પરિષદ-પ્રમુખનાં ભાષણો૩/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં જવાનું બન્યું અને અધિવેશનમાં પરિષદ-પ્રમુખોનાં વ્યાખ્યાનો સાંભળવાની ઉત્સુકતા રહેતી. અધિવેશનના પ્રારંભે જ પરિષદના વરાયેલા પ્રમુખ પાસેથી મળતું આ વ્યાખ્યાન મને અનેક રીતે મૂલ્યવાન લાગતું હતું. કોઈ સમર્થ સાહિત્યકાર સાહિત્યપદાર્થ વિશેની એમને સમજ આલેખવાની સાથોસાથ વર્તમાન સાહિત્યસંદર્ભને ઉપસાવીને ભવિષ્યનો નકશો માપી દેતા હતા. આવાં વ્યાખ્યાનો એકસાથે વાંચવા મળે તો કેટલા બધા ન્યાલ થઈ જઈએ? પરિષદ-પ્રમુખોનાં ભાષણોના બંને ભાગોના વાચન પછી ૧૯૭૬થી ગ્રંથસ્થ નહિ થયેલાં વ્યાખ્યાનોને એકત્રિત કરીને ગ્રંથ રૂપે પ્રગટ કરવાનું મન થયું. પરિષદના પૂર્વ પ્રમુખ શ્રી રઘુવીરભાઈ ચૌધરીને આ અંગે વાત કરી તો તેઓએ તથા પરિષદની કાર્યવાહક સમિતિએ સંમતિ આપી એ માટે પરિષદના ટ્રસ્ટીમંડળ, પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારોની આભારી છું. આના પ્રકાશનની જવાબદારી કેળવણીવિષયક અનેકવિધ આયોજનો કરતા વિદ્યાવિકાસ ટ્રસ્ટે સંભાળી છે તેના માટે તેના ટ્રસ્ટીઓ પ્રિ. આર. એલ. સંઘવી, ડૉ. કુમારપાળ દેસાઈ, શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, શ્રી રમેશભાઈ શાહ, શ્રી પ્રકાશભાઈ શાહ તથા મુરબ્બી શ્રી અનિલભાઈ બકેરીની આભારી છું. આ કાર્યમાં ડૉ. ધીરુભાઈ ઠાકર, ડૉ. ચંદ્રકાન્ત શેઠ, ડૉ. પ્રફુલ્લ રાવલ, ડૉ. સુધાબહેન પંડ્યા અને ડૉ. પ્રીતિબહેન શાહે તેમજ શ્રી ગિરીશભાઈ જેસલપુરાએ આપેલો સહયોગ ભૂલી શકાય તેમ નથી. આશા રાખું છું કે આ ગ્રંથને ગુજરાતની સાહિત્યપ્રિય પ્રજા અને સાહિત્યરસિકો તરફથી આવકાર મળશે. અમદાવાદ — નલિની દેસાઈ
તા. ૧૮-૧૨-૨૦૧૦