પૂર્વાલાપ/૫૯. પ્રાર્થના અને પ્રતિધ્વનિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫૯. પ્રાર્થના અને પ્રતિધ્વનિ


“પિતાજી! બચાવો : બચાવો : બચાવો મહાસાગરે!
જીવ મારો બહુ ગભરાય! બચાવો મહાસાગરે!

પારાવારે દુશ્મન મળી મારે, પિતા તારે નહીં બીજો માનવી.
દયાનિધિ! તમે જ સહાય! બચાવો મહાસાગરે !

નથી એકલની, નાથ! હોડી; પૂંજી છે ના થોડી પિતાજીના સ્નેહની :
મારે વાંકે રખે એ ડુબાય! બચાવો મહાસાગરે!”

***

“મહાસાગર દયા મહાસાગર! વ્હાલાંઓ, ડરશો નહીં!
નથી સંસાર પારાવાર! વ્હાલાંઓ, ડરશો નહીં!

દિલમાંના દુશ્મન દૂર થાશે, પાછા પડી જાશે પિતાજીના શબ્દથી :
પ્રભુ જીવનમાત્રાધાર! વ્હાલાંઓ, ડરશો નહીં!

હોડી દાનવ ના શકે તોડી : વિધાતાએ જોડી બધાં નિજ બાલની :
સ્વામી સંકટે ઉદ્ધારનાર! વ્હાલાંઓ, ડરશો નહીં!