પુનશ્ચ/અરધી સદી પછી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અરધી સદી પછી

જ્યારે કાવ્ય વિશે, પ્રેમ વિશે ઝાઝું કંઈ લહ્યું ન’તું
ત્યારે આયુષ્યના ત્રેવીસમા વૈશાખમાં કહ્યું હતું,
‘જન્મ શું એ નથી જાણતો
ને છતાં વર્ષવર્ષે રહ્યો જન્મદિન માણતો,
જન્મ શું એની અનુભૂતિની ના સ્મૃતિ,
મૃત્યુમાં જન્મની, નવજન્મની છે કૃતિ;
તો પછી એક દિન જન્મને ત્યાં પુન: લહી શકું,
કિન્તુ ત્યારેય નહિ કહી શકું.’
વચમાં અરધી સદીનું આયુષ્ય વહી ગયું,
કાવ્ય વિશે, પ્રેમ વિશે વધુ કંઈ કહી ગયું;
કાવ્યમાં, પ્રેમમાં જે કૈં અનુભૂતિ
એમાં મૃત્યુ પૂર્વે મૃત્યુ ને નવજન્મની યુતિ,
એ મૃત્યુ ને એ નવજન્મ એ જ તો છે દ્વિજત્વ,
આજે હવે કહી શકું એ દ્વિજત્વ જ તો છે જન્મનું સારસત્ત્વ.

૧૯૯૮