zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૮૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૮૪

પરમપિતા,
આજથી અમારા જીવનમાં એક નવું પ્રસ્થાન થાય છે
તમારા આશીર્વાદ વડે અમારો માર્ગ હરિયાળો કરજો
અમારા સહજીવનના કેન્દ્રમાં તમે રહેજો
અમારા માર્ગનું લક્ષ્ય પણ તમે જ રહેજો.
સુખમાં ને દુઃખમાં, માંદગીમાં ને વાવાઝોડાંમાં
અમે પ્રેમ ને શ્રદ્ધાથી એકમેકની સાથે રહીએ
એકબીજા પ્રત્યે બેદરકારી કે અનાદર ન દાખવીએ
પોતાના વિચાર બીજા પર ન લાદીએ
બીજાના સ્વતંત્ર વ્યક્તિત્વનું માન કરીએ
તેનાં હૃદયનાં એકાંતોની રક્ષા કરીએ.
હવે અમે કેવળ પ્રવાસી નથી
જીવનના બધા સ્તરે, સાથે રહેવાના હેતુને વરેલા
યાત્રી છીએ
અમારો પ્રેમ, તારા વિશાળ પ્રેમમાં પહોંચવા માટેનું
એક નાનું પણ મહત્ત્વનું પગથિયું છે.
અને એટલે, અમે અમારા સંબંધને
સાંસારિક અધિકારોનું માધ્યમ નહિ,
એક માર્ગના યાત્રીઓ વચ્ચેની મૈત્રી ગણીએ,
એકમેકને અવલંબીને પાંગળાં ન બનીએ,
પણ સાથ આપીને સબળ બનીએ.
અતિ પરિચયથી અવજ્ઞા ન કરીએ
પણ સતત સિંચનથી સુંદરતાનો ઉઘાડ કરીએ
અમારામાં ખોવાઈ ન જઈએ,
પણ એકબીજા દ્વારા પોતાને પામીએ.
લોકો કહે છે : લગ્ન એક પવિત્ર બંધન છે,
પણ જે બંધન છે તે પવિત્ર શી રીતે હોઈ શકે?
અમારો પ્રેમ અમને બાંધતી જંજીર નહિ,
અમને ઊંચે ચડાવતી પાંખો બને.
અમારું જીવન સમાધાન ને ગોઠવણીની વ્યવસ્થા ન રહે
પણ એક ધબકતો, નિત્ય નવા ઉઘાડનો,
છલકતા આનંદનો ઉત્સવ બની રહે
અમારાં સુખ-સલામતીમાં તૃપ્ત થઈ અમે પુરાઈ ન રહીએ
પણ સહુને માટે દ્વાર ખોલીએ,
એકમેકને જ નહિ, ઘણાંને ચાહીએ
અમારા માળામાં જે કોઈ આવે તે શીળો છાંયો પામે.
એક ફૂલની જેમ ખીલતો, સુગંધ વેરતો સંબંધ
માનવજીવનનું એક ઉત્તમ સર્જન છે.
અમે એ સર્જનનો તમને અર્ઘ્ય ધરીએ
એકમેક ભણી જોઈ રહેવાને બદલે
તમારા ભણી સાથે મીટ માંડીએ
સુખી થઈએ ને સુખી કરીએ
એકબીજામાં ભળી ગયેલા પ્રવાહ જેવા નહિ, પણ
જોડાજોડ ઊભા રહી,
તમારી આરતી ઉતારતા બે દીવા બની રહીએ.
અને અમારા બેમાંથી એક જણને
તમે જ્યારે તમારા અંકમાં ઊંચકી લો,
ત્યારે બીજું જણ
શોકમાં ઝૂરી મરવાને બદલે
સાર્થક જીવન જીવ્યાના આનંદથી પરિપૂર્ણ રહે,
એકબીજાના સાથથી પાેતે ઊંચે ચડ્યાનું
પ્રતીતિપૂર્વક કહી શકે,
એવી આજના અવસરે અમારી પ્રાર્થના છે.

[લગ્નપ્રસંગે]