે. શા કારણે, કઈ આંતરિક જરૂરિયાતથી, શું મેળવવા આટલા લોકો મુરારિબાપુને સાંભળવા જાય છે? મુરારિબાપુમાં એવું શું છે જે લોકોને સ્પર્શે છે? – કયા આધુનિક સર્જકને રસ પડે? આ તો એક દૃષ્ટાંત છે. વિશ્વને પામવા કુતૂહલ એક સહજ સ્વભાવ હોય. સાહિત્યકાર અને સામાજિક અભિજ્ઞતા એક પેચીદો સવાલ છે. સામાજિક અભિજ્ઞતા સર્જનની પૂર્વશરત ન હોઈ શકે, છતાં સર્જનનું એ પણ એક સર્જકતાનો પાસ લાગતા પરિમાણ ન બને એમ નહીં. ઉમાશંકર જોશી પોતા મિષે શું કહે છે? જોઈએ આ સંદર્ભમાં : ‘સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાનાં કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું, એ જાણે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તોપણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બન્ને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી પણ લેખાતી હોય છે. મને એવી લાગતી નથી. કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીનો અવકાશ જ નથી.” આલ્બેર કેમ્યૂની સામે વિચિત્ર રીતે આ પ્રશ્ન આવીને ઊભો રહ્યો હતો. કેમ્યૂએ જર્મનો વિરુદ્ધ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન ફ્રેન્ચ પ્રતિકાર(ફ્રેન્ચ રેઝિસ્ટન્સ)માં ભાગ લીધો હતો. નિર્ભ્રાન્ત થતા સામ્યવાદી પક્ષમાંથી રુઆબભેર બહાર નીકળી ગયા હતા. પણ ફ્રાન્સે જ્યારે એલ્જિરિયા વિરુદ્ધ યુદ્ધ જારી રાખ્યું અને સાર્ત્રે અને માર્લો પોન્તીએ એના વિરોધમાં સહીઓ એકઠી કરી ત્યારે કેમ્યૂ ચૂપ રહ્યા હતા. એના ઉપર દબાણ લાવતા એ અકળાઈને બોલી ઊઠ્યા હતા, ‘Why is so much demanded of a writer? હા, અકળાઈ જવાય. માનવી તરીકે સાહિત્યકાર કોઈ પણ ક્ષેત્રે પ્રવૃત્ત હોઈ શકે, પણ સાહિત્યકાર છે માટે એવી માંગ એની સમક્ષ ન હોઈ શકે – સર્જન પ્રત્યે એની વફાદારી, એ જ એનું કર્મ. પણ જો ઉમાશંકર જોશીએ ૧૯૭૫માં રાજ્યસભામાં ગૌરવપૂર્ણ રીતે કટોકટીનો વિરોધ ન કર્યો હોત તો આપણે નિરાશ ન થાત? એટલે આ પ્રશ્નો ગતિશીલ રહી સૂઝ અને વિવેકથી જોવાવા જોઈએ. અમુક તબક્કે સાહિત્યકાર તરીકે પણ એનો વિરોધ આવશ્યક બની જાય છે. કારણ કે ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય છે કે સાહિત્યકાર રાજકારણથી દૂર રહેવા ઇચ્છે તોપણ રાજકારણ એને છોડતું નથી. વારંવાર કહેવાનું મન થાય છે કે સાહિત્ય માણસ માટે છે, માણસના આનંદ માટે છે; માણસે સાહિત્યની વેદી ઉપર બલિ થવાનું નથી, એવું એનું નિરપેક્ષ મૂલ્ય નથી. એવી જ રીતે માર્ક્સવાદ કે કોઈ પણ વાદ કે કૉઝ માણસના સુખ માટે છે; વાદ કે કૉઝ માણસથી મોટો ન થઈ જવો જોઈએ. અહીં બે સૂચક વાતો પ્રસ્તુત કરવાનું મન થાય છે. ઈ. એમ. ફોર્સ્ટરે એક જગ્યાએ લખ્યું છે કે મને જો દેશનો દ્રોહ અને મિત્રના દ્રોહ વચ્ચે પસંદગી કરવાનું આવે તો હું દેશનો દ્રોહ કરું. ક્રાન્તિકારી રોઝા લક્ઝમ્બર્ગ એક જેલ-પત્રમાં લખે છે કે “અહીંના ભંગાર જેવા બાગમાંએ યા એથી યે વધુ મધમાખીઓથી ગુંજતા ઘાસનાં મેદાનોમાં મને એકાદા પાર્ટી-અધિવેશન કરતા વધુ આત્મીયતા લાગે છે. આ તને કહી શકું છું કારણ કે તને આમાં સમાજવાદ પ્રત્યે દ્રોહ નહીં દેખાય. તું તો જાણે જ છે કે ફરજ પર યા શેરી-સંઘર્ષમાં હું મૃત્યુ પામું એવી મારી અંતરની ઇચ્છા છે. તોપણ મારું અંતરતમ વ્યક્તિત્વ પાર્ટી-બિરાદરો કરતાં પંખીઓ સાથે જ વધુ છે.” સાહિત્યને સંલગ્ન આવા આવા પ્રશ્નોનો વારંવાર વિચાર કરવાનો આવે. ગાંધીજી જ્યારે એમ કહે છે કે કોશિયાને સમજાય એવું સાહિત્ય લખો અને સાચો સર્જક પોતાની પૂર્ણ વફાદારી પોતાના સર્જન પ્રત્યે જાહેર કરે ત્યારે બંને ખોટા નથી. જરૂર છે સર્જકે પોતાના સર્જનને કોશિયાની સન્મુખ કરવાની. કોશિયો જરૂર એમાંથી કંઈ ને કંઈ મેળવશે જ. કદાચ એની આંતરિક સૂઝ સાથેનું ઇન્ટરએક્શન સર્જકના સર્જનમાં પણ કોઈક પ્રાણતત્ત્વ લાવે.
[ફેબ્રુ., ૧૯૮૯