પરકીયા/અન્ધકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અન્ધકાર

સુરેશ જોષી

ઘેરા અન્ધકારની નિદ્રામાંથી નદીના ખળખળ શબ્દે
જાગી ઊઠ્યો ફરી;
નજર માંડીને જોયું તો પાણ્ડુર ચન્દ્રે વૈતરણીમાંથી એની
અર્ધીક છાયા સંકેલી લીધી છે જાણે
કીતિર્નાશાની ભણી.

ધાનસિડિ નદીને કિનારે હું સૂતો હતો – પોષની રાતે –
હવે કોઈ દિવસ નહિ જાગું એમ માનીને.
કોઈ દિવસ નહિ જાગું – હવે કોઈ દિવસ નહિ જાગું –

હે નીલ કસ્તુરી આભાવાળા ચન્દ્ર,
તું દિવસનો પ્રકાશ નથી, ઉદ્યમ નથી, સ્વપ્ન નથી,
હૃદયમાં મૃત્યુની જે શાન્તિ અને સ્થિરતા છે,
જે અગાધ નિદ્રા છે
તેનો આસ્વાદ નષ્ટ કરવાની શલ્યતીવ્રતા તારી નથી,
તું પ્રદાહ પ્રવહમાન યન્ત્રણા નથી –

જાણતો નથી શું તું, હે ચન્દ્ર!
નીલ કસ્તુરી આભાવાળા ચન્દ્ર,
જાણતી નથી શું, હે મધરાત!
મેં ઘણા દિવસ –
ઘણા ઘણા દિવસ સુધી
અન્ધકારની સાથે અનન્ત મૃત્યુની જેમ શય્યા સેવી છે.
એકાએક સવારના પ્રકાશના મૂર્ખ ઉચ્છ્વાસે મને પૃથ્વીના
જીવ તરીકે ઓળખતો થયો છું ફરીથી;
ભય પામ્યો છું

પામ્યો છું અસીમ દુનિર્વાર વેદના,
જોયો છે રક્તિમ આકાશમાં જાગી ઊઠતા સૂર્યને
માનવી સૈનિકને વેશે પૃથ્વીના મોઢામોઢ ઊભા રહેવાનો
મને આદેશ દેતો;
મારું સમસ્ત હૃદય ઘૃણાથી – વેદનાથી – આક્રોશથી ભરાઈ ગયું છે.
સૂર્યના તાપથી આક્રાન્ત આ પૃથ્વી જાણે કોટિ કોટિ
સૂવરના આર્તનાદે ઉત્સવ શરૂ કરે છે,
હાય, ઉત્સવ!

હૃદયના અવિરલ અન્ધકારની અંદર સૂર્યને ડુબાડી દઈને
ફરી ઊંઘવા ઇચ્છું હું
અન્ધકારના સ્તનની અંદર યોનિની અંદર અનન્ત મૃત્યુની
જેમ ભળી જવા ચાહું છું.

કોઈ વારે ય મનુષ્ય હતો નહિ હું,
હે નર, નારી,
તમારી પૃથ્વીને મેં ઓળખી નથી કોઈ દિવસ;
હું અન્ય કોઈ નક્ષત્રનો જીવ નથી.
જ્યાં સ્પન્દન, સંઘર્ષ, ગતિ, જ્યાં ઉદ્યમ, ચિન્તન, કાર્ય,
ત્યાં જ સૂર્ય, પૃથ્વી, બૃહસ્પતિ, કાલપુરુષ, અનન્ત આકાશગ્રન્થિ,
શતશત શૂકરનો ચિત્કાર ત્યાં,
શતશત શૂકરીનો પ્રસવવેદનાનો આડમ્બર,
એ બધી ભયાવહ આરતિ!

ગભીર અન્ધકારની નિદ્રાના આસ્વાદે ઊછર્યો છે મારો આત્મા;
મને શા માટે જગાડવા ચાહો?
હે સમયગ્રન્થિ, હે સૂર્ય, માઘની મધરાતના કોકિલ, હે સ્મૃતિ,
હે હિમાળી હવા,
મને જગાડવા ચાહો છો શાને?

અરવ અન્ધકારની નિદ્રામાંથી નદીના ખળખળ શબ્દે હવે હું નહિ
જાગી ઊઠું;
હવે નહિ જોઉં કે નિર્જન વિમિશ્ર ચન્દ્રે વૈતરણીમાંથી
અર્ધી છાયા સંકેલી લીધી છે કે નહિ
કીતિર્નાશાની ભણી,
ધાનસિડિ નદીને કિનારે હું સૂઈ રહીશ – ધીરે – પોષની રાતે
– કોઈ દિવસ જાગવાનો નથી એમ માનીને –
કોઈ દિવસ જાગીશ નહિ હું – હવે કોઈ દિવસ નહિ.