પૂર્વાલાપ/૫૮. સખીને આમંત્રણ
Jump to navigation
Jump to search
ચાલો ને, સહિયર! ઉન્નત જીવનજલ ઝીલવાને જઈએ રે!
પુણ્ય સલિલ અવગાહનથી, સખી! અંતર પાવન થઈ રે!
ચાલો ને, સહિયર
પ્રભુના ગિરિથી અવતરે શાંત સદાશિવ નીર :
શમવે મનુકુલતાપને છાયા તરુવર તીર!
શીતલ સૌમ્ય સુધારસ, સુંદરી! રેલી રહ્યો જઈ લઈએ રે!
ચાલો ને, સહિયર
સ્ફટિક વિશદ વરસી રહ્યા સુરસરિતાના ધોધ :
લલિત કરી ક્લાંતાત્મને પ્રેરે પ્રાણ પ્રબોધ!
સાડી સજો, સખી! સ્નેહસુરંગી : વારિ પરસ્પર દઈએ રે!
ચાલો ને, સહિયર! ઉન્નત જીવનજલ ઝીલવાને જઈએ રે!