પરમ સમીપે/૮૩
આમ તો દરેક નવો દિવસ એ, ભગવાન!
તમે આપેલી તાજી ભેટ છે.
જાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે
પણ ભગવાન, આજે મારો જન્મદિવસ છે
અને એટલે આજનો દિવસ
વિશેષ પ્રાર્થનાઓ, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.
આજના દિવસે, ભગવાન! હું
ધન માન કીર્તિ અને આરોગ્ય નથી માગતો
પણ આ બધું મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.
આજના દિવસે, ભગવાન! હું એમ નથી માગતો કે
મારો રસ્તો સરળ બને, મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને, તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે
અને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે
એ હું માગું છું.
લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે
તરુણાઈ ને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય આપે છે
પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને અભિમાનમાં
મારો માર્ગ તમારાથી દૂર ન નીકળી જાય
એ હું માગું છું.
જીવનને સારી ને સાચી રીતે જીવવા માટેની સમજણ માગું છું.
અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ સંપત્તિ મેળવવાનો
જીવનની સ્પર્ધા ને હરણફાળમાં બીજાથી આગળ ને આગળ
નીકળી જવાનો અવસર છે;
અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે કરીશું
અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી —
એવું હું માનવા ન લાગું, એ હું આજે માગું છું
કારણકે, પ્રાર્થના કરવી
તમારી નિકટ આવવું
એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ તો હૃદયનો સવાલ છે.
જુવાન હોઈએ ત્યારે અમે એમ વર્તીએ છીએ
જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી
પણ સૂર્યને ઢળતો અટકાવી શકાતો નથી
ફૂલને કરમાતું રોકી શકાતું નથી.
એટલે આ ખુમારી, આ થનગનાટ, આભવીંઝતી પાંખો
અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ
સદાકાળ ટકી રહો એવી મારી માગણી નથી.
પણ એ બધું અસ્ત પામે ત્યારે
એથી અદકી સુંદર બાબતો —
પરિપક્વતા, સૌમ્યતા, માયાળુતા, બીજાને સમજવાની શક્તિ
મારામાં ઉદય પામે તેમ ઇચ્છું છું.
આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હૃદય માગું છું, જે આ દુનિયાને
તમારે માટે ચાહી શકે.
આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે
એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
મૂગાં પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-સૃષ્ટિને ચાહું
હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરું.
દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું
દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું
રોજેરોજ, કોઈક સત્કર્મથી મારા હૃદયમાં રહેલા તમને વ્યક્ત કરું
દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું
{{right|— એ હું માગું છું.}]
એક એક જન્મદિવસ આવે છે, એક-એક વર્ષ જીવનમાં ઉમેરાય છે
એ મને યાદ આપે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતી કાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું
દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઊજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું
આજે, મારા જન્મદિવસે, ભગવાન!
એ હું તમારી પાસે માગું છું.
[જન્મદિવસે]