પુનશ્ચ/પંચોતેરમે
આમ ને આમ પંચોતેર તો ગયાં,
હતાં ન હતાં થયાં, છો થયાં;
હજુ બીજાં પચીસ બાકી હોય જો રહ્યાં...
રહ્યાં જ જો હશે,
તો ભલે સો થશે;
ને એય તે જો સુખમાં જવાનાં હશે તો જશે.
એકવાર ગાયું હતું, ‘હું તો બસ ફરવા આવ્યો છું.’
તો અમદાવાદના અનેક જૂના-નવા રસ્તાઓમાં
ને મુંબઈના ફ્લોરા ફાઉન્ટનમાં,
એથેન્સના એગોરામાં
ને રોમના ફોરમમાં
પેરિસના કાર્તિયે લાતાંમાં
ને લંડનના ટ્રફાલ્ગર સ્ફ્વેરમાં,
ન્યૂયોર્કના ફિફ્થ ઍવન્યૂમાં
ને ન જોયાં, ન જાણ્યાં એવાં કોઈક નગરોમાં
હજુ થોડુંક ફરવાનું બાકી છે.
વળી ગાયું હતું, ‘હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?’
તમારું કે મારું તો નહિ, પણ હજુ થોડુંક કવિતાનું કામ –
છંદ ને યતિ વિનાની,
પ્રાસ ને શ્લોક વિનાની
વિરામચિહ્નો પણ વિનાની
વાઘા કે ધાગા વિનાની,
મિશ્ર ને મુક્ત લયની,
બોલચાલના ગદ્યની
સીધી, સાદી, ભલી, ભોળી
એવી કોઈક કવિતાનું કામ – કરવાનું બાકી છે.
તો ગાયું હતું, ‘લાવો તમારો હાથ, મેળવીએ !’
કેટકેટલા મિત્રોને,
નાનાને, મોટાને,
ને સરખે સરખાને,
ડ્રોઇંગરૂમોમાં ને સભાખંડોમાં,
કૉફી હાઉસોમાં ને રેસ્ટોરાંઓમાં,
રસ્તાની ભરચક ભીડમાં
ને હૃદયના નિતાન્ત એકાન્તમાં
આ હાથમાં સૌનો હાથ મેળવીને
હજુ થોડુંક મળવાનું બાકી છે.
પંચોતેર વર્ષોમાં ક્યારેક ક્યારેક જે કેટલાંક સ્વપ્નો વાવ્યાં હતાં,
એમાંથી થોડાંક ફળ્યાં,
વસંતનો વાયુ
ને વર્ષાનું જલ,
પૃથિવીનો રસ
ને સૂર્યનું તેજ
એ તો સર્વદા સદાયના સુલભ;
પણ એ સૌની સાથે જો વિધાતાનું વરદાન
ને કાળપુરુષની કરુણા હશે.
તો હજુ થોડાંક સ્વપ્નોને ફળવાનું બાકી છે.
આજે મિત્રોની વચ્ચે કાવ્ય આ ભણી રહ્યો,
વર્ષોથી મૈત્રીના વાણાતાણા વણી રહ્યો,
આજે હવે પછીનાં જે વર્ષો ગણી રહ્યો;
મિત્રોની શુભેચ્છા એ જ મારી શ્રદ્ધા હશે,
પંચોતેર ગયાં ને પચીસ બીજાં જશે,
તો તો જરૂર હા, જરૂર પૂરાં સો થશે.
૨૦૦૧