પન્ના ત્રિવેદીની વાર્તાઓ/લેખકનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લેખકનો પરિચય

પન્ના ત્રિવેદી એક સુપ્રસિદ્ધ વાર્તાકાર હોવાની સાથે સાથે કવયિત્રી, વિવેચક, સંશોધક-સંપાદક તથા અનુવાદક છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વિવિધ સાહિત્યિક સ્વરૂપોમાં ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યમાં નિરંતર પોતાનું યોગદાન આપતા રહ્યા છે. વર્ષ ૨૦૦૨માં પ્રથમ વાર્તાસંગ્રહ સાથે ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો હતો ત્યારથી તેમની લેખનયાત્રા વણથંભી ચાલી રહી છે. તેઓ વ્યવસાયે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં ગુજરાતી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તે પૂર્વે તેમણે એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા તથા અમદાવાદની વિવિધ સરકારી કૉલેજોમાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપનકાર્ય કર્યું છે. અભ્યાસકાળ દરમિયાન પણ તેમણે સ્નાતક તથા અનુસ્નાતક બંને સ્તરે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ રહીને અનેક પારિતોષિકો તથા ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યાં છે. ‘બરફના માણસો’ તેમનો રસપ્રદ વાર્તાસંગ્રહ છે. આ પૂર્વે તેમના પાંચ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયેલ છે. તેમની વાર્તાઓના વિષયો તથા કલાકીય માવજત અત્યંત રસપ્રદ છે. મનુષ્યજીવનના ભાવ-અભાવોને જે કુનેહથી તેઓ વાર્તાઓમાં ગૂંથે છે તે કલાકીય પરિપક્વતાનું એક ઉદાહરણ બની રહે છે. ઘટના સ્થૂળ હોય કે સૂક્ષ્મ, પાત્ર સ્ત્રી હોય કે પુરુષ, વાર્તાના આરંભ-અંત તથા રહસ્યગર્ભ ક્ષણને ઉદ્‌ઘાટિત કરવાની કળા, પાત્રોના મનોજગતની યાત્રા, જીવંત દૃશ્યાત્મકતા જેવા અનેક વિશેષો તેમને તેમના સમકાલીન વાર્તાકારોમાં નોખું સ્થાન અપાવે છે. કેળવાયેલા વાચકવર્ગ તરફથી મળતો બહોળો પ્રતિભાવ આ વાતની સાહેદી ચોક્કસ પૂરશે. આ સંગ્રહની વાર્તાઓ સમગ્ર મનુષ્યવિશ્વની ચેતનાના અતલ ઊંડાણને તાગે છે.