પરકમ્મા/મેંદીને વાટકે નોતરાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મેંદીને વાટકે નોતરાં

એક સાંજે નરોત્તમ ભાણજીને ટેકરે જઈ ચડ્યો. એક ઘરની મારવાડી સ્ત્રી અન્ય ઘેરે ઘેરે જ, વાટેલ મેંદીનો અક્કેક વાટકો આપતી હતી. પૂછ્યું, આ શું? કહે કે, ‘દીકરીને તેડવા જમાઈ આવ્યા છે. એ અવસરનાં ગાણાં ગાવાનાં આમ મેંદી દઈને નોતરાં કરીએ. ઘરઘરની વહુદીકરીઓ આ મેંદી હાથે મેલીને પછી રાતી હથેળીએ ગીત ગાવા અમારે ઘેર આવે. ચાલો, બેસો, સાંભળો એ ગાણાં.’ પછી એમણે આભ-નીસરણી માંડતા સ્વરે ભરપૂર જે ગીતો ગાયાં તે આ હતાં – સ્વરો જાણે કે છેક ઊંચે ઊડતી કુંજડીને સંદેશો પહોંચાડવાના હતા. ઊડતી કરુંજડી આકાશે રે કરુંજા! એક સંદેશો લેતી જા! જાવ જમાયાંને ઈવું કે’જે કરુંજા! અમારી ધીડ્યાં ધાન ન ખાય. ખાજો ખારેક ટોપરાં રે કરુંજા! પીજ્યો જોટયારાં દૂધ. ખારાં ખારેક ટોપરાં રે કરુંજા! મચળાં જોટયાંરાં દૂધ. અર્થ—હે આકાશે ઊડતી કુંજડી, એક સંદેશો લેતી જા. અમારા જમાઈને જઈ કહેજે કે હવે તો અમારી દીકરી વિરહની મારી ધાન પણ ખાતી નથી. જમાઈ જવાબ વાળે છે કે ધાન ન ભાવતાં હોય તો તમારી દીકરીને ખારેક ટોપરાં ને ભેંસોનાં દૂધ ખવરાવજો – અરે જમાઈ! ખારેક ટોપરાં ને દૂધ પણ બેસ્વાદ બન્યાં છે. માટે ઝટ તેડવા આવો. એથી પણ વધુ અગમ ઊંચે સૂરે બીજું ઉપાડ્યું : (જમાઈ ઘર આવ્યો હોય ત્યારે ગવાય છે.)

આજ તો ધરાઉ ધૂંધળો મોરી જેડર! રે મોટી છાંટાનો, મોટી છાંટાના વરસે મેઘ. સાસુડી સંદશા મોકલે મોરી જેડર! રે સાળીયાં, -સાળીયાં ઉડાડે કાળા કાગ. રે એકારું, એકારું સાસરીએ પધાર! માળવણ તો સંદેશા મોકલે મોરી જેડર! …ગામરે મારગીએ મોરી જેડર! ઝીણેરી, ઝીણેરી ઊડે ગલાલ. જાવે તો જમાયાં ને આપણ કે’જે મોરી જેડર! એકારું, એકાણું મેવસીએપવાર. રાંયાંડી મોરી જેડર! ભાખરીઓ, ભાખરીઓ ભેદાણો ઘરે આવ મારગીઓ, મારગીઓ રેલાણો ઘરે આવ મારગીઓ, મારગીઓ નીલાણો ઘરે આવ! ચાંચે તે લખીઆ સાળારા એાળપ મોરી જેડર! પાંખડીએ, પાંખડીએ સાળારા જુવાર, જાવે તો જમાઈજીને આપણ કેજે મોરી જેડર! સાળા તો, સાળા સંધેયા આપણ દેશ. આજ તો ધોવારે ઢોલોજી ધોતીઆં મોરી જેડર! સવારે, સવારે સાળાંવાળો સાથ. આપ તો ચડો ગઢા મારુ! ઘોડલે મોરી જેડર! મારી રે મારી રે બાઈરે વેલડીયાં જોત્રાવ) અર્થ–આજ તો ધરતી પર ધુંધળ છવાઈ છે. મોટે છાંટે મે વરસે છે. સાસુ કહાવે છે, ને સાળીઓ બનેવી આવવાની વાટ જોતી કાગડા ઉડાડે છે. માળવાની પુત્રી સંદેશો કહાવે છે. એક વાર તો સાસરે આવ. અમુક ગામને માર્ગે ઝીણી ગુલાલ જેવી ધૂળ ઊડે છે. ઓ પ્રવાસીઓ, જમાઈને કહેજો કે એક વાર મેવસીએ મળવા પધારે. પહાડ ચોમાસાને નીરે ભેદાઈ ગયો છે. મારગ રેલાઈ ગયો છે, મારગ નીલાઈ [હરિયાળી વનસ્પતિ વડે] ગયો છે, માટે ઘરે આવ. હે કુંજડી! તારી ચાંચ પર વહુના ભાઈઓના ઠપકા લખ્યા, ને પાંખો પર એમના જુહાર લખ્યા છે. હે જેડર પંખી! જમાઈને કહેજે કે સઘળા સાળા બહારગામના ધંધાનોકરીથી ઘેર આવી ગયા છે. પછી એ સંદેશો વાંચીને જમાઈરાજ આજ કપડાં ધોવરાવે છે, ને સર્વ સાળાઓનાં સંગાથમાં પહોંચે છે. હે જમાઈ, તમે ચડો ઘોડે, ને મારી દીકરીને માટે વેલડી જોડાવો. લટઘૂંઘટની છાંય જમાઈ તેડવા આવે તે અવસર પરનાં ગીત આ સ્થળે પહેલાં જ જડ્યાં. એ સ્વરોમાં મને વિરહી નવવધૂઓની ઉત્કંઠ મનોદશાનો ચિતાર મળ્યો, મેંદી–નોતરાંની નવીનતા મળી, અને ગીતો તો વર્ષાઋતુનાં, લગ્નનાં, હાલાંનાં, કૈંક મળ્યાં, એક વાર તો પુરુષોએ પણું ગાયું, નાગજીનું ગીત. નાગજી નામના એક મારવાડી વીરને એની પ્રિયતમા યુદ્ધમાં જતો રોકવા મથે છે. નાગજી નથી રોકાતો; લડાઈમાં જ કામ આવે છે. હો રે નાગજી! તડક તડક ત્રૂટ્યો ત્રાગ રે! વેરીડા! પાંચ પેરૂડા નૈ ઝીલે પૂણી રે હો રે નાગજી! ઘડી એક ઘોડલો થંભ રે વેરીડા! બાળું ઝાળું તમહીણો દેશ જો. હો રે નાગજી! તાવડિયો પાપી પડે ધોમ તપે રે વેરીડા! ધરતી ત્રંબાવરણી તપે હો! હો રે નાગજી! લટઘૂંઘટરી છાંયા કરું રે વેરીડા! ઘડી એક ઘોડલો થંભ જો! હો રે નાગજી! સરજે સરજે દેવળિયારો દેવ રે નાગણી સરજે દેવળ માયલી પૂતળી રે હો રે નાગજી! આપેં એકણ મંદિર ભેળાં રેશાં રે હો રે નાગજી! સરજે અરજે હીવડારો હાર રે હો રે નાગજી! મું સરજું હીવડારો ડોરડો રે હો રે નાગજી! તું સરજે કેળ માયલો કોળિયો હો રે નાગજી! મું સરજું કેવડારી કાંબડી રે હો રે નાગજી! આપેં એકણ થાણે ઊગશાં રે હો રે નાગજી! સરજે સરજે વાદળી માયલો શેર રે હો નાગજી! મું સરજાં વાદળ માયલી વીજળી રે હો રે નાગજી! આપેં એકણ વરસાળે આવશાં રે હો રે નાગજી! થેં મોતી મેં લાલ રે હો રે નાગજી! એકણ ડોરે પ્રોવીયાં રે હો રે નાગજી! થેં ચોખા મેં ડાળ હો રે નાગજી! એકજ ભાણે પરસિયાં રે અર્થ– હો નાગજી! તને રોકવા ઊઠી ત્યાં તો તડ તડ રેંટીઆનો ત્રાગ તૂટ્યો. પાંચ ટેરવાં [પેરુડાં] પૂણીને ન ઝાલી રાખી શક્યાં. હો નાગજી! આ ધોમ તાપ તપે છે. ધરતી ત્રાંબાવરણી બની છે. એક ઘડી ઘોડો રોક, તો હું તારા પર મારી વાળ-લટોની ને ઘૂંઘટની છાંયડી કરું. હે નાગજી! તું સરજાજે દેવળનો દેવ, ને હું સરજાઈશ દેવળની પૂતળી. આપણે બન્ને એક જ મંદિરે ભેળાં રહેશું. તું સરજાજે હૈયાનો હાર, હું સરજાઈશ એ હારનો મોતી-દોરો. એક જ કંઠે આપણે ઝૂલશું. તું કેળ-ડોડો, ને હું કેવડાની છડી–એક જ ક્યારામાં આપણે ઊગશું. તું સરજાજે મોટું વાદળું ને હું બનીશ વીજળી. એક જ વર્ષાઋતુમાં આપણે સંગાથે આવશું. તું મોતી ને હું માણેક : એક જ દોરે પરોવાશું. તું ચોખા ને હું દાળ, એક જ થાળીમાં પિરસાશું. દેશવટામાં ગીતોનો સાથ જેમને ‘મારવાડાં’ કહી હસીએ છીએ, જેમની હોળીપર્વ પરની મહિનો મહિનો પહોંચતી રંગમસ્તીમાં એકલી અશ્લિલતા જ ઉકેલીએ છીએ અને જેમનાં ઉચ્ચારણો આપણને જંગલી, પરદેશી, કર્ણકટુ લાગે છે તેઓના કંઠની નજીક જતાં મને આ રત્નો મળ્યાં. આ તો મજૂરો હતાં. પુરુષ ને ઓરતો બેઉ ભારભરી રેંકડીઓ ખેંચનારાં. જન્મભૂમિ અન્ન ન આપી શકી તેથી કાઠિયાવાડ ખેડનારાં. પણ આ ગીતો તેમનાં ચિરસાથી વતનભાંડુઓ બની રહ્યાં હતાં. જન્મસ્થાનથી હજારો ગાઉ વેગળા પડીને ય જો મૂળ ગીતો ગાવાને રહ્યાં હોય તો પછી માણસને દેશાન્તર ખટકે નહિ. મૂળ ધરતીના સ્વરો ને સુગંધ તેમને ખુમારી આપી રહે છે. એકેએક ગીતનું સ્મરણ એટલે તો નાનપણમાં કયે ખેતરે ક્યારા વાળતાં ને કઈ ડુંગરીની ઓથે યૌવનમાં પ્રણય કરતાં તેની જીવતી કલ્પના. મારવાડણો કહેતી હતી : ‘ચોમાસું બેસતું હોય, ખેતરમાં ઊભાં હોયેં, આકાશે વાદળી ચડે, વરસાદ મંડાય, અમે બધી સૈયરું દોડીને એકાદ ડુંગરીની ઓથે ઉભીએં; ને પછી ગાઈએં:- કાળુડી કાળુડી હો! બાંધવ મારા કાજળીઆરી રેખ ધોળી ને ધારાંરો બાંધવ મારા! મે વરસે વ્રસજે વ્રસજે હો મેહુલા બાવાજી રે દેશ જઠે ને માડીરો જાયો હળ ખેડે વાવજો વાવજો હો, બાંધવ મારા ડોડાળી જુવાર ધોરે ને વવાડો નાના કણરી બાજરી નીંદણો નીંદણો હો! ભાભજ મારી ડોડાળી જુવાર ધારે ને નીંદાવો નાના કણરી બાજરી વૂઠા વૂઠા હો! બાંધવ મારા આષાઢા હે મેહ ભરિયા હે નાંડા ને વળી નાંડડી ભીને ભીને હો! બાંધવ મારા પાઘડિયાળો પેચ, ભીને હો ભીને હો મારી ભાભજ કેરી ચૂંદડી. ભીને ભીને હો બાંધવા મારા રેશમીઆરી ડાર ગીગો ને ભીને રે થારો પારણે. નીપજે નીપજે હો! બાંધવ મારા, ડેડાળી જુવાર થારે ને વાયેડાં સાચાં મોતી નીપજે. (પછી દિયરનું નામ લઈ એનું એ ગીત ગવાય છે.) અર્થ—હે મારા પિયરવાસી ભાઈ! કાળી કાળી કાજળના જેવી રેખાઓ ચડી છે, ને તેમાંથી ધોળી ધારનો મે વરસે છે. (શું કાજળઆંજ્યાં નયણાંની અનુ-કલ્પના!) હે મેહુલા! તું જઈને મારા બાપને ગામ વરસજે, કે જ્યાં મારો માડીજાયો હળ ખેડે છે. (પતિને દેશ નહિ, પણ ભાઈ ને દેશ!) હે મારા ભાઈ, ડોડાળી જુવાર વાવજે ને ઢોરા પર નાના કણની બાજરી વાવજો. હે મારી ભાભી! એ વાવેતરમાં નીંદામણી કરજો. હે મારા વીર! અષાઢા મે ઢળ્યા ને નાળાં નદીઓ ભરાઈ ગયાં. હે ભાઈ! તારી પાઘડીના પેચ ભિંજાતા હશે, ભાભીની ચૂંદડી ભીંજાતી હશે. તારા બાળકના પારણાની રેશમી દોરી ભિંજાતી હશે ને પારણામાં હે ભાઈ, તારો ગગો ભિંજાતો હશે. આશિષો દઉં છું કે હે ભાઈ! તારા ખેતરમાં મોટે ડુંડે જુવાર નિપજજો, સાચાં મોતી સમા દાણા પાકજો. આ મારું મહાગુજરાત-દર્શન છે. ગુજરાત શબ્દ ગૌણ બની રહે ​છે. પશ્ચિમ હિંદ–રાજસ્થાન–સમસ્તની રગેરગમાં સંચરતું સંસ્કારશોણિત મારાં પિંડને ને પ્રાણને ધબકતાં કરે છે. ‘મેઘાણીનાં લોકગીતો’ તો બહુધા ‘મેરાણી–દીધાં’ એ વિધાનમાં થોડી ભૂલ ભાળું છું. ત્રાગડે ત્રાગડે ટાંચણમાં પહેલી જ વાર માણસ, મિતિ અને ગામનું નામ નોંધાયેલાં મળે છે. વિક્ટર : તા. ૧૯-૧૧-ર૭ : પસાયતો સંધી યાદ આવે છે : વિક્ટર મહાલના વહીવટદાર ભાઈ અબ્દલ્લા ગાગનાણીનો મહેમાન બનેલો. કૉલેજ કાળના એ સહાધ્યાયી, ક્રીકેટ ટેનીસના અવલ દરજ્જાના ખેલાડી તરીકે મારા જેવા બિન-ખેલાડીના સન્માનિત ’૨૭ માં એ વહીવટદાર દરજ્જે હતા. મને ડુંગર રાજુલા વગેરે ગામોમાં ફેરવીને વાતો કહેનારાઓનો સુયોગ કરાવ્યો હતો. તે વખતે હું હતો બહારવટીઆ જોગીદાસ ખુમાણની કાળી શોધમાં. એ શિરોમણિ બહારવટીઆની લીલાભૂમિમાં હું ભટકતો હતો. એને નામે બોલાતી અક્કેક ઘટનાને હું ચકાસતો ચકાસતો નવા નવા સાહેદોને શોધતો હતો. એમાં ડુંગર ગામનો આ દરબારી સંધી પસાયતો ભેટી ગયો. ડુંગરથી વિક્ટર ત્રણેક ગાઉને માર્ગે, અમે ઘોડાગાડીમાં, અને એ પડખે પડખે પગપાળો હીંડતો વાતો કરતો આવે. છેક વિક્ટર સુધીનો મારો પંથ એ પસાયતાએ જોગીદાસ ખુમાણનાં ઘોડાની રજ-ડમ્મરે જાણે ધૂંધળો કરી આપ્યો. હમણાં જ જાણે જોગીદાસ આંહીથી નીકળ્યા હતા : એનાં ઘોડાંના ડાબલા જાણે કે એ રસ્તા પર તાજા પડેલા હતા : મારે ને બહારવટીઆને જાણે કે ઘડી બે ઘડીનું જ છેટું પડ્યું હતું. અસ્થિઓ વીણ્યાં છે સિલસિલાબંધ કરીને મૂકી આપેલી એ જોગીદાસ-કથા જ્યારે તમે વાંચતા હશો વાચકો! ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટીઆનાં વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ, સહુ એવો સંતોષ ને દાવો ધરાવતા હશે કે આ તો છે પ્રચલિત સાહિત્ય, આ તો છે સર્વ કોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ આ સત્ય સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટલે કેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી મારે વાણા–તાણા કરવા પડ્યા છે. ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકારી બજરંગ નાગર, સ્વ. ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સુરા બારોટે, જેઠસૂર બારોટે, ગઢવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, આ ડુંગરના સંધી પસાયતાએ–નામો જેનાં નથી સાંભરતાં એવા બીજા પણ કેટલા કેટલાએ, અક્કેક અસ્થિ આપ્યું, આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું; અને તેના પર ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો. ખેર! અત્યારે તો એક આ સંધી પસાયતાનું જ સ્મરણ કરું છું. એ એક મુસલમાન હતો પણ એના સાહિત્યરસમાં કોમી ભેદભાવ નહોતો. જોગીદાસ બહારવટીઓ એની નજરમાં નહોતો હિંદુ કે નહોતો મુસ્લિમ. એના ચિત્તતંત્રમાં રમતી હતી બહાદુરી, માણસની માણસાઈ. એ હતો તો દરબારી દાણનો જમનારો, પણ એનું મગજ કોઈ રાજ્યના દફતર જેવું, સત્યને દબાવી રાખી પક્ષહિતોને જ મજબૂત બનાવે તેવા દસ્તાવેજથી ભરેલું નહોતું. *[૧]​ પીર ધંતરશાના મોરલાને મારી ખાઈ જનાર સંધી સિબંદીઓના કુકર્મનો કિસ્સો એ સંધી પસાયતાનો જ કહેલો છે. નવલખાના નેરડામાં જોગીદાસને ભેટેલી જુવાન સુતારકન્યાની પ્રેમ–યાચનાની અને એવી પ્રેમયાચનાનો ‘તું તો મારી દીકરી!’ એવા બહારવટીએ દીધેલા જવાબની ઘટના પણ એ કંગાલ સંધી પસાયતાએ કહી. તે દિવસથી પરનારીનાં લુબ્ધકર નેન–કટાક્ષોથી આત્મરક્ષા કરવા માટે જોગીદાસે જનપદના રસ્તા તરફ પીઠ ફેરવીને ચોરા પર બેસવાનું નીમ લીધાની વાત પણ એણે જ કહી. બહારવટીઆની સામે રાજ્યનાં લૂણ હક્ક કરવા હથિયાર બાંધી, પિરસાયલ ભાણેથી ઊભા થઈ ઘોડે ચડેલા અને ધિંગાણે ખપી ગયેલા નાગર આણંદજીભાઈની વાત પણ એણે કહી; અને નીચલો એક જે કિસ્સો સરતચૂકથી અણવપરાયો ટાંચણમાં જ પડ્યો રહ્યો છે તે પણ એણે કહેલો— ‘રાજુલા! હુશિયાર!’ ડુંગર ગામમાં ભાવનગર રાજના આરબ જમાદારનું થાણું. જોગીદાસનો પડાવ મીતીઆળો ડુંગરામાં. એક વાર આરબ જમાદારને બહારવટીઆએ મીતીઆળે મહેમાન રોકી ખૂબ ખાતર બરદાસ કરી. પછી કહ્યું કે નાગેશરી માથે ચડવું છે, અમારા ભાઈ હરસૂર ખુમાણને મારનાર ઓધડ વરુને માથે વેર વાળવા. કે ‘ભલે, હાલો.’ વાત એમ હતી કે હરસૂર ખુમાણ વિશે ચારણે નીચે મુજબ હડૂલો કહ્યો હતો. વરૂ, કોટીલા, ને ધાંખડા, સાંભળજો સઉ, મેથાળે હરસો હુઓ, લૈગ્યો વરૂઓની વઉ. (હે વરૂ કોટીલા ને ધાંખડા નામે ત્રણે શાખાના બાબરીઆઓ! મથાળ ગામનો હરસૂર ખુમાણ તમારી વરૂઓની વરુને લઈ ગયો છે.) કોઈની સવેલી ઉપાડી લાવ્યો હશે. એ મશ્કરીના ડંખથી આ નાગેશરી ગામના ઓઘડ વરુએ હરસૂર ખુમાણને માર્યો હશે. બહારવટીઆઓ આમ આરબ જમાદારની મદદ લઈને વેર વાળવા ચડ્યા. ઝાંપોદર ગામ આવ્યું ત્યાં આડો નાત્સ્ ઓળાંડ્યો. રાવ નામે પંજાબ તરફનો કોઈ મુસલમાન નજૂમી (જોશ જોવા વાળો) સાથે હતો તેણે તુરત ઘોડો થોભાવ્યો. કહે ‘કાં?’ કે ‘જે મોઢા આગળ હાલે ઈ લોહીઆળો થાશે.’ આરબ બોલ્યા–‘ અમે ક્યાં ખીચડું ખાવા આવ્યા છીએ? અમે મોઢા આગળ હાલીએ.’ પહેલી ઘોડી આરબે હાંકી. ધાંતરવડી નદીને કાંઠે જ્યારે સૌ ચડ્યા ત્યારે જોગીદાસ અને ભાણ ખુમાણે નાગેશરીનો કેડો હાલતો તે પડતો મેલીને રાજુલાને માથે ઘોડી ઠરડી કરી. આરબે પૂછ્યું ‘કાં?’ કે ‘રાજુલા માથે પડવું છે.’ ‘અરે ન્હોય એવી વાત.’ આરબ જમાદાર, પોતાના જ ધણી, ભાવનગર દરબારનું ગામ રાજુલા ભાંગવાની વાતથી ચોંકી ઊઠ્યા. ત્યારે ભાણજોગીદાસે પેટમાં રાખેલી વાત પ્રકટ કરી : ‘અમે તમારી ખાતર બરદાસ્ત કરીએ છીએ તે તો રાજુલા માટે.’ આરબે કહ્યું : ‘ભાગ્યની વાત! હવે કાંઈ સરાય નહિ.’ રાજુલે ચાગલ જમાદારનું થાણું. પણ ચાગલો બહાર નીકળી ગયો હતો. મશાલ વખતે જોગીદાસે રાજુલું ઘેર્યું. પણ ગામમાં ગરાય નહિ. ચારે દરવાજા ઉપર માણસ. બંદૂકાની નાળ્યું છૂટે છે. કુબલીઆ પા માં ભેરાઈ દરવાજે ઉમર સામેડો સપાઈ ૩૫ માણસે : ડુંગરના રસ્તા માથે મામદ જમાદારનું થાણું : વડલીને ઝાંપે પણ પાકો બંદોબસ્ત. એટલે આરબ જમાદારે કહ્યું : ‘તો રાજલીઆના ગાળામાંથી ગરીએ.’ પોતે છ જણા ચાલ્યા. એમાં એ ઠેકાણે ચોકીદાર મસૂત સીદી હોકો પીતો બેઠો છે, પગરખાંના ખડખડાટ સાંભળીને મસૂત ઊભો થયો. ‘મસૂત! તું ખસી જા.’ બહારવટીઆએ હાક મારી. મસૂતે જવાબ વાળ્ળ્યો : ‘ખસ્યાં ખસ્યાં! એમ શું ભાવનગરનાં નગારાં ઊંધા વળી ગ્યાં છે!’ ‘ના, ભાવનગરનાં આબાદ, પણ તારાં અવળાં!’ તો પણ મસૂત ન ભાગ્યો, એને બંદૂક લાગી. પડતે પડતે એણે હાકલો કર્યો : ‘રાજુલા! હુશીઆર!’ આરબો ગામમાં પેઠા. બજારે ચાલ્યા. ચોરા માથે ભાયોથી ધાંખડો. આઠ માણસે ઊઠ્યો. પણ આરબોએ બે ચંભા કર્યા, આઠેને ઉપાડી લીધા. ગામમાં ચાહકા થવા લાગ્યા. એજ ટાણે એક લગન હતાં. મામદ જમાદારનો ભાઈ પિયારો જમાદાર માંડવામાં વરરાજા વેશે તૈયાર બેઠો હતો ત્યાંથી દોડ્યો. ચોકમાં આવ્યો ત્યાં આરબોએ દીઠો : ‘અરેરે! આ તો પિયારો આવે છે! માથે મોડ છે. એને પકડી લ્યો.’ ચારે આરબોએ ઢાલો આડી રાખીને દોટ દીધી. પિયારાને બથમાં લઈને ઉપાડ્યો. હાદા સોનીના હાટમાં પૂરી દીધો. ત્યાં પિયારાથી નાનેરો ફકીરમામદ દોડ્યો આવે. એણે ભાઈને ભાળ્યો નહિ. એટલે ઘા કર્યો આરબ જમાદારને માથે. બરાબર હાથની કળાઈને માથે તરવાર પડી. કોણીનું હાડકું ખાઈ ગઈ. આરબે ફકીરાનું માથું ઉડાવી દીધું. ત્યાં સામેથી એક બંદૂકની ગોળી આવી ઠરતી. ચોંટી બરાબર આરબ જમાદારના પાટમાં. પગ ડોળી નાખ્યો. સવારનો પહોર થઈ ગયો. જોગીદાસ ને ભાણ બેઉ રાજુલા માથે પડ્યા. આવીને બેય જણા કહે ‘આરબ જમાદાર, આવી જા અમારા ઘોડા માથે. મીતીઆળા ભેળો કરું.’ કે ‘ના.’ ડોળીએ નાખીને પાવા પોપટને ઘેર પહોંચાડ્યો. પણ રાજે ઘરેઘરની જડતી લીધી. આરબનો ખાટલો ઉપાડીને ભૂંકણધારની ઝાડીમાં લઈ ગયા, ડોળા તળાવને માથે. આરબ કહે, હવે હું દરબારને મોઢું ન દેખાડું [નીમકહરામી કરી ખરાને!] પછી નાંદોદ દરબારને લખ્યું. નાંદોદને ને ભાવનગરને વેર. નાંદોદે કહેવરાવ્યું. ‘જમાદાર, ખુશીથી આવો.’ નાંદોદ જવા ઉપડ્યા. વળાને પાદર આવ્યા. ત્યાં ભાવનગરના ફટાયા હરભમજીના મહેમાન બન્યા. એની પાસેથી જાણ્યું કે ધરમપુરની ચઢાઈ લઈ છોટો કુમાર ભાવનગરના વળાને માથે માર માર કરતો આવતો હતો. વળાની રક્ષા કરવા પછેગામના ત્રણસે દેવાણી આવી બેઠા હતા. આરબ જમાદારે પોતાના સિબંદીઓને કહ્યું, ‘આપણાથી ઝાંપેથી જવાય? ભાવનગરનું તો નીમક ખાધું છે.’ હરભમજી કહે : ‘તમે તો મહેમાન છો.’ ‘મહેમાન તો તમારા ને! ખબર સાંભળેથી ન જવાય. અટાણથી જ મોરચો કરી લઈએ.’ ઘેલો નદીને કાંઠે આરબોએ મોરચો બાંધી લીધો. પ્રાગડે દોરા દીધા. [પ્રભાત પડ્યું] નગારું થયું. સામે કાંઠે શત્રુઓની સેના તોપ માંડીને તૈયાર હતી. આરબોની બંદુકે ગોલન્દાજને ઉડાડી મૂક્યો. ને પછી જમાદારે હાક દીધી : ‘ભેળી દિયો.’ હાથોહાથની લડાઈ ચાલી. દેવાણીઓ ભાગ્યા. પણ આરબો ન ખસ્યા. શત્રુને તગડી મૂક્યો. મહારાજને શિહોર ખબર પડી, કે મારા દેવાણીને ભાગવું પડ્યું ને આ મને છોડી જનારા આરબોએ રંગ રાખ્યો. રાજુલાની વાતને વિસારી દઈ મહારાજે આરબ જમાદારને લઈ આવવા મીરાં દાદાને મોકલ્યા. ભૂલું પડેલું માનવહૃદય મધ્યયુગી માનવ-સિદ્ધાંતો કેવી વિચિત્રતા બતાવે છે! આરબ જમાદર એક રાજ્યનો પગાર ખાય છે, પણ બીજાનો રોટલો ખાધો, ભાઈબંધી કરી, તેનું નૈતિક બંધન એને એ જ રાજ્યના અન્ય ગામની લૂંટમાં બહારવટીઆનો સંગાથ કરવા ખેંચી જાય છે, પછી પાછો એ જ માનવી એક ગામને ઝાંપે સ્વાગત પામે છે, તેટલા જ કારણે ત્યાં તે ગામને ખાતર ખપી જવા તત્પર બને છે, એની ખાનદાની નિહાળીને એ જ રાજા એ આરબની આગલી ખૂટલાઈને ભૂલી જાય છે અને આરબને પાછો તેડાવે છે. મૈત્રી, અદાવત, આશરાધર્મ, ખૂટલાઈ અને ખાનદાની, બધાં અરસ્પરસ અટવાઈ જઈને માનવીની આંખો સામે અંધકારભરી રાત્રિ ઉતારે છે. ભૂલું પડેલું માનવ–હૃદય એ અટવીની અંદર જ્યાંથી શક્ય હોય ત્યાંથી ઝડપે મારગ કરતું આગળ ચાલે છે. સર્વકાલીન અને સનાતન માનવ ધર્મની એને ગતાગમ નથી. એ વિચારવા તોળવાની એને વેળા નથી. 1 *જુઓ સોરઠી બહારવટીઆ ખંડ બીજો : જોગીદાસ ખુમાણ.​ કીર્તિલેખ કોના રચાય છે? ટાંચણ–પાનું ફરે છે અને એક કબર દેખાય છે— દ્વારકા : કબર : કિલ્લા પાસે. કબર છે એક ગોરાની. કબરના પથ્થર પર લેખ કોતર્યો છે— William Henry Mariot. Lieutenent in H. M. 67 regiment and A. D. C. to Elphiostone, Governer of Bombay, 26 years ago died Dec. 1820; first to ascend on the ladder to the Fort. ફૉર્ટ : કોનો કિલ્લો? ગાયકવાડ રાજ્યનો. કોના મુલકમાં? મૂળ માલિકો વાઘેરોના. સીડી પર પ્રથમ ચડી જઈને મરેલો ગોરો. કોની ગોળીએ મુઓ? કિલ્લાની અંદર કબજો કરી બેઠેલા વાઘેરોની ગોળીએ. એક ભાડૂતી ફોજના એક ભાડૂતી ગોરાનો આ કીર્તિલેખ છે. કબરની સામે ઊભો ઊભો મારી પોથીમાં હું આ ‘કીર્તિલેખ’ ટપકાવતો હતો ત્યારે ઈ. સ. ૧૮૫૭ની સાલના એક કાળ–નાટકના પરદા પછી પરદા આંખો સામે ઊઘડતા આવતા હતા. દેશી જવાંમર્દોનો દાળોવાટો કાઢવા માટે ગાયકવાડે સૌરાષ્ટ્રકાંઠે ઉતારેલી આ ભાડૂતી ફોજના એક ભાડૂતી માણસનો કીર્તિલેખ મારાં નેત્રોને લજ્જાથી ભરતો હતો. સાચા કીર્તિલેખો ત્યાં કોતરાયા નથી. એજ ગાયકવાડી કિલ્લાને માથે ૧૮૫૮ના ડીસેમ્બરથી થોડા જ મહિના અગાઉ બળવો પુકારી ઊઠનારા બેહાલ ચીંથરેહાલ ધરતીજાયા વાઘેરોએ નીસરણી માંડી તેનો કીર્તિલેખ ક્યાં છે? જનતાનાં કલેજામાં. ઓખામંડળમાં હું ૧૯૨૮માં ગયો, જઈને મેં લોકજબાન પરથી નીચલા કીર્તિલેખો ઉકેલીને ટપકાવ્યા. ‘કોની માએ શેર સૂંઠ ખાધી છે?’ બળવો મુકરર થયો છે. જસરાજ માણેકના પાળીઆ પાસે સમસ્ત વાઘેર જવાંમર્દો મુકરર સમયે જમા થયા છે. કિલ્લો તોડવો છે. શુકનાવળીએ શુકન જોયાં, બોલ્યો કે ભાઈ, જુવાન પુંજા માણેક પર ઘાત છે. એને ઘરમાં પૂરીને નીકળ્યા. પુરાયેલા પુંજાને બાઈઓએ તાનું દીધું : ‘અસાંજા લૂગડાં પેરી ગીનો!’ (અમારાં લૂગડાં પહેરી લ્યો.) —ને પુંજો કમાડ ભાંગીને નીકળ્યો અને છપન પગથીઆંવાળી સરગદુવારી પર ચડી કિલ્લો તોડવા પહોંચ્યો. ગાયકવાડી દુર્ગરક્ષકોની પહેલી શત્રુ–ગોળીએ પુંજો પડ્યો. એ કીર્તિલેખ ક્યાં કોતરાયો છે? ‘નીસરણી હાથ એક ટૂંકી પડી. ગઢ એક જ હાથ છેટો રહ્યો. હાકલ પડે છે—’ ‘કીનજી મા શેર સૂંઠ ખાધી આય!’ એના જવાબમાં, મોંમાં તલવાર પકડી નીસરણી માથેથી ગઢ માથે ઠેક મારીને પહોંચનાર વાઘેર પતરામલ મીંયાણીનો કીર્તિલેખ ક્યાં છે? પથ્થરના ટુકડામાં નથી. જનતાની જબાન પર છે. રતનશીભાઈ સત્યો, અર્ધસત્યો ને અસત્યોનાં સંમિશ્રણ પર કલ્પનાના રંગો લગાવીને વસ્તુસ્થિતિની બદનામીમાંથી છટકબારી મેળવતી જબાનોની આ વાત નથી. આ તો એક પ્રત્યક્ષ સાહેદે પૂરો પાડેલ પુરાવો છે. દ્વારકાથી આગળ વધી હું બેટ શંખોદ્ધાર ગયો હતો. પોણોસો વર્ષના ભાટીઆ રતનશીભાઈનું ઘર મને લોકોએ ચિંધાડી દીધું. છૂટી પાટલીએ પહેરેલ પોતડી, કસોવાળી સફેદ પાસાબંડી, ખભે ઘડી પાડેલ ખેસ, માથે ગાંધી ટોપી : પાતળી ઊંચી દેહ-કાઠી અને રણકો કરતો કંઠ આજે પણ સાંભરે છે. એકલ પંડ્યે હતા. દીકરો દેશાવરે. રોટલા કરી દેવા માટે, હજુ તો ફક્ત વાગ્દત્તા સ્થિતિમાં હતી તો પણ દીકરાની વહુ સાસર-ઘેરે આવી રહી હતી. રતનશીભાઈએ ઊછળી ઉછળીને, નજરે દીઠેલી વાઘેર-બળવાની પ્રવાહબદ્ધ વાત કહેવા માંડી. નજરે દીઠેલ, કારણ કે પોતે, પોતાના પિતા લધુભા, ને પોતાના દાદા રામજીભા, ત્રણે એ કાળ–નાટકનાં પાત્રો હતા. પાંચ-સાત વર્ષનું એનું બાળપણ વાઘેર-બળવાની વિગતો સંઘરીને સીતેર સંવત્સરોથી એ બુઢ્ઢા દેહમાં લપાયું હતું. એ પાંચ વર્ષના શિશુની આંખો અને સ્મરણ શક્તિ નીચે મુજબ બોલી ઊઠી ને મેં ટપકાવી લીધું— ‘સેન નાંઈ થિન્દો?’ મારા દાદા રામજીભાઈનાં ખોરડાં દ્વારકામાં હતાં. વસઈવાળા વાઘેરોએ અમરાપર વાળા જોધા માણેકની અને બાપુ માણેકની વિરુદ્ધ ગાયકવાડના મરાઠા વહીવટદાર બાપુ સખારામને કાન ભંભેરી ચડાવ્યો, કે અમે પહેલીવાર તો એ જોધા અને બાપુના ચડાવ્યા તમારી સામે ઉઠ્યા હતા. વહીવટદારે અમરાપરવાળાઓની રોજી બંધ કરી દીધી. એના લશ્કરીઆઓએ અમરાપર જઈ તોફાનો માંડ્યા. મોરલા મારે ને બાઈઓને કાંકરીઉં નાખે. બાઈઓએ મર્દોને કહ્યું કે ‘અસાંજા થેપાડાં આંઈ પર્યો, ને આંજી પાઘડી અસાંકે ડ્યો.’ (અમારા ઘાઘરા તમે પહેરો ને તમારી પાઘડીઓ અમને આપો.) જોધો આ બધું સહન કરે, પણ બાપુને ઝનૂન ચડ્યું. એણે જોધાને કહ્યું : ‘તોંથી કીંયે નાંઈ થીણું. અસાંથી સેન નાંઈ થિન્દો. દ્વારકાં તો પાંજી આય, પાંજી રોજી બંધ કરી છડ્યું આય, પાણ પાંજો ગામ ગીની ગીડો. (તારાથી કંઈ નહિ થાય. અમારાથી હવે સહન નહિ થાય. દ્વારકા તો આપણી છે. આપણી રોજી બંધ કરી છે. આપણે આપણાં ગામ પાછા લઈ લેશું.) જોધો કહે – પણ રામજીભાજી સલાહ ઘીનું. (આપણે રામજીભાની સલાહ લઈએ.) આવ્યા મારા દાદા પાસે. રામજીભાએ કહ્યું— ‘વસઈવાલેજા ચડાવ્યા મ ચડો.’ પણ જોધાને મિટ્ટીનો સલેમાન (હોળીનું નાળીએર) બનાવ્યો. આડસરની નીસરણી તૈયાર કરાવી કિલ્લે માંડી. નીસરણી ન પહોંચી. ફાળીઆં નાખી વાઘેરોને દીવાલ પર ઉઠાવી લીધા. પુંજા દેવાડીઆએ ભોં તોડી. એમાંથી નારણ રૂગનાથને કુટુંબ સાથે કાઢી જામપરે પહોંચાડી દીધું. બાપુ સખારામ (ગાયકવાડી વહીવટદાર) બોલ્યા કે ‘વાઘેરાત મંજે કોય આહેત!’ (વાઘેરો આપણી શી વિસાતમાં છે!) બાપુ સખારામ સૈન્ય લઈ ભેરી ફૂંકતો આવ્યો. વાઘેરોએ કહ્યું : ‘વયો રે. નીકર મરી વીંજો. (જતો રહે, નીકર મરી જઈશ.) ભડવીર લધુભા બાપુ સખારામ સૈન્ય લઈ ભાગ્યો. જામપરામાં પેઠો. ત્યાં અનાજ પહોંચે નહિ. ૩૦૦-૪૦૦ જણ ભૂખે મરે. હરિભાઈ કુંવરજીએ મારા દાદાને સંદેશો પહોચાડ્યો કે ‘ભૂખે મરીએ છીએ.’ કિલ્લાની બહાર અમારી વખારો. પણ ત્યાંથી દુશ્મનોને ખોરાક પહોંચાડવાનો છે એવી શંકાથી વાઘેરોએ બન્ને વખારો લૂંટી લીધી. તો પણ વખારોમાંથી દાદાએ જામપર માલ મોકલ્યો. વાઘેરોને ખબર પડી. વખારો તોડી. એ વખતે મારા બાપુ લધુભા આવ્યા ને તેણે વાઘેરોને કહ્યું : ‘ભ માછીમારાવ! આંકે રાજ ખપે! જંજો ખાવતા તીંજો જ ખોદોતા! (હરામી માછીમારો! તમારે રાજ જોઈએ? જેનું ખાવ છો એનું જ ખોદો છો?) એ રીતે મારા બાપ લધુભાએ ખૂબ ગાળો દીધી. ત્યારે વાઘેરો ઝનૂનમાં આવી ગયા ને કહ્યું, ‘લધુભા! તું ખસી જા, નીકર મારી પાડશું.’ પણ મારો બાપ ન માન્યા. ગાળો જ દીધે રાખી. ઉપાડ્યો. પગમાં બેડી પહેરાવી મંદિરના કિલ્લામાં દુશ્મનોનાં મુડદાં રાખેલાં તેની સાથે પૂર્યો. (વાઘેરોએ મંદિર ફરતે ગાયકવાડી કિલ્લો સર કરી પોતાનો વિજય-વાવટો ચડાવી દીધો છે તે કાળની આ હકીકત છે. દક્ષિણીઓ તો ભાગી નીકળ્યા હતા તેજ ખૂબી છે!) આગેવાન જોધો માણેક આ બળવો ચલાવતી વખતે બીજે ન જમતો-ઝેર અપાય તેની બીકે. રામજીભાને ઘેર જ જમે. આવ્યો જમવા. ‘ચાલો રામજીભા! ઝટ કરો.’ ખાવા બેસવા ટાણે લધુભા ન મળે. ‘લધુભા ક્યાં?’ ખબર પડી કે જીભ કુહાડા જેવી તેને કારણે કેદ પુરાણા છે, ખાધા વગર જોધોભા કિલ્લે ગયો, કોટડીનું તાળું તોડ્યું, લધુભાને કાઢ્યો. પગ લેહીવાળા જોયા. પૂછ્યું ‘આ કેમ?’ લધુભા : આ તારે વાઘેરોએ બેડી નાખી છે, તું હવે હાથકડી નાખ. જોધો : લધુભા! તોજી જીભ હેડી આય, કે મુ કે ગુડીજો ટીલો તુજ ડીને. હીન ટાણે વનવનજી લકડી આય. તોજી જીભ મેરબાની કરીને વસ રાખ. (તારી જીભ એવી છે કે તું જ મને ગળીની કાળી ટીલી દઈશ. મહેરબાનીથી તારી જીભને વશ રાખ. કારણકે અત્યારે તો આંહીં વનવનનાં લાકડાં જેવા કૈંક જાણ્યા અજાણ્યા, નરમ ને ખુન્નસભર્યા વાઘેરો ભેગા થયા છે.) લધુભા કહે : ‘મૂંકે તો ઝેર અચેતો. મુંજી વખાર ખાલી કરી વીંની.’ એ પછી જોધા માણેકે અમરાપરથી બે ગાડાં મગાવી જસરાજ માણેકના પાળીઆ આગળ ગુપ્ત ઊભાં રખાવ્યાં અને પછી અમારા કુટુંબ સહિત પાંત્રીસ માણસોને ખરચુ જવાને બહાને નાળીએરના ઉલકા (કાછલી) પકડાવી કિલ્લા બહાર કઢાવ્યા, ગાડાંમાં બેસરાવી અમરાપર પોતાના ઘર ભેગા કર્યા. ત્યાં ચારપાંચ દિવસ ગુપ્ત રખાવ્યા, એને ઘેર ભેંસો હતી તેના દૂધનો રોજ દૂધપાક કરી અમને એની બાઈઓએ જમાડ્યા. એ દૂધપાક મને હજી પણ સાંભરે છે. પછી અમને સૌને જામખંભાળીઆ તરફ લઈ ચાલ્યા. મારા ડાડા રામજીભા તો દ્વારકામાં જ રહ્યા, ને મારા દાદાના ભાઈ જેરામભા, દાદી વગેરે બેટમાં હતા.